શરીર તારું સંભાળ રે…! – દિનેશ પાંચાલ

Man na mayabajar ma(‘મનના માયાબજારમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

વર્ષો પૂર્વે પિતાજીને ઍટેક આવ્યો હતો. તે દિવસોમાં મને સમજાયેલું કે આપણે ‘રામાયણ’, ‘મહાભારત’ અથવા રામ, સીતા કે કૃષ્ણ વિશે ઘણું જાણીએ છીએ પણ હૃદય વિશે કશું જાણતાં નથી. ત્યાર બાદ મેં હૃદયરોગ વિશે થોડાં પુસ્તકો વાંચ્યાં અને પિતાજીને પણ વંચાવ્યાં. મને લાગે છે કે અલ્લાહ વિશે ન જાણીએ તેમાં એટલું નુકસાન નથી જેટલું અલ્સર વિશે ન જાણવામાં છે. રામને બદલે હૃદય વિશે જાણવાનું જરૂરી છે, કેમ કે તનની અયોધ્યામાંથી રામ રૂઠીને ચાલ્યા જાય છે ત્યારે માણસને સમજાય છે કે જીવનભર રામાયણ વાંચતા રહ્યા પણ હૃદયરૂપી લંકાના રાવણને ન ઓળખી શક્યા. આપણે કૃષ્ણ વિશે જાણીએ છીએ તેટલું કૉલેસ્ટોરોલ વિશે જાણતા નથી. કંસ વિશે જાણીએ છીએ પણ કૅન્સર વિશે – (કૅન્સર એટલે કૅન્સલ…) એટલું જ જાણીએ છીએ. સુદામા અને વિદુર વિશે જાણીએ છીએ તેટલું દમ અને સુગર વિશે ક્યાં જાણીએ છીએ ? અનુભવીઓ કહે છે – ઈશ્વર વિશે કશું ન જાણો તો ચાલશે પણ ‘એઈડ્‍સ’ વિશે જાણી લો. બીડી, તમાકુ કે ગુટકાથી તમારું મોઢું ભરેલું હોય તે સંજોગોમાં તમારા હાથમાં ‘કૃષ્ણલીલા’ને બદલે કૅન્સરનું પુસ્તક હશે તો એ પુસ્તકનાં થોડાં પાનાં વાંચ્યાં બાદ શક્ય છે તમે મોંમાંના ગુટકા થૂંકી નાખશો. મને વારંવાર સમજાયું છે કે ઘડપણમાં ગીતા વાંચવા કરતાં અખબારોની આરોગ્યપૂર્તિ વાંચવાથી વધુ ફાયદો થાય છે. (સુગર, પ્રેસર કે વાનો ઉપાય ગીતા, કુરાન કે બાઇબલમાંથી નહીં, આરોગ્યપૂર્તિઓમાંથી પ્રાપ્ત થઈ શકે છે) રામકથાના પારાયણમાં બેસવા કરતાં યોગાસનમાં કે પ્રાણાયામમાં બેસવાનું વધુ ફાયદાકારક છે.

કોઈ ધર્મગુરુ તમને આકાશના ક્યા ખૂણામાં સ્વર્ગ આવેલું છે તેની માહિતી આપે તેના કરતાં કોઈ ડૉક્ટર તમારા પેટમાં ક્યાં અલ્સરની ગાંઠ આવેલી છે તે જણાવે તે વધુ ઉપયોગી બાબત છે. એથી વર્ષમાં એક સત્યનારાયણની કથા ન કરાવો તો ચાલે પણ એક વાર બૉડીચેકપ તો અવશ્ય કરાવવો જોઈએ. આજના તણાવયુક્ત જીવનમાં દશમાંથી સાત માણસને સુગર અને પ્રેસરને બરાબર ઓળખી લો. દશામા કે સંતોષીમા વિશે જાણવા કરતાં દમ અને સાઇટ્રીકા વિશે જાણી લેવામાં ફાયદો છે. બચુભાઈને છેલ્લાં બે વર્ષથી પગે વા થયો છે, તેઓ કહે છે – ‘યુવાન વયે મંદિરમાં નહીં, અખાડામાં જશો તો ઘડપણમાં મંદિર સુધી ચાલતા જઈ શકવા જેટલું ‘ભંડોળ’ પગમાં જળવાઈ રહેશે.’

