આસ્થા – નવીન ત્રિપાઠી ‘અલ્પ’

 (‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

જયસુખલાલની ગણના જિલ્લાના આદર્શ શિક્ષક તરીકે થતી હતી. કર્તવ્યનિષ્ઠા અને શિક્ષણ અભિરુચિને કારણે તેઓ બાલપ્રિય તથા લોકપ્રિય હતા.

એક દિવસ શાળાકીય પ્રાર્થના સંમેલનમાં નિષ્ઠા વિશે પ્રવચન આપીને તેઓ વર્ગમાં જવા નીકળ્યાં. ત્યાં જ ‘સાહેબ ! આપની ટપાલ !’ કહીને પોસ્ટમેને તેમને બે કવર આપ્યાં.

જયસુખલાલે નિઃસ્પૃહ ભાવે કવર તરફ નજર નાખી. એક પત્ર હતો ગાંધીનગરનો.. અને બીજો પત્ર હતો તાલુકા પંચાયત કચેરી, શિક્ષણ વિભાગનો.

માન્વસ્વભાવ મુજબ દૂરના સમાચાર જાણવાની જિજ્ઞાસા પ્રથમ થાય, તેમણે તે મુજબ ગાંધીનગરનો પત્ર પ્રથમ વાંચ્યો… તેમાં તેમને રાજ્ય સરકારશ્રી તરફથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળ્યાની અભિનંદન સહ જાણ કરવામાં આવી હતી.

જયસુખલાલને આનંદ થયો. તેમણે મનોમન પરમેશ્વરને વંદન કર્યા ને મોડે મોડે નિવૃત્તિને આરે પણ પોતાના નિષ્ઠાભર્યા કાર્યની કદર થઈ છે તેવું સંતોષપ્રદ સ્મિત કર્યું. પછી તેમણે બીજો પત્ર વાંચવાનું શરૂ કર્યું. તેમાં જણાવાયું હતું કે… અમારી શાળાકીય મુલાકાત દરમિયાન તમારી હાજરી શાળામાં ન હતી. તો તમારી સામે શિસ્તભંગ તેમજ ફરજ પ્રત્યેની બેદરકારી માટે પગલાં શા માટે ન લેવાં તેનો ખુલાસો કરવા માટે દિવસ બેમાં કચેરીએ રૂબરૂ આવી જવાનો આદેશ હતો.

જયસુખલાલની જગ્યાએ બીજો કોઈ હોત તો પ્રથમ પત્રથી મળેલા આનંદનું ક્યારનુંયે બાષ્પીભવન થઈ ગયું હોત ! અલબત્ત, જયસુખલાલને પણ દુઃખ તો થયું, પણ પોતાના સકારાત્મક સ્વભાવ મુજબ શાંતિથી પોતાની સ્મૃતિને સતેજ કરીને વિચાર્યું કે અધિકારીશ્રીએ જે તારીખે આ શાળાની મુલાકાત દર્શાવી છે તે તારીખે તો તેઓ પગારની ગ્રૂપ મિટિંગમાં મુલાકાત લેનાર અધિકારીશ્રી સમક્ષ ઉપસ્થિત હતા. તો પછી શાળામાં ગેરહાજરી અને ફરજ પ્રત્યેની બેદરકારી શી રીતે દર્શાવાઈ હશે ?

બીજે જ દિવસે તેઓ તાલુકા કચેરીમાં ગયા, તેમને જોઈને અધિકારી તાડૂકયા : ‘કાં શ્રીમાન, શાળા છોડીને ક્યાં જાવ છો આખો દિવસ ? છોકરાં ભણાવવાં નથી ને ગામ આખાની પંચાત કરવી છે કેમ? મારા વહીવટમાં આવી બેદરકારી નહીં પાલવે સમજ્યા !!’

જયસુખલાલનો અજંપો વધી ગયો, તેમને થયું કે હવે તો સાહેબની ગાડી આડે પટે ધસમસી રહી છે ! તેમણે સંપૂર્ણ સ્વસ્થતાથી નમ્રભાવે કહ્યું, ‘સાહેબ, જે દિવસે તમે મારી ગેરહાજરી દર્શાવી છે તે દિવસે તો હું, આપ સાહેબ સમક્ષ મિટિંગમાં આ કચેરીએ જ હાજર હતો. જેનો માત્ર આપના કહેવાથી જ ખુલાસો કરવા આવ્યો છું !’

