ટીંડોરાં – બટેટાંનું શાક સમારતાં – પ્રદ્યુમ્ન આચાર્ય

Hasy-kalrav (‘હાસ્ય-કલરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

દરેક ઘરમાં સવાર-સાંજ એક પ્રશ્ન ઊઠે છે : રસોઈ શી બનાવવી ? અને ઘરમાં જેટલાં સભ્યો છે તેટલાં સૂચન, તેટલા અભિપ્રાયો. અને છેલ્લે રસોઈ તે જ બને છે જે શ્રીમતીજીએ ધારેલી છે. એક વખત મેં પૂછ્યું, “શી રસોઈ બનાવવાની તે પૂછવાનું નાટક શા માટે કરે છે ?” તેણી કહે “દરેકને એવું લાગે ને કે ઘર લોકશાહી ઢબે ચાલે છે.” દરેક સરમુખત્યારની આ જ દલીલ હોય છે.

આજે સવારમાં જ પૂછ્યું “શી રસોઈ બનાવવાની છે?” બબલો કહે, “મમ્મી, બટેટાંનું શાક,” બબલી બોલી, “મમ્મી, કઢી ઘણા સમયથી ખાધી નથી.” મમ્મી કહે, “આ તો રોજની વાત થઈ. આજે કાંઈક નવું બનાવીએ.” મેં કહ્યું, “તો પછી એમ કર, કારેલાં-રિંગણનું શાક બનાવ.” બબલો તાળી પાડી ઊઠ્યો, “મમ્મી, બરાબર છે. પપ્પા માટે રિંગણ-કારેલાંનું શાક બનાવો અને આપણા માટે ટીંડોરાં-બટેટાંનું શાક બનાવો.” મમ્મી તાળી પાડી ઊઠી.

મેં કહ્યું, “ખબરદાર, મને અલગ કરવાની કોશિશ કરી છે તો. હું પણ ટીંડોરાં-બટેટાંનું જ શાક ખાઈશ અને તે પણ સૌથી વધારે.” પત્ની બોલી, “આમ પણ હું ટીંડોરાં-બટેટાંનું શાક જ બનાવવાની હતી. આ તો સૌને પૂછ્યું હોય તો સારું લાગે અને સમય પસાર થાય.” આમ પણ અમારા ઘરમાં આ શાક જ સામ્રાજ્ય ભોગવે છે. ટીંડોરાં-બટેટાંના શાકનો સ્વાદ અને આનંદ જ અનેરા છે. અમે બંને હીંચકે બેસી, પરસ્પર સહકારની ભાવના ખીલવી શાકના સંસ્કાર કરીએ છીએ. કોઈ પણ પ્રાકૃત વસ્તુને તેના પર સંસ્કાર કરી ઉચ્ચતર ભૂમિકા પર લઈ જવી, તે સભ્ય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ છે. સંસ્કૃતિના પ્રથમ ચરણમાં સુધરવું અને સુધારવું હોય છે. અંતિમ બિંદુ કળાનો આર્વિભાવ હોય છે. એટલે શાકના સંસ્કાર કરવા તે ઉત્તમ દરજ્જાની કળા છે. સુધાર્યા વિનાનું આખું કોળું શાકમાં જાય તે અમને મંજૂર નથી.

