સમજફેર – રમેશ ર. દવે

(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ચીમનલાલે ઓડકાર ખાઈને હાશ અનુભવી. બાજુમાં મૂકેલાં નાગરવેલનાં પાનમાંથી સરસ મઝાનું પાન પસંદ કરીને એની જાડી જાડી નસો કોતરવા લાગ્યા. ચૂનાની ડબ્બી લેવા હાથ લંબાવ્યો તો એમની નજર મનોજ પર ઠરી, નોર્મલી એ કંઈ રાહ જોતો નથી પણ આજે એ હજુ ડાઈનિંગ ટેબલ પર બેઠો છે… કંઈ વાત કરવી હશે ? – ચીમનલાલે વિચાર્યું પણ પાછું એમને એમ પણ થયું : ના, એવું ન પણ હોય, એ મોજથી બેઠો હોય. તો ભલે, એમ કહીને એમણે ચૂનાની ડબ્બી ખોલીને પાન પર આછોતરો ઘાટ આપ્યો. ત્યાં મનોજે કહ્યું :

‘પપ્પા, એક વાત પૂછું ? તમે મમ્મીને પ્રોમિસ આપ્યું હતું કે તમે, મમ્મી જે રીતે, જમ્યા પહેલાં ભગવાનને દીવો કરતી હતી એમ ઘીનો દીવો કરશો. પણ…’

‘હા, પણ અધૂરી વાતે અટકી કેમ ગયો ?’

‘આથી વધુ શું કહું ? મમ્મીએ છેલ્લા શ્વાસે માગેલું ને તમે ભરી આંખે આપેલું વચન તમને યાદ પણ છે કે કેમ, એ સવાલ મને…’

‘ના, ભૂલી નથી ગયો. યાદ છે, બરાબર યાદ છે. એની અંતિમ ઈચ્છા તો કેમ કરીને ભૂલું ? પણ એ વાત સ્વીકારતી વેળા મેં એને એક વિનંતી કરી હતી – એ તને યાદ છે ?’

‘હા, તમે મમ્મીને પૂછેલું : આમ પાણિયારે ઘીનો દીવો કરવાને બદલે, શેરીમાં ફરતાં ગાય-કૂતરાંને ઘી ચોપડેલી રોટલી ખવરાવું ને પંખી સારુ પરબ લટકાવીને એમને ચણ નાખું તો ? પણ મમ્મીએ તમારી એ વાત સ્વીકારી નહોતી ને તમે ઉદાર થઈને દીવો કરવાનું વચન દીધું હતું પણ પછી તમે…’

‘હા, મનોજ, તારી વાત સાચી છે પણ અરધી સાચી છે. તું કહે છે પછી મેં… પણ મનોજ, આજે જ નહીં, મેં એ વચન આપ્યું ત્યારે પણ મારા મનથી સાવ સ્પષ્ટ હતાં કે મારી જીવનસંગિનીને, એની છેલ્લી ઘડીએ વચન ભલે આપું છું પણ ઘીનો દીવો તો નહીં જ કરું !’

‘તો પછી એવું પ્રોમિસ કરવાનો અર્થ શું ?’

‘બસ, અર્થ તો એ જ કે મારી પ્રિય વ્યક્તિ પ્રસન્ન મનથી વિદાય લે.’

‘પણ પછી ? મમ્મી આજે જ્યાં હશે ત્યાં તમે એને આપેલું વચન પાળ્યું નથી – એ વાતે દુઃખી નહીં હોય ?’

‘ના, એ દુઃખી નહીં હોય કારણ કે એ હવે છે જ નહીં.’

‘એટલે ? મમ્મી ક્યાંય નથી એમ ? તો પછી આપણે સગાંવહલાંને લખેલા પત્રમાં મમ્મીના નામની આગળ ‘સ્વર્ગસ્થ’ એવું નહોતું લખ્યું ?’

