ડૉ. કલામની જીવન સાધના – પંકજ જોશી

(‘નવનીત સમર્પણ’ સામયિકના સપ્ટેમ્બર ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ડૉ. અબ્દુલ કલામસાહેબે આપણી વચ્ચેથી ૨૭ જુલાઈના દિવસે અચાનક અને આકસ્મિક વિદાય લીધી. શિલોંગમાં અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો તેમને સાંભળવા એકત્ર થયા હતા ત્યારે પોતાનું પ્રવચન આપતાં, તેમની સાથે વાત કરતાં અને પોતાનું અતિ પ્રિય શિક્ષણનું જીવનકાર્ય અંતિમ ક્ષણે પણ કરતાં કરતાં તેઓ ચાલી નીકળ્યા !

જીવન તો આપણે બધા જીવીએ છીએ, પણ મોટા ભાગના જીવન જાણે આપમેળે બનતી ઘટનાઓના સરવાળા જેવા હોય છે, જે સમયના પ્રવાહની સાથે આમતેમ વધ્યા કરે છે. ઘણાની જિંદગી તો એવાં પરસ્પર વિરોધો અથવા અલગ અલગ કાર્યોથી ભરેલી હોય છે કે તે એક ગોટાળાથી ભરેલ ફિલ્મ જેવી જણાય છે ! પરંતુ કેટલાકના જીવન એક અથવા બીજા ધ્યેયની શોધમાં મહેનત અને પરિશ્રમરૂપે ચાલતા હોય છે. જો આ ધ્યેય ઊંચું હોય તો તેમનું જીવન કોઈ યાત્રા સમાન બની જાય છે. એનાથી પણ આગળ જતાં, જો જીવન એવું હોય કે તે જાણે એક જ સુરાવલી અને તેમાંથી છેડાતો રાગ, તેવું જણાય અને તે પોતાને તો સુંદર અને અદ્‍ભુત આનંદ આપે જ અને સાથે જ આસપાસના સઘળાને પણ મંત્રમુગ્ધ કરીને એક ઊંચા આદર્શમાં જોડી દે તો આવું જીવન એક સાધના બની જાય છે.

કલામસાહેબના જીવનને એક સમગ્રતામાં જુઓ તો આવી જ કંઈક ભવ્યતાની ઝાંખી થાય છે. જાણે હિમાલયના કોઈક શિખરનું દર્શન, કે કોઈક દિવ્ય રાગનું શ્રવણ, કે પછી એક સેવામય અને સમર્પિત જીવનનો સંગમ. તેમની ખાસ વાત એ હતી કે જ્યારે પણ તેઓ કંઈ પણ બોલતાં કે કરતા ત્યારે તેમની વાણી કે કાર્ય કેવળ મુખથી નહીં પણ હૃદયમાં પ્રગટતાં. આપણે ત્યાં ઘણી વાર વિવિધ મંત્રનો જપ થાય છે અને તેમાં એવું કહેવાય છે કે જ્યારે સાધક કોઈ મંત્રનો જપ કરે ત્યારે તે મુખમાંથી કંઠમાં અને પછી હૃદયમાં ઊતરી જાય છે. ડૉ. કલામના જીવન અને હૃદયમાં એક જ મંત્ર હતો અને તે એ કે આધુનિક વિજ્ઞાન, આયોજન અને અનેક નવી દ્રષ્ટિ દ્વારા ભારત દેશને ગરીબી, સંકુચિતતા, ક્ષુદ્ર વિચારો તથા આચરણ અને અનેકવિધ નિર્માલ્યતાઓમાંથી બહાર લાવવો. આજે પણ જાત જાતની અંધશ્રદ્ધાઓ અને વહેમોમાં ડૂબેલા આપણા સમાજને તેઓ ભારે પ્રેમ અને યુક્તિપૂર્વક તેમાંથી બહાર લાવવામાં અને નવી દિશાઓમાં દોરવામાં સફળ રહ્યા. આનું કારણ એ જ હતું કે તેઓ પોતે જ એક સાચી શ્રદ્ધાનો ભંડાર હતા !

