નીલકંઠ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૫ના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

‘શિયાળાનો દિવસ ! સૂર્યાસ્ત હવે હાથવેંતમાં. સૂરજને ઊગવાની પણ ઉતાવળ અને આથમવાની પણ ઉતાવળ ! છતાં બધું જ ઘડિયાળના કાંટા મુજબ. આકાશ તો એકનું એક ! સૂરજ એકનો એક. અંધકારની છાતી ચીરીને સૂરજ ઊગે છે અને અંધકારને જગતનો હવાલો આપીને સૂરજ આથમે છે ! સૂર્યનો અસ્તકાળ શું વેદનાની પરિભાષા ઘૂંટતો હશે ?’ – નીલકંઠબાબુ બાંકડા પર બેઠા બેઠા વિચારી રહ્યા હતા.

સામેની સડક પરથી પસાર થઈ રહ્યાં હતાં એક વૃદ્ધ પતિ-પત્ની. બંને જૈફ વયનાં… માથે અનુભવના મહાકાવ્ય જેવા શ્વેત કેશ ! ડોસાની ચાલમાં જૈફ વયે પણ જોમ. આજે એની કાયા ધ્રૂજતી હતી, પણ ગઈ કાલે એની કરડી નજર આખી ઑફિસને કે બિઝનેસમાં હાથ નીચે કામ કરતા લોકોને ધ્રુજાવતી હશે…

‘દાદા લો આ તમે મંગાવેલી બ્રેડ ! બેકરીવાળાએ કહ્યું કે આજે એક માણસ વાસી બ્રેડ એકસામટી ખરીદીને લઈ ગયો એટલે વાસીને બદલે તાજી બ્રેડ લાવ્યો છું’ – નાનકડા બદલૂએ કહ્યું…

‘અરે બેટા, મેં તો તને વાસી બ્રેડ જેટલા જ પૈસા આપ્યા હતા… તું તાજી બ્રેડના પૈસા ક્યાંથી લાવ્યો ?’ – નીલકંઠબાબુએ પૂછ્યું…

‘મારી મમ્મીએ નાસ્તા માટે મને પૈસા આપ્યા હતા એટલે તેનો ઉપયોગ મેં તમારા માટે કર્યો !… હું એક દિવસ નાસ્તો નહીં કરું તો કમજોર નહીં થઈ જાઉં… પણ આપને આ ઉંમરે.’

બદલૂની વાત અધવચ્ચે કાપી નાખતાં નીલકંઠબાબુએ કહ્યું : ‘અરે દીકરા ! મારા જીવવાના દહાડા તો પૂરા થઈ ગયા ! હરખભેર જીવાડનારા ન હોય એવા જીવતરમાં માણસને રસ પણ ક્યાંથી પડે ?… પણ તું ક્યારેક-ક્યારેક આવતો રહેજે… તને જોઉં છું… અને’ નીલકંઠબાબુ આગળ બોલી ન શક્યા.

બદલૂએ ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢી નીલકંઠબાબુનાં આંસુ લૂછતાં કહ્યું : ‘દાદા, તમે એકલા છો ? દાદીમા ક્યાં ગયાં છે ? અને મારા જેવો કોઈ પૌત્ર તો હશે જ ને ?’

નીલકંઠબાબુ કશું જ બોલ્યા વગર બદલૂનો વાંસો પંપાળતા રહ્યા. નીલકંઠબાબુને થોડાક સ્વસ્થ થયેલા જોઈ બદલૂએ કહ્યું : ‘દાદા, ગુડનાઈટ ! હું ઘરે જાઉં… મમ્મી રાહ જોતી હશે ! કામકાજ હોય તો કહેજો ! હું સામેના મકાનમાં જ રહું છું.’

અને ‘બાય-બાય’ કહી વિદાય લેતા બદલૂને નીલકંઠબાબુ સતૃષ્ણ નજરે નિહાળી રહ્યા.

નીલકંઠબાબુની સ્મરણયાત્રા શરૂ થઈ.