ચીમનલાલ ઘડીભર મનોજ તરફ અપલક જોઈ રહ્યા. પછી સાવ ધીમા અવાજે કહ્યું : ‘આ વાત મેડિકલ સાયન્સનો સફળ વિદ્યાર્થી કરે છે – એનું આશ્ચર્ય છે… પણ ખેર, એ મુદ્દાને બાજુ પર રાખીને તારા સવાલનો જવાબ દઉં તો – મેં લખેલા પત્રમાં તે હમણાં કહ્યું એ વિશેષણ તે એટલે કે તેં અને અનુષ્કાએ ઉમેર્યું હતું એ યાદ છે ?’

‘તો અમે એ લખવા માટે તમને પૂછ્યું હતું ત્યારે તમે ના કેમ નહોતી પાડી ?’

‘કારણ કે તમે બંને નારાજ ન થાવ.’

‘અને તમે હમણાં કહ્યું એમ, તમારી જીવનસંગિની અને અમારી મમ્મી નારાજ થાય એનો કંઈ વાંધો નહીં એમ ?’

‘મનોજ આ મુદ્દે મારી એક વાત, ફક્ત મારા પૂરતી પણ તું સ્વીકારી લે તો આપણે સૌ ભવિષ્યે સહેજેય પરેશાન નહીં થઈએ – હું, મને સાંપડેલી સમજ અને શ્રદ્ધા સાથે કહું છું કે અગ્નિદાહ દીધા પછી અને ચિતા ઠરે પછી કોઈ પણ માણસનું દેહરૂપ વિલીન થાય છે અને એ સ્મૃતિ રૂપે જીવે છે માત્ર આપણાં મન-હૃદયમાં !’

‘તો એ સ્મૃતિરૂપ મમ્મી માટે પણ…’

‘ના, જે પ્રત્યક્ષ નથી અને તેથી દુન્યવી સુખ-દુઃખથી જે મુક્ત છે એને રાજી રાખવા ઘીનો દીવો કરવા જેવું – કમ સે કમ મને ન ગમતું તો હું ન જ કરું !’

*

‘પપ્પા, એક વાત ઘણા દિવસથી મનમાં ઘોળાયા કરે છે ને છતાં કહું કે ન કહું – એમ થયા કરે છે એટલે કહી શકતો નથી…’

‘હા, ક્યારેક – કોઈ વાતે આવું થતું હોય છે પણ આજે જો કહી શકે તો કહે, એ વિશે મારે કંઈ કરવાનું હશે તો હું જરૂર…’

‘ના, ના… એમાં તમારે કંઈ કરવાનું નથી. જે કંઈ કરવાનું છે એ તો મારે, આઈ મીન અમારે જ કરવાનું છે… પણ એ કરવું કે ન કરવું અને કરવું તો કેમ કરવું – એ વાતે જરા મૂંઝવણ છે.’

‘છતાંય વાત કરવાથી તું હળવો થતો હો અને અનુષ્કાની જે કંઈ મૂંઝવણ પણ દૂર થતી હોય તો તારે માંડીને વાત ન કરવી જોઈએ ?’

‘પણ વાત જરા એવી છે ને… તમને ખરાબ તો નહીં લાગે ને…’

‘મનોજ, વાત કોઈ પણ હોય, મને કે તને, ઓછી કે વધુ, સારી કે ખરાબ તો લાગે જ ને ? પણ પછી એ જ વાત અંગે પૂરતો વિચાર કર્યા પછી જે કંઈ કરવા જેવું હોય તે કરી શકાય – થઈ શકે ને ?’

‘પપ્પા, મમ્મીને ગયા હજુ વરસ પણ પૂરું નથી થયું, ત્યાં તમે ઘણા બધા બદલાઈ ગયા છો. તમારી વાતો, તમારાં કામ… અરે ઘરમાંની તમારી રીતભાતેય… આ બધું આટલી જ વારમાં ?’

