સજોડે – હરિભાઉ મહાજન

(‘જનકલ્યાણ’ સામયિકના ઑગષ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ચુનીલાલ આવી રહ્યા છે, એમ શર્માજી બોલ્યા એટલે હરિભાઈએ એ તરફ જોયું. હરિભાઈની ડાબી બાજુએ જગા ખાલી જ હતી. જમણી બાજુએ મિસ્ત્રી અને અંબાલાલ બેઠા હતા.

ચુનીલાલ પાસે આવી ગયા. હરિભાઈ એમની સામે જોઈ જ રહ્યા. ચુનીલાલ પણ એમની નજરનો ભાવ સમજી ગયા. એમાં શિવલાલની બીમારી વિશે જીજ્ઞાસા હતી.

‘બે દિવસ ભાગ્યે જ કાઢે.’ ખાલી જગા પર બેસતાં એમણે હરિભાઈની પ્રશ્નસૂચક નજરનો પ્રતિભાવ આપતાં કહ્યું, ‘આ વખતે તો આશા રખાય એવું નથી. ભાન પણ અચોક્કસ. પાર્વતી કહેતી હતી કે ત્રણ-ચાર દિવસથી કંઈ ખાતાપીતા નથી. હાજત પણ બંધ જ છે. ડાક્ટરની સારવાર તો ચાલે છે, પણ ડાક્ટર કશું ફોડ પાડીને કહેતા નથી.’ ચુનીલાલ નિરાશાના સ્વરમાં બોલ્યા.

રોજ સાંજે ઈસ્કોનના બાંકડે બેસનારા આ બધા સાત-આઠ વડીલો. બોત્તેરથી બાશી સુધીના. વરસમાં એકાદ-બે ગળી જાય, તો સીત્તેર નીચેના બે-ત્રણ ઉમેરાય. મંડળી ચાલુ રહે. આત્મીયતાનો સંબંધ પણ કેળવાયેલો. નિવૃતિમાં બધા સમાનધર્મી ! સુખદુઃખની વાતો કરે, પેપરમાં આવતા સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપે. અભિપ્રાયોમાં ભિન્નતા પણ હોય. કોઈ મુદ્દા પર દ્રષ્ટિકોણ જુદા હોય તો નિષ્કર્ષમાં મતભેદ પણ પડે. મતભેદ ક્યારેય ઉગ્ર વાદવિવાદમાં પણ પરિણમે. અને તો જ ચર્ચામાં પણ મજા આવે ને ? લેવા-આપવાનું તો કંઈ હોય નહિ. એટલે નફા-નુકસાનમાં જેમ વાંધો પડે, એવું તો આ મતભેદમાં કંઈ થવાનું નહોતું. ને મનદુઃખ પણ નહિ. ક્યારેક ક્યારેક કોઈના બર્થડેના પ્રસંગે બધા બહાર ચા-નાસ્તો કરવા પણ ઉપડી જાય. આવા સ્નેહસંબંધમાં માંદગી જેવા પ્રસંગે એકબીજાની ખબર કાઢવા પણ જાય. બધા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે શિવલાલની ખબર કાઢવા પણ જઈ આવ્યા હતા. ને એ મુલાકાતોના આધારે એમની હાલત વિશે બેઠકમાં ચિંતાભરી વાતચીત પણ થતી. શિવલાલ સાજા હોય ત્યારે બેઠકમાં અચૂક આવે. ને ચર્ચામાં એમની હાજરી ખાસ ઉપસી આવે. હાલ બેઠકના રણકતા શિવલાલની ગેરહાજરીથી જાણે બધાને કંઈક ઊણપ હોય એવું લાગ્તું હતું.

