શ્રી ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા’ – પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર

Shixan(‘ગુજરાતના શિક્ષણ-સંન્યાસીઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં ગુજરાતના કેળવણીકારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાંથી ગિજુભાઈ બધેકા વિશેનો આ લેખ અહીં લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

“એ જમાનામાં ગિજુભાઈએ અને તારાબહેને જે કામ કર્યું છે તે કોઈ પણ સમાજને મગરૂર બનાવે તેવું હતું. બાળકોના ઉદ્ધારકર્તા ગિજુભાઈએ અસંખ્ય માબાપોને બાળસ્વતંત્રતાની, બાળભક્તિની અને બાળપ્રેમની દીક્ષા આપી. ગુજરાતને બાળભક્તિનું ગાંડપણ લગાડનાર આ બંને મિશનરીઓએ મધ્યમવર્ગનું આખું સ્વરૂપ ફેરવી નાંખ્યું છે અને ગુજરાતમાં અસંખ્ય બાળમંદિરો ઉગાડ્યાં છે.” – શ્રી કાકાસાહેન કાલેલકર

મૂળ નામ : નાનકો

જન્મ : ૧૫ નવેમ્બર, ૧૮૮૫ ચિત્તલ, ભાવનગર

નિધન : ૨૩ જૂન, ૧૯૩૯

પિતા : ભગવાનભાઈ બધેકા

માતા : કાશીબા

શિક્ષણ : હાઇકોર્ટ પ્લીડર

જીવન-પરિચય

સૌરાષ્ટ્રના ભાલપ્રદેશમાં ખૂબ મોટી જમીન ધરાવનાર અને વ્યવસાયે વકીલ, બ્રાહ્મણોમાં મોટું નામ ગણાય એવા ભગવાનજીના ઘરે પહેલા ખોળે દીકરા તરીકે જન્મ લેનાર નાનકો ખૂબ જ લાડકોડમાં ઊછર્યો હતો. માતાની ધાર્મિકતા અને પિતાની બુદ્ધિપ્રતિભાનો વારસો મળ્યો હતો. ગિજુભાઈ વલ્લભીપુરની પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવી આગળના અભ્યાસ માટે ભાવનગર આવ્યા.

અભ્યાસ, મિત્રોનો સહવાસ, જીવનચરિત્રોનું વાચન અને મામાજીના જીવનમાંથી મળતી પ્રેરણાથી તેમનું ઘડતર થયું. આટ્‍ર્સ કૉલેજમાં શિક્ષણ અધૂરું મૂકી પરિવારની આર્થિક મુશ્કેલીના કારણે મુંબઈ કમાવવા આવ્યા. વધુ કમાણી અર્થે આફ્રિકા તરફ પ્રયાણ કર્યું. ત્યાંથી પાછા ફરી મુંબઈમાં કાયદાનો અભ્યાસ કર્યો. સુરેન્દ્રનગરમાં વકીલાત શરૂ કરી. આવક અને આદરમાન વધવાં લાગ્યાં. પરિવારની સ્થિતિ સારી થઈ પણ વકીલાતના ખોટા કાવાદાવાને કારણે તેમને અસહ્ય અકળામણ થતી હતી. રાષ્ટ્રીય આંદોલનના વાતાવરણમાં તેમને રાષ્ટ્રહિત માટે કંઈક કરવાની ઈચ્છા થતી હતી, એવા જ સમયે તેમના ઘરે પુત્રનો જન્મ થયો.

પુત્ર મોટો થતાં શાળાએ મૂકવાની જરૂરિયત ઊભી થઈ. નાનાં બાળકોને ચોંટિયા ભરીને મારતા, મોઢેથી ગાળો બોલતા શિક્ષકો પાસે પોતાના બાળકનો હવાલો સોંપતાં તેમનો આત્મા કકળી ઊઠ્યો. બસ, આ જ સમયે તેમના હાથમાં ‘મોન્ટીસરી શિક્ષણ પદ્ધતિ’ નામનું પુસ્તક આવ્યું. બસ, અહીંથી તેમના જીવનની દિશા બદલાઈ.

