- ReadGujarati.com - http://www.readgujarati.com -

પન્નાએ કહેલી વાત – હિમાંશી શેલત

 (‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી)

રોજ સાંજે બગીચામાં એકાદ કલાક રમવાનો સમય છોકરાંઓ ગમે ત્યાંથી કાઢી લેતાં. સાંજે રમવાથી તાજાં થઈ જવાય, એવું એમના માબાપ પણ સ્વીકારે. આમ રમવાનો નિયમ બરાબર સચવાય, કોઈ દિવસ વળી રમવાને બદલે બધાં અંતકડી રમવા બેસી જતાં.

આજે તો છોકરાંઓ એકઠાં થયાં કે તરત પન્નાએ જાહેર કરી દીધું કે એની પાસે એક નવીનક્કોર અને માન્યામાં ન આવે એવી વાત છે, જેને સાંભળવી હોય એ ઝટપટ બેસી જાય. પન્ના બાંકડે બેઠી. ભારે આતુરતાથી સહુ પન્ના સામે જોવા લાગ્યાં. શેની વાત કહેવાની હશે પન્નાને ? જવાબ કોઈ પાસે નહોતો. પન્નાએ ખોંખારો ખાઈ વાત માંડી.

“આજે અમારી પરીક્ષાનો છેલ્લો દિવસ હતો…”

“તે અમારેય છેલ્લો દિવસ જ હતો !” સંજયથી બોલ્યા વિના ન રહેવાયું.

“એ… એ… વચ્ચે વચ્ચે બોલ નહીં !” બે-ત્રણ જણે સંજયને ચૂપ કરી દીધો. પન્નાએ આગળ ચલાવ્યું.

“અમે તો ભઈ છેલ્લી ઘડી સુધી વાંચ્યા કરતાં હતાં. સમાજવિદ્યાની પરીક્ષા એટલે વાંચવાનું બહુ. બેલ પડ્યો એટલે સમતાબહેન પેપર લઈને આવી ગયાં. આવીને શાંતિથી બધું ટેબલ પર ગોઠવ્યું.”

હવે તો સહુની ઇંતેજારી ખૂબ જ વધી ગઈ. શું બન્યું હશે એની કલ્પના કરવી મુશ્કેલ હતી. પરીક્ષા હતી એટલે થઈ થઈને નવું તે શું હોય ? કોઈકે ચોરી કરવાની કશી નવી રીત શોધી કાઢી હશે અથવા તો ચોરી કરતો વિદ્યાર્થી પકડાઈ ગયો હશે. છોકરીયે હોય કોઈ, શી ખબર !

“પછી ? પછી શું થયું ? ઝટ ઝટ કહે ને !” માયા ઉતાવળી ઉતાવળી કહેવા લાગી.

“અરે ! સાંભળો તો ખરાં ! સમતાબહેન પછી બોલ્યાં કે આજે કોઈએ પુસ્તકો કે નોટબુક બહાર મૂકવાનાં નથી. બધું અંદર જ રહેવા દો અને આજે તમે પેપર લખશો ત્યારે વર્ગમાં કોઈ શિક્ષક હાજર નહીં રહે, કોઈ કરતાં કોઈ જ નહીં !”

“ઓ, મા ! તો તો કેટલી બધી ચોરી થાય ! આવું કંઈ કરાય ?” જીભ કાઢી રીના બોલી.

“અમને પણ એમ જ થયું, સમતાબહેન કદાચ મજાક કરતાં હશે. બાકી બહેન પીઠ ફેરવે તોયે અંદર અંદર સહુ મસલત કરવા માંડે તો એ હાજર જ ના હોય તો તો ભારે થાય ! અમે તો બેઠાં રહ્યાં નવાઈમાં. ત્યાં સમતાબહેન બોલ્યાં કે આ કંઈ મજાક નથી. સાચેસાચ આમ જ કરવાનું છે.”

“તે પછી સમતાબહેન ખરેખર વર્ગની બહાર જતાં રહ્યાં ?” સંજયે પૂછ્યું.