શિવલાલનું કંઈક આગવું જ વ્યક્તિત્વ હતું. એમનું વાચન બહોળું ને દલીલોમાં પાવરધા. ક્યારેક તો ચર્ચામાં એક બાજુએ એ એકલા, ને સામી બાજુએ બીજા બધા, એવું થઈ જતું; ખાસ તો મુદ્દાઓ વિશેનો એમનો મૌલિક અને પ્રગતિશીલ અભિગમ, તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એમને ચર્ચાના વિષય પ્રત્યે જુદા દ્રષ્ટિબિંદુથી જોવા પ્રેરતા. બીજા વડીલો મોટેભાગે રૂઢિચુસ્ત વલણ ધરવયા. ને પાછા મતાગ્રહી પણ એટલા જ. એટલે આવું કંઈ હોય ત્યારે ચર્ચામાં બરાબર ગરમાવો આવી જતો. પણ હાલ થોડા દિવસથી એમની ગેરહાજરીમાં ચર્ચાઓ પણ જાણે કસ વગરની થઈ ગઈ હતી. પંદર-વીસ દિવસથી શિવલાલ આવતા નહોતા. એ જ્યારે આવતા ત્યારે ચુનીલાલની સાથે જ આવતા. બંને પાસે પાસેની સોસાયટીમાં રહેતા, એટલે સંગાથે આવવાનું ને સંગાથે જ જવાનું, એવો ક્રમ થઈ ગયો હતો. પણ થોડા દિવસથી શિવલાલની બીમારીના કારણે ચુનીલાલને એકલા જ આવવું પડતું. આવીને એ બધાંને શિવલાલના સમાચાર આપતા.

‘ઉંમર ઉંમરનું કામ કરે. વહેલી મોડી દરેકને અસર તો થવાની જ. એમનેય પંચોતેર તો થયા જ છે ને ?’ બાબુભાઈએ શિવલાલની વૃદ્ધાવસ્થાનો સંદર્ભ આપતાં કહ્યું, ‘ને આમેય એ પહેલેથી થોડા ઢીલા તો છે જ. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું. દરેક સીઝનમાં એમને તબિયતની બાબતમાં કંઈક ને કંઈક તકલીફ તો થાય છે જ.’

‘ત્રણ-ચાર વર્ષથી આવું ચાલ્યા કરે છે, એવું તો એ પણ કહેતા જ હતા.’ બાબુભાઈની વાતને સમર્થન આપતા હરિભાઈ બોલ્યા. હરિભાઈ પણ એમના સમોવડિયા જ હતા. પણ એમની તંદુરસ્તી ટનાટન.

‘તમે કહો છો કે આ વખતે એમની હાલત વધારે ખરાબ છે, પણ આવું તો પહેલાં પણ બે-ત્રણ વાર થયેલું. નહિ બચે, એવી લગભગ બધાંને ખાત્રી થઈ જાય, પણ ચમત્કાર થાય, ને જેમ મડદું બેઠું થઈ જાય, એવું થતું.’ અંબુભાઈએ હસતાં હસતાં રમૂજ કરી. ‘આ વખતે પણ શિવલાલ સાજા થઈને પાછા આપણી વચ્ચે આવી જાય એવું બને, કારણ એમની જિજીવિષા પ્રબળ છે.’

‘કારણ કે એમની મજબૂત જિજીવિષાનો પાયો પાર્વતી છે.’ અંબુભાઈએ જાણે રહસ્યોદઘાટન કર્યું.

ને બધા એ અભિપ્રાય સાથે સહમત થયા. શિવલાલની એમની પત્ની પાર્વતી પ્રત્યેની પ્રેમની માત્રાનો આંક ઘણો ઊંચો હતો, એની બધાને ખબર હતી. એટલે જ કોઈ એમને સારસ બેલડી કહેતું, તો કોઈ ટીખળમાં લયલા-મજનુ.

‘આપણે ઈચ્છીએ કે આ વખતે પણ અંબુભાઈએ કહ્યું એવું થાય. એ નહિ હોય તો આપણને મોટી ખોટ પડશે. શિવલાલ વગર આપણો આ ચર્ચાચોરો ફિક્કો ફિક્કો લાગશે.’ મિસ્ત્રીએ શિવલાલની હાજરીમાં મહત્વ આંકતા કહ્યું, ‘ખરું કહું ? શિવલાલને પાર્વતીની માયા કંઈક વધારે છે, ને એ માયાના બંધનમાંથી એમનો જીવ છૂટવા માગતો નથી, એવું લાગે છે.’

