- ReadGujarati.com - http://www.readgujarati.com -

સત્યનારાયણનો શીરો – કલ્પના જિતેન્દ્ર

(સ્વાતિ મેઢ દ્વારા સંપાદિત ‘બહુરંગી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે.

ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે તો થાળીમાં લાડુની ધારણા હતી. વંદનાબહેન ગણપતિનાં ભક્ત. પૂજાઘરમાં જમણી સૂંઢના ગણપતિનું સ્થાપન કર્યું છે. હંમેશાં ગોળ-ઘી ધરાવે છે. અવારનવાર લાડુ પણ ધરાવાય છે. ગણેશચોથના દિવસે તો અચૂક !

આજે લાડુ ન હોય તેવું તો બને જ નહિ ! મોઢામાં પાણી સાથે નવનીતરાય જમવા બેઠા તો થાળીમાં કશું જ ન મળે ! દાળ, ભાત, શાક, રોટલી જ માત્ર ! અરે ! ગોળ-ઘીની પ્રસાદી પણ નહિ ?

સમજી ગયા નવનીતરાય ! આ તો ડાયાબિટીસનો પ્રતાપ ! પણ આજના દિવસે પણ વંદના આવું કરશે તેવી ધારણા નહોતી ! કદાચ ભૂલી ગઈ હશે !

‘- આજે ગણેશચોથ છે… યાદ છે ને ?’

‘- હા, છે સ્તો ! સવારે ખાસી પૂજા કરી, તમને ખ્યાલ નથી ?’

‘- …પણ તો પછી પ્રસાદ ?’

‘- હા છે ને ? આજે તો પ્રસાદ લેવો જ પડે !’

નવનીતરાયે હોઠ પર જીભ ફેરવી લીધી. ‘હાશ, લાડુ મળ્યો ખરો !’

‘- આ… લાવું હોં !’ કહેતાં વંદનાબહેન પૂજાઘર તરફ ગયાં.

‘ગણપતિને ધરાવ્યા હશે ! પણ ધરાવ્યા પછી તરત જ રસોડામાં લઈ આવવા જોઈએ ને ?’ નવનીતરાય બે મિનિટ પણ ધીરજ ધરી શકે તેમ નહોતા !

‘લો !’ કહેતાં વંદનાબહેને તુલસીનાં બે-ચાર પાંદડાં પકડાવી દીધાં !

નવનીતરાય મોં વકાસી માત્ર જોઈ જ રહ્યા ! માંડ માંડ કળ વળી. ‘- આજે લાડુ નથી બનાવ્યા ?’

‘આ… તમારા ડાયાબિટીસના કારણે ! મારા ભગવાનેય લાડુ વિનાના રહ્યા ! માત્ર ગોળ-ઘી જ ધરાવ્યાં !’

‘એ…ની પ્રસાદી ?’ અચકાતો અવાજ.

‘થોડી પ્રસાદી મેં લીધી ને થોડી બાજુવાળા ટીનુને આપી.’

ખલાસ, ગોળ-ઘી પણ ગયાં ! નવનીતરાયને જમવામાં કોઈ સ્વાદ રહ્યો નહિ ! લુસલુસ જમીને ઊભા થઈ ગયા. બપોરની ઊંઘ પણ વેરણછેરણ ! કાગનિદ્રામાં લાડુ, સુખડી, હલવો, લાપસી, મોહનથાળ જાણે પકડદાવ રમતાં હતાં !

ચા-પાણી પીને વંદનાબહેન ઊપડ્યાં શાકભાજી લેવા. ને નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે ! રસોડામાં આવી ડબ્બા ફંફોસ્યા. ફ્રીઝ ખોલ્યું… પણ મીઠાઈ કે કશું જ ગળ્યું મળે નહિ !

અરે ! કાંઈ નહિ તો ગોળ ને શીંગદાણા ખાવા મન તલસ્યું. પણ કશું જ નહિ ને ! શીંગદાણાની બરણી ખાલી હતી ને ગોળનો ડબો તો જડ્યો જ નહિ ! ગોળ ખલાસ થઈ ગયો છે કે પોતાને ખૂબ ભાવે છે, માટે સંતાડી દીધો હશે ! ઓહ ! હવે શું કરવું ?

નવનીતરાયની ગળ્યું ખાવાની તલપ વધતી જતી હતી. ફંફોસતાં ફંફોસતાં એમની આંખે રવો ભરેલી બરણીને પકડી પાડી ! શીંગદાણાની ખાલી બરણીની પાસે જ હતી ! એકદમ યાદ આવી ગયું !… રવાનો શીરો !… રવાનો શીરો નહિ, પ્રસાદનો શીરો ! દૂધમાં બનાવેલો !… કેટલો સમય થયો ખાધાને ?

