માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા

 Balsahity manthan(‘બાલસાહિત્ય મંથન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

પરીકથા મૂળતઃ કલ્પિત પાત્રો અને કલ્પિત સૃષ્ટિનું નિરૂપણ કરતી લોકકથા છે. મૂળે એ વાસ્તવની શૃંખલામાંથી છૂટીને એક રમણીય મનભાવન સૃષ્ટિમાં વિહરવા માટેની માનવીય ઝંખનામાંથી જન્મેલી છે અને માનવીની આદિમતમ તથા શાશ્વત એષણાઓનું એમાં નિરૂપણ હોય છે, જેવી કે અદ્રશ્ય થવાની એષણા, ઊડવાની એષણા, અમર બનવાની એષણા, ચિરયૌવનની એષણા, કાચની પૂતળી જેવી કમનીય કુંવરીને વરવાની એષણા, વગર મહેનતે ખજાનો મેળવવાની એષણા વગેરે વગેરે.

આ જ કારણે વિશ્વભરની પરસ્પર સંપર્કમાં નહીં આવેલી પ્રજાઓની પરીકથાઓમાં પણ સમાનતાના અંશો જોવા મળે છે. ‘જૅક અને વટાણાના વેલા’ની યૂરોપીય પરીકથાનું જ બીજું સ્વરૂપ આભઊંચું દોરડું ઊભું કરીને એને માથે ચડતા ભેરિયા ગારુડીની વાર્તા (રોપ ટ્રિક)માં જોવા મળે છે અને આફ્રિકાની ઝૂલુ જાતિમાં તથા અમેરિકાની રેડ ઈન્ડિયન જાતિઓમાં પણ આવી જ વાર્તાઓ હોવાનું જાણવા મળે છે.

જીવસટોસટની બહાદુરી બતાવીને સાત સમંદર પાર કરીને કોઈ સદ્‍ગુણી રાજકુમાર રાક્ષસને મારીને એની કેદમાં સપડાયેલી સુંદર કુંવરીને જીતી લાવે પછી ખાય, પીએ ને રાજ કરે, એ લગભગ દરેક પરીકથાનું મૂળભૂત કથાવસ્તુ હોય છે.

એના આ કથાવસ્તુમાં જ આ વાર્તાપ્રકારની તરફેણની અને વિરોધી દલીલના મુદ્દા રહેલા છે. વિરોધીઓની પહેલી દલીલ એ હોય છે કે રાક્ષસબાક્ષસ જેવું કશું હોતું જ નથી. આ કથાઓ વાસ્તવથી દૂર હોય છે. આમાં નાયકને બહુ આસાનીથી ચમત્કારિક રીતે વિજય મેળવતો દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ચમત્કાર બનતા નથી અને વિજય આસાન હોતો નથી અને આ પ્રકારની વાર્તાઓ બાળમાનસમાં ભ્રાંતિઓ રોપે છે. વર્તમાન યુગમાં જ્યારે નથી રાજાઓ રહ્યા, નથી રાજકુંવરીઓ રહી અને નથી ઘોડાં-જહાજ રહ્યાં, ત્યારે આવું બધું નિરૂપણ કરતી કથાઓ નિરર્થક બની જાય છે. આ અને આવી કેટલીક દલીલો પરીકથા સામે કરાય છે.

પરંતુ, મેં અગાઉ લખ્યું તેમ, પેલા પાયારૂપ કથાવસ્તુમાં જ આ કથાપ્રકારની તરફેણના મુદ્દા રહેલા છે. પહેલામાં પહેલી વાત તો એ છે કે એનો નાયક બહાદુર અને સદ્‍ગુણી હોય છે. પ્રતિનાયક એટલે કે રાક્ષસ નર્યો અનિષ્ટ હોય છે. પરીકથા એ અનિષ્ટ ઉપર સત્ય, સદ્‍ગુણ અને શૌર્યના વિજયની કથા છે. બાળમાનસમાં આ કથાઓ સત્ય અને સદ્‍ગુણ માટેની નિષ્ઠા દ્રઢ કરે છે અને સદ્‍ના વિજય માટેનો આશાવાદ જન્માવે છે. પરીકથાની રાજકુંવરી માત્ર પરણવા માટેની કન્યાનું નહીં, પરંતુ એક ઉચ્ચ ધ્યેયનું પ્રતીક બને છે. કોઈ સરમુખત્યારે કચડી નાખેલી લોક-આઝાદી એ પણ રાજકુંવરે મુક્ત કરવા માટેનું પાત્ર બની શકે.

પરીકથાનો નાયક બહુ આસાનીથી ને ચમત્કારિક રીતે વિજય મેળવે છે, એ પણ સાચું નથી. એ નાયક પોતાના સદ્‍ગુણો વડે સતત સહાયકો મેળવતો જાય છે, જે ખરેખર મોકે એને મદદ કરે છે, એવું લગભગ દરેક પરીકથામાં નિરૂપણ હોય છે. આપણી પરીકથા ‘અલકમલકની ગાડી’નું જ ઉદાહરણ લઈએ. ગુસ્સાખોર મોચીએ જોડો ફેંકીને ચકલીને મારી છે અને ચકલો એનું વેર લેવા જાય છે ત્યારે મેઢક, કબૂતર, વીંછી અને પોદળો સુધ્ધાં એને મદદ કરવા તૈયાર થઈ જાય છે, કારણ કે ચકલો આતતાયીનો વિનાશ કરવા જઈ રહ્યો છે.