શ્રી વિનોદ ભટ્ટ તેમના પુસ્તક ‘બસ એમજ’માં ‘બસો વર્ષ પહેલાનું સુરત’ નામના પ્રકરણમાં લખે છે કે, એ કાળમાં શાક મોળવું એક કળા ગણાતી અને અન્ન પીરસવું તે હુન્નર. ઓચ્છવલાલ દેસાઈ કારેલાં સમારે તે જોવા મહેતાઓ તો શું દેસાઈઓ પણ અંદરઅંદરની સ્પર્ધા છોડી દોડી આવતા. એ પણ શક્ય છે કે, કપાતાં કારેલાં જોઈ કોઈના મોંમાં પાણી આવતું હશે. બસો વર્ષ પછીના ગાંધીનગરમાં ટીંડોરાં-બટેટાંનું શાક સમારનાર તરીકે મારો ઉલ્લેખ હોય તો નવાઈ પામશો નહીં. મારી પત્નીને ટીંડોરાં તરફ પક્ષપાત છે, જ્યારે મને બટેટાં છોલવાનો ગાંડો શોખ છે. જો કે શોખ તો ગાંડો જ હોય. ક્યાંય તમે ડાહ્યો શોખ જોયો છે ? શોખ એક વળગાડ છે. કોઈ પણ વસ્તુનાં છાલ-છોતરાં કાઢી નાખવાના મારા કૌશલ્ય પર તે વારી જાય છે. કૌશલ્ય કે પ્રાવીણ્ય માત્ર અમુક જ બાબતમાં પ્રાપ્ત કરી શકાય તેવું થોડું છે ? અમે સાથે બેસીને શાક સુધારીએ છીએ, કારણ કે તે અમારો સમય સુધારે છે. જેનું શાક સુધરે, તેનો દિવસ સુધરે. કોઈ કદાચ પૂછે કે માત્ર ટીંડોરાં-બટેટાંના શાકનો જ નિર્દેશ શા માટે ? બીજા શાકની અવગણના શા માટે ? સાંભળો, અમારો કોઈ એક જ શાક સુધારો, પણ સુધારો. શાક સુધારતા લોકો શું ધારશે તે બાબત કાંઈ ન ધારો. મારા પત્ની સાથે હીંચકે બેસી શાક સમારવાની પળો અમને ધન્ય બનાવે છે અમે આને મનોરથયાત્રા કહીએ છીએ.

પ્રખ્યાત કવિ પંડિત જગન્નાથે ‘ગંગાલહરી’ નામનું અદ્‍ભુત કાવ્ય રચ્યું છે. તેઓ રાજકવિ હતા, સ્વભાવે આનંદી હતા. તેઓ તેમની યાવની પ્રિયતમા લવલીન સાથે હીંચકે બેસી તાંબૂલભક્ષણનો આનંદ લેતા, આનંદપ્રમોદ સાથે કાલનિર્ગમન કરતા. જોકે તેઓએ સાથે બેસી ટીંડોરાં-બટેટાંનું શાક સમાર્યું હોય તેવા નિર્દેશો મળી આવતા નથી. પણ મારું માનવું છે કે આ રીતે શાક સમાર્યા વિના તાંબૂલભક્ષણનો આનંદ ગાઢ બની શકે નહીં.

એક વાર સ્મસ્ત વૈદ્યોની સભા મળી. તેમાં વૈદ્યો-રાજવૈદ્યો-વૈદરાજો ઉપસ્થિત હતા. ભરી સભામાં એક વૈદ્યૈ સવાલ કર્યો, “कोडरुक्‍, कोडरुक्, कोडरुक् ?” એટલે કે કોણ નીરોગી છે, કોણ નીરોગી છે, કોણ નીરોગી છે ? આ સવાલ સાંભળી, સૌ વૈદ્યો નવાઈપૂર્વક એકબીજા સામે જોવા લાગ્યા : “આ લે, લે, લે ! આપણે આવું તો ક્યારેય વિચાર્યું જ નથી.” સૌ માથું ખંજવાળવા લાગ્યા. ઍલૉપથીના ડૉક્ટરને આવો સવાલ થતો જ નથી, કેમ કે ડૉક્ટર પાસે દરેક રોગી ગીરો મુકાયેલા છે. તેમને તો દાદર ચઢ્યો તે રોગી જ છે. તેમાં કાંઈ વિચારવાનું હોય જ નહીં. એક અતિ શ્રીમંત માણસ એક મોટી હૉસ્પિટલમાં ઈલાજ કરાવવા બી.એમ.ડબલ્યુ. કારમાં આવ્યો. ઈલાજ કરાવીને બહાર નીકળ્યો ત્યારે પૈસા ઉછીના માગી રિક્ષા પકડી ઘરે ગયો.

