હૃદયરોગમાં લસણ ઉપયોગી – ડૉ. કિશોર પંડ્યા

 

Vigyandeep(‘વિજ્ઞાનદીપ – જ્ઞાન દીપ પ્રગટાવતા વિજ્ઞાનલેખો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

આપણા ખોરાકનું સમતુલન એ રીતે થયું છે કે જેથી શરીરને જરૂરી પદાર્થો મળી રહે છે. આમાંના કેટલાક શરીરમાંનાં ઘટકોનું યોગ્ય પ્રમાણ જાળવી રાખી તેમનું નિયમન કરવાનું કામ કરે છે. આપણે ખોરાકમાં લસણનો ઉપયોગ કરીએ જ છીએ પણ લસણ આપણા ખોરાકને સ્વાદ આપવા ઉપરાંત કેટલાક રોગ સામે રક્ષણ પણ આપે છે. હૃદયરોગમાં લસણ ઉપયોગી છે.

આ હૃદયરોગ શું છે ?

હૃદયનું કાર્ય શરીરમાં લોહી ફરતું રાખવાનું છે.

લોહી માનવશરીરમાં ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. શરીરના ઉષ્ણાતામાનનું નિયમન કરવાનું કામ રુધિર કરે છે. શરીરમાંનાં પોષક દ્રવ્યોને સમતોલ પ્રમાણમાં રાખી, રોગોની સામે પ્રતિકાર કરવાનું કામ રુધિર કરે છે. પ્રાણવાયુ તથા જરૂરી પોષક દ્રવ્યો શરીરના દરેક અંગ સુધી નાનીનાની નલિકાઓ એટલે કે રુધિરવાહિનીઓમાં વહેતા લોહીને લીધે પહોંચે છે. ઉપરાંત કાર્બન ડાયોક્સાઈડ તથા અન્ય ઉત્સર્ગિત પદાર્થોને પાછા લાવીને ફેફસાં તથા મૂત્રપિંડ કે ચામડીના ઉપરના કોષો સુધી પહોંચાડવાનું કાર્ય રુધિર દ્વારા જ થાય છે.

આ લોહી શરીરમાં ફરતું બંધ થઈ જાય તો શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ અને ઉત્સર્ગિત કચરાનું પ્રમાણ વધી જાય છે. શરીરના દરેક કોષને પ્રાણવાયુ મળતો અટકી જાય છે. આથી તત્કાળ મૃત્યુ થાય છે.

શરીરમાં લોહી ફરતું રાખવાનું કાર્ય હૃદય કરે છે. આમ જોઈએ તો હૃદય એ વિકાસ પામેલ સ્નાયુ છે. હૃદય પંપ જેવું કાર્ય કરી શરીરના દરેક કોષ સુધી લોહી પહોંચાડે છે. આ કાર્ય રુધિરાભિસરણ તરીકે ઓળખાય છે.

આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં ચરબી હોય છે. પ્રાણીજ ચરબીમાં, તેલમાં, દૂધમાં, ઈંડાની જરદીમાં અને યકૃત તેમ જ મૂત્રપિંડમાં ચરબી જેવો જ કૉલેસ્ટેરોલ નામનો પદાર્થ હોય છે. વધુ પડતા ખોરાક અને શરીરમાં મેદનું પ્રમાણ વધવાની સાથે કૉલેસ્ટેરોલનું પ્રમાણ પણ વધતું જાય છે.

સામાન્ય ઉષ્ણાતામાને ઘન સ્વરૂપવાળા ચરબીજ પદાર્થો જેવા કે માખણ, ઘી, વેજિટેબલ ઘી, પ્રાણીજ ચરબી આપણા શરીરમાં કૉલેસ્ટેરોલનું પ્રમાણ વધારતા હોય છે.

જો લોહીમાં કૉલેસ્ટેરોલનું પ્રમાણ વધી જાય તો આ કૉલેસ્ટેરોલ રુધિરવાહિનીઓની દીવાલ સાથે ચોંટી જાય છે. પરિણામે રક્તવાહિનીઓની દીવાલ સાંકડી થતી જાય છે. આથી રુધિરાભિસરણની ક્રિયા ધીમી પડે છે. હૃદય સુધી પહોંચતા લોહીનું પ્રમાણ ઘટે છે. સાંકડી બનેલી રક્તવાહિનીઓમાં લોહી ધકેલવા માટે અને લોહી ખેંચવા માટે હૃદયને વધારે મહેનત કરવી પડે છે. આથી હાઈપર ટૅન્શન કે હાઈ બ્લડપ્રેશર થાય છે. લોહીનો પ્રવાહ અવિરત ચાલુ રાખવા માટે વધારે દબાણ આપવું પડે છે.