‘તે આમ તો કશી સીધી સ્પષ્ટ વાત તો નથી કરી પણ મૂળ મુદ્દો તો સૂચવી દીધો છે… તારી વાત ખોટી નથી. હું આ વીતેલા છ-સાત મહિનામાં ઠીક ઠીક બદલાયો છું ! પણ સાચી વાત કહું તો – મૂળ હું, આજકાલ તમને બદલાયેલા-બદલાયેલા જે ચીમનલાલ દેખાય છે ને એ જ ચીમનલાલ છું પણ તારી મમ્મીની રાજીખુશી માટે મેં મારું આ, હમણાં હમણાં છતું થયેલું મનમોજી રૂપ સાવ ઢાંકી-ઢબૂરી દીધું હતું. પણ હવે એ જ્યારે મારી સાથે નથી ત્યારે મેં, એણે જિદ કરીને મારે માથે લાદેલી બધી શિસ્ત પરહરી દીધી છે – આ વાત તને સમજાય છે ?’

‘પણ ઘરે કોઈ મહેમાન આવે, ખાસ કરીને અનુષ્કાનાં સગાંસંબંધી તો એમને મળવાનુંય ટાળો ને અનુષ્કા બોલાવે તો પાછા સદરોય પહેર્યા વગર એમનેમ બેઠકખંડમાં બેસો, અરે સમયસર નહાવા-જમવાનું પણ નહીં ? વળી, જમવામાં ત્રણ જ વસ્તુ – ચોથી ક્યારેય નહીં જ લેવાની ? પછી ભલેને અનુષ્કાએ ભાવથી બનાવેલી લાપશી હોય – નહીં એટલે નહીં !’

‘પણ ઉંમર પ્રમાણે આટલી કાળજી તો હરતાંફરતાં રહેવા માટે કરવી જ પડે ને ?’

‘એ તો જાણે કે ઠીક પણ જમ્યા પછી ડાઈનિંગ ટેબલ તમારે જ સાફ કરવાનું ? અને એય પાછું કામવાળી બાઈના દેખતાં ? તમારી આ બધી વાતોથી અનુષ્કાનો જીવ કેટલો દુભાય છે – ખબર છે ? અને મમ્મી ગયાં પછી ઘરને તો તમે પાણીનું પરબ બનાવી દીધું છે… ટપાલી અને કુરિયર, શાકની લારીવાળા ને પ્રોવિઝન સ્ટોરનો છોકરો, અરે વધ્યુંઘટ્યું માગવા આવનારાં ટાબરિયાં – આ બધાંને ઠંડું પાણી પાવાનું ? ડિપ ફ્રિઝ આખું પાણીની બોટલોથી ભરી દો છો – જોકે લાઈટબિલ તો તમે ભરો છો…’

‘આ બધી ફરિયાદ અનુષ્કાએ તને કરી એને બદલે મને જ કહ્યું હોત તો ? એણે કયું પુસ્તક વાંચ્યું અને એમાં શું બહુ ગમ્યું અને શું ન ગમ્યું – એ બધી વાતો તો એ મારી સાથે કરે છે – તો પછી આ તકલીફો…’

‘ખરા છો પપ્પા તમે પણ ! એ શું તમને આ ઉંમરે આવી બધી વાતો શીખવે ?’

‘ના, એવું તો એ ન કરે પણ ચાલ, એ વાત જવા દે, સૌ પહેલાં એ કહે કે આ બધી વાતે મારે શું કરવાનું છે ?’

‘બીજું તો શું ? થોડા સમયસર થાવ અને ટિપોય પર પડેલાં છાપાં ઉપર પગ લંબાવીને ન બેસો. અનુષ્કા થાળી પીરસવાનું પૂછે ત્યારે માથું ખંજવાળવાને બદલે… આવું આવું… બીજું તો શું ?’