મિસ્ત્રીની વાત પર બધા મોટેથી હસી પડ્યા, પણ એ હાસ્યમાં સર્વસંમતિ અભિપ્રેત હતી.

‘તમારી વાત સો ટકા સાચી છે.’ ચુનીલાલે સમર્થન આપતાં કહ્યું. ઘણા સમયથી પાસે રહેવાના કારણે એમનો તો શિવલાલના કુટુંબ સાથે સારો સ્નેહસંબંધ બંધાયેલો હતો. બંનેનાં કુટુંબનાં સભ્યોની પણ એકબીજાને ત્યાં પ્રસંગોપાત અવરજવર રહેતી. એટલે એ રીતે ચુનીલાલ બીજા વડીલો કરતાં શિવલાલની વધારે નજીક હતા. અને એ કારણે જ શિવલાલની એ નબળી કડીથી પણ સારી રીતે વાકેફ હતા. ‘શિવલાલ, તમારો આત્મા જ પાર્વતી હોય એમ લાગે છે,’ એવું એ મજાકમાં કહેતા પણ ખરા. ‘પણ તમારા બેમાંથી એકાદને વિખુટા પડવાનું થશે ત્યરે શું થશે ?’ ચુનીલાલ ક્યારેક આવું પણ પૂછી બેસતા.

ચુનીલાલના પ્રશ્નથી શિવલાલના મુખ પર વિષાદ છવાઈ જતો. એમના પોતાના મનમાં પણ અવારનવાર આવો પ્રશ્ન ઊઠતો. ને એ પ્રશ્ન શિવલાલ માટે મોટી માનસિક પીડા લઈને જ આવતો. આમ તો તે કાળે ક્યાં ખાસ પ્રેમલગ્નો થતાં હતાં ? પણ સામાજિક રીતે થયેલા સંબંધોમાં પાંગરતા, ને દ્રઢ થયેલા પ્રેમના ઘણા કિસ્સા દ્રષ્ટાંતરૂપ હતા. શિવલાલ-પાર્વતીનો દાખલો પણ એવો જ હતો. જાણે જનમજનમના સાથીઓ ફરી આ જન્મે પણ ભેગા થયા, ને ફરી અતૂટ બંધનમાં બંધાઈ ગયાની લાગણી બંને અનુભવતાં હતાં.

‘જો, ભાઈ ચુનીલાલ, શું થશે, ને કેવી રીતે થશે, એની તો કોને ખબર છે ? દુનિયામાંથી સાથે જ વિદાય લેવાનું તો કદાચ હજારે કે લાખે એકાદ યુગલના નસીબમાં હશે. ઉંમર પ્રમાણે, ને વધતી જતી બીમારીના કારણે મને લાગે છે કે મારેય હવે જવાનો સમય તો થઈ જ ગયો છે.’ પાર્વતી પાસે ન હોય ત્યારે શિવલાલ પોતાના મનની આવી વાત ચુનીલાલને નિખાલસતાથી કહેતા. પાર્વતી સાંભળે તો એને વ્યથા થાય, એ શિવલાલ જાણતા હતા. ને એમને એવું થવા દેવું નહોતું. ‘જોકે પાર્વતીને પાછળ મૂકીને જવાનો જીવ ચાલતો નથી, પણ છતાંય ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે બંનેને સાથે નહિ, તો મને પહેલો લઈ લેજે. ને બીજા જનમમાં જ્યાં મોકલે ત્યાં મારી સાથે ભેગી થવા માટે પાર્વતીને પણ પાછળથી ત્યાં જ મોકલજે. મારે મોક્ષ નથી જોઈતો. હું એની વાટ જોતો રહીશ. આમ તો લાગે છે કે મારા ગયા પછી પાર્વતી પણ લાંબું નહિ ખેંચે. એય, મારા જેટલી નહિ, પણ સાજીમાંદી તો રહે જ છે. એનું શરીર પણ કેટલું નંખાઈ ગયું છે !’ ચિંતાના સ્વરમાં શિવલાલ બોલ્યા. ચુનીલાલ હસ્યા. શિવલાલના આવા પાર્વતીમોહ પર એ, અલબત્ત, સહાનુભૂતિથી, હસી પડતા. આને વધારે પડતો મોહ ગણવો કે પ્રેમની ઘટ્ટ્તા ? ચુનીલાલના મનમાં વિચાર આવતો પતિ-પત્ની વચ્ચે સ્નેહ અને સૌહાર્દ હોય, એ તો સ્વાભાવિક છે. પણ ક્યારેક તો છૂટા પડવાનું જ છે ને ? પરસ્પરની લાગણીના કારણે, વિખૂટા પડતાં દુઃખ તો થવાનું જ છે. પણ શિવલાલ જેવી મોહની તીવ્ર માત્રા હોય તો શું થાય ? ધારો કે, ન કરે નારાયણ ને, પાર્વતી પહેલી ઉપડી જાય તો ? પાર્વતીની માયામાં આટલા બધા લિપ્ત શિવલાલનું શું થાય ? એ કલ્પના માત્રથી ચુનીલાલ પણ વ્યથિત થઈ જતા.

