- ReadGujarati.com - http://www.readgujarati.com -

સમયની કરામત.. – ડૉ. નિલેષ ઠાકોર

(જેમની કલમે આ પ્રથમ કૃતિ પ્રસ્તુત થઈ રહી છે એવા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિલેષ ઠાકોર આ વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો તેમને શૈશવકાળથી શોખ છે. રીડગુજરાતી પર તેમનું સ્વાગત છે. ડૉ. નિલેષની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 9979846971 પર કરી શકાય છે.)

અમદાવાદની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજના કેમ્પસની બહાર આવેલી ગિફ્ટ શોપમાં સવાર સવારમાં કોઈ પ્રવેશ્યુ. પ્રવેશતા જ એને દુકાનદાર ને કહ્યું “ ભાઈ જરા સારી પેનો હોય તો બતાવો ને ?” દુકાનદારે પણ દિવસ નું પ્રથમ જ ગ્રાહક હોવાથી એની સમક્ષ પેનો નો ખજાનો રજૂ કરી દીધો. એમાંથી એને લાલ કલર ની પિયરી કાર્ડિન ની પેન પસંદ કરી કિંમત ચૂકવી ગિફ્ટ પૅક કરવાનું કહ્યું. દુકાનદાર એ સરસ ગિફ્ટ પૅક કરી સ્ટિકર લગાવી આપ્યું, જેના પર એને લખ્યું ‘હેપ્પી બર્થડે ટુ નિશા મૅમ.’

ડૉ. નિશા પટેલ, આ એ નામ કે જેને હમણાં જ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ કમ ટ્યુટર તરીકે એડમિશન લીધું. તેમના આકર્ષક વ્યક્તિવ્ય, મોહક હાસ્ય અને બોલવાની અનેરી છટાએ સૌ વિદ્યાર્થીઓના મન મોહી લીધાં. એમાંય જો કોઈ સૌથી વધારે મોહિત થયું હોય તો એનું નામ હતું ‘નિશિથ’.

નિશિથે પણ નક્કી કરી લીધું હતું કે મેડમના પ્રિય વિદ્યાર્થી બનવું. જેથી એ તેમના દરેક વર્ગમાં પહેલેથી પૂરી તૈયારી કરીને જતો અને ફાર્માકોલોજીના દરેક પ્રશ્નના ઉત્તરો આપવામાં હમેશાં અવ્વલ રહેતો. જોતજોતાંમાં તો નિશિથ નિશા મેડમનો સૌથી પ્રિય સ્ટુડન્ટ બની ગયો.

નિશા મેડમએ પણ એક વખત ક્લાસમાં બધાની વચ્ચે કહી દીધું કે ‘નિશિથ’ મારો સૌથી પ્રિય વિદ્યાર્થી છે એનું કારણ એ તેજસ્વી છે એ તો છે જ પણ બીજું પણ કઇંક કારણ છે. ‘બીજું પણ કઇંક કારણ’ આ શબ્દથી એને બીજા વિદ્યાર્થીઓ ચીડવતા. નિશિથ પણ મનમાં ને મનમાં મલકતો અને જાણે એને પણ ગમતું હોય એમ એ લોકો ને કંઈંજ ન કહેતો. શું હતું આ? મુગ્ધાવસ્થાનું પ્રથમ આકર્ષણ કે બીજું કઇંક? નિશિથને સમજાતું નહોતું અને એને સમજવું પણ નહોતું. ફાર્માકોલોજી વિષયમાં એને બધું જ આવડતું એનું કારણ કે એને ફાર્માકોલોજી વિષયના પુસ્તકોના દરેક પાને નિશા મેડમનો ચહેરો દેખાતો.

આજે સવારે જ નિશિથના મોબાઇલ પર નિશા મેડમનો કોલ આવ્યો, ‘જરા ફાર્માકોલોજીમાં આવીશ? મારે તારું થોડું કામ છે.’