‘તારી વાત આમ તો સાવ સાચી છે પણ આ ઉંમરે મને એ બહુ માફક નહીં આવે ! લાંબી વાત કરતાં એટલું જ કહીશ કે તારી દાદીમાએ મને હું માંડ સાત વરસ્નો હોઈશ ત્યારે, સવાશેર સાકરનો પડો ને ચાંદલો કરેલું શ્રીફળ મારા નાના એવા ખોબામાં મૂકીને અને ખભે ‘વાપરનાર સુખી રહો’ એવી શુભેચ્છા-ભરેલા ભરતકામવાળી થેલી, અરે ભૂલ્યો, સ્કૂલબેગ ભરાવીને રાણપુરની નાનકડી નિશાળમાં ભણવા બેસાડ્યો હતો – એ દિવસથી મારા ગળામાં આજે જેને સૌ ટાઈમટેબલ કહે છે – એ રૂપાળું ઘરેણું ઘલાઈ ગયું હતું ! ભણતર-ગણતર, ધંધો-ધાપો ને નોકરી કરી ત્યાં સુધી એ આભૂષણ મને-કમને પહેરી રાખ્યું પણ કોલેજમાંથી નિવૃત્ત થયો ત્યારે મનમાં એમ હતું કે હાશ, હવે આ બધાંથી પરવારી જઈશ પણ ઘરમાં તો તારી મમ્મી ખુદ ઘડિયાળ હતી અને એ પણ પાછી ટકોરા મારતી ! – સાત વાગી ગયા, ઊઠવું નથી ? હજુ છાપામાં ડૂબ્યા છો તે પછી પરવારશો ક્યારે ? આમ બપોરે બાર વાગ્યે તે કોઈ નહાતું હશે ? સવાર-સવારમાં નાહી લો તો ? ભૈશાબ ક્યાં સુધી વાંચ્યા કરશો ? સવા અગિયાર તો થવા આવ્યા… પેલી કોલેજનું ટાઈમટેબલ તો બાંસઠમે વર્ષે છૂટ્યું, પણ ઘરમાં તો મારા વહાલા વહાલા બોસ સાતેય દિવસ ને ચોવીસે કલાક હાજરાહાજૂર હતાં ! બસ, એમને રાજી રાખવા માટે, એને ‘આવજો’ કહીને આંખ ઢાળી ત્યાં સુધી નખશિખ ડાહ્યોડમરો બની રહ્યો. પણ હવે…’

‘આ તો પપ્પા, તમે પૂછ્યું એટલે મેં કહ્યું; પણ એક વાત તો તમેય સ્વીકારશો ને કે આપણા ઘરની ઓસરી ને આંગણાં તમે ઉકરડા જેવાં કરી દીધાં છે… તમે પહેલાં શોખથી બાગ કેવો સરસ કરી દીધો હતો ? પણ પછી શુંય થયું તે આ ફૂલછોડ ને પેલું ઝાડ, આ વેલ ને પેલા સિઝનલ પ્લાન્ટ્‍સ – એમ કરતાં કરતાં ઘરમાં અંધારું અંધારું કરી મૂક્યું છે. આ ઓછું હોય એમ પાછું જાણે ગાર્ડન-નર્સરી કરવી હોય એમ, લોકોએ ફેંકી દીધેલા પ્લાસ્ટિકના ગંદાગોબરા પ્યાલા, ફાસ્ટફૂડની કોથળીઓ ને માથું ફેરવી નાખે એવી ગંધ મારતી ખાતરની બોરી… રસ્તેથી ઉખેડી લાવેલા તુલસી ને બારમાસીના છોડને પાણીની ડોલમાં મૂકી રાખો છો તે મચ્છર કેવા થાય છે – ખબર છે ? બાજુવાળાં નીલામાસી કાલે પૂછતાં હતાં – ‘આ ચીનુભાઈ પેલા ઉકરડામાંથી શું વીણતા’તા ? હું શું જવાબ આપું ?’