આ ઉપરાંત, પરીકથાના ખૂબસૂરત અને બહુરંગી વાતાવરણની તો વાત જ શી કરીએ ! રૂપરૂપના અંબાર જેવી રાજકુંવરી, જે પાણી પીતી હોય ત્યારે એની ગરદનમાં પાણીની ધાર દેખાય.. એકદંડિયો મહેલ અને એમાં કેદ થયેલી કુંવરીના ધરતી સુધી પહોંચતા વાળ… જેને જોતાં વાર અજાણી સુંદરી મોહ પામી જાય અને વરવા તલસે એવો સોહામણો રાજકુમાર… બાળમાનસને કેવી મેઘધનુષી આનંદમય સૃષ્ટિમાં લઈ જાય છે પરીકથા ! એની આનંદ આપવાની આ ક્ષમતા બીજા કોની પાસે છે ? ઈસાઈ બોધકથામાં ? ઈસપછાપ નીતિકથામાં ?

પરીકથા વિરુદ્ધ કરાતી એક દલીલમાં વજૂદ છે ખરું. રાજાઓ ગયા, રાજકુંવરીઓ ગઈ, ઘોડા ગયા, જે વાતાવરણમાં પરીકથાઓ જન્મી તે પ્રાકૃતિક (Idyllic) વાતાવરણ ગયું; હવે પરીકથાની સંગતતા કેટલી ? પરંતુ આ તો વિગતનો સવાલ છે. મૂળભૂત કથાવસ્તુ અનિષ્ટ ઉપર ઇષ્ટના વિજયનું છે, અસદ્‍ ઉપર સદ્‍ના વિજયનું છે. એ કથાવસ્તુનાં પાત્રો ગમે તે હોઈ શકે. ભૂતકાળની પરીકથાઓમાં પણ રાજકુમારને બદલે ખેડૂતનનો પુત્ર કે બ્રાહ્મણપુત્ર, રાક્ષસને બદલે કોઈ ક્રૂર સરદાર કે બહારવટિયો, પવન-પાવડીને સ્થાને ટટ્ટુ-ખચ્ચર જેવાં પાત્રો આવ્યાં જ છે. રાજધાનીનાં નગરોમાં કલ્પાયેલી પરીકથા કરતાં કોળી-વાઘરી-ભીલના કૂબામાં કલ્પાયેલી પરીકથા જુદાં જ પાત્રો ધરાવતી જોવામાં આવી છે.

ઘોડાં-વહાણના યુગમાં કથાનાયકનાં એ વાહન હતાં, વર્તમાનયુગમાં નાયકનું વાહન મોટરસાઈકલ કે અવકાશયાન પણ હોઈ શકે.

હકીકતમાં, વર્તમાનયુગની પરીકથાઓ અવશ્ય રચાય છે. જ્યૉર્જ લુકાસની ‘સ્ટાર વૉર્સ’ આધુનિક પરીકથાઓ આબાદ નમૂનો છે. શ્રી પ્રેમનાથ મહેતાએ ‘તારકજંગ’ નામે એનું રૂપાંતર કર્યું છે. એમાં આફતમાં સપડાયેલી આઝાદી, એ આઝાદીના પ્રતીકરૂપ રાજકુંવરી કેતકી અને કેદ કરનાર દુષ્ટ સરમુખત્યાર, એને છોડાવવા મેદાને પડતો સદ્‍ગુણી ને સોહામણો નવયુવક ગગન, કોઈ આદિ ૠષિ જેવા ઈ-વાન-નલીનીન, એ લોકોના ઉમદા કાર્યમાં સાથ આપવા આવી મળતો એક અવકાશી ચાંચિયો, બે યંત્રમાનવો વગેરે પરીકથાનું જ વાતાવરણ સૂચવે છે. એટલે સુધી કે રાજકુંવરી કેતકીને કેદ પકડનાર બે દુષ્ટોનાં નામ પણ કાળયવન અને નરકાસુર રાખવામાં આવ્યા છે ! અહીં પણ જગત પર એકહથ્થુ શાસન સ્થાપવા ઈચ્છતા કાળયવન અને નરકાસુરને હરાવીને રાજકુંવરી કેતકીને છોડાવવાની કથા છે.

‘સ્ટાર વૉર્સ’ વિશ્વની આજ સુધીની સૌથી સફળ ફિલ્મ બની ગઈ, એ જ સાબિત કરે છે કે પરીકથા જેટલી ગઈ કાલે સંગત હતી એટલી જ આજે પણ છે – અને પૃથ્વી પર માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી પરીકથા અમર રહેશે, કારણ કે એ અનિષ્ટ ઉપર ઇષ્ટના વિજયની ગળથૂથી પાતી વિધાતા છે.

[કુલ પાન ૧૦૨. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હૃદયરોગમાં લસણ ઉપયોગી – ડૉ. કિશોર પંડ્યા
સચીન તેંડુલકરના અંજલિ સાથે લગ્ન – જગદીશ શાહ Next »   

1 પ્રતિભાવ : માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા

  1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

    મુ.મહેતાસાહેબ,
    બાળકોને પરીકથા કહેવી યોગ્ય કે નહિ? … આ પ્રશ્નનો વિગતવાર સમજુતી ભરેલ જવાબ આપવા બદલ આભાર. અસત ઉપર સતનો અને અનિષ્ટ ઉપર ઈષ્ટનો વિજય બતાવતી પરીકથાઓ બાળઉછેરનું અગત્યનું અંગ છે અને તે બાલમાનસમાં સુસંસ્કારનું સિંચન કરે છે, તે ન ભુલાવું જોઈએ. હા, હવે પરીકથાઓમાં ઉડતા ઘોડા,સઢવાળાં વહાણ,તલવારની પટાબાજીને બદલે અવકાશયાન,આધુનિક સબમરીન, પરમાણુ-ગન … જેવી વિજ્ઞાન વિષયક વાતોને સ્થાન આપવું જોઈએ.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.