મોટાભાઈ એટલે કે એમના મામા, જેમના વ્યક્તિત્વની અસર બાળપણથી ગિજુભાઈના જીવન પર પડી હતી, તેમનું દક્ષિણામૂર્તિ આવી નાનાભાઈ ભટ્ટ સાથે કામ કરવાનું આમંત્રણ મળ્યું. ભાવતું હતું અને વૈદ્યરાજે કીધું. ગિજુભાઈ તરત જ દક્ષિણામૂર્તિ રવાના થઈ ગયા. ઈ.સ. ૧૯૧૬માં વકીલ મટી દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ બની ગયા. ત્યાં જ વિનય-મંદિર શરૂ થતાં આચાર્ય તરીકે નિમાયા. તન-મનથી કેળવણીમાં જોડાઈ ગયા. કામ કરતાં તેમને ધ્યાનમાં આવ્યું કે આમાં કંઈક અધૂરપ છે. સંસ્કાર બાળપણમાં જ થાય છે. તેથી કેળવણીમાં મોટું પરિવર્તન લાવવા બાળશિક્ષણ માટે કંઈક કરવું જોઈએ.

દ્રઢ સંકલ્પ સાથે એક દિવસ નાનાભાઈને કહ્યું ‘હું બાળશિક્ષણ જ સંભાળીશ. બીજી કોઈ લાયમાં નહીં પડું. સંસ્થા માટે ફંડ-ફાળાની યાત્રાઓ પણ અનુકૂળ નહીં આવે. તમને હું નહીં પોસાઉ તો બીજે જઈને પણ હું મારું આ જ કાર્ય કરીશ.’

ઈ.સ. ૧૯૨૨માં પોતાની ૩૫ વર્ષની ઉંમરે દક્ષિણામૂર્તિમાં જ તખતેશ્વર પાસેની ટેકરી ઉપર બાલમંદિર શરૂ કર્યું. કસ્તુરબાના હસ્તે ઉદ્‍ઘાટન થયું. પોતે શિક્ષક બન્યા. મોન્ટેસોરીને ગુરુ માની એકલવ્યની ભાવનાથી તેમના વિચારો મુજબ કાર્યસાધના શરૂ કરી. એક સાધકની જેમ બાલસેવકની અલખ જગાવી, ધૂણી ધખાવી. ગિજુભાઈ બેસી ગયા. તન-મનથી કામ શરૂ કર્યું. શિખવાડતાં શીખતાં દિશા મળતી ગઈ. બાળકોનાં નિરીક્ષણો પરથી નવા માર્ગો શોધતા ગયા.

નવા-નવા પ્રયોગો સાથે શિક્ષણશાસ્ત્ર અને બાળમાનસના અભ્યાસ પરથી સ્વતંત્ર રીતે ગ્રંથો રચ્યા. વાર્તાઓ, ગીતો લખ્યાં. તેમની દ્રષ્ટિ ફક્ત બાળકોને ભણાવવા પૂરતી મર્યાદિત ન હતી. પણ તેના માધ્યમથી વાલીઓને કેળવવાના હતા. વાલીઓને સંબોધી પુસ્તકો લખ્યાં, સભાઓ કરી, સરઘસો કાઢ્યાં, ‘વાર્તાનું શાસ્ત્ર’ અને ‘દિવાસ્વપ્ન’ પુસ્તકોએ ઘણાનું જીવનપરિવર્તન કર્યું છે.

વાર્તાકથન દ્વારા સફળ શિક્ષણ એ એમની વિશિષ્ટ પદ્ધતિ હતી. તેઓ શિક્ષણ ક્ષેત્રે અવિરત શ્રમ કરનારા ચૈતન્યશીલ કર્મયોગી હતા.

બાળકને સ્વતંત્ર વ્યક્તિત્વ હોઈ શકે, બાળકોને મારશો નહીં, બિવડાવશો નહીં એવાં સૂત્રો પોકારીને તેમણે જૂની રૂઢિના શિક્ષકોને હેતબાવી નાખ્યા. રાજ-પુરુષો જે ક્રાંતિ ન કરી શકે તેવી ક્રાંતિ ગિજુભાઈએ આવાં સૂત્રો દ્વારા આપણા દેશના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આણી.