અધિકારીને પણ મનમાં થયું કે ક્યાંક ઉતાવળ તો જરૂર થઈ છે, પણ તાબાના કર્મચારી પાસે કબૂલે તો અધિકારી શાના ? તેમણે સિગારેટ સળગાવી, ને ધ્રૂમવલયો રચ્યાં ને બોલ્યાં, ‘એટલે હું ખોટો ને તમે સાચા છો તેનો ખુલાસો કરવા આવ્યા છો એમ જ ને?’

‘ના, હું તો માત્ર મારી વાત સાચી છે તે જણાવવા માટે આવ્યો છું.’ ધુમાડાથી ગૂંગળાઈ ગયેલા જયસુખલાલે નમ્ર છતાં મક્કમ સ્વરે કહ્યું..

‘હં.. હં.. ઠીક છે ! મિટિંગ પૂરી થયા પ્છી તમારે મથકે તમે ક્યારે પહોંચ્યા ?’

‘જી… સાંજે પાંચ વાગે ! હં… ત્યારે બરાબર!’ જાણે કંઈક યાદ કરતા હોય તેમ તે અધિકારી બોલ્યા : ‘હું બરાબર છ વાગે તમારા ગામમાં આવ્યો હતો, ત્યારે તમે ગામમાં પણ હાજર ન હતા… મેં પંચાયતના પટાવાળાને આપને ઘેર મોકલ્યો હતો.’ બિલાડી જાણે ઉંદરને રમાડતી હોય તેમ તે અધિકારી જયસુખલાલને સાણસામાં જકડવા લાગ્યા.

‘આપની વાત સાચી જ હશે… હું બસ સ્ટેશનથી ઘેર ગયો… ને જાણ્યું કે મારી પત્ની એકાએક બીમાર થઈ જતાં પડોશીઓ તેને શહેરના દવાખાને સારવાર માટે લઈ ગયા છે. તે જાણીને હું સીધો દવાખાને પહોંચ્યો… પણ.. પણ સાહેબ… તે.. તે…’ જયસુખલાલને ગળે ડૂમો ભરાઈ આવતાં તે વધુ ન બોલી શક્યો.

‘ઠીક છે ! ઠીક છે !! જયસુખલાલ ! એ તો બધું બનવાકાળ છે, પણ સમજી લ્યો… લાગણી અને ફરજ એ બે અલગ છે ! તમે રહ્યા પાછા ગામના હિતેચ્છુ ! તમને કાંઈ વધુ કહેવાય ? આ વખતે તો તમને તમારી પરિસ્થિતિ પ્રમાણે જવા દઉં છું, પણ મારી આવતી મુલાકાત વખતે આવું ન બને… ગામની પંચાત કરવા માટે શાળામાં તમારી ગેરહાજરી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે ! ને સાંભળો ! નોકરીમાં રસ ન હોય અને ગામની પંચાત કરી પૈસા કમાવવા હોય તો રાજીનામું આપી દેવું ! ઠીક છે, તમે જઈ શકો છો !’

જયસુખલાલે જતાં જતાં એક પત્ર સાહેબ સમક્ષ રજૂ કર્યો, ‘શું છે આ વળી ?’ પછી પત્ર તરફ નજર કરી કહ્યું… ‘તમને વળી શ્રેષ્ઠ શિક્ષક – આદર્શ શિક્ષક તરીકેનું બહુમાન મળ્યું ?’

‘સાહેબ, આ તો મારી શિક્ષણસાધના ને નિષ્ઠાભરી ફરજનું ફળ છે !’

‘જયસુખલાલ ! તમને મળેલ બહુમાનથી હું રાજી થયો છું. પણ હવે ગામની પંચાત ને ગામના અન્ય વહીવટમાં દખલ ન કરો તેમાં જ તમારું હિત છે ! સમજ્યાને ?’