‘જો, ભાઈ શિવલાલ, તમને પાર્વતી પ્રત્યે ઘણી લાગણી છે, એ તો તમારી વાતો પરથી દેખાઈ જ આવે છે.’ ચુનીલાલ જ્ઞાનની ગહન વાત કરતા હોય એમ કહેતા, ‘પણ કોઈ પણ બાબતનો અતિરેક સારો નહિ. પ્રેમ મોહના અતિરેકની માત્રાએ પહોંચે ત્યારે એ દુઃખનુંય કારણ બને છે. પ્રેમી બનવું ઠીક છે, પણ પ્રેમાંધ બનવું, એ અહિતકર છે. પ્રેમ કલ્યાણકારી છે. પ્રેમાંધતા એ મૂઢતા છે. ગીતામાં પણ મોહના જોખમો વિશે તાત્વિક રીતે આ જ કહ્યું છે ને ? તમે તો એવું ઘણું વાંચ્યું-વિચાર્યું છે, એટલે…’

‘…ચુનીલાલ, હું એ બધુંય સમજું છું.’ ચુનીલાલને વચમાં જ અટકાવતાં શિવલાલ કહેતા, ‘પણ મનને બુદ્ધિ હંમેશાં સાથે નથી રહેતાં. બુદ્ધિ તો સારાસાર વિવેક ધરાવતી હોય, પણ જીદ્દી મન માને તો ને ?’ મ્લાન હાસ્ય સાથે જાણે પાર્વતી પ્રત્યેની પોતાની મમતાના રહસ્યનો ઘટસ્ફોટ કરતા હોય, એમ શિવલાલ બોલે, ‘ને એટલે જ મનથી દોરવાઈને મને તો ઘણીવાર એમ થાય છે કે અમને બંનેને સજોડે જવાનું મળે તો કેવું સારું ! મારો વિરહ એનાથી વેઠાશે ?’

‘આપણી ઈચ્છા તો…’

‘…એ તો ઠીક, પણ આ વારંવારની મોટી બીમારીઓથી હું ત્રાસી ગયો છું. પાર્વતી તો પાર્વતી જ છે. એનું સ્વાસ્થ્ય પણ હવે પહેલાં જેવું સારું નથી, છતાં પણ એ દિલ દઈને હસતા મુખે મારી ચાકરી કરતી રહે છે. ક્યાંય કંટાળો નહિ, કે ઊંકારો પણ નહિ. બોલો આવી સમર્પિત પત્નીનો મોહ ન થાય તો શું થાય ? એ ન હોય તો મારી શું હાલત થાય, એ વિચાર માત્રથી ધ્રૂજી જવાય છે, ચુનીભાઈ. પાર્વતીને મારી આ આકરી સેવાચાકરીમાંથી મુક્ત કરવા માટે પણ હવે મારે સત્વર વિદાય લેવી જોઈએ. પાછલી અવસ્થામાં એનેય થોડી રાહત તો મળવી જોઈએ ને ? મારી આ વિનંતી ભગવાન ક્યારે સાંભળશે ?’ શિવલાલના સ્વરમાં ભારોભર નિરાશા હતી. ચુનીલાલ દિલાસો દાખવતા હોય એમ માથું હલાવે ને પછી ગંભીરતાથી બોલે.

