સંતોષ અને આનંદનાં આંસુ – પુષ્પા અંતાણી

(અખંડ આનંદ’ સામયિકના ઓગષ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ગૌતમ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ દર વર્ષે એના વર્ગમાં પ્રથમ આવતો. એ ભણવાની સાથે સમય મળે ત્યારે માને કામમાં મદદ કરતો, સવારે વહેલો ઊઠી ગામમાં છાપાં આપવા જતો, રજાના દિવસે કે વેકેશનમાં ચાની કીટલી પર કામ કરવા જતો. એ ખૂબ સાદાઈથી, છતાં સુઘડ રીતે રહેતો હતો. એને જોઈને કોઈને ખબર પણ ન પડે કે એ આટલો ગરીબ હશે.

ગૌતમ અને સાકેત વર્ગમાં એક જ બાંકડા પર આજુબાજુમાં બેસતા. સાકેત ભણવામાં સામાન્ય હતો. એને ગૌતમ માટે માન હતું. એને થયું કે હું ગૌતમ જોડે રહીને અભ્યાસ કરું તો ? એક દિવસ એણે ગૌતમને કહ્યું : ‘ગૌતમ, તું જાણે છે કે હું કેટલી મહેનત કરું છું, છતાં જોઈએ તેવું પરિણામ આવતું નથી. મને ખાતરી છે કે જો હું તારી સાથે રહીને ભણું તો મને ચોક્કસ લાભ થાય.’

ગૌતમ સાકેતને મદદ કરવા તૈયાર થયો. બેય જણ દરરોજ શાળામાંથી છૂટીને સાકેતને ઘેર અભ્યાસ કરવા લાગ્યા. ધીરે ધીરે સાકેતનું પરિણામ સુધરવા લાગ્યું. ગૌતમ ક્યારેય સાકેતને ઘેર કશું ખાતોપીતો નહીં. સાકેતની મમ્મી એને આગ્રહ કરતી ત્યારે એ કહેતો : ‘હું ઘરની બહારનું ખાતો નથી.’

એક દિવસ ગૌતમની બહેન બીમાર પડી. મા પાસે ડૉક્ટરની ફીના પૈસા ન હતા. એમને હંમેશાં મદદ કરતાં એ રેવાબહેન બે દિવસ માટે બહારગામ ગયાં હતાં. તેથી એણે ગૌતમને પૂછ્યું : ‘તું સાકેતને ઘેરથી બે દિવસ માટે પૈસા ઉધાર લાવી શકે ?’

ગૌતમ માની ચિંતા સમજતો હતો. એણે કહ્યું : ‘મા, તું ચિંતા ન કર, હું પૈસા લઈ આવીશ.’

પરંતુ ગૌતમ જાણતો હતો કે એ સાકેત પાસેથી પૈસા માગી શકશે નહીં. એ સાકેતને ઘેર ગયો, પણ એનું ધ્યાન અભ્યાસમાં ચોંટતું નહોતું.

સાકેતે પૂછ્યું : ‘તું કશી ચિંતામાં છે ?’

ગૌતમ કહ્યું : ‘ના, ના… એવું કંઈ નથી…’

ત્યાં જ ગૌતમની નજર બાજુમાં આવેલા ગોખલામાં ગઈ. ત્યાં ડબી નીચે સો રૂપિયાની નોટ પડી હતી. ગૌતમના મનમાં ઊથલપાથલ મચી ગઈ. એ શું કરવું તે નક્કી કરી શક્યો નહીં. એણે એકદમ સાકેતને કહ્યું : ‘એક ગ્લાસ પાણી આપશે ?’ સાકેત પાણી લેવા ગયો તે સાથે જ ગૌતમે ઊભા થઈ સો રૂપિયાની નોટ ઉપાડીને જલદી-જલદી ચડ્ડીના ગજવામાં મૂકી દીધી. સાકેત પાણી લાવ્યો. ગૌતમ પાણી ઝડપથી ગટગટાવી ગયો, પછી અચાનક બોલ્યો : ‘આજે તબિયતમાં મજા નથી, હું ઘેર જાઉં છું.’

