ક્ષણે ક્ષણે રત્ન – નીલેશ મહેતા

 (નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે રત્ન’ પુસ્તકમાંથી. જિંદગીના મોતીચારા સમાન પ્રેરક પ્રસંગો ધરાવતા આ પુસ્તકમાં ૪૪ પ્રસંગો આપવામાં આવ્યા છે, તેમાંથી ૫ પ્રસંગો અહીં પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

(૧) બાળકના બાળપણની મજા

એક મોટા બગીચામાં બાળકો રમતાં હતાં. બગીચાની એક બેંચ પર એક પુરુષ બેઠેલો હતો. ઘણા સમયથી શાંતિથી બેઠેલો હતો. થોડીવાર પછી ઘડિયાળમાં સમય જોઈને તેણે પોતાની દીકરીને પાસે બોલાવીને કહ્યું, ‘દીકરી, હવે ઘરે જઈશું ?’ દીકરીએ મીઠા અને લાડભર્યા સ્વરે કહ્યું, ‘પપ્પા પાંચ મિનિટ, પ્લીઝ !’ પપ્પાએ માથું હલાવી હા પાડી. દીકરીએ આનંદમાં આવી જઈ સાયકલ ચલાવવાનું ચાલું રાખ્યું. જાણે ધરાઈને સાયકલ ચલાવી હોય એવો સંતોષ એના ચહેરા પર દેખાતો હતો. થોડીવાર પછી પપ્પાએ દીકરીને ફરી બોલાવી કહ્યું, ‘દીકરી, ચાલ હવે તો ઘરે જઈશું ને ?’ વળી દીકરીએ વધુ પાંચ મિનિટ સાયકલ ચલાવવા દેવા મીઠી ભાષામાં આજીજી કરી અને કહ્યું, ‘પાંચ જ મિનિટ !’ પપ્પાએ સ્મિત કર્યું અને કહ્યું : ‘જા ભલે !’ આ બધું બાજુની બેંચમાં બેઠેલી વ્યક્તિ ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. પછી કહ્યું, ‘મિત્ર, તમે તો ભારે ધીરજવાળા પપ્પા છો !’ તેણે સ્મિત કર્યું અને પછી લાગણીભર્યા અવાજે કહ્યું, ‘મારે એક દીકરો પણ છે. આ દીકરીથી મોટો છે. મારી ભાગદોડભરી જિંદગીમાં હું તેનું બાળપણ કોઈ દિવસ જોઈ શક્યો નહિ. હવે તો એટલો મોટો થઈ ગયો છે કે તે પોતાનું કામ પોતે જ કરે છે. મારી પાસે કોઈ દિવસ ડિમાન્ડ લઈ નથી આવતો. મને ખૂબ જ અફસોસ છે કે મેં મારા દીકરાનું બાળપણ ન જોયું, તેની રમત ન જોઈ, તેની કોઈ ડિમાન્ડ સાંભળી નહીં. આ મારી નાની દીકરી સાથે વધુ પાંચ મિનિટ ગાળવા મળે એ મને ગમશે. તેનું બાળપણ જોઈ શકીશ. તેની નિર્દોષ હસી-મજાક માણી શકીશ. દીકરાની બાબતમાં જે ભૂલ થઈ છે તે ભૂલ મારી આ નાની દીકરીની બાબતમાં કદી નહીં કરું.’ તેણે વધુ કહ્યું, ‘દીકરીને તો એમ લાગે છે કે તેને વધુ પાંચ મિનિટ સાયકલ ચલાવવા મળી પણ મને તો એને હસતી રમતી જોવાની વધુ પાંચ મિનિટ મળી.’

