અનપઢ – રમણ મેકવાન

(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

શૈક્ષણિક ક્ષેત્રે આગવું કાઠું કાઢી, નામના મેળવી ચૂકેલ શહેરની સરસ્વતી વિદ્યામંદિરમાં નવા પ્રિન્સિપાલ તરીકે વંદિતાની નિમણૂક થઈ. સ્કૂલમાં ખળભળાટ મચી ગયો.

ખળભળાટ થવાનું કારણ હાલના પ્રિન્સિપાલ પંડ્યાસાહેબ વયમર્યાદામાં નિવૃત્ત થતા હતા. વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપતાં વિઠ્ઠલભાઈ સાહેબ પંડ્યાસાહેબની જગ્યાએ નક્કી જ હતા. આખી સ્કૂલ પણ માનતી હતી, વિઠ્ઠલભાઈ નવા પ્રિન્સિપાલ તરીકે આવશે. પ્રિન્સિપાલની ખુરશીમાં બેસવા વિઠ્ઠલભાઈ થનગની રહ્યા હતા. પણ સરકારશ્રીના નવા નિયમ પ્રમાણે પ્રિન્સિપાલ માટે જરૂરી ડિગ્રી એમની પાસે ન હતી, અને સરકારશ્રીએ વંદિતાની નિમણૂક કરી. વિઠ્ઠલભાઈનો થનગનાટ ઓસરી ગયો.

વંદિતા બહારની અજાણી અને પાછી સ્ત્રી હતી. આથી વિશેષ આખી શાળાએ વંદિતાની નિમણૂકથી આંચકો અનુભવ્યો. સ્ટાફમાં ચાર લેડિઝ ટીચર હતી. એમને એકબીજા સાથે આંખ લડતી હતી. પણ ‘પ્રિન્સિપાલ તરીકે એક સ્ત્રી અને એ પણ અજાણી બહારની આવશે’ની જાણ થતાં જ ચારેય જણી એક થઈ ગઈ. નવા પ્રિન્સિપાલ સાથે અસહકારનો નિર્ણય કરી લીધો.

વંદિતા શાળામાં હાજર થઈ ગઈ. પ્રિન્સિપાલ તરીકે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. એનો આવકાર અને વિદાય લેતાં પંડ્યા સાહેબનો વિદાય સમારંભ યોજ્યો. પંડ્યાસાહેબે પ્રિન્સિપાલ તરીકે લાંબી સેવામાં સ્કૂલના સ્ટાફનો, વિદ્યાર્થીઓનો અને અન્યના મળેલા સહકાર બદલ આભાર માનતાં શાળા હાલ જે સ્તરે છે એથીયે ઊંચા સ્તરે લઈ જવા નવા પ્રિન્સિપાલને સૌના સહકાર માટે અનુરોધ કર્યો.

વંદિતા ઊભી થઈ. ઊંચી ઊજળી, એકવડી ઘાટીલી, ચહેરાને અનુરૂપ સફેદ કાચનાં ચશ્માં. વંદિતાના વ્યક્તિત્વથી બધાં અંજાઈ ગયાં. મિષ્ટ ભાષામાં વંદિતાએ ધીમેથી સ્પષ્ટ વક્તવ્ય આપતાં પ્રથમ એણે સૌનો આભાર માન્યો. પંડ્યાસાહેબના પુરુષાર્થથી સ્કૂલને જે નામના મળી એનો ઉલ્લેખ કરી, એમને અભિનંદન આપ્યા અને હવે એમનું શેષ જીવન સુખમય નીવડે, આપણા માટે એમણે વ્યક્ત કરેલી ઈચ્છા વખતોવખત આપણને યોગ્ય માર્ગદર્શન આપી સફળ બનાવે એવી વિનંતી કરતાં સ્કૂલને હજુય ઊંચા સોપાને લઈ જવા સૌનો સહકાર માગ્યો. અને કહ્યું, ‘સ્કૂલના કોઈ પણ કામ માટે સમયની પાબંધી નથી. ગમે તે સમયે મારા ઘરનાં બારણાં ખખડાવજો. હું તૈયાર રહીશ.’ વંદિતાનાં સાદા સીધા સરળ વ્યક્તિત્વથી આખી સ્કૂલ અભિભૂત થઈ ગઈ. નવા પ્રિન્સિપાલ સામે અસહકારનો સંકલ્પ લઈ બેઠેલી ચાર માનુનીઓનો સંકપ્લ તૂટી પડ્યો અને વંદિતાની પ્રશંસક બની ગઈ. ધીમેધીમે વંદિતાએ આખી સ્કૂલનું દિલ જીતી લીધું.