‘એ તો હું તેર નંબરવાળાં બાએ નાખેલા જાંબુના ઠળિયા વીણતો હતો – જાંબુ ને પાછાં રાયણાં ! અને હા, બાજુમાં જ કોઈ રિક્ષાવાળાએ ફેંકેલો ક્લચવાયર પણ લેતો આવ્યો’તો. આપણા દરવાજાની જાળીમાંથી મોઢું નાખીને બકરી મધુમાલતીની વેલ ખાઈ જાય છે એટલે…’

‘પણ એ માટે ગેલ્વેનાઈઝ વાયર લઈ આવો ને ! આમ કાંઈ ઉકરડામાંથી આ બધું વીણવા બેસાય ? તે દિવસે તમે, કોઈએ ફેંકેલાં થર્મોકોલનાં ખોખાંય તે ત્યાંથી જ લઈ આવ્યા હતા ને !’

‘એટલે તું એમ કહે છે કે કોઈએ વેસ્ટ ગણીને ફેંકી દીધેલી વસ્તુને સારા કામમાં વાપરીએ એ પણ ખોટું ? એ બોક્સમાં ગુલાબી, સફેદ અને પીળી લીલીઝ કેવી ખીલી છે ? અને એમાં વાવેલી રજનીગંધાને ફૂલ તો બેસવા દે ! પછી કહેજે – એની આમતેમ ઝૂલતી દાંડીએ ખીલેલાં ફૂલ કેવાં મહેકે છે ! હા, તારી પેલી વાત સાચી છે – મંજુભાભી પણ હમણાં આવ્યાં હતાં ત્યારે કહેતાં હતાં – ‘તમારું ઘર બામણનું છે પણ ઓશરી ને ફળિયું તો અદલ ખેડુનાં જ છે હોં !’

‘એટલે તો કહું છું કે તમે થોડુંક તો વિચારો…’ મનોજ કંઈ વધારે ન કહેવાઈ જાય એની ફિકરમાં અટકી ગયો.

‘વિચારવાનું તો મનોજ એવું છે ને કે એક વાર કાંતવા બેસું તો પાર જ ન આવે પણ હવે એમ લાગે છે કે વિચારી-વિચારીને બહુ જીવ્યો. હવે તો મન થાય એમ જીવીશ… ઊંઘ ઊડશે ત્યારે ઊઠીશ, સફેદ મજાનો ઓછાડ વાળી-સંકેલીને મન થશે તો ડે-ટાઈમની તમે આસામથી લઈ આવ્યાં છો એ ચાદર બિછાવીશ, સવારે ફરવા જવું હશે તો અર્ધોએક કલાક ફાસ્ટ વોકિંગ કરી આવીશ નહિતર એય… ને નિરાંતે છાપાં વાંચીશ. અને તે કીધું છે એમ કપડાં તો… મૂળે તો આપણે બામણ એટલે પંચિયું – ને એય પાછું ગોઠણ સુધીનું – પહેરીએ તોય ઘણું ! પણ હું તો લેંઘો ને સદરો પહેરું છું – હા, બાગકામ વખતે અનુષ્કાએ લાવી આપેલો બર્મુડા પહેરું છું – તે એવી મઝા આવે છે કામ કરવાની ! ગમે ત્યાં ગમે તેમ બેસો, મેલો થાય તો ન્હાતાં પહેલાં ટબ-પાણીમાં બોળી-ચોળીને સુકવી દેવાનો…’

‘એટલે તમે…’

‘હા, હું હવે માંડ માંડ મળેલી આઝાદી મઝાથી માણીશ. એમાં તમારા શિષ્ટાચાર-પ્રોટોકોલ્સ મને નહીં ફાવે.’

‘આ તો એવી વાત થઈ ને કે મમ્મીએ કહ્યું એ બધું તમે કર્યું, વિના ફરિયાદ કર્યું ! અને આજે હવે હું અને અનુષ્કા જો કંઈ કહીએ તો તમે… અને અમે તમને કહી કહીને બીજું શું કહીએ છીએ ?’

‘મનોજ, તે વાત કાઢી જ છે તો પહેલાં એ સમજી લે કે તમે તમે છો અને મમ્મી મમ્મી હતી…’

‘એટલે ?’

‘એટલે એમ કે મમ્મી માટે મેં જે શિસ્ત સ્વીકારી એ હું તમારે માટે ન સ્વીકારું !’