મેડમ મોન્ટેસોરીનો પ્રભાવ

ગિજુભાઈના શિક્ષણવિચારો પર મેડમ મોન્ટેસોરીનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમના વિચારોથી જ ગિજુભાઈનું જીવન બદલાયું હતું. તેમણે મોન્ટેસોરીના બાળ કેળવણી વિષયક સિદ્ધાંતોને સ્વીકાર્યા હતા. પણ ગુજરાત કે ભારતનાં બાલમંદિરો ઈટાલી કે અમેરિકાનાં બાલમંદિરો ન બની જાય તેની પૂરેપૂરી તકેદારી રાખી હતી. સિદ્ધાંતને સ્વીકારી સરળ સાધનો દ્વારા ભારતીય ચિત્ત અને માનસ મુજબનાં બાલમંદિરો નિર્માણ કર્યાં હતાં.

                                        શૈક્ષણિક વિચારો

શાળા એક પ્રયોગ-શાળા છે.

તેમણે શાળા કે બાલમંદિરને બાલવિકાસને અવલોકવા માટેની પ્રયોગભૂમિ ગણાવી. તેમણે જણાવ્યું કે શિક્ષકે વૈજ્ઞાનિકની જેમ બાળકોનાં વર્તનનું અવલોકન કરી તેમની આંતરિક શક્તિઓ ખીલવી શ્રેષ્ઠ માનસના ઘડતરની પ્રક્રિયા કરવાની છે. જેમ વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, સૂક્ષ્મદર્શનયંત્રો વડે નિરંતર થતા ફેરફારોનો અભ્યાસ કરે તેમ જ શિક્ષકે પણ માનસશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. આવાં અવલોકનોની ભૂમિ એટલે જ શાળા જે શિક્ષણનું કારખાનું નહીં, પણ પ્રયોગશાળા બનવી જોઈએ.

શિક્ષકનું સ્થાન

“આજનો શિક્ષક જ્ઞાન ભરવાની ઝંખનામાંથી મુક્ત થાય, ઊંચે બેસણેથી અધિકારીની જેમ શિક્ષણના ઘમંડમાંથી છૂટી જઈ શિક્ષક વિદ્યાર્થી પાસે પદ્ધતિનો અભ્યાસ કરવા બેસી જાય. વિદ્યાર્થીને શિક્ષા, ઇનામ કે ગોખણપટ્ટીમાંથી મુક્ત કરે; પોતાના જ્ઞાનના પ્રકાશથી બાળકને આંજી દેવાને બદલે કે અંધ કરવાને બદલે સ્વયંશિક્ષણના માર્ગે સ્વતઃ વિચરતાં બાળકની પાછળ-પાછળ જઈ પોતે નવું જ્ઞાન સંપાદન કરે.” આ કથનથી ગિજુભાઈએ શિક્ષકની કલ્પના જ બદલી નાખી.

ગિજુભાઈએ શિક્ષકને વૈજ્ઞાનિક કહ્યો છે, કારણ કે બાળકોને ભણાવવાનાં નથી પણ અવલોકવાનાં છે. સ્વતંત્ર વાતાવરણમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતાં બાળકને અવલોકવું, તેનાં રસ અને યોગ્યતા જાણવાની છે. રાષ્ટ્રની વર્તમાન સમસ્યાઓ ધર્મ, જ્ઞાતિના વાડામાંથી બહાર લાવી સમરસતા કેળવવા બાળકને પ્રોત્સાહિત કરવાનું કામ શિક્ષકનું છે.

બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર

ગિજુભાઈના શિક્ષણ ચિંતનમાં બાળક કેન્દ્રમાં છે. બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો એમણે સ્વીકાર કર્યો છે. બાળકના ગમા-અણગમાનાં કારણો હોય છે. શિક્ષકે આ કારણો શોધી કાઢવાનાં છે. પ્રત્યેક બાળકને પોતાની વિશેષ શક્તિઓ અને લાગણીઓ હોય છે. બાળકની દરેક પ્રવૃત્તિ તેના ભવિષ્ય માટેનો સંદેશો આપે છે. શિક્ષકે આ સંદેશો ઝીલવાનો હોય છે. બાળક પ્રવૃત્તિમય રહે છે. એ પ્રવૃત્તિનો ઉગમ અંદરથી હોય છે. ઉગમનું મૂળ અંતરાત્માની ભૂખ છે. ભૂખને સંતોષવા તે પ્રવૃત્તિશીલ બને છે અને પ્રવૃત્તિ કરતાં-કરતાં જ શીખે છે. કોઈ બીજો માણસ કોઈને શીખવી નથી શકતો.

