- ReadGujarati.com - http://www.readgujarati.com -

પ્રેમીના પપ્પાનો પત્ર – મણિલાલ હ. પટેલ

(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૪ના અંકમાંથી)

ચિ. સમતા,

હું, નીતિન પટેલ, તને ક્યા નાતે આ પત્ર લખી રહ્યો છુ ? – એવો પ્રશ્ન તને અને મને : બંનેને થાય એ સહજ છે. એનો હાથવગો, કહો કે હોઠવગો ઉત્તર અત્યારે તો એમ આપી શકાય કે નામ વગરની લાગણીને નાતે આ પત્ર લખાય છે. જેમ સ્નેહભાવ વિનાના સમ્બન્ધો હોય છે એમ કેટલાક સમ્બન્ધ વગરના પણ ખાસ સમ્બન્ધો હોય છે ! આપણો પણ કદાચ એવો જ કોઈ સમ્બન્ધ હશે ? ન જાને… નામ પાડી શકાય એવા કોઈ સમ્બન્ધની દિશામાં સમય આપણને લઈ જઈ શકે એમ છે… જો કાળ કઠોર ન બને તો ! આ પણ કેવી વાત ! ખેર, જવા દઈએ એવી વાતો… જે આપણને ઘડે છે છતાં આપણને ગમતી નથી, કદાચ !

આ લખું છું એની જાણ મારા દીકરા ચિ. તન્મયને કરીશ જ. જેને તું ‘તનુ’ કહે છે અને એ તને ‘સમી’ કહીને સમ્બોધે છે. તમે બન્ને એકબીજાને ચાહો છો અને લગ્ન કરવા માટે પરસ્પરનાં મમ્મી-પપ્પાની સમ્મતિ ઈચ્છો છો… ‘આમ તો એટલો મોટો કોઈ પ્રૉબ્લેમ નથી’, એવું તન્મય માને છે. પણ એક માણસની ‘સમ્પૂર્ણ ના’ હોય; ને બીજે પક્ષે બીજી વ્યક્તિની સમ્મતિ તો હોત પણ અંદરથી પાતળી પ્રસન્નતા પરખાતી હોય ત્યારે મને એનાં જોખમોનો ખ્યાલ છે. વિઘ્નો અને પીડા વગરની સીધી ‘પ્રેમપ્રાપ્તિ’ તો ક્યાં છે ? ને હોય તોપણ એની મજા શી ?! ક્યારેક અસમ્મતિમાં હઠાગ્રહ-અંગત વેઠ્યાની-જિદ્દ હોય છે; તો સમ્મતિમાં અંદરથી એકલાં એકલાં પીડા વેઠી લેવાની તૈયારી હોઈ શકે ! સંતાનોનું સુખ ન ઈચ્છનારાં મા-બાપ તો ભાગ્યે જ હોય છે. તો, મા-બાપની પીડા કે પ્રસન્નતાને ઠરીને સમજી શકે એવી પક્વતા, સંતાનોમાં એ ઉત્સાહ-ઉલ્લાસની વયે ન હોય એય સ્વાભાવિક છે. સમજણ, અનુભવનું સંતાન હોય છે. સમતા ! હજાર હજાર મોઢાવાળા વાસ્તવને તમે બંને કેટલેક અંશે તો સમજો જ છો… એ અણધાર્યું કયું મોઢું ખોલશે એ નક્કી નથી હોતું. ને એની સામે –