જ્યારે વૈદ્યૈ આવો સવાલ કર્યો ત્યારે કોઈ જવાબ આપી શક્યું નહીં ત્યારે તેણે જ જવાબ આપ્યો, “નીરોગી તે છે જે હિતભૂક્‍, મિતભૂક્‍, અશાકભૂક્‍ છે.” એટલે કે, જે હિતકારી હોય તેવો આહાર કરે છે, માપસરનો આહાર કરે છે અને જે શાક ખાતો નથી, તે નિરોગી છે. મને તો આમાં નીરોગી રહેવાનો ઉપાય દેખાય છે. તે સાથે મોંઘવારી દૂર કરવાનો ઉપાય પણ દેખાય છે. ભોજનમાં શાક જ ન ખાવાનું હોય એટલે મોંઘવારીનો ઓછો માર પડે. પણ મને લાગે છે કે આ વૈદ્યની પ્રૅક્ટિસ સારી નહીં ચાલતી હોય અગર તેણે ટીંડોરાં-બટેટાંનું શાક ખાધું નહીં હોય. હીંચકે બેસી પોતાની પત્ની સાથે બેસી શાક સમાર્યું નહીં હોય. વળી આ વૈદ્યની તબિયત કેવી હતી તેની જાણકારી પ્રાપ્ત નથી, એટલે પોતાની માન્યતા અને પરિસ્થિતિ વાજબી ઠરાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. ડૉક્ટરોને કોણ નીરોગી છે, તે અંગેના જવાબની જાણકારી હોય એવું લાગે છે, કેમ કે દરેક ડૉક્ટર દરેક દર્દીને લીલાં શાકભાજી ખાવાની સલાહ આપે છે.

અમે હીંચકે બેસી શાક સુધારીએ છીએ તે અમારો સમય સુધારે છે; પરંતુ મને ઘણીવાર શંકા થઈ છે કે સાચો શબ્દપ્રયોગ કયો – શાક સમારવું કે શાક સુધારવું ? બંને ક્રિયાપદોની અર્થછાયા આમ તો સરખી જણાય છે; પરંતુ શાકના સંસ્કાર કરવાની બાબતમાં અસમંજસતા છે. જે વસ્તુમાં ભાંગતૂટ થઈ હોય ત્યારે એને મૂળ સ્થિતિમાં લાવવી હોય ત્યારે સામાન્ય રીતે સમારકામ યાદ આવે છે. તો તે સાથે સ્વાદ સુધારવા ફેરફાર કરીએ છીએ તે કેવી રીતે ભૂલી શકાય ? શાક જ્યારે સ્વાદમાં બરાબર ન થયું હોય ત્યારે તેમાં સુધારા-વધારા કરીએ છીએ.