આ માટે તેઓ વર્ષોનાં વર્ષો સુધી દેશનાં ખૂણે ખૂણે ફરતા રહ્યા. અરે, એમ કહીએ તો પણ ચાલે કે વાવાઝોડાની માફક તેઓ સમગ્ર દેશમાં ફરી વળ્યા અને બાળકો, યુવાનો અને સામાન્ય નાગરિકો સાથે મળતા, ભળતા રહ્યા અને અનેકવિધ આયોજનો અને વિચારો દ્વારા પરિવર્તનનો સંદેશ અને કાર્ય સતત કરતા રહ્યા. તેમના પ્રદાનો તો અનેક છે, ઘણાં તો ખૂબ જાણીતાં છે, અને તે બધાં જાણવા તો તેમની વિગતે જીવનકથા કરવી જોઈએ. પરંતુ અતિ મહત્વની વાત એ કે જ્યારે નવી ટેક્નોલોજી આપવા માટે વિકસિત દેશોએ આપણા દેશને બહિષ્કૃત કર્યો હતો એ જમાનામાં ડૉ. કલામે એક નવો જ ઉત્સાહ અને પ્રેરણા આપીને યુવા વિજ્ઞાનીઓની એક નવી પેઢીને એક નવા જ પુરુષાર્થ અને ધ્યેયમાં જોડી લીધી. તેના પરિણામે વિદેશોના મોટા અને તીવ્ર અસહકાર છતાં મિસાઈલ તથા રોકેટ વિજ્ઞાનના ક્ષેત્રે આપણે પાયાની અને પ્રભાવી પ્રગતિ કરી શક્યા. દેશનાં સંરક્ષણ, ઉદ્યોગો, કેળવણી તથા વિજ્ઞાન તથા ટેક્નોલોજીના વિકાસ માટે આ બધી પાયાની જરૂરો હતી. આ દેશને એક શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનું, અને ખાસ તો જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે એક વિકસિત દેશ બનાવવાનું તેમનું સ્વપ્ન હતું.

તેમને વાંચવાનું કે સાંભળવાનું તો અગાઉ પણ બનેલું, પણ મને કલામસાહેબનો વિશેષ અને અંગત પરિચય ૨૦૦૯ પછી થયો. આ વર્ષમાં અમેરિકાના વિખ્યાત ‘સાયન્ટિફિક અમેરિકન’ સામયિકે મને તારાઓ તથા બ્રહ્માંડના મારા સંશોધન વિશે લખવા કહ્યું, અને મારો આ લેખ પોતાની કવર સ્ટોરી તરીકે પ્રકાશિત કરી વિશ્વની અનેક ભાષાઓમાં તેનો અનુવાદ પણ તેમણે પ્રસિદ્ધ કર્યો. ડૉ. કલામ તો ‘સાયન્ટિફિક અમેરિકન’ના મોટા ચાહક, વાચક અને પ્રશંસક વર્ષોથી હતા ! તેમણે ‘સાયન્ટિફિક ઈન્ડિયન’ નામે એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં વૈજ્ઞાનિક અભિગમવાળા સમાજની વાત કરી છે. તેમના ધ્યાનમાં સ્વાભાવિક જ આ ઘટના અને લેખ આવ્યાં. આથી જ ૨૦૧૦માં મુંબઈમાં તેમના એક મોટા અને મહત્વના જાહેર વ્યાખ્યાન સમયે, મારા પર અચાનક જ આયોજકોનો ફોન આવ્યો, “ડૉ. કલામસાહેબ તમને મળવા અને વાતચીત કરવા માગે છે !” મારા માટે સ્વાભાવિક જ આ એક આશ્ચર્ય અને અચંબાની વાત અને ક્ષણો હતી કે આવા મોટા માણસને આપની સાથે શું લેવાદેવા હોય ? પરંતુ આયોજકોએ મને જણાવ્યું કે તેઓ વિમાનઘર પર લેવા ગયા ત્યારે ઊતરતાં સાથે જ ડૉ. કલામે તમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને મળવાનો સમય નક્કી કરવા કહ્યું છે.