વંદિતા સ્કૂલમં પ્રિન્સિપાલ તરીકે હાજર થઈ ત્યારે વિનોદ રજા પર હતો. વિનોદ સ્કૂલનો શિક્ષક હતો. ખૂબ ઉત્સાહી, હોશિયાર, ફૂટડો બત્રીસ વર્ષનો વિનોદ શાળાના ગમે તે કાર્યક્રમમાં દિલ દઈને કામ કરતો. એના વગર ગમે એવો કાર્યક્રમ ફિક્કો લાગતો. આથી સ્કૂલમાં વિનોદ સરથી સૌમાં પ્રિય હતો. બીજા શિક્ષકો એની વાક્‍પટુતા, હોશિયારી અને વ્યક્તિત્વથી ઝંખવાઈ જતા. એની પત્નીને લગ્નના લાંબા સમય પછી પ્રસૂતિ આવી હતી. એમાં પત્નીને શારીરિક તકલીફ હતી. આથી વિનોદ લાંબી રજા પર હતો. એની ગેરહાજરીમાં સ્કૂલનું વાતાવરણ ફિક્કું ફિક્કું લાગતું હતું.

વંદિતા આગળ ચાર શિક્ષકાઓમાંથી એકે વિનોદની વાત કાઢી. એનાં વખાણ કર્યાં અને કહ્યું, ‘મેડમ, વિનોદ સર તમારા કામનો અર્ધો બોજ હળવો કરી નાખશે. પ્રમાણિક અને ચીવટવાળા છે.’

વંદિતા કંઈ બોલી નહીં. પણ વિચારમાં પડી ગઈ. સમય પસાર થઈ ગયો. વંદિતાએ શાળાના પ્રત્યેક કામમાં કાબૂ મેળવી લીધો. સ્કૂલની રોજિંદી ઘટમાળમાં વિનોદને ભૂલી ગઈ.

રજા પૂરી થઈ, વિનોદ સ્કૂલમાં હાજર થઈ ગયો. સ્ટાફ રૂમમાં આખા સ્ટાફે એને ઘેરી લીધો. કોઈએ એની પત્ની કે નવા જન્મેલા બાળક વિશે કંઈ પૂછ્યું નહીં. બધાએ એની આગળ વંદિતાનાં વખાણ કરવા માંડ્યાં. સ્ટાફમાં પ્રિન્સિપાલ પછી વિનોદનો પ્રભાવ હતો. ઘણા કિસ્સામાં પ્રિન્સિપાલ વિનોદની સલાહ લેતા હતા. એની સલાહથી શાળાને લાભ થયો હતો. પ્રિન્સિપાલ અને સ્ટાફને વિનોદ માટે આદર હતો.

નવા પ્રિન્સિપાલનાં વખાણથી વિનોદ અસ્વસ્થ થઈ ગયો. આવડત અને કુનેહથી એણે સ્કૂલમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પણ નવા પ્રિન્સિપાલ અને એ પણ સ્ત્રી, એનાં વખાણ સાંભળી વિનોદનું મન ખાટું થઈ ગયું. છતાં પ્રિન્સિપાલ પ્રત્યે આદરનું ઔચિત્ય જાળવવા વિનોદ પ્રિન્સિપાલને મળવા ગયો.

ઑફિસ આગળ, બારણામાં ઊભા રહી એણે અંદર નજર નાખી. પ્રિન્સિપાલ કંઈ વાંચી રહ્યાં હતાં. દબાતા અવાજે વિનોદ બોલ્યો. ‘મે આઈ કમિંગ મૅડમ !’

‘યસ, વેલકમ…’ પુસ્તકમાં જ નજર રાખી વંદિતા આદત પ્રમાણે રણકતા અવાજે બોલી. વિનોદ એની સામે જઈને અદબથી ઊભો રહ્યો. સ્કૂલ શરૂ થવાની થોડી વાર હતી. ક્લાર્ક અને બીજાં આવ્યાં ન હતાં. વંદિતા અને વિનોદ બે જ ઑફિસમાં હતાં.

વંદિતાએ પુસ્તકમાંથી નજર ઊંચકી સામે ઊભેલા વિનોદ સામે નાખી અને પળભર ફાટી આંખે વિનોદને જોઈ રહી. વિનોદ પણ એમ જ સ્થિર થઈ વંદિતાને અપલક તાકી રહ્યો. ‘ત… તમે…!’ વંદિતાના મોંમાંથી શબ્દો નીકળ્યા. પણ વિનોદ તો એમ જ પૂતળા જેવો સ્થિર ઊભો રહ્યો.

‘બેસો, બેસો ને !’ વંદિતાએ સ્વસ્થ અવાજે કહ્યું. વિનોદ ઢગલો થઈને ખુરશીમાં પડ્યો.

દસ વર્ષ પસાર થઈ ગયાં એ ઘટનાને. લગ્ન માટે વંદિતા અને વિનોદની મુલાકાત ગોઠવાઈ હતી. વિનોદ ગ્રૅજ્યુએટ હતો. શિક્ષકની નોકરી કરતો હતો. વંદિતા માત્ર દસમું પાસ હતી. પણ વંદિતા ખૂબ સુંદર આકર્ષક હતી. આથી મુલાકાત ગોઠવનારાને એમ હતું કે એના દેખાવથી છોકરો ભણતરને ગૌણ ગણશે અને વંદિતા સાથે લગ્ન માટે રાજી થઈ જશે.