ઘેર પહોંચીને માને સો રૂપિયા આપતાં એ બોલ્યો : ‘મા, હું સાકેત પાસેથી બે દિવસ માટે ઉધાર લાવ્યો છું. ચાલ, હવે બહેનને ડૉક્ટર પાસે લઈ જઈએ.’ આમ બહેનની સારવાર તો થઈ ગઈ, પરંતુ ગૌતમને કોઈ વાતે ચેન પડતું નહોતું. પોતે ખોટું કામ કર્યું છે એવો ચચરાટ એને થયા કરતો હતો.

ગૌતમ ગયો પછી સાકેતને પણ ચેન પડતું નહોતું. એ સમજી ગયો કે ગૌતમ કશીક મૂંઝવણમાં હતો. સાંજે સાકેતનાં મમ્મ-પપ્પા બહરથી આવ્યાં. રાતે સૂવા જતાં પહેલાં સાકેતની મમ્મીને એકાએક યાદ આવ્યું. એણે સાકેતને પૂછ્યું, ‘બેટા, ધોબી આવ્યો હતો ?’ સાકેતે જવાબ આપ્યો : ‘ના, નથી આવ્યો.’

એનો જવાબ સાંભળીને મમ્મી રૂપિયા લેવા બહાર આવી, પરંતુ પૈસા એની જગ્યાએ નહોતા. એણે બૂમ પાડીને પૂછ્યું : ‘સાકેત, સો રૂપિયાની નોટ ક્યાં ? તેં રાખી છે ?’ સાકેતે પૂછ્યું : ‘કઈ નોટ, મમ્મી ?’ મમ્મી બોલી : ‘કેમ, ધોબીને આપવાની હતી તે ? હું અહીં ડબી નીચે રાખી ગઈ હતી. તને કહ્યું પણ હતું. પૈસા તો અહીં નથી !’ સાકેતે કહ્યું : ‘ત્યાં જ હશે, જો બરાબર.’

પરંતુ સોની નોટ ક્યાંય દેખાઈ નહીં. મમ્મી સાકેતને જાતજાતના સવાલ પૂછવા લાગી : ‘ઘરમાંથી પૈસા જાય ક્યાં ? કોઈ આવ્યું હતું ઘરમાં ?’ સાકેત બોલ્યો, ‘ના, ઘરમાં બીજું કોઈ નથી આવ્યું.’ મમ્મીને એકદમ યાદ આવતાં એણે પૂછ્યું : ‘ગૌતમ તો આવ્યો હશેને લેસન કરવા ?’

એ સાથે જ સાકેતના મગજમાં આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. ગૌતમની મૂંઝવણ, એનું પાણી માગવું, ઉતાવળથી પાણી પી ચાલ્યા જવું અને પછી તરત ચાલ્યા જવું… એને ખાતરી થઈ ગઈ કે પૈસા ગૌતમ જ લઈ ગયો છે, પણ ચોક્કસ કોઈ ગંભીર બાબત હોવી જોઈએ, નહીંતર એ એવું કરે જ નહીં. એથી એણે કહ્યું, ‘ના, મમ્મી, આજે ગૌતમ આવ્યો જ નથી.’ ફરીથી મમ્મીનો ધારદાર પ્રશ્ન આવ્યો : ‘તો સોની નોટ જાય ક્યાં ?’

મમ્મી સાકેતને આડી આંખે જોતી હતી. સાકેત સમજી ગયો કે મમ્મીને એના પર વહેમ આવ્યો છે. રાત્રે એ ઊંઘી ગયો છે એવું ધારીને મમ્મી ચિંતાભર્યા સ્વરમાં પપ્પાને કહેવા લાગી, ‘તમે ગુસ્સે ન થતા, પણ મને થાય છે કે આ પૈસા સાકેતે તો નહીં લીધા હોય ને ? એનાથી કોઈક ખોટું કામ અથઈ ગયું હોય અને..’