તેમના વ્યાખ્યાનમાં તો અન્ય અનિવાર્ય રોકાણને કારણે મારે જવાય તેમ હતું નહીં, પરંતુ એ પછી અમે તરત મળ્યા અને બ્રહ્માંડમાં તારાઓનાં જીવન, અંત અને નવસર્જન વિશેના અમારાં સંશોધન અને નવાં પરિણામો વિશે વિગતે વાત અને ચર્ચા કરી. જે ઊંડા રસપૂર્વક તેમણે પ્રશ્નો કર્યા અને આખી વાત તેઓ જે રીતે સમજ્યા તે મારે માટે પ્રભાવી ઘટના હતી. તેનું કારણ અલબત્ત એ જ કે મારો પાછલા અનેક અનુભવોમાંથી પાકો થયેલો ખ્યાલ એ હતો કે વહીવટી ક્ષેત્રે પડેલા આપણા મહાનુભવો એવા તો ‘બિઝી’ બની જાય છે કે પછી કોઈ પણ વાતના ઊંડાણમાં ઊતરવા માટે તેમની પાસે નથી હોતો સમય કે શક્તિ. પછી તો મૂળ વાત બાજુએ રહી અને ‘વહીવટ’ એ જ મુખ્ય બની જાય છે ! જ્યારે કલામસાહેબ તો નિરાંતે બેસીને, એક બાલ્યવત જિજ્ઞાસાથી પ્રશ્નો કરીને આખી વાત સમજ્યા.

તેમણે લીધેલો ઊંડો રસ અને સમજણની ઘટના એ જ મારા માટે મોટો આનંદ તથા પ્રેરણાનો વિષય અને ઘટના બની ગયાં. એ ખબર તો મને પછીથી મળ્યા કે આ પહેલાં જ તેમના વ્યાખ્યાનમાં અમારાં કામનો તેમણે વિગતે ઉલ્લેખ કરેલો અને વિજ્ઞાનીઓ તથા યુવાનો નવું સંશોધન આગળ ધપાવવા તેમાંથી પ્રેરણા લે તેવું સૂચન પણ તેમણે કરેલું !

અમારા આ સંવાદને અંતે આ બધું નવું સંશોધન જાણીને તેઓ ઘણા ખુશ થયા અને તેમણે બે મુખ્ય અને મહત્વની વાત અને સૂચન કર્યાં. પહેલું તો તેમણે એ કહ્યું કે આ કામ વિશે જાગૃતિ અને જાણકારી લાવવા માટે દેશભરમાં વિદ્યાર્થીઓને અને અન્યને વ્યાખ્યાનો આપો. બીજી મહત્વની વાત તેમણે એ કરી કે સમગ્ર દુનિયામાં એ વાતની યોગ્ય નોંધ લેવાય કે ભારતમાં આવું મહત્વનું કાર્ય થયું છે, તો આપણા યુવાનો તથા દેશને તેનો સાચો લાભ મળે. આ ઘટના પછી અમારો સંપર્ક ચાલુ રહ્યો અને પછી તો તેમને મળવા નાસા તથા જેટ પ્રોપલ્શન લેબોરેટરીના પ્રતિનિધિમંડળ આવ્યાં ત્યારે પોતે મને ફોન કર્યો અને મારી પાસે આવશ્યક નોંધો મગાવી રજૂઆત કરી.

આ બધી વિગતોમાં અત્યારે વધુ ન જઈએ તો પણ એટલું તો અવશ્ય કહી શકાય કે આ અંગત પરિચય દ્વારા અને વાતચીતો દ્વારા મને તેમની કેટલીક અતિ વિશિષ્ટ ખાસિયતોનો પરિચય થયો. સર્વ પ્રથમ તો કેવળ અને કેવળ દેશનું હિત અને આ દેશની મહાનતા કેમ વધે અને બહાર આવે, આ જ તેમની બુદ્ધિ અને હૃદયનો મંત્ર હતો. તે માટે જ તેમનાં સઘળાં કાર્યો થતાં અને તેમાં ‘આ નાનો, આ મોટો…’ એવી કોઈ વાત કે ભાવના તેમની પાસે ટકતી નહીં.