બંને મળ્યાં, સંવાદ શરૂ થયા. બંને એકબીજાથી અભિભૂત હતાં. બંને સુંદર, એકબીજાને અનુરૂપ હતાં. પ્રાથમિક વાતચીત પછી વિનોદે ભણતરનું પૂછ્યું, ‘ક્યાં સુધી ભણ્યાં છો ?’

‘દસમી સુધી’ દબાતા અવાજે વંદિતા બોલી અને બીજી કશી વધારે પૂછપરછ વગર વિનોદ બહાર નીકળી ગયો. બહાર વડીલો આતુરતાથી એની રાહ જોઈ બેઠાં હતાં.

‘શું થયું બેટા ? છોકરી ગમી ને ? હા છે ને !’ વિનોદના પપ્પાએ પૂછ્યું. વિનોદ મોટેથી બોલ્યો, ‘માત્ર દસ સુધી ભણેલી છે. દસમી સુધીનું ભણતર તે ભણતર કહેવાતું હશે ? આવી અનપઢ સાથે લગ્ન કરી મારે આખો જન્મારો એને વેંઢારવી નથી.’ વંદિતા અંદર સાંભળતી હતી. વિનોદનો ‘અનપઢ’ શબ્દ એને મર્મના ઘા કરી ગયો. વંદિતા રડી પડી.

પપ્પાએ વાંસે હાથ ફેરવતાં આશ્વાસન આપ્યું. ‘બેટી, એની પર શું મોર મૂક્યા છે ? એનાથી ચઢિયાતો આવીને મળશે. ઈશ્વર જે કંઈ કરતો હશે એ સારા માટે. રડીને દુઃખી ના થઈશ.’

પણ વંદિતાને પપ્પાનું આ આશ્વાસન ના જચ્યું. વિનોદનું ‘અનપઢ’ મહેણું એના હાડેહાડમાં ઊતરી ગયું હતું. એણે એ મહેણું ભાંગવાનો સંકલ્પ કર્યો. પપ્પા શિક્ષક હતા. આગળ અભ્યાસ માટે પપ્પાની સલાહ લીધી. બારમા ધોરણનો અભ્યાસ શરૂ કર્યો. પરીક્ષા આપી, સારા ટકાએ પાસ થઈ. આથી એનો ઉત્સાહ બેવડાયો. પપ્પાએ હિંમત, માર્ગદર્શન આપ્યાં. વંદિતા કૉલેજમાં દાખલ થઈ. લગનથી અભ્યાસ કર્યો. બી.એ. થઈ. બી.એડની ડિગ્રીધારી થઈ ગઈ. પણ હજુ એને ધરવ ન હતો. કશું અધૂરું લાગતું હતું. અખતરા માટે ટાટની પરીક્ષામાં બેઠી. ‘વાગ્યું તો તીર’ જેવું વિચારીને જ એને ‘ટાટ’ની પરીક્ષા આપી હતી. અને બગાસું ખાતાં મોંમાં પતાસું પડ્યા જેવું થયું. ટાટમાં પાસ થઈ ગઈ. પ્રિન્સિપાલ માટે અરજી કરી. શહેરની આ સ્કૂલમાં નિવૃત્ત થતા પ્રિન્સિપાલની જગ્યાએ એની નિમણૂક થઈ. અને વિનોદે મારેલું ‘અનપઢ’નું મહેણું ભાંગી નાખ્યું.

વિનોદ વંદિતાને જોઈ શિયાવિયા થઈ ગયો. વંદિતા હસી, ‘ગભરાશો નહિ, વિનોદ સર. તમે અનપઢ કહીને મારેલું મહેણું મારા માટે ઉપકારક સાબિત થયું છે. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. વિનોદ સર, થૅન્કયુ. હાર્ટલી થૅન્કયુ વેરી મચ !’

‘અભણ કહી તમે મારી લાગણીને ઉશ્કેરી ના હોત તો ખબર નથી, આજે હું કેવી હાલતમાં હોત, કોનો ચૂલો ફૂંકતી હોત.’ વંદિતા સ્વસ્થપણે બોલી અને વિનોદની આંખ સાથે આંખ મેળવી બોલી, ‘ચિંતા ના કરશો. મારી પાસે બદલાની કોઈ ભાવના નથી. આપણે સાથે રહી સ્કૂલને નવો મોડ આપીશું.’

વિનોદ સ્તબ્ધ થઈ ગયો. ‘શું બોલવું, પૂછવું’ એમાં ગોથાં ખાવા લાગ્યો. ‘હું ગ્રૅજ્યુએટ હતો અને આ માત્ર દશમી પાસ હતી. મેં એને અનપઢ કહી એની ઉપેક્ષા કરી હતી અને આજે…’

– રમણ મેકવાન (સંપર્ક : ‘સમર’, ૮૯, જીવનદીપ સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ રોડ, ગામડી, આણંદ-૩૮૮ ૦૦૧)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “અનપઢ – રમણ મેકવાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.