દ્રૌણાચાર્યની દસ ભૂલો – પ્રતાપભાઈ ત્રિવેદી

Pagle pagle amiras(‘પગલે પગલે અમીરસ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

અઢી-ત્રણ હજાર વર્ષ પછી પણ મહાભારત જગતસાહિત્યનો સર્વોત્તમ ગ્રંથ રહ્યો છે. મહાભારતનો આધાર લઈને આજેય ભારતીય સાહિત્યસ્વામીઓ સર્જનો કરી રહ્યા છે.

બચપણમાં બા દ્વારા મહાભારતની રોચક કથાઓ સાંભળી હતી. કિશોરાવસ્થામાં નાનાભાઈ પાસે મહાભારત સાંભળ્યું હતું. પછી તો રાજાજી, મુનશી, કરસનદાસ માણેક, હરીન્દ્ર દવે, પન્નાલાલ પટેલ, નવનીત સેવક, મનુભાઈ વગેરેને વાંચ્યા. શ્રીકૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, શકુનિ, કર્ણ, કુંતી, ગાંધારી, દ્રૌપદી તેમનાં ચિરંજીવ પાત્રો. આ કથાએ વિધર્મીઓને પણ આકર્ષ્યા છે. મહાભારતની બી.આર.ચોપરાની પ્રખ્યાત ટીવી સિરિયલના સંવાદલેખક રાહી માસૂમ રઝા હતા.

જગતમાં થયેલાં યુદ્ધોમાં કુરુક્ષેત્રનું યુદ્ધ કદાચ સૌથી વધુ ખ્યાતિ ધરાવે છે. યુદ્ધ અને ધર્મને કોઈ નિસબત ખરી ? મહાભારતના રચયિતા છે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન – વેદવ્યાસ, માનવમનનું સર્વોત્તમ ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચેનું યુદ્ધ. પરંતુ વિજય થાય છે ધર્મનો – યતઃ ધર્મઃ તતઃ જયઃ જ્યાં ધર્મ છે ત્યાં જય છે.

પૂ. નાનાભાઈ મહાભારતના સમર્થ અભ્યાસુ હતા. ‘મહાભારતનાં પાત્રો’ તેમનો પ્રચલિત ગ્રંથ. તેમના જીવનનું સમગ્ર કાર્ય જાણે દ્રોણનું પ્રાયશ્ચિત હતું. જુગતરામકાકા, મનુભાઈ, વિનોબા, સ્વામી સચ્ચિદાનંદજી વગેરે આ જ પરંપરાના. કુરુક્ષેત્રના યુદ્ધનાં અનેક કારણોમાં દ્રોણની ભૂલો વિશેષ નિમિત્ત છે. નાનાભાઈ તેમની ભૂલો અનોખી રીતે વર્ણવતા.

દ્રોણ ઋષિકુળના અગ્રજ ભારદ્વાજ મુનિનું સંતાન. ભણવું-ભણાવવું તેમના જીવનનું કર્તવ્ય. અયાચક વ્રતધારી ઋષિકુળનું ફરજંદ. ગરીબીને આભૂષણ ગણે. તે પારિવારિક સંસ્કાર. તેઓ મહાન ઋષિ અગ્નિવેશના આશ્રમમાં રહી ભણ્યા. ભગવાન પરશુરામ પાસે શસ્ત્રવિદ્યામાં પારંગત થયા. તેમણે જીવનના પ્રારંભથી જ ભૂલોની પરંપરા સર્જી હતી.

(૧) તેઓ પરણ્યા હસ્તિનાપુરના રાજપુરોહિત કૃપાચાર્યની બહેન કૃપી સાથે. જેમને ઘેર સુખસાહ્યબી હતી. વસ્ત્રાભૂષણોનો ઠાઠ હતો. તેમને ગરીબી થોડી જ આભૂષણ લાગે ? પરણ્યા પછી રહેતાં હતાં કાંપિલ્યનગરીમાં. સુખી પરિવારોની વચ્ચે. દ્રોણને ત્યાં તો ગરીબી. બાળક અશ્વત્થામા કાયમ લઘુતા અનુભવે. દૂધ માટે વલવલતા અશ્વત્થામાને પાણીમાં લોટ ભેળવીને પાઈ સંતોષ માનવો પડે. કૃપીને પારાવાર સંતાપ પીડે. પતિ ઉપર રીસ ઠાલવે. દ્રોણાચાર્ય દુઃખી ન થાય તો જ નવાઈ !