તંદુરસ્તી વિના ઘણાં સુખો એકડા વિનાનાં મીંડાં જેવાં બની રહે છે. માણસ પાસે મારુતિ હોય પણ તેને માઈગ્રેન… મેનેન્જાઇટીસ… કે મણકાની બીમારી હોય તો મારુતિની ખાસ મજા રહેતી નથી. બચુભાઈ સાવિત્રીબહેને કહેતા – ‘ઘરમાં ટીવી અને બીબી બંને ના હોય તો ચાલે પણ શરીરમાં ટીબી કે બીપી ન હોવાં જોઈએ.’ અમારા એક દૂરનાં કાકી ટીબીમાં મ્રુત્યુ પામ્યાં હતાં. તેમના છેલ્લા શ્વાસ ચાલતા હતાં ત્યારે સ્વજનો તેમની પથારી પાસે બેસી ગીતા વાંચતા હતા. બચુભાઈએ ત્યારે સૌને મોં પર સંભળાવેલું – ‘ટીબીમાં જે કાળજી લેવાવી જોઈએ તે તમે લીધી નથી. હવે અંતઘડીએ એમને ગીતા વાંચી સંભળાવો છો તેને બદલે ટીબીના રોગ અંગેની જાણકારી આપતું કોઈ પુસ્તક વેળાસર વાંચી સંભળાવ્યું હોત તો આજે ગીતા વાંચવાની નોબત ના આવી હોત.’

હમણાં એક ડૉક્ટરનું પુસ્તક ‘સ્વસ્થ આહાર’ વાંચવા મળ્યું. આપણે ખોરાકને નામે કેટલું ઝેર આરોગીએ છીએ તેની ઘણી બાતમી એ પુસ્તકમાંથી મળી. એક વાત યાદ રાખવી પડશે. અલ્સર, એપેન્ડિક્સ. ડાયાબિટીસ કે સુગર-પ્રેસર થયા પછી જ આરોગ્યને લગતાં પુસ્તકો વાંચીશું એવી હઠ પકડવા જેવી નથી. શુભસ્ય શીઘ્રમ્‍…! મનને શાંતિ મળતી હોય તો ‘રામાયણ’, ‘મહાભારત’ જેવા ધર્મગ્રંથો ભલે વાંચીને પણ રોગ અંગેનાં પુસ્તકો વાંચવાથી તંદુરસ્તીનો રસ્તો જડશે. યાદ રહે, શ્રીહરિને ઓળખવા કરતાં શરીરને ઓળખવાનું હવે વધુ જરૂરી બન્યું છે. પુસ્તક વાંચ્યા વિના પણ તમને તમારાં કિસ્મતનાં સુખો મળી રહેશે પણ તેને ટકાવી રાખવાની સમજ આવાં પુસ્તકોમાંથી મળે છે. લકી ડ્રોમાં સ્કૂટરનું ઇનામ લાગે ત્યાં વાત પતી જતી નથી. તમને સ્કૂટર ચલાવતાં આવડવું જોઈએ. સ્કૂટર અંગેની પ્રાથમિક જાણકારી તમને ના હોય તો તમે સ્કૂટરનું સુખ નહીં ભોગવી શકો. તમારો બેડરૂમ ફુલ ઍરકન્ડિશન્ડ હશે પણ તમને વા કે દમની બીમારી હશે તો ઍરકન્ડિશન્ડનું સુખ તમે નહીં ભોગવી શકો. સુખ માત્ર ભૌતિક સાધનોમાં નથી હોતું – તે ભોગવી શકવાની આપણી પાત્રતામાં પણ રહેલું છે. કોઈ પુરુષ સોનાનો કાંસકો ખરીદી શકે એટલો ધનવાન હોય પણ તેને માથે વાળ જ ન હોય તો…?