પોતાને ગામ જતી બસમાં બેઠેલા જયસુખલાલે વિચાર્યું કે બધા મને એમ કેમ સલાહ આપે છે કે ગામના પ્રશ્નોની પંચાત ન કરો ! એકાએક તેને યાદ આવ્યું કે તેના પડોશીની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે વ્યવસાય માટે સહાયની માગણી કરી હતી. પણ સંબંધિત અધિકારી તેને વારંવાર ધક્કા ખવડાવતા હતા, તેથી આ સહાય નિયમનજરે મંજૂર થવા માટે વિનંતી સાથે રજૂઆત કરી હતી. કદાચ આ વાત ફરિયાદના રૂપમાં રજૂઆત થઈ હશે, ને તેનો જ આ પડઘો હશે ! હવે આ વાતનો કંઈક તાળો મળતો જણાયો. પછી તો આવા પ્રસંગો ઉપરાઉપરી બનતાં પોતે નાસીપાસ થયા ને બદલીની માંગણી કરે તેવી વણમાગી સલાહો પણ મળવા લાગી ને એક દિવસ તો તેમની બદલી છેક છેવાડાના ગામે થયાનો ઑર્ડર આવી પણ ગયો. પત્નીની વિદાય પછી આમ પણ જયસુખલાલ વિષાદમય જીવન પસાર કરતા હતા.

જયસુખલાલે બદલીનો ઑર્ડર પત્નીની છબિ પાસે મૂક્યો ને મનની મૂંઝવણ વ્યક્ત કરતાં બોલ્યા : ‘આ નોકરી હવે મને તારા ગયા પછીની એકલતામાં બોજો લાગે છે, નથી નિશાળમાં ગમતું કે નથી ઘેર ને વળી ઉપરથી મારી નિષ્ઠાભરી નોકરીની તાલુકાકક્ષાએ આવી અપમાનભરી સ્થિતિ ! આવી અવગણના ? હવે તો રાજીનામું આપીને જે રકમ મળે તે સારી સ્મૃતિ રૂપે તને ગમતી સંસ્થાઓમાં આપી દેવાની ઈચ્છામાં તારી અનુમતિ છે ને ?’ ને જાણે પત્નીની અનુમતિ મળી ગઈ તેમ જાણીને બીજે દિવસે રાજીનામું સુપરત કરવા તાલુકા કચેરીમાં હાજર થઈ ગયા !

આજે ઑફિસમાં વાતાવરણ સન્નાટા જેવું હતું. કર્મચારીઓ ટોળે વળીને ચર્ચા કરતા હતા. જયસુખલાલે પટાવાળાને પોતાના નામની કાપલી આપીને સાહેબને મળવું છે તેમ જણાવ્યું.

પટાવાળાએ કહ્યું, ‘આજે તો સાહેબ કોઈને મુલાકાત આપતા જ નથી !’ જયસુખલાલે કહ્યું, ‘છતાં મારી ચિઠ્ઠી આપી તો જુઓ.’ ને મુલાકાત મળી પણ ખરી !

જયસુખલાલે મક્કમ છતાં છાની ફડક સાથે ચેમ્બરમાં પ્રવેશ કર્યો, જોયું તો તે અધિકારી માથા ઉપર બે હાથ ટેકવી ગમગીન થઈને બેઠા હતા. તેમણે જયસુખલાલને ઈશારાથી કહ્યું, બેસો.

સાહેબે ઘંટડી વગાડી પટાવાળા પાસે પાણીનો ગ્લાસ મંગાવી જયસુખલાલને આપવા જણાવ્યું. જયસુખલાલ એકીશ્વાસે પાણી પી ગયા. સ્વસ્થ થઈને પછી પેલો રાજીનામાવાળો પત્ર સાહેબ પાસે સરકાવ્યો. સાહેબ જરાક હસ્યા, ને બોલ્યા, ‘જયસુખલાલભાઈ ! મેં તે દિવસે તમને કહ્યું ને તમે રાજીનામું લખીને લઈ પણ આવ્યા !’

જયસુખલાલે કહ્યું, ‘સાહેબ, તમે તે દિવસે સાચું જ કહ્યું કે લાગણી અને ફરજ બંનેને સાથે સાચવવા સહેલાં નથી ! મારી પત્નીની વિદાય પછી હવેની જિંદગી સરળ રીતે પસાર કરવા કોઈ વાદ-વિવાદ, આંટીઘૂંટી, કાવાદાવા, માન-અપમાનથી દૂર રહેવા હવે હું કોઈ બંધન સ્વીકારવા તૈયાર નથી, તેથી હવે જવાબદારીથી મુક્ત થવા આ રાજીનામું આપી રહ્યો છું !’