શિક્ષણનો હેતુ વિકાસ

ગિજુભાઈ માનતા હતા કે બાળકને અભ્યાસક્ર્મ અને સમયપત્રકની બેડીમાંથી મુક્ત કરવો જોઈએ. પરીક્ષા પણ ન જોઈએ. કેળવણીનો હેતુ ફક્ત ઉપયોગી અને વફાદાર નાગરિક બનાવવાનો, પગભર મનુષ્ય બનાવવાનો કે બીજા પર વિજય મેળવે એવો માનવી બનાવવાનો ન હોવો જોઈએ. આ બધાંથી પર કેળવણીનો હેતુ “જીવન વિકાસ” અને જીવન વિકાસ એટલે વ્યક્તિત્વ વિકાસની પરાકાષ્ઠામાં સમષ્ટિ વિકાસની સાહજિકતા હોવી જોઈએ.

તેમના મતે “વિકાસ એટલે જીવાત્માનો અનાદિ અવિરત પ્રયત્ન. આ પ્રયત્નને કે કંઈ સહાયક છે તે સ્વીકાર્ય અને અન્ય ત્યાજ્ય છે.”

વિકાસનો પાયો અનુભવ છે. શિક્ષણનું કાર્ય આ આવિષ્કરણને પોષવાનું છે. એના માર્ગમાં આવતાં વિઘ્નોને દૂર કરી જીવાત્માને જીવન ઉદ્દેશ સિદ્ધ કરવા અનુકૂળતા કરી આપવાનો છે.

બાળક સ્વયંવિકાસ કરવા સમર્થ છે

બાળક બીજમાં છે. તે અહર્નિશ વધવાને મથે છે; પોતાની મેળે પોતાનો ખોરાક નક્કી કરીને કેટલો અને કેવી રીતે લેવો તે સમજે છે; પોતાની મેળે જ સમયપત્રક ગોઠવી લે છે. તેને સ્વતંત્રતા ગમે છે. બાળક તુલના, સામ્ય, વિરોધ, ક્રમ, વર્ગીકરણ, નિર્ણય વગેરે સ્વતંત્ર ક્રિયાઓ કરતાં-કરતાં જાતે જ શીખી લે છે. અને શીખવાની ઝડપ બુદ્ધિ અને સંકલ્પબળ પર આધાર રાખે છે. બાળકનું મન ખૂબ જ સ્થિર હોય છે, ભટકતું રહે છે. સ્વતંત્ર પ્રવૃત્તિમાં તેનું મન એકાગ્ર બને છે. શિક્ષકે બાળવર્તનમાં રસ દાખવી તેની પાછળનાં કારણો જાણી તેને યોગ્ય દિશામાં વાળવાનું કામ વૈજ્ઞાનિકની જેમ કરવું જોઈએ.

સ્વાવલંબનના સંસ્કાર મહત્વપૂર્ણ છે

ગિજુભાઈના શિક્ષણચિંતનમાં સ્વાવલંબનનું ઘણું જ મહત્વ છે. વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે બાળક ઘણાં બધાં કામો જાતે કરવા પ્રયત્નો કરે છે. પણ વડીલો તેને અટકાવી, પોતે કરી આપી તેને પરાવલંબી બનાવી દે છે. સ્વાવલંબનનો પાયો ઘરમાં છે. શિક્ષણનું પહેલું કામ બાળકને સ્વાવલંબી બનાવવાનું છે. શાળાનું વાતાવરણ આ સંસ્કાર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. શાળામાં નાનાં-નાનાં કામો જાતે કરે. વ્યવસ્થાઓ જાળવવામાં સહાયક બને તે ખૂબ જરૂરી છે. પોતાનું કામ પોતાની જાતે કરવામાં ગૌરવ અનુભવે એ સંસ્કાર નાનપણથી જ દ્રઢ થવો જોઈએ.