પ્રેમ તો સાવ નોખી અને નખરાળી વસ છે… ઝટ ઝટ ગમવા લાગે પણ એની ચાલ પરખાતાં-પકડાતાં વર્ષોય નીકળી જાય એમ બને. પ્રેમ તો છે કાળમીંઢ પથ્થરો વચ્ચેય ઊછળતું-કૂદતું ઝરણું. પથ્થરોના અવરોધો સાથે એ અફળાય છે, ચૂરચૂર થાય છે ને ત્યારે જે ગાય છે એ ગીતે તે પ્રેમ છે. પથરીલા પ્‍હાડોને પોચા કરીને એની કૂખમાંથી પ્રગટે છે – બુન્દ બુન્દ… ને પછી થનગને છે વ્હેવા… પૃથ્વી ખૂંદી વળવા ચાહે છે એ નાનકડું નટખટ નિર્ઝર ! વખતે ન વહેવા મળે તો પડી રહે છે છેક તળિયે-ભીતરમાં ! પ્‍હાડો પર વૃક્ષો સદાકાળ લીલાં કેમ રહે છે, જાણે છે ? સમતા ! પેલું નહિ વહી શકતું નિર્ઝર એમને ભેજ આપ્યા કરે છે. પ્રેમનુંય એવું જ છે. એ ઊંડે દબાઈ-છુપાઈનેય ચાહ્યાંને લીલાંછમ રાખે છે. તારાં મમ્મી = પન્ના – એનું દ્રષટાંત છે. – તું એમને જાણે છે ખરી ?! હું તારાં મમ્મી પાસેથી આવું આવું તો ઘણુંય શીખ્યો હતો.

હા, પન્ના અને હું પરસ્પર ચાહતાં હતાં – કૉલેજનાં એ વર્ષો હતાં. હું પન્નાનો હાથ માગવા તારા નાનાજી (દાદાજી) પાસે ગયેલો, બહુ ઉત્સાહમાં હતો અને હાજરજવાબીય એવો જ ! આપણો એક સમાજ, એક જ ગોળ, જ્ઞાતિ પણ એક જ. ને એ આપણાં ગામ પણ પાસપાસે. (આજે આપણે જુદાં જુદાં શહેરોમાં વસી ગયાં છીએ.) એ જમાનાનું શિક્ષણ અને તૈયાર નોકરી – ત્રણેક દાયકાની વાત છે ! મને તો હતું કે નાનાજી માની જશે ! પણ ના. પહેલી વાત તો એ કહી કે પોતે પોતાનું ‘માગું’ લઈને ન અવાય. હાથમાં રૂપેરી હુક્કો, પીતાં પીતાં બોલતા જતા, એ તમ્બાકુની કડક સુગન્ધ મનેય લલચાવતી હતી. કહે, ‘તમે પન્નાના સહપાઠી. અમારા મહેમાન. રોટલો જોડે ખાઈશું. પણ છોકરી તો બરોબરીમાં જ અપાય-લેવાય, છોકરીના બાપાએ તો સો ગળણે ગાળીને પાણી પીવું પડે. મોઢિયાર !’ – એ ઘર, એ પડસાળે ઢાળેલા ખાટલા, રુએલ નવાં ગાદલાંની ગન્ધ ! નાનાજીનો એ સિક્કો… માનમરતબો… રીતિરિવાજ ! એ જમાનો રૂઢિચુસ્ત ખરો, પણ માણસો પ્રેમાળ અને ચોખ્ખા !

સમતા ! આ લખું છું ત્યારે તારી અને તન્મયની બધી જ સ્થિતિઓ જાણું છું એમ તો ન કહી શકું પણ તમારી બંનેની વેદના-સંવેદનાના ઘણા પહેલુઓ મને સ્પંદિત કરે છે. મારી વીતેલી વેળાઓ પણ ફેણ માંડીને સામે થાય છે. પન્નાના અને મારા રસ્તાઓ ફંટાઈ ગયા પછી આજે અઢીત્રણ દાયકા બાદ આમ નામ પાડીને તને લખ્યું છે. બાકી કદી મળવાનો કે કશે કશી તપાસેય કરવાનો વિચાર આવવા નથી દીધો. પણ એનો અર્થ એ નથી કે કોઈ કદી સાંભર્યું જ નથી ! લાગણીઓના અશ્વો ઘણી વાર ભીતરમાં તોફાન મચાવે ત્યારે કાબૂમાં કરતાં વેદના થઈ છે સમતા ! હાથમાંથી હાથ છૂટી જાય કે સમાજ આડો આવીને ઊભો રહે – સાથ પણ છૂટી જાય ! છતાં પ્રેમ તો રહે જ છે – છેક ભીતરમાં, પંડમાં તળિયે ! ક્યારેક અંદર રહીને રડાવે, શાંત પાડે, સમજાવે. ઘૂઘવે ને ઓટ બનીને ઓસરી જાય છે. જે પ્રેમ પ્રત્યક્ષપણે ભૌતિક રીતે પ્રાપ્ત થતો નથી એ જ પ્રેમ ગુપ્ત રહીને નિર્દય નિયતિની ચાલબાજી સમજાવે છે, એ જ નિર્ભ્રાન્ત કરે છે ને શાણપણ સંપડાવે છે. ખેર…!