‘અત્યારે રાતે ખોટા વિચારો કરવાનું છોડી દે, તું સૂઈ જા અને મને પણ સૂવા દે.’ પપ્પાએ કહ્યું.

બીજા દિવસે ગૌતમ શાળામાં આવ્યો નહીં. સાકેતને ચિંતા થવા લાગી. એ ગૌતમની તપાસ કરવા જવા માગતો હતો, પછી વિચાર્યું કે એ બરાબર નહીં થાય, બે-ચાર દિવસ જવા દે, પછી વાત. ગૌતમ સાકેતને ઘરે પણ આવ્યો નહીં. સાકેતે જોયું કે મમ્મીએ એનાં પુસ્તકો રાખવાનો ગોખલો ફેંદ્યો હતો.

સાંજે સાકેત બહાર ગયો હતો ત્યારે એની મમ્મીએ પપ્પાને કહ્યું : ‘મને તો હવે સાકેત પર જ વહેમ જય છે. ઘરમાં બીજું કોઈ તો આવ્યું નથી. મને પૈસા જાય તેનો અફસોસ નથી, પણ આપણો દીકરો કોઈ ખરાબ સોબતમાં…’ એટલું બોલતાં એ રડી પડી.

પપ્પાએ કહ્યું : ‘તું થોડી ધીરજ રાખ. આપણને આપણા દીકરા પર વિશ્વાસ હોવો જોઈએ. ધાર કે એનાથી કશું ખોટું થઈ ગયું હશે તો પણ એ આજ ને આજ કબૂલ કરશે નહીં. બે-ચાર દિવસ પછી આરામથી એની સાથે વાત કરીશું.’

ગૌતમ બે દિવસથી ઘરમાં જ ભરાઈ રહ્યો હતો. એની મા જાણતી હતી કે એનો દીકરો ખૂબ સ્વમાની છે. એ જ્યાં સુધી પૈસા પાછા નહીં આપે ત્યાં સુધી સાકેતને મોઢું બતાવશે નહીં. એથી રેવાબહેન બહારગામથી પાછાં આવ્યાં તે સાથે એ એમની પાસેથી પૈસા લઈ આવી અને ગૌતમને કહ્યું : ‘લે, બેટા, આ સો રૂપિયા. સાકેતને આપી દે અને એનો આભાર માનજે.’

આ બાજુ સાકેતના પપ્પા ઘેર આવ્યા. એમણે પૈસા વિશે સાકેત સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. એમણે પત્ની અને સાકેતને અંદરના રૂમમાં બોલાવ્યાં. પપ્પાએ કહ્યું : ‘બેટા, અમારે તારી સાથે થોડી વાત કરવી છે.’ ત્યાં જ ડૉરબેલ વાગ્યો. મમ્મીએ દરવાજો ખોલ્યો. સામે ગૌતમ ઊભો હતો. મમ્મીએ બૂમ પાડી : ‘સાકેત, ગૌતમ આવ્યો છે.’

સાકેત દોડતો બહાર આવ્યો.

ગૌતમે કહ્યું : ‘આન્ટી, મારે સાકેતનું તો કામ છે જ, તમારું પણ કામ છે.’

મમ્મીએ ગૌતમને પૂછ્યું, ‘મારું કામ છે ? અંદર તો આવ.’

એ લોકો અંદરના રૂમમાં ગયાં. ગૌતમ સાકેતનાં માતાપિતાને પગે લાગ્યો, પછી બોલ્યો, ‘મેં એક અપરાધ કર્યો છે. હું તમારા ત્રણેયની માફી માગવા આવ્યો છું. મારી વાત સાંભળ્યા પછી તમે જે સજા કરશો એ ભોગવવા હું તૈયાર છું.’