બીજી મહત્વની વાત એ કે તેમનું સમગ્ર વ્યક્તિત્વ અત્યંત સરળતા અને નિખાલસતાથી ભર્યું ભર્યું હતું. આપણા દેશમાં એક ખાસ વાત એવી થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં થોડી પણ આગળ વધે કે જરા ‘મોટો માણસ’ બને કે તરત તેનાં વર્તન, હાવભાવ, સંબંધો, આ બધું બદલાતું હોય છે. લોકો એવું કહેતા પણ હોય છે અને સલાહ પણ આપે કે “ભાઈ, મોભામાં રહેવું જોઈએ. બહુ સરળ ન બનાય !” આવી માનસિકતાથી તો કલામસાહેબ યોજનો દૂર હતા ! આપણા લેખક અને વિચારક ગુણવંત શાહ દંભ અને તેમાંથી ઉત્પન્ન થતી વિચારશૈલી તથા કાર્યોના ભારે વિરોધી છે અને નિખાલસતાના આગ્રહી છે. આ સંદર્ભમાં હું એમ અવશ્ય કહી શકું કે ડૉ. કમાલ તેમનું એક આદર્શ ઉદાહરણ બની રહે. અહીં મૂળ વાત એ જ છે કે સાચા મોટા માણસને દંભ અને દેખાવની જરૂર પડતી નથી, તેનું અસ્તિત્વ એ જ તેનો પુરાવો બની રહે છે.

પણ આ બધામાં અતિ પાયાની વાત તો એ હતી કે તેમનું હૃદય માનવમાત્રને માટે, દરેક ભારતવાસીને માટે, અને ખાસ તો યુવા પેઢી અને બાળકો માટે કેવળ અદ્‍ભુત પ્રેમથી સદૈવ ભરપૂર રહેતું. તેમનું કોઈ પણ વ્યાખ્યાન કે યુવાનો સાથેની વાતચીત સાંભળો અને જુઓ એટલે તરત તમને આ વાતની ખાતરી થઈ જશે ! કદાચ આ જ તેમની સાચી આધ્યાત્મિકતા પણ હતી. અને અલબત્ત એ જ કારણે તેમને લોકોનો અઢળક પ્રેમ પણ મળ્યો છે !

કૉલેજના દિવસોમાં મારે અનેક વાર રજાઓમાં ગોંડલમાં આપણા કવિ શ્રી મકરન્દ દવે સાથે રહેવાનું બનતું. અમે સાહિત્ય, વિજ્ઞાન અને અન્ય અનેક દુનિયાઓમાં વિહાર કરતા. એક દિવસ અચાનક જ મકરન્દભાઈએ એક કાગળમાં લખીને મારા હાથમાં ચબરખી પકડાવી દીધી, જેમાં લખ્યું હતું, “નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન !” કલામસાહેબના જીવનનો તો બસ આ જ મંત્ર હતો ! તેઓ કહેતા કે દ્રષ્ટિ વિકસાવો અને દ્રષ્ટાવાન બનો, અને તેઓ આગ્રહ રાખતા, “સ્વપ્ન જુઓ, ભવ્ય અને મહાન સ્વપ્નો જુઓ, તેમને વિચારોમાં પરિવર્તિત કરો, અને આ વિચારોને કાર્યમાં પરિણીત કરો !”

મને ખાતરી છે કે તેઓ પોતે ભલે સ્થૂળ દેહે આજે આપણી સાથે નથી, પણ તેમનો આ સંદેશ કરોડો ભારતવાસીઓના મન, વિચારો અને હૃદયમાં સદૈવ ગુંજતો રહેશે, વિશેષ શક્તિશાળી બનશે, અને આપણે કલામસાહેબનું એક વિકસિત, સુખી અને ભવ્ય અને દિવ્ય ભારતનું સ્વપ્ન અવશ્ય સિદ્ધ કરીશું !

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ડૉ. કલામની જીવન સાધના – પંકજ જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.