(૨) આપણું વર્તન

શેઠ નરેન્દ્રદાસે સવારમાં નિત્યકાર્ય પૂરાં કરી ભગવાનની પૂજા શરૂ કરી. પૂજા કર્યા પછી પ્રાર્થના કરી. ભગવાનને બે હાથ જોડી કહ્યું, ‘હે પ્રભુ ! વેપાર ધંધો સારો આપો. ખૂબ જ સંપત્તિ આપો. ધન દોલત આપો. તંદુરસ્ત જીવન આપો અને સુખી જીવન આપો.’ તે સમયે ઘરની બહારથી એક ભિખારીનો અવાજ આવ્યો, ‘ઓ નગરશેઠ ! કોઈ પૈસા આપો. ઈશ્વર તમને ઘણું આપશે !’ શેઠ નરેન્દ્રદાસની પ્રાર્થનામાં ધ્યાનભંગ થતાં તેમણે ફરી ભગવાનને પ્રાર્થના કરી, ‘હે ભગવાન ! મને સારી જમીન આપો. ગાડી બંગલા આપો, સુખ શાંતિ આપો.’ ત્યાં ફરીથી ઘરની બહારથી ભિખારીનો અવાજ આવ્યો, ‘શેઠ પૈસા ના આપો તો અનાજ આપો ! કે જૂનાં કપડાં આપો !’ ભિખારીના અવાજથી શેઠ નરેન્દ્રદાસ ધ્યાનભંગ બની ગયા. તેમણે પત્નીને કહ્યું, ‘આ ભિખારીને અહીંથી કાઢો.’ ત્યારે પત્નીએ કહ્યું, ‘હું કામમાં છું. પણ તમે પ્રાર્થના કરો ને ! શું કામ ત્યાં ધ્યાન આપો છો ?’ ફરી પાછા શેઠ નરેન્દ્રદાસ ઈશ્વરની પ્રાર્થનામાં પડ્યા ને બોલ્યા : ‘હે પ્રભુ’ ત્યાં જ બહારથી ભિખારી બોલ્યો, ‘શેઠ કાંઈક તો આપો !’ હવે શેઠ નરેન્દ્રદાસનું મગજ સાતમા આસમાને ગયું. તેઓ દોડી ઘરની બહાર જવા નીકળ્યા ત્યાં ભિખારીની નજર શેઠ પર પડી અને તેમના ગુસ્સાની જાણ થઈ ગઈ. તે પણ ત્યાંથી દોડીને જતો રહ્યો. ફરી પાછા ભગવાનની પ્રાર્થનામાં બેઠા અને બે હાથ જોડી રજૂઆત કરી, ‘હે પ્રભુ ! તંદુરસ્ત જીવન આપો. સુખ શાંતિ આપો.’ ત્યાં તો અવાજ આવ્યો, ‘ચાલ, એય ભિખારી ભાગ અહીંથી !’ શેઠ નરેન્દ્રદાસ ચમકી ગયા. તેમને થયું, મને કોઈએ કહ્યું. તેમણે પત્નીને પૂછ્યું, ‘તેં કાંઈ કહ્યું ?’ પત્નીએ કહ્યું, ‘ના એ તો ભગવાને ભિખારીને કહ્યું.’ તરત જ શેઠ નરેન્દ્રદાસના મગજમાં વિચારોની માયાજાળ ચાલુ થઈ ગઈ. ભિખારી પ્રત્યે જેવો ભાવ મારા હૃદયમાં છે તેવો જ ભાવ ભગવાનને મારા માટે હશે તો ? હું પણ એક ભિખારી નથી તો શું છે ?