(૨) દ્રુપદ પાંચાલદેશનો રાજવી. અગ્નિવેશ ઋષિના આશ્રમે દ્રોણ સાથે ભણતા. બંનેની મિત્રાચારી બેહદ સારી. દ્રોણ કૃપી પાસે આ મિત્રનાં વારંવાર વખાણ કરે. કૃપીની દુષ્પ્રેરણાથી અયાચક દ્રોણ દ્રુપદ પાસે ગાયની માગણી કરવા ગયા. દ્રુપદે અપમાનિત કર્યા. જીવનની બીજી ભૂલ.

(૩) દ્રોણ-દ્રુપદ ભલે સહાધ્યાયી હતા. ભણતા ત્યારે કૃષ્ણ-સુદામાની જેમ રહેતા હતા. આશ્રમમાં તો રાય-રંકના ભેદ જ ન હોય, પણ દ્રોણ જ્યારે પાંચાળ ગયા ત્યારે ભૂલી ગયા કે બાળગોઠિયો દ્રુપદ હવે રાજવી બની ગયો છે. દ્રોણને સમાન આસન ન મળ્યું તેથી તેમનો અહં ઘવાયો. ચડભડ થઈ. છંછેડાયા. મૈત્રી વૈરાગ્નિમાં પરિણમી. ભડભડતા ક્રોધે સંકલ્પ કર્યો કે દ્રુપદને હરાવીને જ જંપીશ. બ્રાહ્મણત્વ વીસરાયું. અધઃપતનનો આરંભ થયો. પગ પછાડતા ત્યાંથી નીકળી ગયા.

(૪) દ્રોણના દિલ અને દિમાગમાં વૈરાગ્નિ લબકારા મારે છે. ઋષિકર્મને તિલાંજલિ આપી વેર શમાવવાની મનોકામના સાથે હસ્તિનાપુરની વાટ પકડી. હસ્તિનાપુરના ગોંદરે રાજકુમારો ગેડીદડે રમતા હતા. રમતમાં દડો કૂવામાં પડી ગયો. બધા મૂંઝાતા હતા. રમત થંભી ગઈ હતી. દ્રોણ ગુરુએ ધનુર્વિદ્યાનું કૌશલ બતાવી દડો બહાર કાઢી દીધો. કુંવરો સૌ આશ્ચર્યમુગ્ધ થઈ દોડતા ભીષ્મ પિતામહ પાસે ગયા. અને દ્રોણગુરુ પાસે ભણવાની વ્યવસ્થા કરી આપવા કહ્યું. દ્રોણગુરુને રાજકુમારોના શસ્ત્ર અને શાસ્ત્રના શિક્ષણ આપવા માટે પસંદ કરવામાં આવ્યા. દ્રોણગુરુ આચારનું વધુ એક પગથિયું નીચે ઊતર્યા. પૃથ્વીલોકના આચાર્ય મટી માત્ર એક રાજકુળના ગુરુ બન્યા.

(૫) એકલવ્ય આદિવાસી રાજવીનો પુત્ર. ધનુર્વિદ્યા મેળવવાની તીવ્ર ઘેલછા. ગુરુ દ્રોણ પાસે ગયો. ઋષિઆશ્રમનાં દ્વાર તો સૌ માટે ખુલ્લાં જ હોય. પણ અહીં તો બ્રાહ્મણત્વ વેચાઈ ગયું હતું. એકલવ્યના શિષ્યત્વનો ઇન્કાર કરવામાં આવ્યો. એણે દ્રોણગુરુની માટીની મૂર્તિ બનાવી. પોતાની રીતે ધનુર્વિદ્યામાં પારંગતતા મેળવી. અર્જુનથી ચડિયાતો બાણાવળી સાબિત થયો. ગુરુદેવનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો. ગુરુદક્ષિણામાં એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગી લીધો.

(૬) દ્રોણાચાર્ય કૌરવ-પાંડવોને ધનુર્વિદ્યા અને યુદ્ધકૌશલ્યો શીખવવા અથાક પ્રયત્નો કર્યા. તેના મૂળમાં હતું તેમનામાં પ્રગટેલું વેર. કુમારોની પરીક્ષામાં અર્જુન સર્વોત્તમ સાબિત થયો. અર્જુનની ગુરુદક્ષિણાની વિનંતીની રાહ જ જોતા હતા. વૈરતૃપ્તિ માટેની ઉત્તમ વેળા હતી. અર્જુનને કહ્યું : જા, પાંચાલ નરેશને હરાવી, બંદી બનાવી, મારી સમક્ષ હાજર કર. અર્જુન માટે તો એ સહજ હતું. પાંચાલ નરેશ દ્રુપદને હરાવી, બંદી બનાવી, દ્રોણગુરુ સામે રજૂ કર્યો. પણ વેરથી વેર શમે ? કુરુક્ષેત્રના યુદ્ધ માટે આ ઘટના જ નિમિત્ત બની.