“હા, જતાં પહેલાં એમ બોલ્યાં કે ચોરી કરીને પાસ થવું કે વધારે માર્ક મેળવવા એના જેવી શરમની વાત એકેય નથી. એ તો જાતને છેતરવા જેવું છે, કારણ કે જે ચોરી કરે છે એને તો ખબર જ છે કે પોતે કશું ખોટું કરી રહ્યો છે. એ રીતે કોઈની મદદથી પાસ થયાં એમાં શી આવડત ? અમારે તો આ નિશાળમાં ભણનારાઓને સાચા સિક્કા બનાવવાના છે, નકલી અને બનાવટી નહીં !”

“લે, આવું તો કોઈ દહાડો નથી જોયું કે નથી સાંભળ્યું !” ગીતાએ કહ્યું.

“તે જ તો ! એટલે તો મેં કહ્યું કે આ એક નવીનક્કોર વાત છે. !”

“પછી તમે એકલાંએ પરીક્ષા આપી ?” સંજય પન્ના સામે જોઈને બોલ્યો.

“હા, સમતાબહેને આટલો ભરોસો મૂક્યો તે એમને એમ કંઈ ઓછું કહેવાય કે ના, તમે ના જતાં, નહીં તો અમે ચોરી કરીશું ?”

“કોઈએ ચોરી કરી નહીં ?” એકે પૂછ્યું.

“ના, હો ! એક છોકરો ઊભો થઈને નોટબુકમાં જોવા ગયો, પણ સહુએ હો-હો કરીને એને બેસાડી જ દીધો. એયે પછી તો ગભરાઈ ગયો. એ એકલો ને સામે આટલાં બધાં, પછી ચોરી કરવાની હિંમત જ ક્યાંથી લાવે ?” પન્નાએ વાત  પૂરી કરી. સહુ એકદમ જ સ્તબ્ધ થઈ ગયાં.

“પેપર લખી રહ્યાં એટલે સમતાબહેન વર્ગમાં આવ્યાં. પછી કહે જો ચોરી કરી હોય તો તમારી જાતને પૂછીને સાચો જવાબ મેળવજો. ખરો સુપરવાઈઝર તો દરેકની અંદર જ બેઠો છે. એણે જ તમને રોકવાનાં છે ચોરી કરતાં, બરાબર ?”

“આપણે ચોરી કરીએ ત્યારે આપણને તો ખબર જ હોય છે કે, જે માર્ક મળ્યા તે ઉછીના મળ્યા છે.” મુન્નો વિચાર કરતાં કરતાં બોલ્યો.

“એટલે જ તો સમતાબહેને કહ્યું કે, ચોરી કરીને પાસ થવામાં શી બહાદુરી… જે તમારી પાસે નથી તે બીજા પાસેથી લઈને દેખાડવામાં હોશિયારી શું દેખાડવાની ?”

“તારી વાત તો, પન્ના, ગળે ઊતરે એવી નથી. અમને ઉલ્લુ તો નથી બનાવતી ને ?” સંજય હજીયે શંકામાં હતો.

“ના, સાવ બનેલી જ વાત છે. આ તો સાચ્ચી…” પન્નાની આખીયે વાત ધ્યાનથી સાંભળતાં વિજયા બા સામે બાંકડે જ બેઠેલાં. હવે એમનાથી બોલ્યા વિના ન રહી શકાયું.

“અરે, છોકરાંઓ ! તમે તો નાનપણથી, વાંચતાં થયાં ત્યારથી ગાંધીજી, વિવેકાનંદ, સરદાર પટેલ જેવા નેતાઓ અને મીરાં, કબીર, સુરદાસ જેવા સંતોની કથાઓ ભણો છો તે ચોરી કર્યા વિના પરીક્ષા આપવા જેટલો નાનક્ડો ગુણ પણ ના અપનાવી શકો ? ને એટલુંયે ન થાય તો ભણવું, નિશાળે જવા-આવવાની આ મહેનત શા ખપનાં ?”

વિજયા બાના સવાલનો જવાબ કોઈથી આપી ન શકાયો.

– હિમાંશી શેલત