(૩) ભાગ્ય અને કર્મ

સંત જ્ઞાનેશ્વરના બે શિષ્યો તનય અને મનય વચ્ચે ચર્ચા થઈ કે માનવજીવનને ભાગ્ય ઘડે છે કે કર્મ ? બંને વચ્ચે ઘણી ચર્ચા વિચારણા થઈ પરંતુ કોઈ ઉકેલ ના આવ્યો. તેથી તેઓ સંત જ્ઞાનેશ્વર પાસે ગયા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું : ‘તમને જવાબ જરૂર મળશે, તે પહેલાં તમારે મારી શરત પાળવી પડશે કે એક દિવસ તમારે બંધ ઓરડામાં રહેવું પડશે. તમને ભોજન, પાણી. ઉજાસ નહીં મળે.’ બીજે દિવસે સંત જ્ઞાનેશ્વરે બંનેને નાના ઓરડામાં પૂરી દીધા. ઉજાસ ક્યાંય હતો નહીં. મનયને ભૂખ લાગી, તેને તનયને કહ્યું, ‘ભૂખ લાગી છે. ચાલ આ અંધારા ઓરડામાં તપાસ કરીએ, કદાચ કશું ખાવા મળી જાય.’ તનયે કહ્યું : ‘આવી ઝંઝટ શું કામ કરવી, ભાગ્યમાં હશે તો મળી જશે માટે શાંતિથી ભાગ્યને ભરોસે બેસ.’ પુરુષાર્થમાં માનનારો મનય અંધારા ઓરડામાં ખાવા યોગ્ય કંઈક મળે તે માટે શોધવા લાગ્યો. તેમના હાથમાં એક માટલી આવી એમાં બાફેલા ચણા હતા. તેને ખુશી થઈ. એણે તનયને કહ્યું ‘જોયોને કર્મનો મહિમા ! તું ભાગ્યને આધારે બેસી રહ્યો તને કશું મળ્યું નહીં મને ચણા મળ્યા.’ તનયે કહ્યું : ‘આમાં આનંદ પામવા જેવું કંઈ નથી ? તારા ભાગ્યમાં ચણા પામવાનું લખ્યું હશે એટલે તને મળ્યા.’ મનયે કહ્યું, ‘જો તું ભાગ્યને શ્રેષ્ઠ માને છે તો ચણા સાથે કેટલાક કાંકરા છે. તે કાંકરાનો તું સ્વીકાર કર તારા નસીબમાં ચણા નથી, કાંકરા છે.’ તનયે કાંકરા સ્વીકારી લીધા. બીજે દિવસે સવારે સંત જ્ઞાનેશ્વરે અંધારા ઓરડામાંથી બંનેને બહાર કાઢ્યા. અને કહ્યું : ‘કહો કેવો રહ્યો તમારો અનુભવ.’ મનયે બધી વાત કહી. માટલીમાંથી મળેલા ચણા મેં ખાધા અને કાંકરા ભાગ્યવાદી તનયને આપ્યા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું ‘મનય, તે કર્મ કર્યું તેથી તને ખાવા માટે ચણા મળ્યા એ સાચું પણ તનય ભાગ્યશાળી કે એને કશીય મહેનત કર્યા વિના હીરા મળ્યા. તું જેને અંધારા ઓરડામાં કાંકરા માનતો હતો, તે વાસ્તવમાં હીરા હતા.’ બંને શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. ભાગ્ય શ્રેષ્ઠ કે કર્મ એનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. ત્યારે સંત જ્ઞાનેશ્વરે કહ્યું, ‘બંને શ્રેષ્ઠ છો, કારણ કે ભાગ્ય અને કર્મ બંને એકબીજાના પૂરક છે. કર્મ વિના ભાગ્ય અધૂરું છે અને ભાગ્ય વિના કર્મ અપૂર્ણ છે.’