પ્રકૃતિના સંસર્ગ દ્વારા શિક્ષણ

ગિજુભાઈએ પ્રકૃતિના સંસર્ગ પર ખૂબ ભાર મૂક્યો છે. પ્રકૃતિ જ શિક્ષણનો સૌથી મોટો સ્ત્રોત છે. પ્રકૃતિથી મળતા શિક્ષણમાં નીતિ શિક્ષણ આપોઆપ જ મળે છે. પ્રકૃતિપ્રેમ જ માનવપ્રેમમાં પરિણમે છે. બાગકામ અને પ્રાણીપ્રેમ બાળકમાં નૈતિક વિકાસનાં બીજ રોપે છે. પ્રકૃતિ જ્યારે શિક્ષક બને છે ત્યારે ધર્મ અને આધ્યાત્મિક કરતાં પણ ઊંચી કક્ષાનું જ્ઞાન બાળક સ્વયં મેળવી લે છે.

ઇન્દ્રિય અનુભવ દ્વારા શિક્ષણ

ગિજુભાઈએ ઇન્દ્રિય કેળવણી પર ખૂબ ભાર મૂક્યો છે. તેમના મતે ઇન્દ્રિયો જ્ઞાનનાં દ્વાર છે. તેમના વડે બહારના જગતનું જ્ઞાન અંદર જાય છે અને અંદર રહેલી શક્તિઓ બહાર આવે છે. તેથી ઇન્દ્રિયો તીક્ષ્ણ, સતેજ, બળવાન અને પૂર્ણ વિકસિત હોવી જોઈએ. ઇન્દ્રિયોનું પ્રત્યક્ષીકરણ માત્ર ઉપલક ખ્યાલ જ છે. સંપર્કજન્ય અનુભવોથી આનંદ મળે તે જરૂરી છે અને આનંદ મળે ત્યારે જ અનુભવ થયો કહેવાય. તેને જ ઇન્દ્રિય-સંસ્કારિતા પણ કહેવાય છે. તેમના મતે ઇન્દ્રિય કેળવણીનો ઉદ્દેશ ઇન્દ્રિયગમ્ય પદાર્થોના સંસર્ગમાં આવવાથી બાળકને થતાં અનુભવ, લાગણી કે ધક્કાને ઉચ્ચતમ, સૂક્ષ્મતમ અને શિષ્ટતમ બનાવવાનો છે.

પ્રવાસ-પર્યટનને મહત્વનું સ્થાન

ગિજુભાઈ શિક્ષણમાં પ્રવાસ-પર્યટનને વિશેષ મહત્વ આપતા. તેમના મતે નાનાં બાળકોને પ્રકૃતિદર્શન, નદીકિનારે પર્વત, ટેકરી, જંગલો વગેરે સ્થળે ફરવા લઈ જવા જોઈએ. આ ઉપરાંત કેટલાક વિશેષ અનુભવો મેળવવા માટે પણ પ્રવાસ મહત્વના હોય છે. સ્વયં અનુશાસન તેમ જ એકરૂપતાનો ભાવ પર્યટન દ્વારા જાગ્રત થાય છે.

આમ ગિજુભાઈએ બાળકેળવણીની ફકીરી ધારણ કરી હતી. દક્ષિણામૂર્તિના બાળમંદિરમાં અનેક પ્રયોગો કર્યા. શિક્ષકોને તૈયાર કરવા અધ્યાપન મંદિરો શરૂ કર્યાં. ત્યાં શિક્ષકોને નવી દ્રષ્ટિ આપી. શિક્ષકવર્ગની નવી પ્રતિષ્ઠા જમાવવાનો સફળ પ્રયાસ કર્યો. સાચા અર્થમાં શિક્ષણ માટે શહીદી વહોરી.

શિક્ષણ સાહિત્ય

શ્રી ગિજુભાઈએ બાળકો અને વાલીઓને ઉપયોગી થાય તેવું ઘણું સાહિત્ય રચ્યું છે તેમાંથી કેળવણી વિષયક પણ ઘણું સાહિત્ય રચ્યું.

– સ્વતંત્ર બાલશિક્ષણ

– નવા આચારો

– બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

– મોન્ટેસોરી પદ્ધતિ

– દિવાસ્વપ્ન

– વાર્તાનું શાસ્ત્ર ખંડ ૧-૨

– બાલશિક્ષણ મને સમજાયું તેમ

– પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ

– મા-બાપ થવું આકરું છે

– શિક્ષક હો તો

– મા-બાપના પ્રશ્નો

જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે, તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે. – ગિજુભાઈ બધેકા

[કુલ પાન ૧૦૩. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “શ્રી ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા’ – પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.