તારી મૂંઝવણ પર આવીએ. તારા પપ્પા, મારી અને પન્નાની નિકટતા જાણતા હતા. એમને એમનાં લગ્ન પછી પન્નાના પ્રેમની વાત જાણવા મળેલી એવો મને ખ્યાલ છે. એમણે પણ બાજી સંભાળી લેવામાં સાર જોયો હોય, હવે આજે એ પપ્પાને, એ વાત કેમની ગળે ઊતરે, કે એમની દીકરી, એની મમ્મીના એક વખતના પ્રેમીના દીકરાને પરણવા માગે છે, ને એમણે એમાં સમ્મતિ આપવી જોઈએ ?! એમની જગ્યાએ હું હોઉં તોય ખચકાઉં અને દુઃખી પણ થાઉં ! મા-બાપને તો પોતાના સંતાન માટે જોયેલું પોતાનું સ્વપ્નું તૂટ્યાનીય પીડા થાય તે વધારામાં. અમારે પક્ષે તન્મયનાં મમ્મી – લતાક આજે તો દીકરાની લાગણી માટે, મારા વ્યતીતને વચ્ચે લાવવા નથી ચાહતી… પછી મનદુઃખ તો ભરી પિવાય ! પણ ગૂંચ તો છે જ.

પસંદગીના સ્વાતંત્ર્યની જેમ તને નિર્ણયનું સ્વાતંત્ર્ય પણ છે જ. જોકે એ કેટલી મોટી જવાબદારીની વાત છે એ આવી ગૂંચ વેળાએ સમજાય છે. નિર્ણય કર્યા પછીનો અનાગત શો હશે – કેવો હશે ? – એ વળી જુદી વાત ! રસ્તાઓ એકાધિક છે. ને તોય ‘એક રાહ તો વો હોગી જો તુમ તક પહુંચતી હૈ. ઇસ મોડ સે જાતે હૈં !’ સમતા ! આપણા નિર્ણયની કિંમત આપણે ચૂકવવી પડે ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ આપણા નિર્ણયથી અન્યોને થતી પીડા. ને એ નન્યો ‘પારકાં’ નથી. એમનું શું ? તને વધારે ગૂંચવવા નહિ પણ બધાં પાસાં ચકાસી જોવાની તક મળે એ માટે લખું છું. જેમ કે તારા પપ્પાનો પક્ષ વિચાર્યા વિના કેમ ચાલશે ?! એમની એકલતાઓમાં તારું હોવું – પાસે હોવું – વીતેલાં વર્ષોમાં; કેટલું તો શાતાદાયક હશે એ તો એ જ પ્રમાણી શકે ને !… ને હવે તું દૂર – એ જ્યાં તને મળવાય દોડી ન આવી શકે – ત્યાં હોય; ત્યારે એમનું ભીતર ચિરાઈ જ જાય ને ?!