‘એમ ? એટલે… એનો અર્થ તો એ જ ને કે અમે તમારે માટે કશું જ નથી…’

‘ના, એવું નથી… અને આમ ઉતાવળો ન થા, પહેલાં પૂરી વાત સાંભળ… અમારાં લગ્ન થયાં ત્યારે હજુ હું ભણતો હતો. ઘર બ્રાહ્મણનું એટલે ગરીબ તો હોય જ, અમેય હતાં તે તું જાણે છે. એ વખતે મમ્મીએ, બે ગાય પાળીને પાંચ-સાત વર્ષ પાર કર્યાં હતાં. ને બીજી વાત, મેં મમ્મીની બધી વાત માની અને એણે કહ્યું એ મન દઈને કર્યું એમ જ તારે માટે પણ જે કરવાનું હતું – એ બધું મન દઈને કર્યું છે !’

‘મને સમજાયું નહીં…’

‘તો સાંભળ, મેં કે તારી મમ્મીએ, અમારો દીકરો ડૉક્ટર થશે એવું ક્યારેય કલ્પ્યું નહોતું, કારણ, અમારી એવી ગુંજાયશ જ ન હતી. તેમ છતાં તેં ઈચ્છ્યું તો કરવી પડી એ બધી કરકસર કરીને તને ભણાવ્યો. અલબત્ત, માબાપ તરીકે અમારે એ કરવું જ જોઈએ પણ પરિસ્થિતિ સાવ જુદી હતી… ટૂંકમાં કહું તો, તું કરે છે એવી તુલના, આ બાજુથી કે પેલી બાજુથી કરાય જ નહીં.’

‘તમારી વાત તમારી રીતે સાચી છે પણ અમારી મૂંઝવણો અમારી છે. વળી, આ ઘર તમારું છે એટલે અમારે કોઈએ તમને, તમે આમ કરો કે તેમ ન કરો – એમ કહેવાનું પણ ન હોય – આ સ્થિતિમાં અમે નક્કી કર્યું છે કે અમે આપણી બાજુમાં જ આવેલા, દસ-પંદર મિનિટના રસ્તે છે – એ વસંતકુંજ બંગલોઝમાં જઈએ. આવતા રવિવારે એ માટેના બહાનાની રકમ આપી દઈશું એટલે દોઢ-બે મહિનામાં પઝેશન મળી જશે. બંગલા નંબર પણ મારો એટલે કે ફાઈવ જ છે…’

‘અરે ! એમ તે કરાતું હશે ? મેં એ બંગલા જોયા છે. એનો માસ્ટર બેડરૂમ તો બીજા માળે છે – અનુષ્કાને ચોથો મહિનો ચાલે છે ને તું… એક તો બબ્બે દાદરા અને ઉપર સીધું ધાબું એટલે ઉનાળે ગરમીય… ના, એમ નથી કરવાનું ! આ મેં કહી દીધું…’

‘પણ પપ્પા, આમ ને આમ તો આપણે…’

‘ના, આમ ને આમની વાત નથી, જો સાંભળ, આપણી જ સોસાયટીમાં લંડનવાળા ચાવડાકાકાનું ટેનામેન્ટ છે. એમાં નાનુંસરખું પણ સરસ મઝાનું આઉટહાઉસ છે. ટેનામેન્ટની ચાવી તો, તને ખબર છે આપણી પાસે જ છે. હું આજે જ એમને ઈ-મેઈલ કરી દઈશ. ના પાડવાનો તો સવાલ જ નથી, ઊલટાના રાજી થશે. બસ, અઠવાડિયામાં એને વ્હાઈટવોશ કરાવી લઈશ પછી વગર મૂરત જોયે, વળતે દિવસે હું ત્યાં શિફ્ટ થઈ જઈશ, આમ અલગ પણ પાછાં પાસે ને પાસે, ફોન કરશો કે ત્રીજી મિનિટે આવી જઈશ… બરાબર ?’