‘શિવલાલ, ભગવાન તમને, મને, ને બધાંને ક્યારેક તો લઈ જ લે છે. આ દુનિયામાં કાયમને માટે રહેવાનું ગ્રીનકાર્ડ આપીને એ કોઈને મોકલતો નથી. પણ દુનિયામાં મોકલેલા જીવને પાછો બોલાવી લેવાનું કામ એ એની મરજી પ્રમાણે, ને એની ફુરસદે કરે છે. તમે માંદા પડો છો, પણ પાર્વતીની ચાકરીથી કહો, કે ડાક્ટરની સારવારથી સાજા પણ થાવ જ છો ને ?’

‘પાર્વતીની ચાકરીથી જ, ચુનીભાઈ. ડૉક્ટર એકલો શું ધૂળ સાજો કરતો’તો ?’

‘હા. પણ જેટલું આયુષ્ય લખાયું હોય એટલું સુખેદુખે ભોગવવું જ પડે. ખાલી વલોપાત કરવાનો કંઈ અર્થ નથી. ને તમને પાર્વતી પ્રત્યે જે મમત્વ છે, એ જોતાં તો જેટલું વધારે સજોડે જીવવાનું મળે એટલું સારું ને ? એટલે ભગનાવ પર હવે કોઈ જાતનું દબાણ ન કરશો. ને સજોડે ઉપર જવાનું તો બહુ નસીબદાર હોય એને જ મળે, એવું તો તમે પણ જાણો છો, ને કહો છો. એટલે એવી ભ્રમણામાં રહેવું પણ નકામું છે.’ ચુનીલાલ જાણે આમ સાંત્વનની ભાષામાં શિવલાલ પ્રત્યે સખ્યભાવે હમદર્દી દાખવતા.

માંદગીમાં શિવલાલ એ વડીલોની બેઠકમાં ન આવી શકે ત્યારે ઘરે એમની સાથે થયેલા સંવાદોનો અહેવાલ ચુનીલાલ બેઠકના વડીલોને આપતા રહેતા. શિવલાલની બીમારી વિશે પણ છેલ્લી સ્થિતિથી વાકેફ કરતા.

વચમાં બે-ત્રણ દિવસ ચુનીલાલ આવ્યા નહોતા. બેઠકમાં એ બાબતે થોડો ઉચાટ હતો.

‘અંબુભાઈ, તમે ખબર તો કાઢી આવો. ચુનીલાલ પણ આવતા નથી, એટલે શિવલાલની શું પરિસ્થિતિ છે, એની કંઈ જાણ મળતી નથી.’ જયેન્દ્ર પંડિતે સૂચવ્યું.

‘કાલે જઈ આવું. કદાચ શિવલાલને હૉસ્પિટલમાં દાખલ કર્યાં હોય, ને ચુનીલાલ પણ ત્યાં હાજરી પૂરાવતા હોય એવું બને. દીકરોય આંટાફેરા કરીને કંટાળ્યો હોય. એય કેટલીવાર દોડાદોડી કરે ? અમેરિકા એટલે આઘેથી વારેવારે આવવાનુંય ક્યાં સહેલું છે ? ચુનીલાલ શિવલાલના કુટુંબના સભ્ય હોય, એવા જ અંગત માણસ, ને પાછા કડેઘડે. એટલે એ કદાચ ત્યાં જ શિવલાલની દેખભાળમાં રોકાયા હશે.’ અંબુભાઈએ અનુમાન કરતાં કહ્યું.

જોકે અંબુભાઈને ત્યાં અચાનક મહેમાન આવી જવાથી એ જઈ શક્યા નહિ, ને બેઠકમાં પણ આવી શક્યા નહિ. પણ ચાર દિવસ પછી ચુનીલાલ જ આવ્યા. પણ એમના ચહેરા પર રોજના જેવા સામાન્ય ભાવ નહોતા. ગમગીની છવાઈ ગઈ હોય એવું ચોખ્ખું દેખાતું હતું. કશું બોલ્યા વગર એ મ્લાન વદને હરિભાઈની જોડે બેસી ગયા.