મમ્મી-પપ્પાએ આશ્ચર્યથી એકબીજા સામે જોયું. ગૌતમ બોલ્યો, ‘બે દિવસ પહેલાં હું અહીં આવ્યો ત્યારે તમારે ત્યાંથી સો રૂપિયાની નોટ લઈ ગયો છું.’ પછી એણે રડતાં રડતાં બધી વાત કરી. ‘મારી મજબૂરી હતી તેથી મારે એવું કરવું પડ્યું. એ પૈસા હું આજે પાછા આપવા આવ્યો છું… પણ મેં ચોરી કરી કહેવાય… હવે તમારે મને જે સજા કરવી હોય તે કરો.’

મમ્મીએ સાકેતને પૂછ્યું : ‘પણ તેં તો કહ્યું હતું ને કે ગૌતમ આવ્યો જ નથી ?’

ગૌતમ સમજી ગયો. ‘આન્ટી, સાકેત મને બચાવવા માટે જૂઠું બોલ્યો છે.’ એને વચ્ચેથી અટકાવીને સાકેતે કહ્યું : ‘તને બચાવવા માટે નહીં, હું તારી ખાનદાની જાણું છું, એ કારણે હું ખોટું બોલ્યો હતો. હું ત્યારે જ સમજી ગયો હતો કે તારે આવું કરવું પડ્યું એ પાછળ કોઈ મોટી મજબૂરી હશે. હું મારા સમજુ દોસ્તની છાપ મારાં માતાપિતા પાસે બગાડવા માગતો નહોતો. મમ્મી-પપ્પા, હું જૂઠું બોલ્યો એ માટે માફી માગું છું.’

સાકેતના પપ્પાએ ગૌતમના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા, ‘ગૌતમ, તું ખરા સમયે આવ્યો અને અમને મોટો અપરાધ કરતાં બચાવી લીધાં.’

સાકેતની મમ્મી બોલી, ‘અમને નહીં, મને અપરાધ કરતી બચાવી એમ કહો. સાકેત, ઘરમાં પૈસા મળ્યા નહીં એથી મને તારા પર શંકા ગઈ હતી. અમે તને એ વિશે પૂછવા માટે જ બોલાવ્યો હતો. સારું થયું કે ગૌતમ સમયસર આવી ગયો અને અમને સાચી વાતની ખબર પડી ગઈ.’

સાકેતે કહ્યું, ‘ના, મમ્મી, તેં કશું જ ખોટું કર્યું નથી. કોઈ પણ મા એના સંતાનમાં દુર્ગુણ ન આવે એવું જ ઈચ્છતી હોય. તારી ચિંતા જરાય ખોટી નહોતી.’

ગૌતમ બે હાથે જોડીને બોલ્યો, ‘જે હોય તે, પરંતુ મેં ચોરી કરી છે, મને સજા તો થવી જ જોઈએ.’

સાકેતે પણ કહ્યું, ‘હું જૂઠું બોલ્યો એની મને પણ સજા થવી જોઈએ.’

એ સાંભળીને એનાં મમ્મી-પપ્પા એકીસાથે બોલી ઊઠ્યાં, ‘અમારા આવા સંસ્કારી દીકરા પર અમે શંકા કરી એ વાતની અમને પણ સજા થવી જોઈએ.’

એ સાથે બધાં હળવાં થઈ ગયાં. પપ્પાએ કહ્યું, ‘સાકેત, મને અને તારી મમ્મીને તારા માટે તો ગર્વ થાય જ છે. સાથે તારો દોસ્ત પણ આટલો ઉમદા છે એનો અમને વિશેષ આનંદ છે. માતાપિતા માટે સંતાન તરફથી આનાથી ઉત્તમ ભેટ બીજી કઈ હોઈ શકે ?’

બધાંની આંખોમાં આંસુ હતાં, પરંતુ એ આંસુ અપરાધનાં નહીં, સંતોષ અને આનંદનાં હતાં.

– પુષ્પા અંતાણી

સંપર્ક : 56, AmbienceFort, Attapur, Hyderabad-500 048 (M) 0730909993

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “સંતોષ અને આનંદનાં આંસુ – પુષ્પા અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.