‘પણ પપ્પા, એ તો… એ તો… તમે આપણી જ સોસયટીમાં આમ…’

‘અરે, હા ! એ વાત સાચી છે. જોકે મને તો એ વિચાર જ નહોતો આવ્યો હોં. તો પછી એમ કરીએ – રાણપુરમાં ગોરભાની શેરીમાં આપણું બાપીકું મકાન છે. મહિનો-માસ એને રિનોવેટ કરવામાં લાગશે. એ તો હું દયાળજી દાદાને ઘેર રહીને કરાવી લઈશ અને રાણપુરેય ક્યાં દૂર છે ? અમારી રીતે કહું તો, રાણપુર તો આ રહ્યું ઢેફા-ઘાએ…’

‘પણ તમે આમ એકલા, આ ઉંમરે ગામડાગામમાં…’

‘આ ગામડાગામમાં ને એવું બધું તો તને, તું આ ઘરમાં જન્મ્યો છો ને એટલે લાગે, બાકી એ જ ઘરમાં કોઈ દાયણ-સુયાણીના હાથે જન્મ લેતાં મેં પહેલવહેલું ઉવાં ઉવાં કર્યું હશે ! ને પછીની વારતા માંડું તો એનો તો પાર જ આવે એમ નથી – એ ઘરના આંગણામાં લીંબડા ને આંબા ઉપર ચડી ચડીને કડવી-મીઠી લીંબોળી ને ખાટાબડુસ લીલા મરવા-ખાખટી ખાધાં છે. એ આંબો તો દાદીમા કહેતાં હતાં એમ, ગામમુખી કરસનબાપાએ એમની દીકરીનાં લગન લીધાં હતાં ત્યારે જાતે પોતે આવીને વાવ્યો હતો. પણ મૂળ વાત તો એ જ કે એ ઘર મને આજેય પોતીકું જ લાગવાનું છે !’

‘પણ તમારે એકલા રહેવાનું ને અમે અહીં…’

‘ના, ભાઈ ના, એવી ચિંતા તું સ્‍હેજે ના કરતો. રાણપુરમાં હજુ મારા બાળગોઠિયા લાકડીના ટેકે ટેક પણ હરેફરે છે. હમણાં બે મહિના પહેલાં જ સાત-બારના ઉતારા માટે નહોતો ગયો ? ત્યારે બધાને નિરાંતે મળાયું નહોતું પણ ભીખાભાઈની હોટલે કડક-મીઠી ચા પીધી અને રઝાકમિયાનું મઝાનું પાન ખાધું – એટલે બધું તાજું-તાજું થઈ ગયું હતું. રણુભા, વખતચંદ ને રવજી ટપાલી – આ બધાની સાથે, સવાર-સાંજ પાદરના ગરનાળા ઉપર, લટકતા પગ રાખીને ગામગપાટાં મારતાં બેસીશ અને બ્રાહ્મણનો દીકરો છું એટલે જઠરાગ્નિ જાગશે ને ખાવાનું માગશે એટલે અરધા કલાકમાં ફટાફટ ભાખરી-શાક તૈયાર ! ને પાછું ઉપરિયામણમાં ભેંશના દૂધનું છરીથી કાપીને કટકા કરો એવું દહીં તો હશે જ હશે…’

‘પણ અમારે માટે તમે આમ આ ઘર છોડીને…’

‘તમારે માટે ન કરું તો બીજા કોને માટે કરું ? અને હવે બીજું કોઈ છે પણ ક્યાં ? છો તો તું, અનુષ્કા અને આવનારા મોંઘેરા મહેમાન જ ને ? પણ મનોજ, આ સરસ મઝાનો જવાબ ગમી જાય એવો છે પણ એ સાચો નથી. તારી સમજફેર દૂર કરવા જ નહીં; મૂળ વાત માટે પણ મારે સ્વીકારવું જોઈએ કે આ બધું મનની મોજે હું મારા માટે જ કરું છું !’

–  રમેશ ર. દવે

Leave a Reply to કાલિદાસ વ. પટેલ {વાગોસણા} Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “સમજફેર – રમેશ ર. દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.