આજે મેડમનો જન્મદિવસ હતો, તેમના માટે લીધેલી પેન લઈ તે ઝડપથી પહોંચી ગયો. ‘અંદર આવું મૅમ?’ એમ કહી એ રૂમમાં આવ્યો, પ્રવેશતા જ હેપી બર્થ ડે કહી પેન આપી.

નિશાએ પણ આભાર માની ને નિશિથ ને પોતાની સામે બેસાડયો, કહ્યું. ‘ગઈ કાલે રાત્રે જ મે મારી ફેસબૂકની ટાઇમલાઇન પર જોઈ લીધું હતું, જેમાં સૌથી પહેલી બર્થડે વિશ તારી હતી. વન્સ અગેન થેન્ક યૂ ફોર ધેટ.’

‘મૅમ શું કામ હતું?’ અચરજ ભરી નજરે નિસિથ બોલ્યો.

‘આ જરા થોડા કાર્ડ્સ છે એ લઈ ને તારે બાજુ ની કૂરિયર ઓફિસમાં જઇ કાર્ડ પોસ્ટ કરવાના છે અને એમાં એક કાર્ડ તારા માટે પણ છે, તારે સ્યોર આવવાનું છે.’

કાર્ડ નિશિથના હાથમાં હતાં જેની પર લખ્યું હતું, ‘ડૉ. નિશા વેડ્સ ડૉ. નિશીથ’

નિશિથને સમજાઈ ગયું કે પોતે નિશાનો પ્રિય સ્ટુડન્ટ હોવાનું બીજું કારણ એ કે તેમના ભાવિ પતિ નું નામ પણ નિશિથ હતું.

શૂન્યમનસ્ક મન, શમી ગયેલી લાગણીઓ, ભગ્ન હ્રદય, સહેજ ભીના થયેલા આંખના ખૂણાઓ અને મંદ ગતિએ ચાલતા પગલા સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ન પડી. નિશાના લગ્નથી પોતે કેમ ઉદાસ હતો એનું કારણ એને ન સમજાયું.

* * *

૨ વર્ષ ના સમય પછી આજે નિશિથ એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશીપમાં હતો, સવારે એ વોર્ડમાં જતો અને બપોર પછી મેડિકલ કોલેજની લાઇબ્રેરીમાં અનુસ્નાતક અભ્યાસક્રમ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારીઓ કરતો.

અચાનક એક દિવસ નિશિથની બાજુમાં એક સુંદર મજાની છોકરી આવી અને કહ્યું, ‘મને ફાર્માકોલોજીના ટૂંકા પ્રશ્નોમાં જરા હેલ્પ કરી દેશો? મારી સહેલીએ કહ્યું કે તમારું ફાર્માકોલોજી બહુ જ સારું છે.’

‘પણ તમે?’ આશ્ચર્ય સાથે નિસિથ બોલ્યો.

‘હું બરોડા મેડિકલ કોલેજથી છું, અહી ઇન્ટર્નશીપ કરવા આવી છું.’ એ છોકરી એ સહજ ભાવે ઉત્તર આપ્યો.

‘પણ તમારું નામ?’

‘નિશા, નિશા પટેલ’

બસ નિશિથ માટે નામ જ પૂરતું હતું. એ ના ન કહી શક્યો, મનમાં જરા ખુશ થતાં જ અચરજ સાથે વિચારવા લાગ્યો ‘નિશા અને ફાર્માકોલોજીમાં હેલ્પ?’

* * *

આજે નિસિથ ઉત્સાહ થી મારુતિ કૂરિયર ઓફિસે જઈ રહ્યો હતો એ જ ઓફિસ કે જ્યાં એ 2 વર્ષ પહેલા ગયો હતો.

ખુશમિજાજ મન, લાગણીઓનો આવેગ, આંખોમાં એક અનેરી ચમક અને ઝડપથી ચાલતા પગલાં સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ન પડી.

નિશિથના હાથમાં કાર્ડ્સ હતા જેની પર લખ્યું હતું, ‘ડૉ. નિશિથ વેડ્સ ડૉ.નિશા’