ઘણી વાર પેટમાં ચરબીનો અદ્રશ્ય સંગ્રહ થયેલો હોય છે. દુશ્મનો આપણી સરહદમાં પ્રવેશી આપણા કેટલાક ઇલાકાઓમાં પોતાની છાવણી નાખી દે છે તે રીતે ચરબી પેટમાં અડ્ડો જમાવીને બેસી જાય છે. એથી બૅંકમાં લૉકર હોય એના કરતાં ઘરમાં વૉકર હોય એ બહુ જરૂરી છે. હીરો હૉન્ડા, બજાજ અને સ્કૂટી જેવાં ટુવ્હીલરો ચરબીના અડ્ડાને અદ્રશ્ય કવચ પૂરું પાડે છે. રોજ ત્રણ ચાર કિલોમિટર ચાલવું એ આજના યંત્રયુગની અનિવાર્ય જરૂરિયાત બની ચૂકી છે.

સ્ત્રીઓ બ્યુટીપાર્લરમાં જઈ હાથ, પગ અને ચહેરા પરની રુંવાટી દૂર કરાવે છે. ફેસિયલ, બ્લિચિંગ કે વૅક્સ કરાવે છે. પણ પેટ અને શરીર પર વધેલી ચરબીની તેમને ખાસ ચિંતા હોતી નથી. સોનું શરીરનો બાહ્ય શણગાર બની શકે છે પરંતુ કૉલેસ્ટોરોલ, હિમોગ્લોબિન, સુગર, પ્રેસર વગેરેનું યોગ્ય નિયમન એ શરીરની ભીતરી તાકાત બની રહે છે. ક્યારેક કંગન, નેકલેસ કે બંગડીઓમાં બિલ કરતાં કાર્ડિયોગ્રામ, એન્ડોસ્કોપી કે બાયપ્સીનું બિલ વધારે આવે છે. બંગડી વેચીને બાયપ્સી કરાવવી પડે એવા સંજોગો પણ ઊભા થાય છે. બૅંકની પાસબુકમાં બેલેન્સ વધારે હોય છે તે જેટલું રાહતભરેલું હોય છે તેટલું દેહની બૅંકમાં લાલકણ, હિમોગ્લોબિન, કૅલ્શિયમ વગેરેનું બેલેન્સ સફિશિયન્ટ હોય તે જરૂરી છે. યાદ રહે, હૃદયરૂપી લૉકરનાં એ કીમતી ઘરેણાં છે. આપણે બૅંકના લૉકરનું નિયમિત ભાડું ભરવાના જેટલા આગ્રહી હોઈએ છીએ તેટલા નિયમિત બૉડી ચૅકપ કરાવવાના નથી હોતા.

ઘરેણાંના ડબ્બામાંથી એકાદ ઘરેણું ઓછું થઈ જાય તો આખું કુટુંબ ચિંતામાં પડી જાય છે, પણ લોહીમાં લાલકણ, હિમોગ્લોબિન કે કૅલ્શિયમ ઓછું થઈ જાય છે તેની જાણ આપણને છેક હૉસ્પિટલના ખાટલે પડે છે. આપણાં દેહ પ્રત્યેની આવી લાપરવાહી ઉચિત ન ગણાય. આપણે હીંચકાના કડામાં તેલ પૂરવાનું ચૂકતાં નથી. કેમ કે હીંચકો ચીંચવાય તેની આપણને જાણ થઈ શકે છે, પણ દેહભીતરની કોઈ અદ્રશ્ય હોનારતની આપણને બહુ મોડી જાણ થાય છે. એથી જરૂરી છે કે દેહસૌંદર્યની જેટલી કાળજી લેવામાં આવે છે તેટલી હૃદય, ફેફસાં અને આંતરડાની પણ લેવામાં આવે. નહીં તો થશે એવું કે ટીપું તેલ મૂકવાથી હીંચકાનો ચીંચવાટ દૂર થઈ જશે પણ શરીરની ગરબડને દૂર કરવા તમારા બૅંકબેલેન્સનું ટીપેટીપું વપરાઈ જશે તોય બગડેલી બાજી ડૉક્ટરો નહીં સુધારી શકે. સૌને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે પણ ‘શરીરધર્મ’ નહીં પાળો તો એ જીવનનો સૌથી મોટો અધર્મ બની રહેશે.

