મંગળ, અ-મંગળ કરે ? – વિનોદ ભટ્ટ

Eva re ame eva (‘એવા રે અમે એવા…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

મારામાં પહેલાં નમ્રતા ઘણી ઓછી હતી તડ ને ફડ કરી નાખવાનો વારસો મને મોટાભાઈ-મોટીબહેન પાસેથી મળ્યો છે. કોઈને થોડો ઉદ્ધત પણ લાગું. પણ જેમ જેમ મારી દીકરીઓ, મોના ને વિનસ, મોટી થતી ગઈ, તેમનાં લગ્ન માટે મુરતિયાઓની શોધ શરૂ કરી, એ શોધે મને થોડોક તો નમ્ર બનાવ્યો છે. મારાં ત્રણેય સંતાનોને, પુત્ર સ્નેહિલ સહિત, મંગળ છે. પણ જ્યોતિષમાં હું સહેજ પણ શ્રદ્ધા રાખતો નથી. એની થોડી વાત પહેલાં કરી લઉં.

જ્યોતિષ એક શાસ્ત્ર છે, વિજ્ઞાન છે – એટલા પૂરતી એ શાસ્ત્રમાં શ્રદ્ધા ખરી, પણ પ્રોફેશનલ જ્યોતિષીઓમાં મને એટલા માટે શ્રદ્ધા નથી કે ઘણાબધા જ્યોતિષિઓને હું નજીકથી ઓળખું છું, પિછાણું છું. એમાંના એક તો મારા સદ્‍ગત મિત્ર રઘુવીર વ્યાસ (વરાહમિહિર). અલબત્ત, તેમણે મને એક-બે વાર તેમની આગાહીઓથી ચોંકાવી દીધો હતો. મિનર્વા મુવીટોનના સિંહ સમા સોહરાબ મોદી ‘ગુજરાતનો નાથ’ ફિલ્મ ગુજરાતીમાં બનાવવાના સંકલ્પ સાથે અમદાવાદ આવ્યા હતા. આ ફિલ્મમાં હીરો તરીકે કોને લેવો એ અંગેનાં સૂચનો માટે એક પત્રકાર પરિષદ ભરી હતી. કેટલાક કટારલેખકોને પણ બોલાવ્યા હતા. જેમાં હું ને રઘુવીર વ્યાસ બન્ને ગયા હતા. અમે બન્ને અડોઅડ બેઠા હતા. મને યાદ છે, એ દિવસે શિવરાત્રિ હતી. રઘુવીર ફરાળ કરતા હતા ને હું જમતો હતો. સોહરાબ મોદી તેમના સિંહનાદમાં પત્રકારો સાથે હીરો અંગે વિચારવિમર્શ કરતા હતા. ત્યાં રઘુવીરે મારા કાનમાં ધીમેથી કહ્યું : ‘આ માણસ બકવાસ કરે છે.’ ‘એટલે ?’ મેં તેમને પૂછ્યું. ‘તે આ ફિલ્મ બનાવી નહિ શકે.’ ‘જરા ધીમેથી બોલો’ મેં તેમને પૂછ્યું : ‘આવું કેમ કહો છો ?’ ‘હું નથી બોલતો, તેની કુંડળી બોલે છે – એ આ વર્ષમાં જ ગુજરી જશે.’ તેમણે મારી સામે જોઈ સ્થિર અવાજે માહિતી આપી. ને ખરેખર એવું જ બન્યું.