(૪) જેવી નજર

હાઈ-વે પરથી ટ્રકો પસાર થઈ રહી હતી. એ ટ્રકો પાછળ જુદી જુદી જાતનાં લખાણો લખ્યાં હોય છે. એક પેટ્રોલ પંપ પાસે બાજુ બાજુમાં ઊભેલી બે ટ્રકોની પાછળ લખાણ લખેલું હતું. એક ટ્રક પર લખ્યું હતું ‘बूरी नजरवाले तेरा मुह काला’ બીજી ટ્રક પર લખ્યું હતું. ‘देखो मगर प्यार से.’ આપણા જીવનમાં મળતી નિષ્ફળતા અને સફળતાથી ઊભી થતી અશાંતિ અને શાંતિનું રહસ્ય આ બે વાક્યમાં સમાયેલું છે. પહેલી ટ્રક પરના લખાણમાં નકારાત્મક (નેગેટીવ) અભિગમ હતો. જીવનનો અનાદર હતો. જીવો સાથેના સંબંધોની કડવાશ હતી. જ્યારે બીજી ટ્રક પરના લખાણમાં વિધેયાત્મક (પોઝીટીવ) અભિગમ હતો. જીવનનો આદર હતો. જીવો સાથેના સંબંધોની મીઠાશ હતી. ‘बूरी नजरवाले ! तेरा मुह काला’ આ વાક્યમાં કેટલી કડવાશ છે ! જ્યારે ‘देखो, मगर प्यार से’ આ વાક્યમાં કેટલી મીઠાશ છે ! અને બંને લખાણનો અર્થ તો પાછો એક જ થાય છે ! આપણા જીવન વ્યવહારમાં આપણે ઘણીવાર કર્કશ-કઠોર વર્તન અપનાવીને આપણી જાતે જે ક્લેશ-કંકાસ-સંક્લેશ-સંઘર્ષ વગેરેને આમંત્રણ આપીએ છીએ અને પછી દુઃખની ફરિયાદ કરીએ છીએ. આવો આજથી જ એ રસ્તેથી પાછા ફરીએ, વ્યક્તિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરીએ. જીવનને આદરપૂર્વક સ્વીકારીએ. વિધેયાત્મક (પોઝીટીવ) અભિગમને જીવનમાં અપનાવીએ.

(૫) હાર્ટ ફેઈલ

‘સવારના પહોરમાં આ કોની સ્મશાનયાત્રા નીકળી છે ?’ બાજુમાં ઊભેલા એક ભાઈને એક યુવકે પૂછ્યું : ‘તમને ખબર નથી ? તમારા મકાન માલિક ગુજરી ગયા છે તેમને લઈ જાય છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો. યુવકે પૂછ્યું : ‘શું વાત કરો છો ? કાલે સવારે મેં એમને બજારમાં જોયેલા અચાનક શું થયું ?’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘તેમને હાર્ટ ફેઈલ થઈ ગયું !’ યુવકે કહ્યું, ‘એ વળી તમે નવી વાત કરી ! માંદગીને કારણે નોકરીએ ન જઈ શકવાથી હું મકાનનું ભાડું ત્રણ મહિના સુધી ચૂકવી શક્યો નહોતો. મેં મારી પરિસ્થિતિ તેમને કહી છતાં તેમણે એક જ વાત પકડી રાખેલી કે ‘તારી બાયડીનાં ઘરેણાં વેચવાં હોય તો ઘરેણાં વેચ પણ મારે ભાડાની રકમ વિના નહિ ચાલે. રકમ તું ન જ આપી શકે તેમ હોય તો મકાન ખાલી કરીને બીજે રહેવા ચાલ્યો જા.’ આવી ક્રૂરતા ભરેલી વાતો કરનારા અમારા મકાન માલિકને ‘હાર્ટ’ હતું એની ખબર જ આજે પડી !’

આજે માણસ ધનની લાલચમાં આત્માને કઠોર બનાવી દે છે. બસ રાત દિવસ એ જ વિચારમાં પડ્યો હોય છે કે પોતાની સંપત્તિ કેમ વધારવી. તમારો આત્મા કઠોર ના બને તે માટે સંપત્તિની એક મર્યાદા બાંધી જ દો. પેલી અંગ્રેજી કહેવત છે ને કે Our incomes are like shoes, if too small they gall & pitch us it too large, they make us stumble & to trip. સંપત્તિ તો જોડા જેવી છે. ઓછી (ટૂંકી) હોય તો ડંખે, વધુ (મોટી) હોય તો પાડે !

[કુલ પાન ૪૮. કિંમત રૂ. ૪૫/- પ્રાપ્તિસ્થાન : નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, ૧ લે માળે, રાજકોટ – ૩૬૦૦૦૧ ફોન. (૦૨૮૧) ૨૨૨૫૫૯૬]

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ક્ષણે ક્ષણે રત્ન – નીલેશ મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.