તમારી લાપરવાહીથી શરીર કથળ્યું તો ભગવાનને પણ દોષ દઈ શકાશે નહીં. ડૉક્ટરો પાસે મોંઘા ટેસ્ટ અને ઑપરેશન સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. ચાલો આપણે (બૅંકબેલેન્સની જાળવણી અર્થે) નિયમિત દેહની જાળવણી પર ધ્યાન આપીએ. નિયમિત બોડીચૅકપ કરાવવો એ હવે નિયમિત માળા ફેરવવા કરતાં ય વધુ જરૂરી બની ચૂક્યું છે. બૅંકની પાસબુકમાં એન્ટ્રી કરાવવાનું આપણે ચૂકતાં નથી. કેમ કે આપણાં ખાતામાં કેટલું બેલેન્સ છે તે જાણવાનું આપણે માટે જરૂરી હોય છે. આપના દેહની બૅંકમાં તંદુરસ્તીનું બેલેન્સ કેટલું છે તે જાણવાનું પણ એટલું જ જરૂરી છે. યાદ રહે, બૅંક બેલેન્સનો બધો આધાર તંદુરસ્તીના બેલેન્સ પર રહેતો હોય છે. અમારા બચુભાઈના સાઢુ કરોડપતિ છે, પરંતુ તેઓ બધા જ રોગના શિકાર છે. બચુભાઈ પ્રારંભથી જ તેમને ગમ્મતરૂપે એમ કહીને ચેતવતા :

અગર અલ્સરમાં તું અટવાયો
પ્રેસરમાં પટકાયો…
સુગરમાં સલવાયો
અને કિડનીમાં કરમાયો…
કરોડ રૂપિયા હોય તારી પાસે
તોય તારાથી નિર્ધન બીજો ક્યો…?

તાત્પર્ય એટલું જ કે શરીરની સંભાળ રાખશો તો કસમયે તસવીર બની દીવાલ પર લટકવાનો સમય નહીં આવે. તમને મળેલી આયુષ્યની અવધિના પુરા સેકન્ડ, મિનિટ અને કલાક તમે સુખથી જીવી જાઓ એવો ‘દેહધર્મ’ જગતના કોઈ પણ ધર્મ કરતા અગ્રક્રમે આવે છે.

[કુલ પાન ૨૧૦. કિંમત રૂ.૨૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ૠણભાર – ડૉ. હર્ષદભાઈ વી. કામદાર
ઘટસ્ફોટ – હરીષ થાનકી Next »   

8 પ્રતિભાવો : શરીર તારું સંભાળ રે…! – દિનેશ પાંચાલ

 1. કાલિદાસ વ. પટેલ વાગોસણા} says:

  દિનેશભાઈ,
  ‘દેહધર્મ’ની સાચી સમજણ , એ જગતના બધા ધર્મ કરતાં વધારે ઊંચી છે. આ સમજાવતો હળવી શૈલીનો આપનો લેખ ઉત્તમ રહ્યો. આભાર.
  કાલિદાસ વ. પટેલ વાગોસણા}

 2. sandip says:

  કઈક અલગ પ્રકાર નઓ લેખ જાનવા મલિયો – તંદુરસ્તી માટે……

  આભાર્…

 3. jyoti says:

  લેખ સુન્દર છે.
  પરનતુ અલ્સર, પ્રેસર,સુગર, કૉલેસ્ટોરોલ વગેરેના સારા પુસ્તકૉની માહિતી જો ઊપ્લબ્ધ હોય તો જણાવવા વીનતી.

 4. Devina says:

  Khubaj saras ,vyavharic bhasha ma aarogya ni samjan aapto lekh

 5. સરસ અને બહુ જ કામનો લેખ. અહીં એનો પડઘો પાડ્યો છે –
  https://gadyasoor.wordpress.com/2015/09/28/health/

 6. Hiral says:

  પહેલું સુખ તે જાતે નર્યા. સરસ મજાનો લેખ.આભાર.

 7. Paras Bhavsar says:

  સરસ અને બહુ જ કામનો લેખ…

 8. urvee Pandya says:

  Excellent

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.