ઓહો ! હો ! હો… એક વર્ષ ! એક વર્ષથી ઘરમાં શીરો નથી બન્યો !… કોઈને ત્યાંથી કથાનું નોતરું પણ આવ્યું નથી !… કે આવ્યું હશે તોય પોતાના સુધી પહોંચ્યું નહિ હોય !… વંદના બહુ તૈયાર છે !
શીરાની કલ્પના માત્રથી રોમરોમ પુલકિત થઈ ઊઠ્યું, નવનીતરાયનું.

બસ, નક્કી ! અત્યારે જ શીરો બનાવી નાખું ! વંદનાને આવતાં સહેજે કલાક થશે, ત્યાં સુધીમાં તો શીરો શેકી, ખાઈને, વાસણ પણ સાફ કરી નાખીશ ! તેને તો ખબરેય નહિ પડે !

શીરો બનાવતાં તો નાનપણથી આવડે છે. બા કહેતી ‘બ્રાહ્મણના દીકરાને શીરો શેકતાં ને ખીચડી રાંધતાં આવડવું જ જોઈએ. કોઈ દા’ડો ભૂખ્યો ન રહે !’

નવનીતરાયે લોઢું ને તાવેથો લીધો. બરણીમાંથી થોડો રવો લીધો. ઘીની બરણી તો સામે જ હતી. ઘી નાખી રવો શેકવા માંડ્યો ! ફ્રીઝમાંથી દૂધ કાઢ્યું. ગરમ થવા મૂક્યું, રવો શેકતાં ખાંડની બરણીમાંથી વાટકી પણ ભરી લીધી !

લો, આ રવો શેકાઈ ગયો ! સુગંધ આવવા માંડી ! દાણો પણ બદામી રંગનો થઈ ગયો ને એકદમ કોરો ! હં…અ, બરાબર શેકાઈ ગયો ! …તેમાં ગરમ કરેલું દૂધ ને મલાઈ નાંખ્યાં ! બે લિટર દૂધની બધી જ મલાઈ નાખી દીધી ! દૂધ સહેજ બળ્યું કે ખાંડ નાખી દીધી.

લો, ઘીથી લચપચતો શીરો તૈયાર ! તેમણે ગૅસ બંધ કર્યો ને યાદ આવો શીરાનો શણગાર ! શણગાર વિનાની સ્ત્રી પણ નથી શોભતી ! તો શીરો તો ક્યાંથી શોભે ? …ખાવો છે તો ટેસથી જ ખાવો !

ફ્રીઝમાંથી થોડાં કાજુ કાઢ્યાં, કટકા કર્યા ને નાખ્યાં, દસબાર દાણા કિસમિસના નાખ્યા, કિસમિસ તો ગરમ ઘીમાં ફૂલીને સરસ થઈ ગઈ. વંદનાબહેન ઇલાયચીનો ભૂકો તો તૈયાર જ રાખતાં. ચપટી ભરીને એય નાખી દીધો ! કાજુ, કિસમિસ, ઇલાયચીથી મઘમઘતા ને ઘીથી તરબતર શીરાની સુગંધ આખા રસોડામાં પ્રસરી ગઈ !

નવનીતરાયે ગરમ ગરમ શીરો આંગળીથી સહેજ ચાખી જોયો ! આંગળીની સાથે જીભ પણ જરાક દાઝી ! …પણ આ રજવાડી સ્વાદની આગળ કશું જ સ્પર્શ્યું નહિ !
‘વાહ કેટલો મજેદાર ! શું સ્વાદિષ્ટ બન્યો છે !’

ઇચ્છા તો થઈ એમ જ ઊભાં ઊભાં જ, આંગળીથી જ ચાટી જવાની ! પણ ના… ના આવો રજવાડી શીરો ખાવાનો પણ રજવાડી ઠાઠથી જ ! …આવો ટેસ્ટી શીરો એ…ય ને ટે…સથી જ ખાવો જોઈએ !

તેમણે ખાનું ખોલી પ્લેટ-ચમચી કાઢ્યાં, શીરો પ્લેટમાં કાઢ્યો, લોઢીમાં એક કણ પણ રહેવા ન દીધો ! પ્લેટને ડાઇનિંગ ટેબલ પર મૂકી પંખો ચાલુ કર્યો. ખુરશી પર બેસવા જતા હતા ને કોલબેલ રણકી ! નવનીતરાયને ધ્રાસકો પડ્યો ! …વંદના આવી કે શું ? …ના, ના. આટલી જલદી તો ન જ આવે !

‘કોણ હશે ?’ ફફડતા જીવે દીવાનખંડમાં આવ્યા. બારણાની આડમાંથી નજર કરી, બાજુવાળાનો ટીનુ હતો : ‘હાશ !’ હૈયે ટાઢક વળી.

ધીરેથી બારણું ખોલ્યું – ટીનુ અંદર ન આવી શકે તેમ અર્ધું જ ખોલ્યું ને બહાર ડોકું કાઢ્યું. ‘હં, બોલ શું કામ છે ?’

‘કાકા, રવિવારની પૂર્તિ આપશો ? પપ્પાએ મંગાવી છે.’