‘નીલુ, ઓ નીલુ’

‘હા, મા, શું કામ હતું ? હું લેસન કરતો હતો એટલે તારો અવાજ મને ન સંભળાયો.’

નીલકંઠબાબુ સમક્ષ હાજર થયો માતાનો વાત્સલ્ય નીતરતો ચહેરો ! પપ્પાજીનું મોં જોવાનો તો બાળ નીલુને મોકો જ મળ્યો નહોતો. માતા જ એને મન પિતા-કાકા-મામા-ફોઈ-ફુઆ બધું જ હતી !

મા કહેતી : ‘બેટા, કેવું નસીબ લઈને તું જન્મ્યો છે ! નજીકનું સગું-વહાલું કોઈ જ તારી દરકાર રાખે તેવું હયાત નથી ! ન કરે નારાયણ ને મને કશું…’

‘મારા સોગંદ છે મમ્મી, તું આગળ કશું બોલે તો ! હું ભણી-ગણીને સારી નોકરી મેળવી તને એટલું બધું સુખ આપીશ કે… લોકો જોતા જ રહી જશે’ નીલુ કહેતો.

દિવસો વહી ગયા… હવે નીલુ શાળામાં નીલકંઠના નામે ઓળખાતો થઈ ગયો. વર્ગમાં શિક્ષકો ભણાવે ત્યારે એકાગ્ર થઈ બધું સાંભળતો. શાળા છૂટ્યા પછી પણ રોકાઈને શાળાના બાંકડે બેસીને લેસન કરતો… લાઇબ્રેરી બંધ થવાના એકાદ કલાક અગાઉ તે ગ્રંથાલયમાં પહોંચી જતો અને વ્યક્તિત્વઘડતરનાં પુસ્તકો વાંચતો.

નીલકંઠે ત્યારે જૂની મેટ્રિકની પરીક્ષા ડિસ્ટિક્શન સાથે પસાર કરી… મા ઈચ્છતી હતી કે નીલુ મેડિકલ લાઈન પસંદ કરી ડૉક્ટર બને, પણ નીલુને પોતાની આર્થિક સ્થિતિનો અંદાજ હતો… એટલે સવારના સમયની આટ્‍ર્સ કૉલેજમાં પ્રવેશ મેળવી બપોરના સમયે નોકરી શરૂ કરી… માને કળ વળી. દીકરાએ ઘરની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી…

‘તારા જેવા શાણા પુત્રની મા બનીને હું તો જનમારો તરી ગઈ છું, બેટા ! મને તો ધરતી પર જ મોક્ષ મળી ગયો છે !’ મા કહેતી… પણ માના નસીબમાં ઠરવાનું લખાયેલું નહોતું… બીજે દિવસે નીલકંઠનો જન્મદિવસ હતો… વહેલી સવારે ઊઠીને દેવપૂજા કરી, નીલકંઠ માટે ઢગલાબંધ દુવા માગવા મંદિરે પહોંચી ગઈ હતી. પૂજા કરાવી, પ્રસાદ અને દેવને અર્પિત ફૂલ લઈને મા પગથિયાં ઊતરી રહી હતી ત્યાં જ ચક્કર આવ્યાં અને મા ભોંય પટકાઈ… માથામાં ગંભીર ઈજા થઈ હતી.

નીલકંઠને ખબર આપવામાં આવી. એમ્બ્યુલન્સ દ્વારા માને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી ! મા ભાનમાં આવી પણ એના એક હાથ-પગે લકવાની અસર થઈ ગઈ હતી. નીલકંઠ પર આભ તૂટી પડ્યું… એણે માની સારવારની ઉત્તમ વ્યવસ્થા ગોઠવી દીધી પણ લકવાની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો.