‘કેમ ચુનીભાઈ, આજે આમ સાવ સુનમુન છો ?’ મિસ્ત્રીએ એમની ઉદાસ મુખચર્યાની નોંધ લેતાં તરત પૂછ્યું, ‘તબિયત બરાબર નથી કે શું ?’

‘મારી તો બરાબર છે, પણ જેમની બરાબર નહોતી એ ઉપડી ગયા.’ બોલતાં બોલતાં ચુનીલાલની આંખમાં આંસુ ધસી આવ્યાં.

‘કંઈ અજુગતું થયું કે શું ?’ શર્માને લાગ્યું કે કદાચ શિવલાલને લગતી જ અશુભ વાત હશે. આમ તો ચુનીલાલના કથન પરથી બધાને જ એવો વહેમ પડ્યો હતો. પણ નામોલ્લેખ વિશે ખચકાટ થતાં શર્માએ મોઘમ પ્રશ્ન જ કર્યો, ‘તમે આપણને બધાને નિસ્બત હોય એવા કંઈ માઠા સમાચાર તો નથી લાવ્યા ને ?’

‘માઠાય ખરા. ને સારાય ખરા.’ ચુનીભાઈ રૂંધાતા અવાજે બોલ્યા. પણ એમના આ ટૂંકા ને અસ્પષ્ટ જવાબથી ફરી ઈંતેજારી વધી.

‘માઠા ને સારા બંને એક સાથે ? એ કેવું ?’ બે-ત્રણ જણે એક સાથે જ અધીરાઈ દાખવી.

‘હા, ભાઈ, આપણે બધાએ એક સારો મિત્ર ગુમાવ્યો. એ દુઃખદ હકીકત તમને બધાને જણાવવા માટે જ હું આજે અહીં આવ્યો છું. હાલ મારો ઘણોખરો સમય શિવલાલને ત્યાં જ જાય છે. શિવલાલના ખાસ અંગત મિત્ર તરીકે મારા જેવા વડીલની હાજરીની એમને ત્યાં જરૂર છે.’ પોતિયાથી આંખો લૂછતાં લૂછતાં ચુનીલાલ બોલતા હતા. ‘ને સારી બાબત ગણો તો સારી એ છે કે શિવલાલ ને પાર્વતી બંને સાથે જ સ્વર્ગે સીધાવ્યાં.’ એટલું કહેતાં તો ચુનીભાઈ મોકળા મને રડી જ પડ્યા.

કોક એમને ચુનીભાઈ કહેતું, ને કોક ચુનીલાલ. ‘પણ ચુનીભાઈ, આ તો ગજબ થયો !’ હરિભાઈએ આઘાત લાગ્યો હોય એવો પ્રત્યાઘાત આપ્યો.

આવી અકલ્પનીય માહિતીથી બેઠકમાં તો સન્નાટો જ છવાઈ ગયો, કારણ કે આવું તો કોઈએ ધાર્યું જ નહોતું ને ? પાર્વતી પ્રત્યેની શિવલાલની કંઈક સ્વાભાવિક અને અસાધારણ લાગે એવી માયા-મમતાથી તો બધા વાકેફ હતા. શિવલાલની ગંભીર માંદગી વિશે પણ બધાને જાણ હતી. એટલે શિવલાલના નિધનના સમાચાર તો જાણે અપેક્ષિત જ હતા. પણ પાર્વતી ? એ તો કંઈ એટલાં બધાં બીમાર નહોતાં. કદાચ શિવલાલના મૃત્યુનો આઘાત વધારે તીવ્ર બની ગયો હોય. મિસ્ત્રીના મનમાં એવો તર્ક ઉપસ્યો.

‘પાર્વતીથી વિરહ સહન નહિ થયો હોય.’ મિસ્ત્રીના મનની વાતને જ જાણે હરિભાઈએ વાચા આપી.