એક વાર સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના કિસ્સામાં પણ આવું થયું હતું. એ વખતે ‘સ્ટારડસ્ટ’માં તેમણે આગાહી કરી હતી કે તેને પેટની આસપાસ મરણતોલ ઘા પડશે, તે ગંભીરપણે ઘવાશે, પણ એમાંથી તે બચી જશે. ‘સ્ટારડસ્ટ’માં આ આગાહી છપાઈ તેના બીજા જ મહિને ‘કુલી’ ફિલ્મના સેટ પર પુનિત નિસ્સાર નામના એક એકસ્ટ્રા કલાકારનો જોરદાર મુક્કો અમિતના પેટમાં વાગવાથી તેને જીવલેણ ઈજા થઈ હતી. ડૉક્ટરોએ પણ તેના બચવાની આશા લગભગ છોડી દીધી હતી, પણ તે બચી ગયો. ‘સંદેશ’ના માલિક તંત્રી ચીમનભાઈ પટેલ પાસે જઈને રઘુવીરે જણાવ્યું કે મારી આ આગાહી સાચી પડી છે એ તમે ‘સંદેશ’માં સમાચાર તરીકે છાપો. ભૂતકાળમાં તેમની ઘણી આગાહીઓ ખોટી પડી હતી, એટલે મુ. ચીમનભાઈએ આ આગાહી સાચી પડ્યાના સમાચાર છાપવાની ધરાર ના પાડી દીધી. તેમણે મને વાત કરી એટલે મેં તેમને જણાવ્યું કે તમે ઇચ્છતા હો તો આ આગાહી સાથે તમારો ઇન્ટરવ્યૂ મારી કૉલમમાં છાપું, પણ સાથે તમે કરેલ ને ખોટી પડેલી આગાહીઓની યાદી પણ મને આપો, જેથી વાચકો જ્યોતિષના રવાડે ચડી ગેરમાર્ગે ન દોરવાય. રઘુવીર સાચે જ ખેલદિલ. મારી પાસે તેમણે સાચી ને વધારે તો ખોટી પડેલી તમામ આગાહીઓનો ઢગલો કરી દીધો. પછી મારી કૉલમ ‘ઇદમ્ તૃતીયમ’માં મેં એક લેખ કર્યો, જેનું શીર્ષક આવું બાંધ્યું : ‘જેમની સાચી કરતાં ખોટી આગાહીઓ વધારે પડી છે તે રઘુવીર વ્યાસનો ઇન્ટરવ્યૂ.’

તેમણે એક ગુજરાતી ફિલ્મ બનાવી હતી : ‘ઉપર ગગન વિશાળ’ જેમાં વાર્તા તેમણે લખી હતી, તેમનો ભાઈ તેમાં હીરો હતો ને બીજો ભાઈ ગાયક હતો. આ ફિલ્મ ટિકિટબારી છલકાવી દેશે એવું તેમના ગ્રહોએ કદાચ તેમને કહ્યું હશે, એટલે અમુક અઠવાડિયાં માટે તેમણે થિયેટર ભાડે લીધું, પણ પ્રેક્ષકોના ગ્રહો એટલા બધા ખરાબ નહિ હોય, એટલે તે આ ફિલ્મ જોવા ગયા નહિ. પ્રેક્ષકોને ફિલ્મ જોવા અગાઉ ટિકિટના પૈસા આપી દેવા પડે છે એ રીતે અમુક અઠવાડિયાંનું થિયેટરનું ભાડું પણ આગોતરું ભરી દેવું પડ્યું – આ કારણે ફિલ્મ ઓછામાં ઓછાં એટલાં ‘વીક’ તો ચલાવવી પડે ! રઘુવીર પોળે પોળે ને સોસાયટીઓમાં ફરીને જાણીતા તેમજ અજાણ્યાઓને પ્રેમથી ફ્રી ટિકિટ આપતા. આ ફિલ્મ એવરેજ ગુજરાતી ફિલ્મ કરતાં સારી હોવા છતાં (કે પછી એ જ કારણે) ચાલી નહિ, ફ્‍લૉપ ગઈ.

અને એક વાર તે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઊભા રહેલા ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. મેં તેમને મિત્રભાવે જણાવ્યું કે તમારે ચૂંટણીમાં ઊભા રહેવા જેવું નહોતું. તમારા ધંધા પર આની માઠી અસર પડશે. લોકો વિચારશે કે જે જ્યોતિષી પોતાનું જ ભાવિ જોઈ શકતો નથી તે આપણું શું જોવાનો !