…ગ્રૅજ્યુએટ થયા પછી મમ્મીના આગ્રહથી નીલકંઠે સાદી વિધિથી લગ્ન કરી લીધાં…

શ્રીમતી નીલકંઠ બન્યાં પછી ફિનિજાએ દાંપત્ય તો શરૂ કર્યું, પણ જાતજાતના અભાવ વચ્ચે ઊછરેલી ફિનિજાના મનમાં જિંદગી જીવવાના કોડ હતા. પોતાનાં સાસુની સેવા પ્રત્યે એને નફરત નહોતી, પણ એને પોતાની જાત અને સુખો પણ એટલાં જ વહાલાં હતાં…

નીલકંઠ હાજર હોય ત્યારે ફિનિજા પોતાના સાસુની સેવાનો ડોળ કરતી અને નીલકંઠ જેવો નોકરી કરવા જાય કે તરત જ નોકરાણીને સાસુમાની સેવાનો ‘ચાર્જ’ સોંપી ખરીદી માટે, પિક્ચર જોવા કે કોઈ કીટી પાર્ટીમાં મોજમજા માટે નીકળી પડતી. ઘરખર્ચને અને જવાબદારીઓને પહોંચી વળવા નીલકંઠ ‘ઓવરટાઈમ’ કામ કરતો… અને તેના ઘેર આવવા અગાઉ ફિનિજા હાજર થઈ જતી ! મમ્મીએ લકવાગ્રસ્ત સ્થિતિમાં એક દસકો ખેંચ્યો અને ચિરવિદાય લીધી. એ દરમિયાન માતા બનેલી ફિનિજાનો પુત્ર મગ્ન પણ નવ વર્ષનો થઈ ચૂક્યો હતો. ફિનિજાનો ભાઈ અભિનંદન લંડનમાં રહી બિઝનેસ કરતો હતો એટલે ફિનિજાએ અભિનંદન સાથે યુ.કે.માં રહેવાનું મનોમન નક્કી કરી લીધું હતું.

ખર્ચને પહોંચી વળવા એણે પોતાના એક મસિયાઈ ભાઈ સાથે એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં નીલકંઠને ભાગીદાર બનવા દબાણ કર્યું… નીલકંઠે મકાન ગીરો મૂકી તથા પી.એફ.ની લોન લઈ પોતાની સમગ્ર મૂડી ભાગીદારી પેઢીમાં જમા કરાવી…

બે-ત્રણ વર્ષ ફિનિજાના મસિયાઈ ભાઈએ નફો દેખાડ્યો એટલે નીલકંઠના આનંદનો પાર નહોતો. ઉપાડ પેટે ફિનિજાને પણ પૈસાની સગવડ કરી આપી અને વિઝા મળતાં મગ્નને લઈને ફિનિજા પરદેશ ચાલી ગઈ. પેઢીમાં ભાગીદારી છતાં નીલકંઠે નોકરી ચાલુ જ રાખી. મોટી મૂડી એકઠી કરી નીલકંઠ પોતે પણ યુ.કે. જઈ પરિવાર સાથે નિરાંતે જીવવા ઈચ્છતો હતો. અભિનંદને મગ્નને પણ ભણવાની સાથે પાર્ટટાઈમ નોકરીમાં જોતરી દીધો હતો… મગ્નને ભણવા કરતાં પરદેશના વૈભવી અને ભપકાદાર જીવનમાં વધુ રસ હતો.

જો નીલકંઠ લંડન આવે તો પોતાની આઝાદી અને મગ્નના મનસ્વી જીવન પર નિયંત્રણ આવી જવાની શક્યતા હતી એટલે ફિનિજા વિઝા માટે જોઈતા ડૉક્યુમેન્ટ્‍સ મોકલવામાં જાણી જોઈને વિલંબ કરતી…

ધીરે-ધીરે એણે પોતાના પતિ નીલકંઠ સાથેનો સંપર્ક પણ ઘટાડી નાખ્યો… અને નીલકંઠની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું… ફોનમાં પણ નીલકંઠ સાથે ફિનિજા અપમાનજનક શબ્દોમાં વાત કરતી.

