ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધ્રુવ

૧.

રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.

મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને  છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો.
સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ  ઝળહળ  ઝીલી લો  રે, કોઈ લઈ લો.. રૂમઝૂમતું કંઈક

બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખુલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
મધુર સાજને તાલે એ તો થનગન થનગન નાચ્યું છે, કોઈ નીરખો રે, કોઈ લઈ લો.
સરસર સરતા સમીરની મસ્તી, ગુલશન ગુલશન જોઈ લો રે, કોઈ લઈ લો.. રૂમઝૂમતું કંઈક

દડદડ દડીને  પરવત  પરથી, બનીને ઝરણું રમતું,
ઝીલમીલ ઝરીને,ભળીને બનતું સરિતા મધ્યે મળતું.
ઉછળી ઉછળી ધસમસતું એ દરિયે જઈ સમાયું છે, કોઈ સમજો રે, કોઈ લઈ લો..
બૂંદબૂંદના ગેબી નારા, હરદમ, મનભર સૂણી લો રે, કોઈ લઈ લો.. રૂમઝૂમતું કંઈક

તેજ,પવન, જલ તનમન  ભરતું કણકણમાં ઉભરાયું છે, કોઈ લઈ લો,
કોઈ ઝીલી લો રે, કોઈ જોઈ લો રે, કોઈ સૂણી લો  રે, કોઈ ભરી લો રે… રૂમઝૂમતું કંઈક

શતદલ –

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.

શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.

ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.

છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.

સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.

પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.

લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.

મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
ઝુલત ઝુમત શતદલ મધુવન પર.

૩.

(છંદ વિધાનઃ — ષટકલ ૨૨ – વિષમ – ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા)

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું…

– દેવિકા ધ્રુવ

હવા, પાણી અને પ્રકાશ, જેટલાં પ્રકૃતિ માટે જરૂરી છે તેટલાં જ માનવ જીવન માટે પણ જરૂરી છે. પ્રતિદિન ખુબ સહેલાઈથી મળી જતાં આ ત્રણે તત્ત્વો વિશે આપણે ભાગ્યે જ ઝાઝું વિચારીએ છીએ.પણ ટેકનીકલના આ યુગમાં, ક્યારેક એકાદી ક્ષણે, જરા આંખ મીંચીને કુદરતને માણવાની તક લઈશું તો એક અનોખો આનંદ મળશે. વ્હેલી સવારની એવી એક પળની અનુભૂતિ આપતી પ્રથમ રચના, બીજી રચના એક અત્યંત સુંદર લયબદ્ધ ઉર્મિકાવ્ય છે અને ત્રીજી રચના સંગીતકાર કર્ણિક શાહ દ્વારા સ્વરબધ્ધ થયેલ સુંદર ગઝલ છે. દેવિકાબેનનો સંપર્ક તેમના ઈ-મેલ ddhruva1948@yahoo.com પર કરી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધ્રુવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.