‘જયસુખલાલભાઈ !’ સાહેબે ભાવવિભોર થઈ કહ્યું, ‘તમારી લાગણી-ભાવનાની હું કદર કરું છું પણ એક છૂપી વેદના તરીકે… મારા વર્તનથી નારાજ થઈને આ રાજીનામું આપો છો તેનો મને પસ્તાવો થાય છે.’ જયસુખલાલને સાહેબના આવા વર્તન-પરિવર્તનને કારણે આશ્ચર્ય થયું.

ત્યાં સાહેબ બોલ્યા, ‘શી વાત કરું જયસુખલાલભાઈ ! મારી પત્ની ગઈકાલથી એકાએક બેભાન થઈ ગઈ છે ! ડૉક્ટરના કહેવા મુજબ હજી બે દિવસ પછી સભાન થશે. આ અવસ્થામાં તેનો બે દિવસનો વિયોગ ખરેખર કઠિન કહેવાય, જયસુખભાઈ ! હવે તો તમે એવા આશીર્વાદ આપો કે જલદી ભાનમાં આવે.’ ને પછી તેઓ દયામણે ચહેરે તાકી રહ્યા…

જયસુખભાઈ બોલ્ય, ‘સાહેબ ! મેં મારું શિક્ષણ, કર્તવ્ય અને ફરજ જો નિષ્ઠાપૂર્વક બજાવ્યાં હોય તો સાધનાના ફળસ્વરૂપે મારા અંતરના આશીર્વાદ તુરત જ ફળશે. મારી શુભેચ્છા સદાય આપની સાથે જ છે કે આપ સપરિવાર સુખી રહો.’

ત્યાં જ ટેબલ પરનો ફોન રણકી ઊઠ્યો… સાહેબે તેને અધીરાઈથી ઉપાડ્યો… ‘હા…જી હા… ડૉક્ટરસાહેબ ! બોલો… બોલો… શી ખબર છે ? અરે ! વાહ ! સારા સમાચાર ! તે ભાનમાં આવી રહી છે ! આપનો આભાર ! બસ, એક અગત્યની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હમણાં જ હૉસ્પિટલ આવી રહ્યો છું…’ ને સાહેબની આંખો જાણે શ્રાવણ-ભાદરવો બની ટેબલ પર પડેલા રાજીનામાપત્રને વરસાદની વાછંટની જેમ ભીંજવી રહી…

તે બોલ્યા… ‘જયસુખલાલભાઈ ! તમારા આશીર્વાદ તો તુરત ફળ્યા !’ સાહેબ તથા જયસુખભાઈ ઊભા થયા. સાહેબે રાજીનામાવાળા પત્રના નાના-નાના ટુકડા કરી જયસુખભાઈને આપતાં કહ્યું, ‘તમારી થયેલ બદલી રદ થઈ જવાની ભલામણ થઈ જશે… જયસુખલાલભાઈ !’ પછી જયસુખલાલભાઈને ખભે હાથ મૂકી સાહેબ ચેમ્બરની બહાર આવ્યા.

સાહેબે આપેલા રાજીનામાવાળા પત્રના ટુકડા જયસુખલાલે સાહેબના દેખતાં જ કચરાપેટીમાં નાખ્યા. જયસુખલાલ તથા સાહેબ પાંપણના છેડા લૂછતા સહેજ મલક્યા, જતાં જતાં જયસુખલાલભાઈએ પાછળ વળીને જોયું તો સાહેબ સ્ટૂલ ઉપર બેસી તેમને આવજો… આવજો… કરી રહ્યા હતા. બંનેની આસ્થા અડગ હતી.

સંપર્ક : ડી-૫, અરિહંતનગર, ભૂજ-કચ્છ-૩૭૦ ૦૦૧, મો. ૯૮૨૫૭ ૬૫૬૬૨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “આસ્થા – નવીન ત્રિપાઠી ‘અલ્પ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.