(૭) દ્રુપદ બંધાઈને આવ્યો. ક્ષત્રિયવટ તેનામાં હોય તો જ તે દ્રોણને આમ સંભળાવી શકે ને ? “દ્રોણ ! હું હાર્યો નથી, તમારું બ્રહ્મતેજ હાર્યું છે ! તમે કાંપિલ્યનગરી છોડી હસ્તિનાપુરની ગુલામી સ્વીકારી, વિદ્યા વેચી, ત્યારે જ મારો વિજય થઈ ચૂક્યો છે. ભલે તમે રાજ્યગુરુ થયા કૃપીને અને અશ્વત્થામાને સાહ્યબી નળી, દૂધનાં ગોરસાં મળ્યાં, પણ તમારું આખું બ્રહ્મજીવન ખર્ચાઈ ગયું તેનું શું ? શુદ્ધ બ્રાહ્મણ પાસે સંસારનું સામ્રાજ્ય પણ ન ટકી શકે તે તમે ન સમજી શક્યા. જુઓ તો ખરા, તમારું પતન ક્યાં આવીને ઊભું રહ્યું ?”

(૮) દુર્યોધન અધર્મી હતો. અહંકારી અને અન્યાયી હતો. ખલનાયક ને ચાંડાલ ચોકડીનો અધમ અગ્રણી હતો. પાંડવોને કષ્ટ આપવા જ જાણે તે જન્મ્યો હતો. પાંડવોના નાશ માટે લાક્ષાગૃહનો વ્યૂહ, ભીમને ઝેર. હસ્તિનાપુરના રાજવી પાંડુ હતા. ગાદીનો વારસ તેનો જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠર બને. પરંતુ પાંડવોને બંજર જંગલ સોંપ્યું. જ્યાં તેમણે ઇન્દ્રપ્રસ્થ નગરી રચી. દુર્યોધનો દ્વેષાગ્નિ ભભૂકી ઊઠ્યો. અગ્નિમાં ઘી રેડાયું. પાંડવોને જુગટાં માટે આમંત્ર્યા. કૂટનીતિજ્ઞ શકુનિમામાની કપટલીલા જીતી ગઈ. ન ભૂતો ન ભવિષ્યતિ એવી દુનિયાની પ્રથમ અધમલીલા દ્રૌપદી વસ્ત્રાહરણની ઘટના બની. વિકર્ણ ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો. પરંતુ તે હચમચી ગયો અને વિરોધ કરી સભાત્યાગ કર્યો. દ્રોણાચાર્ય સભામાં હાજર હતા. છતાં મૌન રહ્યા. અધમકૃત્યના સાક્ષી બન્યા. ભૂલો પર જાણે કલગી ચડાવી !

(૯) પાંડવો ધર્માત્મા હતા. યુદ્ધ પહેલાં કૃષ્ણે વિષ્ટિમાં કહ્યું, “દુર્યોધન, માત્ર પાંચ ગામ આપ.” પણ અહંકારી દુર્યોધને કહ્યું – “યુદ્ધ વિના સોયની અણી જેટલી જમીન પણ નહિ આપું.” દ્રોણાચાર્ય આવા અધર્મીને પક્ષે બેઠા. જો તેઓ ધર્મને પક્ષે હોત તો યુદ્ધ સંકેલાઈ ગયું હોત. યુદ્ધમાં આ ડોસાને ખાળવા શ્રીકૃષ્ણે કપટલીલા કરવી પડી ! કેમ આવડો મોટો અંધાપો…

(૧૦) ભીષ્મના પતન પછી સેનાપતિ દ્રોણાચાર્ય બન્યા. તેમના ચક્રવ્યૂહને મત્ર અર્જુન અને શ્રીકૃષ્ણ જ ખાળી શકે. અર્જુન અને શ્રીકૃષ્ણને ત્રિગર્તો ખાળવા જવાની ફરજ પાડી. અર્જુનનો પુત્ર અભિમન્યુ હજી કિશોરાવસ્થામાં હતો. પણ હતો સિંહબાળ. ચક્રવ્યૂહમાં ઝંપલાવ્યું. દ્રોણે અભિમન્યુને વ્યૂહમાં ફસાવ્યો છે. છ મહારથીઓએ ભેગા મળી તેનો ઘડોલાડવો કરી નાખ્યો. યુદ્ધના તમામ નિયમોનો અહીં ભંગ થયો હતો. દ્રોણ માટે એ બધું સહજ હતું.