હું એમ નથી કહેતો કે, પન્ના – સૉરી ! – તારા મમ્મીએ એમને નહિ સાચવ્યા હોય. વર્તમાનને સભર બનાવીને જીવી લેવાની તથા પોતાનાંને સાચવી લેવાની પન્નાની તત્પરતાની મનેય ખબર છે. પણ વર્તમાનની આડે વ્યતીતનો પડછાયો અનુભવવાની બાબતે પુરુષો વધારે આળા અને એવા આડા પણ હોય છે. એટલે એમની પીડાઓના સરવાળા તથા ગુણાકાર જ થતા રહે છે. અમારો એ સમય ‘પાકીઝા’ ફિલ્મનાં ગીતોની બોલબાલાનો હતો. અમારે નસીબે તો લૅન્ડલાઈન ફોન પણ નહિવત્‍ ! એટલે ગીતો સાંભલીને રાજી થતા. ‘મોસમ હૈ આશિકાના, યે દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના / સૂરજ કહીં ભી જાયે, ન તુમ પે ધૂપ આયે… / આ જાઓ મૈં બના દૂં પલકો કા ‘શમિયાના…’. આ ગીત અમને બહુ ગમતું – આજેય ગમે છે. રેડિયો પર ને હવે ટીવીમાં આ ગીત વાગે એટલે તનુની મમ્મા-મારી લતા; મર્મમાં તન્મયને કહે : ‘જો, જો તારા પપ્પાનું પ્રિય ગીત આવ્યું… સાંભળવા દેજે એમને !’ આપણાં સુખની ક્ષણને પીડાઓના પહેરા વચ્ચે અવરજવર કરવાની રહે છે. ને મેંય એકલ પ્રવાસોમાં – પહાડી રાત્રિ-નિવાસોમાં આવાં ગીતો દ્વારા પીડાની માધુરીથી જાતને માલામાલ કરી છે.

તમે તો ક્ષણક્ષણના ઓડિયો-વિડિયો પ્રત્યાયનના યુગમાં છો. વૉટ્‍સએપ, ફેસબુક – આ બધાં મેળવી આપે છે, જોડેય છે; પણ જ્યારે રસ્તા-મોડ-મંઝિલ બદલાઈ જાય, નવી દિશા લેવી પડે ત્યારે પેલાં બધાં જ; વ્યતીતને વર્તમાન પર ઝીંકતાં રહે છે. જીવવાનું એના દરેક તબક્કે પડકાર છે… ઉપાડ્યે જ છૂટકો. પ્રિયને ભૂલવાનું, ચાહીનેય અઘરું છે. સમય એમાં મદદ કરે એ જ સત્ય છે. છતાં મેં તારાં મમ્મીને – અમે ફરી કદી નહીં મળવાના મોડ પર હતાં તે દિવસે – ‘વિદાય’-ની થોડીક પંક્તિઓ આપેલી. જે આપણને બધાંને આંખોમાં નમી લાવવા માટે સદાકાળ સાથ આપે એવી છે :

“કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે;

અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે.

મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.

કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં,

કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,

જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં.

રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,

ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં !”

પ્રેમ બાંધતો નથી, સાચો પ્રેમ તો મુક્તિ આપે છે.

સમતા ! હું ચાહું કે તન્મયે આ પંક્તિઓ તને મોકલવી નહિ પડે. એ વ્યતીત આપણી વચ્ચે પુનઃ દોહરાય નહીં એવી ઝંખના છે. માટે તને જણાવું છું કે – અમે હા, અમે ત્રણે, તને અમારી સાથે આપણા ઘરમાં જોવા ઉત્સુક છીએ. તું જ્યારે, જે રીતે આવશે – કે અમને તેડવા બોલાવશે – અમે તારા સ્વાગત માટે તૈયાર છીએ. વિધિવિધાન તો થઈ પડશે. મારે પક્ષે આ વચન છે… પપ્પા માટે દીકરાથીય દીકરી વધારે કેમ હોય છે – એ તો તુંય હવે સમજે છે. અમારી પાસે કાયમી ધોરણે આવ્યા પછીય તને મમ્મી-પપ્પા પાસે જવાની અને તારા પપ્પા કબૂલે તો એમનેય મળવા બોલાવવાની રજા લેવાની તને કશીય જરૂર નહિ રહે… આ ઘર બધાં માટે ખુલ્લું છે.

હું વચનબદ્ધ છું… નિર્ણય કરવા માટે તું સ્વતંત્ર છે !

– મણિલાલ હ. પટેલ, સંપર્ક : ‘સહજ’ બંગલો, શાસ્ત્રી માર્ગ, બગીચા પાસે, વલ્લભવિદ્યાનગર-૩૮૦ ૦૦૯