આવો જ મારો એક બીજો મિત્ર છે ભૂપેન્દ્ર શાહ. તેની પણ ઘણી આગાહીઓ મિથ્યા ઠરી છે, પણ મારા કિસ્સામાં મને અચંબામાં નાખી દે એટલી હદે તેની એક-બે આગાહીઓ સાચી પડી છે. મારી મોટીબહેનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હું જ્યોતિષમાં નથી માનતો એની ખબર હોવા છતાં મારા ભાઈઓએ મને આગ્રહ કર્યો એટલે મેં ભૂપેન્દ્રને પૂછ્યું : ‘બાનું શું લાગે છે ?’ પ્રશ્નકુંડળી મૂકી તેમણે ભવિષ્યવાણી ઉચ્ચારી : ‘બા દિવાળી નહિ કાઢે.’ બે દિવસ પછી મોટીબહેનને ઘેર લઈ આવ્યા. સારું થઈ ગયું. તે ઘરમાં હરતીફરતી થઈ ગઈ. તેણે મને ફોન કરી સમાચાર પૂછ્યા. મેં તેને જણાવ્યું કે બા બચી ગઈ છે, તારું ભવિષ્યકથન ખોટું પડ્યું છે. ટેવવશ ભૂપેન્દ્રએ હસીને મને કહ્યું કે દિવાળી હજી ક્યાં આવી છે ? અને એમ જ થયું. નવરાત્રિની આઠમે મોટીબહેન પાછી થઈ.

*

પણ આવી એકલદોકલ આગાહી સાચી પડે તેથી ભવિષ્યકથનમાં શ્રદ્ધા બેસે નહિ. પણ એ મેં નોંધ્યું છે કે દીકરીની વાતો ચાલતી હોય, લાગે કે આ વાત બની જશે, ત્યાં છેલ્લી ઘડીએ જ વાત તૂટી પડે. એ વખતે ભૂપેન્દ્ર જેવા જ્યોતિષી મિત્રો કહે કે જોયું ને ! મંગળને લીધે જ આ રુકાવટ આવી ગઈ. મને એમ થાય કે આ તે કેવો મંગળ ! જેનું નામ મંગળ હોય એ ક્યારેય કોઈનું અમંગળ કરે ખરો ? – તો પછી તે પોતાનું નામ કેમ બગાડે છે ! પણ એમ વાતમાં હું ચોક્કસપણે માનું કે એમાંય કોઈ ઈશ્વરી સંકેત હશે. ઈશ્વર જે કંઈ કરે એ સારા માટે જ કરે છે. આ કે તે સંબંધ નહિ થવાથી બન્ને પક્ષનું કલ્યાણ થવાનું થશે.

મારી મોટી પુત્રી મોનાના મંગળે મને એક મોટો ફાયદો કરી આપ્યો. અમદાવાદના મોટા ભાગના વિસ્તાર હું ફરી વળેલો. બાકી ‘અમદાવાદ એટલે અમદાવાદ’ નામનું અમદાવાદ શહેર વિશેનું પુસ્તક લખતી વખતે પણ હું આ શહેરમાં આટલું બધું નહોતો રખડ્યો. પણ આ રખડપટ્ટીનું મુખ્ય કારણ હતું મારી ચીકાશ. બધી રીતે ઉત્તમ હોય એવા ઘરમાં જ દીકરી પરણાવવાની મારી છૂપી જીદ હતી. કોઈ વાતે બાંધછોડ કરવા તૈયાર નહિ.

સાથેસાથે ચિંતા પણ એવી જ રહેતી. કોઈ પાર્ટીમાં હું ડિશ લઈ હજી જમવાનું શરૂ કરતો હોઉં, હજી તો માંડ પહેલો કોળિયો ગળા નીચે ઉતાર્યો હોય ને કોઈ આવીને કહે કે વિનોદભાઈ એક સારો છોકરો છે. તો ‘ક્યાં છે ? ક્યાં છે ?’ કરતો ડિશ બાજુમાં હડસેલી ‘સુ-વરની શોધ’ના અભિયાનમાં લાગી જાઉં. મારી મોટીબહેનની બચપણની સખીની દીકરી પૂર્ણિમાબહેન એક વાત લાવી, કહ્યું : ‘મોના માટે એક ઘણો સારો છોકરો છે, મિસ કરવા જેવો નથી. માત્ર એક જ મુશ્કેલી છે, છોકરાના બાપે બીજી જ્ઞાતિમાં લગ્ન કરેલાં છે. બાકી છોકરાનાં મા-બાપ બન્ને ઑફિસર છે.’ મેં વિચાર્યું કે જોઈએ. સરનામું લઈ એ ભાઈને મળવા હું તેમની બૅંક પર ગયો. માણસ પ્રેમાળ, નિખાલસ પણ. કૉફી પીતાંપીતાં મને જણાવ્યું કે પહેલી વાત તો એ કે મારા પુત્રને મંગળ છે. મેં કહ્યું : ‘સરસ, મારી પુત્રીનેય મંગળ છે.’ ‘હવે બીજી વાત…’ તે બોલ્યા : ‘હું બ્રાહ્મણ છું, પણ મેં એક સિન્ધી સ્ત્રી સાથે લગ્ન કર્યાં છે.’ આ સાંભળી મારું મન મોળું પડી ગયું. મારી મા જીવતી હતી ને તે વધારે જુનવાણી. અંદરથી હું પણ થોડો ઑર્થોડોક્સ ખરો. વાત આગળ વધાર્યા વગર મેં ચાલતી પકડી.