ઘણી વખત સાંકડી થયેલી રક્તવાહિનીઓમાં લોહીનો ગઠ્ઠો જામી જવાની શક્યતા પણ રહેલી છે. આવું થાય ત્યારે હૃદયરોગનો હુમલો થાય છે.

હવે એમાં એવું પણ બનતું હોય છે કે સાંકડી થયેલી રક્તવાહિનીઓની દીવાલ પર જામેલા પદાર્થો પણ લોહીમાં ભળે છે. નદી વહેતી હોય તેની સાથે કિનારાની માટી પણ વહેવા લાગતી હોય છે, તેમ લોહીમાં ભળેલા પદાર્થો આગળ જતાં તે નાની થતી જતી રક્તવાહિનીઓમાં અટકી જાય છે. પોતે આગળ જ નથી જતા અને રુધિરને આગળ જવા દેતા નથી. આથી આગળના ભાગને લોહી મળતું બંધ થઈ જાય છે.

પાણીની પાઈપલાઈનમાં કચરો આવી જાય ત્યારે પાણી બરાબર આવતું નથી અથવા તો બિલકુલ બંધ થઈ જાય છે તેવી જ આ ક્રિયા છે.

રક્તવાહિનીઓમાં તરતો ગઠ્ઠો ક્યારેક લોહીના પ્રવાહ વાટે હૃદય સુધી પહોંચી જતો હોય છે. આવું થાય ત્યારે હૃદયરોગનો હુમલો થાય છે.

હૃદયરોગના હુમલા બાદ ઓછામાં ઓછા ચાળીસ ટકા લોકો દશ વર્ષ સુધી તો આરામથી જીવી શકે છે. હૃદયરોગના હુમલા બાદ દુખાવો ન રહેતો હોય, હૃદય પહોળું ન થતું હોય, મીઠી પેશાબનો રોગ ન હોય, વધુ પડતો શ્રમ કે ધૂમ્રપાન ન કરતા હોય તેવા હૃદયરોગના હુમલાવાળા દર્દી માટે જીવનની તકો ઉજ્જવળ ગણવામાં આવે છે.

હૃદયરોગનું મૂળ કારણ કૉલેસ્ટેરોલ છે. તેનું પ્રમાણ ડુંગળી ખાવાથી ઘટી જાય છે. આ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી બાબત છે. લસણ અને ડુંગળીમાં તૈલી પદાર્થ રહેલો છે. આ પદાર્થ લોહીમાં રહેલા કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. લસણ અને ડુંગળીમાં રહેલો જરૂરી તૈલીપદાર્થ સરખો જ છે, પણ લસણમાં તેનું પ્રમાણ વિશેષ હોય છે.

ડૉ. પોલં આનંદે લસણ રુધિરમાં રહેલા કૉલેસ્ટેરોલનું પ્રમાણ કઈ રીતે ઘટાડે છે તે અંગે ઘણું જ અગત્યનું સંશોધન કર્યું છે.

લસણનો ઉપયોગ કરવાથી લોહીમાં રહેલા વધારાના કૉલેસ્ટેરોલનું પ્રમાણ તો ઓછું થાય છે જ પણ સાથોસાથ લિપીડ ઉત્સેચકોનું પણ નિયમન થાય છે, પરિણામે રક્તવાહિની સંકોચાવાની શક્યતા નિર્મૂળ થઈ જાય છે.

લસણ હાજર હોય ત્યારે આંતરડામાંથી લોહીમાં કૉલેસ્ટેરોલનું જેટલી જરૂર હોય તેટલું જ શોષણ થાય છે. વળી, લોહીના ગઠ્ઠાને પ્રવાહી સ્વરૂપમાં રાખવા માટે પણ ભાગ ભજવે છે.

હૃદયરોગના હુમલા પછી જો દર્દી લસણનો ખાવામાં ઉપયોગ કરતો હોય તો વધારાનું કૉલેસ્ટેરોલ આપોઆપ દૂર થઈ જાય છે. પણ રક્તવાહિનીમાંનો ઘા જલદી રુઝાતો નથી. રક્તવાહિનીને થયેલું નુકસાન એમનું એક જ રહે છે. લસણને લીધે ફરી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા નહિવત્‍ થઈ જાય છે.