દ્રુપદ- દ્રોણનું વૈમનસ્ય સૌને કુરુક્ષેત્ર સુધી લઈ ગયું. દ્રુપદે પુત્રેષ્ઠિ યજ્ઞ કરી દ્રોણને હણે તેવો પુત્ર મેળવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન દ્રોણનો હત્યારો બન્યો. આ હત્યા પછી શું વેરનું શમન થયું ? ના, ના, ના, પિતા પુત્ર અશ્વત્થામાને વેર વારસામાં આપી ગયા. અઢાર અક્ષૌહિણી સેનામાંથી પાંડવપક્ષે પાંચ પાંડવો, સાત્યકિ અને શ્રીકૃષ્ણ એમ સાત અને કૌરવપક્ષે અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય એમ ત્રણ બચ્યા હતા. યુદ્ધવિરામ પછી પાંડવો દિવસોનો થાક ઉતારવા રાત્રે તંબુમાં નિરાંતવા સૂતા હતા ત્યારે યુદ્ધના તમામ નિયમોને કોરાણે મૂકીને દ્રૌપદીના પાંચેય પુત્રોનો અંધારામાં શિરચ્છેદ કરે છે. આનાથી મોટું અધમકૃત્ય બીજું કયું હોઈ શકે ? વળી અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવે છે. ભગવાન વેદવ્યાસે અશ્વત્થામાને ચિરંજીવ બનાવ્યો છે. ઈર્ષા-દ્વેષ ચિરંજીવ છે. તે ક્યારેય મરતાં નથી તે બતાવવા.

દ્રોણ અઢાર અક્ષૌહિણી સૈન્યમાં શ્રીકૃષ્ણ પછીના બીજા નંબરના જ્ઞાનીપુરુષ હતા. સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી. પિતામહ પડ્યા પછી કૌરવપક્ષના આધારસ્થંભ. માત્ર વૈરતૃપ્તિ માટે તમામ સારાસારનો વિવેક ગુમાવી દીધો હતો. દ્રોણની કથા દ્વારા વ્યાસજીએ આપણા સૌનું ગજબનું શિક્ષણ કર્યું છે.

એક ઉક્તિ છે કે માણસ ઇતિહાસ પાસેથી કશું શીખતો નથી એટલે જ ભૂલો દોહરાવતો જાય છે. પણ શિક્ષક તો ઇતિહાસ ભણનાર અને ભણાવનાર છે. એટલે જ સમાજને કેટલાક એવા ઉત્તમ શિક્ષકો મળ્યા છે જેમણે દ્રોણની ભૂલો સુધારી છે. એમ કરીને એમણે દ્રોણાચાર્યનું પ્રાયશ્ચિત કર્યું છે.

નાનાભાઈ સૌરાષ્ટ્ર રાજ્યના કેળવણી પ્રધાન હતા. પણ વિદ્યાર્થીઓને ભણાવવાના આશયથી પ્રધાનપદું છોડ્યું હતું અને આંબલા જેવા ગામડામાં આવીને બેઠા હતા. મનુભાઈ પંચોળી ગુજરાત રાજ્યના પ્રધાનપદે હતા ત્યારે જ્યારે-જ્યારે લોકભારતી આવે ત્યારે વિદ્યાર્થીઓને ભણાવવા બેસી જતા હતા. વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ અને તે પછી પણ શિક્ષક મટ્યા નહીં. આવી શિક્ષણવિભૂતિઓથી સમાજ ઊજળો છે.

સાંઈ ઇતના દિજીએ, જામેં કુટુંબ સમાય,
મૈં ભી ભૂખા ન રહું, અરુ સાધુ ન ભૂખા જાય.

– પ્રતાપભાઈ ત્રિવેદી

[કુલ પાન ૧૧૬. કિંમત રૂ.૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “દ્રૌણાચાર્યની દસ ભૂલો – પ્રતાપભાઈ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.