લગભગ બે-અઢી વર્ષ બાદ મારી સાળી નિરંજના એક વાત લાવી : ‘મોના માટે એક મઝાનો છોકરો છે. તેનાં મા-બાપ બન્ને બૅંકમાં ઑફિસર છે, વાત જવા દેવા જેવી નથી. છોકરાના બાપે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં છે એ જ એક ડ્રૉ-બેક છે.’ મેં કહ્યું કે ભલે, મળી આવીએ. છોકરાની મધરને મળવા કરતાં તેના ફાધરને મળવું સારું એમ વિચારી તેની બૅંક પર ગયો. પિતાએ શરૂઆત કરી : ‘મારા પુત્રને મંગળ છે.’ ‘નો પ્રૉબ્લેમ’ મેં કહ્યું : ‘મારી બેબીનેય મંગળ છે.’ તે આગળ બોલ્યા : ‘મેં પરન્યાતમાં લગ્ન કર્યા છે.’ ‘પણ સિંધી સાથે નહિ ને ?’ મારાથી એકાએક પૂછાઈ ગયું. ‘હા, મેં સિંધી સ્ત્રી સાથે લગ્ન કરેલાં છે.’ મને ખ્યાલ આવી ગયો કે ભાંગરો વટાઈ ગયો છે. આ સજ્જન સાથે ભૂતકાળમાં કૉફી પીધી હતી. પણ એ ગાળામાં બીજા ૬૫-૭૦ છોકરા જોઈ નાખેલા એટલે આ વાત મનના કૉમ્પ્યુટરમાંથી સાવ ભૂંસાઈ ગઈ હતી. ખરેખર તો મારા મગજનો ઈલાજ કરાવવો પડે એવી આ ઘટના ગણાય.

પણ પછી છોકરાની એ ખેલદિલ મમ્મીએ મને સંદેશો મોકલ્યો કે તમે સિન્ધી શબ્દ સાંભળીને ભડકી કેમ જાઓ છો ? એક વાર મળો તો ખરા. મને પણ થયું કે આ રીતે સાંકડું મન રાખવું ન જોઈએ. મળ્યા. બહુ ઉમદા પરિવાર. કોઈ નાગરાણીનેય પાછા પડી જવું પડે એવી સુંદરતા, સંસ્કારિતા, ખાનદાની. છોકરા-છોકરીનેય મેળવી આપ્યાં. નિર્ણય માટે અઠવાડિયાનો સમય નાખ્યો. સામેનો પક્ષ જાણે આપણો શત્રુ હોય એ રીતે તેની ઊંડાણથી તપાસ કરવી, કરાવવી એવો એક નિયમ મેં રાખ્યો હતો. અને હા પાડવાની હતી. વાત મારી આગળ મૂકી. આમ પણ મારું મન અંદરથી પાછું પડતું હતું ત્યાં એક સારા, વધુ સારા છોકરાનું માગું આવ્યું. મેં ફોન કરીને ના પાડી દીધી. એ બહેન તો આજેય એમ જ માને છે કે તે સિન્ધી હોવાને લીધે મેં વાત કાપી નાખી. લેખકો આટલા બધા અનુદાર હોય છે !

– વિનોદ ભટ્ટ

[કુલ પાન ૨૦૨. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “મંગળ, અ-મંગળ કરે ? – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.