‘એવું બની શકે. પણ એવું નથી બન્યું.’ જરા સ્વસ્થ થઈને ચુનીલાલે ચોખવટ કરવા માંડી. ‘બંને જણ અકસ્માતમાં સાથે જ મરણશરણ થયાં.’

‘અકસ્માતમાં ?!’ ત્રણેય જણે આશ્ચર્યથી એક સાથે જ ઉદ્‍ગાર કાઢ્યો.

‘શિવલાલ તો પથારીવશ હતા, ને એક્સિડન્ટ કઈ રીતે…?’ શર્માએ પણ આશ્ચર્યમિશ્રીત જિજ્ઞાસા વ્યક્ત કરતાં હળવા સાદે પૂછ્યું.

‘એમને દાખલ કરવા પડ્યા હતા. બે દિવસ પહેલાં એમના દીકરાને અમેરિકામાં પણ પરિસ્થિતિની ફોનથી જાણ કરવામાં આવી હતી. ને કદાચ તારો આ છેલ્લો જ ફેરો હશે, માટે આવીએ જા, એવું ભાર દઈને જણાવવામાં આવ્યું હતું. એટલે એ પણ આવી ગયો હતો. પણ ડૉક્ટરે શિવલાલની સ્થિતિ જોઈને પોતાની અશક્તિ જાહેર કરતાં જણાવ્યું કે એમને તાત્કાલિક અમદાવાદ લઈ જાવ. મારે ત્યાં આ કેસ માટે પૂરતી સગવડ નથી. અમદાવાદના સ્પેશ્યાલિસ્ટ ડૉ. તન્ના કદાચ કંઈ કરી શકે. એમને ત્યાં આ પ્રકારના કેસમાં પણ સિત્તેર ટકા જેવું સફળતાનું રિઝલ્ટ આવે છે. એટલે એ સૂચન સ્વીકારી લઈને શિવલાલને ગાડીમાં સુવાડી એમના દીકરા શ્રીધરે તાબડતોડ અમદાવાદ જવા માટે ગાડી મારી મૂકી. શિવલાલ સાથે પાર્વતી તો હોય જ. પાર્વતી એમની સાથે જ પાછળની સીટ પર હતા. પણ રસ્તામાં જ, અમદાવાદ પહોંચતાં પહોંચતાં, મોટો અકસ્માત નડ્યો. એમની ગાડીને પાછળની બાજુએ એટલી જોરદાર ટક્કર વાગી કે એ આંચકાથી જ શિવલલ અને ક્ષીણ શરીરવાળાં પાર્વતીનું એકસાથે જ જીવન સમાપ્ત થઈ ગયું. દીકરાને પણ ઈજાઓ થઈ છે. પણ બહુ ગંભીર નથી. એ સારવાર હેઠળ છે.’ બંને સ્વજનોના અપમૃત્યુના આઘાતનું દુઃખ ચુનીભાઈ માટે પણ ભારે વેદનારૂપ હતું. એમના વર્ણનમાં એ ડોકાતું હતું.

‘અરેરે ! મોત આવ્યું, પણ આવી કરુણ રીતે !’ ખેદ વ્યક્ત કરતાં હરિભાઈ બોલ્યા, ‘ઈશ્વરને ગમ્યું તે ખરું. માણસની ઈચ્છા કે ધારણા પ્રમાણે ક્યાં કંઈ થાય છે ?’

‘પણ આ કરુણ ઘટનામાંય એક સારી વાત બની કે શિવલાલની તીવ્ર અભીપ્સા ફળી. સરળ હૃદયના માણસને પ્રાર્થના ભગવાન – ભલે ગમે તે રીતે – પણ સાંભળતો હોય છે, એવું આ કિસ્સા પરથી ફલિત થાય છે. શિવલાલ સીધા ને સાલસ માણસ. સજોડે જવાનું મળે તો કેવું સારું, એમ એ મારી આગળ ઘણીવાર બોલેલા. જાણે ભગવાને એમની એ વારંવારની વિનંતીઓને છેવટે સ્વીકારી લીધી. હું તો આને ઈશ્વરપ્રયોજિત અદ્‍ભુત ઘટના જ ગણું છું. શિવલાલે જાણે પોતાની પ્રબળ અને દ્રઢ સંકલ્પશક્તિથી ઈશ્વર પાસે ધાર્યું કરાવ્યું ! ને એમ સજોડે સ્વર્ગારોહણ કર્યું. ચાલો, હવે આપણી પ્રાર્થના એટલી જ કે ઈશ્વર બંનેને શાંતિ અને સદ્‍ગતિ આપે.’ ચુનીભાઈએ અંજલિરૂપે પોતાની ભાવના વ્યક્ત કરી.