‘પૂર્તિ… હં…અ’ બોલતાં શીરાની સુગંધ મોંમાં પ્રવેશી ગઈ ! શીરો દીવાનખાનામાં પણ મહેકતો હશે ! બારણામાં જ ઊભા રહી અંદર નજર નાખી કહ્યું : ‘ટેબલ પર તો દેખાતી નથી, પસ્તીમાં મુકાઈ ગઈ હશે. એમ કર, થોડી વાર પછી આવજે, હું શોધી રાખું છું.’

‘ના…! પપ્પાએ અત્યારે જ મંગાવી છે. લઈને જ આવવાનું કહ્યું છે.’

નવનીતરાયને એવી તો દાઝ ચડી ! પણ સંયમ રાખી કહ્યું : ‘મારે જરા કામ છે. શોધીને પછી આપું છું.’

‘એમ કરો કાકા, હું જ શોધી લઉં !’ બોલતો ટીનુ બારણામાંથી સહેજ ત્રાંસો થઈ અંદર આવી ગયો. એને રમવા જવાની ઉતાવળ હતી.

ખેર, હવે તો કોઈ જ રસ્તો રહ્યો નહિ !

નવનીતરાયે ટેબલ નીચે થોડાં મૅગેઝિન ને બે-ત્રણ દિવસનાં પેપર પડ્યાં રહેતાં હતાં તે ઉથલાવ્યાં. રવિવારનું પેપર નીકળ્યું, પણ પૂર્તિ ન નીકળી ! …આગળના પેસેજમાં આવ્યા. ત્યાં બે ખાનાંના કબાટમાં નીચે પગરખાં ઉપર પસ્તી રાખતાં. એક કબાટ ખોલ્યો કે પગરખાંની ધૂળ નાકમાં ભરાઈ ગઈ ! ને ઉધરસ ચડી ! …પણ હાશ ! બહુ મહેનત ન કરવી પડી. રવિવારની પૂર્તિ ઉપર જ પડી હતી… હાથ લંબાવી ઝડપી લીધી ! જાણે ક્યાંય ઊડી જવાની ન હોય ! ‘લે, મળી ગઈ.’ કહેતાં ફરી વાર તારીખ પર નજર ફેરવી લીધી.

ટીનુને પણ ઉતાવળ હતી. લઈને તરત જ દોડ્યો.

નવનીતરાયે કબાટ બંધ કર્યો ને દીવાનખાનામાં આવ્યા. સ્ટૉપર વાસી, આગળિયો પણ માર્યો, નીચેની સ્ટૉપર વાસી, બારણું સહેજ જોઈ લીધું. બરાબર બંધ છે ને ! જાણે કોઈ ચોર ઘૂસી ન આવવાનો હોય ! ઓસરીમાં થઈ અંદર બાથરૂમમાં ગયા, પસ્તીની ધૂળ લાગેલી, તે વૉશ બેઝિનમાં હાથ ધોયા, નૅપ્કિનથી લૂછ્યા.

‘હાશ ! હવે નિરાંતે શીરો ખાઉં !’ કહેતાં રસોડા તરફ વળ્યા કે ફોનની રિંગ વાગી. ‘અત્યારે વળી કોણ ટપક્યું ?’ કરતાં ફરીથી દીવાનખાનામાં આવ્યા. સાળી સાહેબનો ફોન હતો ! ‘વંદના નથી’ કહી ઝટપટ પતાવવા ધાર્યું, પણ એમ કાંઈ જીજાજીને થોડા ફ્રી કરાય ? પાંચેક મિનિટ વાત ચાલી… ફોન મૂકીને રસોડા તરફ વળ્યા કે કાંઈક યાદ આવ્યું ! ફરી થોડાં ડગલાં ભર્યાં ને ફોનને હૅન્ડલ પરથી ઊંચકી બાજુમાં મૂકી દીધો !

‘હાશ, હવે આરોગું !’ ને મનમાં સત્યનારાયણની કથામાં ગવાતો થાળ યાદ આવી ગયો. ‘આરોગો… નવનીતરાય… રે… પ્રેમથી… શીરો !’ ગણગણતા રસોડામાં ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા, ખુરશી પર બેઠા ને પ્લેટ પર નજર પડતાં જ :

– અરે ! આ શું ? પ્લેટ તો ખાલીખમ ! શીરાનો એક કણ પણ નહિ ? બધું જ સફાચટ ? એક ક્ષણ સ્તબ્ધ થઈ ગયા નવનીતરાય ! પ્રસાદનો શીરો ખરેખર જ ભગવાન આરોગી ગયા કે શું ?

ત્યાં તો નવનીતરાયની મૂર્છાવસ્થાનો ભંગ કરતી કોલબેલ ધણધણી ઊઠી ! સાથે વંદનાનો અવાજ !

ને પાછલા વરંડામાં ઝીણું ઝીણું : ‘મ્યાઉં… મ્યાઉં…’

[કુલ પાન ૧૫૪. કિંમત રૂ.૧૬૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]