જે કુટુંબમાં પહેલેથી ચરબીનું પ્રમાણ વધારે હોય, બ્લડપ્રેશર રહેતું હોય, મીઠી પેશાબ-મધુપ્રમેહનો રોગ હોય તેમણે અગાઉથી જ લસણનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. બાળપણથી જ સાવચેતી રાખી રોજ થોડા પ્રમાણમાં લસણ લીધું હોય તો હૃદયરોગ થવાની શક્યતા રહેતી નથી.

ધૂમ્રપાનને લીધે રક્તવાહિનીઓને નુકસાન થતું હોય છે. તેથી ધૂમ્રપાન કરનારાઓએ લસણનું સેવન કરવું હિતાવહ છે. રાંધવાથી લસણમાંનું તેલ નકામું થઈ જતું નથી. એટલે જે લોકોને લસણની ગંધ ન ગમતી હોય તે લોકો લસણ તેલમાં ગરમ કરીને કે શાકભાજીમાં પણ તેનો ઉપયોગ કરી શકે છે. હવે તો લસણની કૅપ્સ્યૂલનો પણ ઉપયોગ કરી શકાય છે.

શરીરના કુલ વજનના હજારમા ભાગનું લસણ જો રોજ લેવામાં આવતું હોય તો શરીરમાંના લોહીમાં કૉલેસ્ટેરોલનું પ્રમાણ જળવાઈ રહે છે. ૬૦ કિલો વજનવાળી વ્યક્તિના શરીરમાં જો કૉલેસ્ટેરોલનું પ્રમાણ વધી ગયું હોય તો રોજ દિવસમાં બેથી ત્રણ વખત ૬૦ ગ્રામ લસણ લેવાથી વધારાનું કૉલેસ્ટેરોલ ઓછું થઈ જાય છે.

સાવચેતીરૂપે રોજ બે-ત્રણ કળી લસણ લેવાથી હૃદયરોગની શક્યતા નહિવત્‍ થઈ જાય છે. બીજી કોઈ પણ જાતની આડઅસર ન થાય અને લાંબો સમય આપી શકાય એવી લસણ સિવાય બીજી કોઈ દવા નથી.

લસણના અનેક ગુણધર્મો આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યા છે. કફ, વાતહર તેમ જ સંધિવા જેવા રોગો પર લસણનો ઉપયોગ ફાયદાકારક બની રહે છે.

આધુનિક વિજ્ઞાનની ટેક્નોલૉજીએ પણ લસણના ઉપયોગી ઘટકો અલગ-અલગ તારવીને તેમાંથી ઉપયોગી પદાર્થોનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી દીધી છે.

[કુલ પાન ૧૯૮. કિંમત રૂ.૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ટીંડોરાં – બટેટાંનું શાક સમારતાં – પ્રદ્યુમ્ન આચાર્ય
માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા Next »   

6 પ્રતિભાવો : હૃદયરોગમાં લસણ ઉપયોગી – ડૉ. કિશોર પંડ્યા

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  ડૉ.પડ્યાસાહેબ,
  લસણના આટલાબધા ગુણ વિસ્તારથી સમજાવવા બદલ આભાર. સાચે જ લસણ અને ડુંગળી શાકાહારી માણસો માટે આશિર્વાદરૂપ છે. તે માત્ર આહાર જ નહિ પરંતુ ઔષધ છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Nitin says:

  બહુ સરસ માહિતીપ્રધાન લેખ સરળ્તાથિ સમજાવવા માટૅ આભાર્

 3. Jashbhai says:

  બહુ સરસ માહિતીપ્રધાન લેખ સરળ્તાથિ સમજાવવા માટૅ આભાર્…હેલ્થ મતે ખુબ ઉપ્યોગેી….

 4. Nikul H. Thaker says:

  ખુબ જ સુન્દર માહીતી.

 5. SURYAKANT K SHAH says:

  ખુબ સરસ માહિતિ આપિ સે.આપ્નો આભાર્

 6. સ્વાસ્થયની સભાળ માટેનો, સબળ માહિતિસભર સુદર લેખ!!
  છતાયે, જુજ જડધાર્મિક સપ્રદાયો લસણ-કાદાને ખાવા માટે નિશેધ કેમ ફરમાવતા હશે???

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.