કેરીને આપણે સુધારવી કહીએ છીએ, સમારવી તેમ સામાન્ય રીતે બોલતા નથી, કારણ કે એક વખત કેરી સુધાર્યા પછી સમારવાને અવકાશ જ રહેતો નથી. આથી સાચો શબ્દપ્રયોગ કયો તે કોઈ વિદ્વાન કે ભાષાશાસ્ત્રીને પૂછવાનું નક્કી કર્યું. રસ્તામાં બહુશ્રુતશંકર મળી ગયા. તેઓ છાપામાં – મેગેઝિનોમાં આવતાં રમૂજ, ટુચકાઓ કે નાના પ્રસંગો બહુ ધ્યાનપૂર્વક વાંચે છે અને પછી અન્યની સાથેની વાતચીતમાં તેનો ભરપૂર ઉપયોગ કરી પોતે બહુશ્રુત છે તેની જાહેરાત કરવાની કોઈ તક ચૂકતા નથી. તેમને મેં સવાલ કર્યો કે “શાકના સંસ્કાર માટે સાચો શબ્દપ્રયોગ કયો છે ? શાક સમારવું કહેવાય કે શાક સુધારવું કહેવાય ?” ઊંડો શ્વાસ લઈ ગહન ચિંતનપૂર્વક તેઓ બોલ્યા, “મને જાણીને આનંદ થયો કે તમને આવો ગૂઢ પ્રશ્ન થયો. આવો જ એક પ્રશ્ન દિલ્હીના સાહિત્યકારોને થયેલો અને મીરઝા ગાલિબે આસાનીથી તેનો ઉકેલ લાવી દીધેલો. તેમણે જે ઉકેલ આપેલો તેમાં તમારા પ્રશ્નનો પણ જવાબ આવી જાય છે. સાહિત્યકારોમાં તીવ્ર મતભેદ ઊભા થયા કે ‘રથ’ શબ્દ પુંલિંગ છે કે સ્ત્રીલિંગ ? મતભેદ ઉગ્ર થઈ ગયા. કોઈ એક બીજાની વાત સ્વીકારવા તૈયાર ન હતા. તેમાં મીરઝા ગાલિબ વચ્ચે પડ્યા અને સરળતાથી ઉકેલ લાવી દીધો કે રથમાં સ્ત્રી બેઠી હોય ત્યારે સ્ત્રીલિંગ અને જ્યારે રથમાં પુરુષ બેઠો હોય ત્યારે પુંલિંગ. આ ઉકેલ તમારા પ્રશ્નમાં પણ લાગુ પડે છે. જ્યારે પુરુષના હાથમાં શાક હોય ત્યારે શાક સમારવું તેમ કહેવાય, કેમ કે પુરુષોને સ-મારતાં સારું આવડે છે અને જ્યારે શાક સ્ત્રીના હાથમાં હોય ત્યારે શાક સુધારવું તેમ કહેવાય કેમ કે સ્ત્રીઓને સુધારતાં સારું આવડે છે. સ્ત્રી પુરુષોને પણ સારી પેઠે સુધારી દે છે.” આમ કહી તેઓ મારી સામે ગર્વથી જોઈ રહ્યા અને પોતે કેટલા પ્રત્યુત્પન્નમતિ છે, બહુશ્રુત છે અને કેટલી સરળતાથી પ્રશ્નનો ઉકેલ લાવી દીધો તે વિચારી મનમાં પ્રસન્ન થતા હોય તેમ લાગ્યું; પરંતુ મેં સામે પ્રશ્ન કર્યો કે “અમારી પેઠે શાક બંનેના હાથમાં હોય ત્યારે શું કહેવાય ?” તેઓ માથું ખંજવાળવા લાગ્યા, કેમ કે મીરઝા ગાલિબને કોઈએ આવો પ્રશ્ન પૂછ્યો ન હતો.

પછી મેં એક ભાષાશાસ્ત્રીને આ જ પ્રશ્ન પૂછ્યો કે “સાચો શબ્દપ્રયોગ શો છે ? શાક સમારવું કહેવાય કે શાક સુધારવું તેમ કહેવાય ? શાસ્ત્રીય રીતે શુદ્ધ શબ્દપ્રયોગ કયો છે ?” તેમણે સામે પ્રશ્ન કર્યો, “તમે કયા શાકના સંબંધમાં પૂછો છો ?” મેં કહ્યું, “ટીંડોરાં-બટેટાંના શાકના સંબંધમાં પૂછું છું.” તે કહે, “એ તો ખાઈએ તો ખબર પડે.” હું અવાક્‍ થઈ ગયો. પછી હિંમત કરીને પૂછ્યું, “તેમાં શો તફાવત પડે છે ? શાક રીંગણ-બટેટાંનું હોય કે ટીંડોરાં-બટેટાંનું.” તેઓ કહે, “મારું પણ તે જ કહેવાનું છે. માત્ર સ્વાદ લેવાની વાત કરો. શાક સમારો કે શાક સુધારો તેમાં શો ફેર પડે છે ?” મેં કહ્યું, “ભાષાને શું વળગે ભૂર ? પત્ની સાથે બેસી શાક સુધારે તેઓ શૂર !” તેઓ હસી પડ્યા. હું વિચારે ચડી ગયો. સ્વાદ, રસ. ભાવના, લાગણી અને વ્યાકરણ વચ્ચે સદીઓથી યુદ્ધ ચાલતું આવ્યું છે. આ લડાઈમાં સામાન્ય સમજણની ખો નીકળી ગઈ છે.

[કુલ પાન ૧૨૮. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ટીંડોરાં – બટેટાંનું શાક સમારતાં – પ્રદ્યુમ્ન આચાર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.