ક્યારેક તો મગ્ન પણ પોતાના પપ્પાને કહેતો : ‘પપ્પા, તમારા જેવા માણસનું લંડનમાં કામ નહીં. તમારું માનસ ભારતીય છે… અહીંની ‘સ્ટાઈલ’થી તમે નહીં જીવી શકો…’

નીલકંઠ વિશ્વાસે વહાણ ચલાવવામાં માનનારો માણસ હતો… ધંધાની આંટી-ઘૂંટીઓ એની સમજ બહારની વસ્તુ હતી. નીલકંઠનું ભોળપણ ફિનિજાના મસિયાઈ ભાઈ માટે વરદાન સાબિત થયું… એણે ધીરે-ધીરે ધંધાની આવક પોતાનાં અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માંડી અને અંતે કંપનીને દેવામાં ડૂબેલી જાહેર કરી.

બૅંકે નીલકંઠના મકાનનો કબજો લઈ લીધો એટલે રહેવાનો પ્રશ્ન પણ મુશ્કેલ બની ગયો… નીલકંઠ સાથે નોકરી કરી ચૂકેલા એક નિવૃત્ત મિત્રને નીલકંઠની દયા આવી અને એક રૂમ-રસોડાનું નાનકડું મકાન એને વગર ભાડે રહેવા આપ્યું.

નીલકંઠે બદલાયેલી પરિસ્થિતિ વિશે પોતાના સાળા અભિનંદન અને પત્ની ફિનિજાને વાત કરી. ‘હમણાં ધંધો નબળો ચાલતો હોઈ પોતાના હાથ ભીડમાં છે’ – નું બહાનું કાઢી અભિનંદને હાથ અધ્ધર કરી દીધા !

ફિનિજાએ પણ ફોનમાં કહ્યું કે ‘હમણાં ઉછીના-પાછીના કરીને કામ ચલાવો, સગવડ થયે હું પૈસા મોકલી આપીશ…’ નીલકંઠ પડી ભાંગ્યો… દેવાદાર બનવાને કારણે એને નોકરીમાંથી પાણીચું પરખાવી દેવામાં આવ્યું હતું.

બે વર્ષમાં પોતાની પાસેની પેટગુજારા માટેની નાની બચત પણ ખર્ચાઈ ગઈ હતી. મિત્રની પુત્રવધૂ એક સમય જમાડતી અને સાંજે બ્રેડના ટુકડા પાણી સાથે ગળે ઉતારી નીલકંઠ વાર્ધક્યના કપરા દિવસો વિતાવતો હતો. પૈસા બચાવવા એ તાજી બ્રેડને બદલે વાસી બ્રેડ ખરીદીને કામ ચલાવી લેતો હતો…

હાથમાં બ્રેડનું પૅકેટ લઈ વૃદ્ધ નીલકંઠ સ્વપ્નોમાં ખોવાયેલો છે… અને એકાએક જ એ બાંકડા પરથી નીચે ઢળી પડે છે… બંધ મુઠ્ઠીમાં પકડી રાખી છે એક બ્રેડ, ધરતી પરનું રળતર ! રસ્તેથી પસાર થતા લોકો એકઠા થઈ જાય છે… પણ નીલકંઠ જિંદગીનું ઝેર પચાવી-પચાવીને થાકી ગયો હતો… એણે અનંતયાત્રાનો માર્ગ શોધી લીધો, જ્યાં હવે તેને નહોતી પુત્ર મગ્નની જરૂર કે નહોતી ફિનિજાના આશ્વાસનની આવશ્યકતા ! સરળ માણસો સાથે જિંદગી પણ કેવી ક્રૂર મજાક કરતી હોય છે ! નીલકંઠ જેવા નેકદિલ ઈન્સાનોની રિબામણી જ શું ભાગ્યવિધાતાના લેખનનો એકમાત્ર રસનો વિષય હશે ?

– ડૉ. ચંદ્રકાન્ત મહેતા (સંપર્ક : ૧૬, હેવનપાર્ક, રામદેવનગર, સેટેલાઈટ, અમદાવાદ-૧૫)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “નીલકંઠ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.