‘ને આપણી ઈશ્વરને પ્રાર્થના ખાસ તો એ હોવી જોઈએ કે બંનેના અત્માને મોક્ષ મળતાં સુધી સજોડે જ રાખે.’ પાદપૂર્તિ કરતા હોય એમ હરિભાઈ બોલ્યા, ને ‘સજોડે’ ના ખાસ સંદર્ભમાં બધાએ હરિભાઈના વિચારને તાળીઓ પાડી વધાવી લીધો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધ્રુવ
ડૉ. કલામની જીવન સાધના – પંકજ જોશી Next »   

5 પ્રતિભાવો : સજોડે – હરિભાઉ મહાજન

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  મહાજન સાહેબ,
  સજોડે ઉપર જવાની અદમ્ય ઈચ્છાના ફળસ્વરુપે જ પ્રભુએ તેમની પ્રાર્થના સ્વીકારી અને શિવ-પાર્વતીને સજોડે ઉપર બોલાવી લીધાં ! … હજારો નિવૃત્તોની ઈચ્છાને સાકાર કરતી આપની સંવેદનશીલ વાર્તા ગમી.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Arvind Patel says:

  શાસ્ત્રો માં લખે છે કે આ સંસાર એ માયા છે. વધુ પડતી લાગણી કે વધુ પડતું વળગણ રાખવું નહિ. પણ આ જ્ઞાન નો અમલ જીવન માં ઉતારવો અઘરો છે. કામ માં થી નિવૃત્તિ કે સંસાર માં થી નિવૃત્તિ અઘરું કામ છે. બે ઉદાહરણ છે. માખણ ના પીંડ ઉપર વાળ લાગેલો હોય તો કેટલી આસાની થી નીકળી શકે પરંતુ છાણ ના પોદાર માં સળી ફસાઈ હોય અને પોદારો સુકાઈ ગયા પછી સળી કાઢવા માટે કેટલી મહેનત કરવી પડે !! આ વાત ખુબ જ સમજવા જેવી છે. દરેક વ્યક્તિ એ આ સંસાર છોડવાનો છે તે એક વાસ્તવિકતા છે. કેવી રીતે છોડવો તે આપણા હાથ માં છે.

 3. sejal shah says:

  Hari uncle,tame bahuj saras lekh aapyo che.vachvani bahuj maja aavi.ekdam interesting che.husband wife sathe j anantyatra e jay e bahu ochhu joyu che.

 4. MANOJ HINGU says:

  અવો સારો લેખ લખવા બદલ શ્રી હરિભાઉ મહાજન ને અભિનંદન. આ એક લેખક ની કલમ થી કંડારાયેલ પ્રસંગ છે. શિવલાલ અને પાર્વતી બંનેનો ‘આકસ્મિક’ અંત થી લેખ પૂરો થયો તે સારું ન લાગ્યું. શિવલાલ અને પાર્વતી જેવો પ્રેમ મે પણ મારા નાના એવા ગામ માં , ફતુડોશી અને વલી ડોહા વચ્ચે જોયેલ , કુદરતી રીતે બંનેના બે દિવસ ના આંતરે ‘ઇંતકાલ’ થયેલ , ફરીથી લેખક ને ધન્યવાદ ….. મનોજ હિંગુ

 5. Subodhbhai says:

  Nicely Narrated. Normally there seem to be present ” SOME ‘FORCE’ ” behind such INCIDENTS.

  LIFE ENDED AS PER THERE DESIRE.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.