- ReadGujarati.com - http://www.readgujarati.com -

અભિપ્રાયની ઉતાવળ – તુષાર શુક્લ

(‘કાગળ પર ચોમાસું’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

પિતા ઓચિંતા જ બીમાર થઈ ગયા. સગાસંબંધીએ સમયસર હૉસ્પિટલમાં ખસેડ્યા. સારવાર શરૂ થઈ અને પુત્રને, વિદેશમાં જાણ કરી. વત્સલ પિતાનો સ્નેહ પુત્રને ખેંચી લાવ્યો. દોડાદોડ કરીને દેશમાં આવતાં તો ય એને બે દિવસ તો લાગ્યા. આવીને પિતાની પાસે હૉસ્પિટલમાં પહોંચ્યો. પિતાની તબિયત હવે પ્રમાણમાં ઠીક હતી. જે સ્થિતિમાં એમને લવાયેલા એની સરખામણીમાં તો ઘણી સારી કહેવાય. ડૉક્ટરના મતે શૂળૂનો ઘા સોયથી સરી ગયો. હવે હાલત સુધારા પર હતી. આખો રસ્તો ઉચાટમાં પસાર કરીને આવેલો પુત્ર પિતાને સ્વસ્થ જોઈને રાહત અનુભવતો હતો. સમયસરની સારવારે વડીલને બચાવી લીધા હતા. આમ છતાં, ડૉક્ટરની સૂચનાથી દવાખાનામાં તો હજી રહેવું જ પડે તેમ હતું. હવે પુત્ર પિતા પાસે રહેતો હતો. સાથે પરિવારના એક અન્ય વડીલ પણ હતા.

હવે પુત્ર પણ સ્વસ્થ હતો, એટલે એનું ધ્યાન આસપાસમાં જવા લાગ્યું. હૉસ્પિટલમાં અને એના કંપાઉન્ડમાં એ ફરતો. આવતા જતા લોકોને જોતો. નર્સ, કંપાઉન્ડર અને અન્ય કર્મચારીઓને જોતો. હવે એને લાગવા માંડ્યું હતું કે અહીં ઘણું ઘણું ખૂટે છે એમાં પણ અહીં એને ગંદકીનું પ્રમાણ ઘણું લાગ્યું. એ અકળાયો. ગુસ્સો કર્યો. સ્વચ્છતા જાળવવાની જવબદારી સંભાળનારા જોડે ઝઘડી પણ પડ્યો. એ ખોટો નહોતો. એની અકળામણ વધતી જતી હતી. એ જોઈને એની સાથે રહેલા વડીલે એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. વડીલની એક વાતે, એને એના અકળાટ વિષે પુનઃ વિચાર કરવા પ્રેર્યો. વડીલે કહ્યું કે ભાઈ, તેં કહ્યું તે બધુંય સાચું. પણ તું એ રીતે ય જો ને કે અહીં ગંદકી તો છે જ, પણ કુશળ ડૉક્ટર પણ છે, જેમની સમયસરની અને સાચી દિશાની કાળજીએ તારા પિતાજી સાજા થઈ ગયા છે ! એક જ દ્રશ્યને જોવાની આ બે રીત પુત્રને સમજાઈ અને એણે વડીલનો આભાર માન્યો. પિતાને ઘેર લઈ જતી વખતે, હૉસ્પિટલના ફંડમાં સારી એવી રકમ પણ આપી, અને સૂચવ્યું કે એનો ઉપયોગ સ્વચ્છતા જાળવવામાં થાય.

વાત જાણી અને ગમી. એક વાતને જોવાના દ્રષ્ટિકોણ જુદા જુદા હોઈ શકે જ શકે. તમે કઈ બાજુથી જુવો છો તે પર દ્રશ્યની વિશેષતા અને મર્યાદા જણાવાનો આધાર છે. ગંદકીના ઢગને જુવો તો ગંદકી જ દેખાય. સેવાના યજ્ઞને જુવો તો સુગંધ અનુભવાય. તમે કઈ બાજુ ઊભા છો તે જ મહત્વનું છે. તમે દોષદર્શન ઈચ્છો તો એની અનુકૂળતા છે. તમે પ્રયત્નને પોરસાવવા માંગો તો એને માટે પણ તક તો છે જ. કોઈપણ ઘટના, કોઈ પણ કાર્ય, આવા વિરોધી બિંદુઓથી જોઈ-તપાસી શકાય છે. પ્રત્યેક પરિણામને ચર્ચાનો, મંતવ્યોના ભેદનો આધાર લઈને મૂલવી શકાય છે. કંદહાર જઈને ગુનેગારોને સોંપી નિર્દોષોને છોડાવી લાવવાની વાત જેને જે બાજુએથી જોવી હોય તે બાજુથી જોઈ શકાય છે. પુત્રીની સલામતીને પ્રાધાન્ય આપી, ગુનેગારને મુક્ત કરવાનો નિર્ણય દેશનેતાને ન શોભે, પિતાની એ અનિવાર્યતા છે. દેશનેતાએ ભોગ આપવા જોઈએ, લેવા ન જોઈએ. પણ, નેતા કે પિતા એ બેમાંથી કોણ કોને કેવુંક મહત્વ આપે છે તે જે તે વ્યક્તિ, સમય-સંજોગ, કહે છે. આ અને આવાં અનેક ઉદાહરણો મળે. રાષ્ટ્રપિતાએ પોતાના પુત્રને અન્યાય કર્યો એવુંય માનનારા માની શકે છે.

આવાં દ્રષ્ટાંતો ઈતિહાસ ભરીને છે. મહત્વની વાત એ પણ છે કે આ યોગ્ય-અયોગ્યની ચર્ચા થાય છે ત્યારે જે તે ઘટના તો ઘટી ચૂકી હોય છે. હવે એમાં ફેરફાર થઈ શકે તેમ નથી. થયું છે એ ન થયું થવાનું નથી. પણ, એનો અર્થ એ પણ નહિ જ કે એ વિષે ચર્ચા ન થઈ શકે. આવી પ્રભાવક ઘટનાઓને મૂલવવી પણ જોઈએ. એના આધારે ભવિષ્યના આયોજન અને નીતિ પણ ઘડાતાં હોય છે. આવા નિર્ણયોની અસર લાંબાગાળાની હોય છે, ક્યારેક લાંબાગાળે એની અસર વર્તાય એમ પણ બનતું હોય છે. આથી, એ વિષે મંતવ્ય આપવામાં વાંધો ન જ ઉઠાવાય. પણ, આવી ઘટનાઓ સંબંધે મંતવ્ય આપનારે જે તે સમય અને સંજોગને ખ્યાલમાં લેવા ઘટે. સમગ્ર ઘટનાનો સર્વાંગી અભ્યાસ કરવો ઘટે. એકપક્ષી રજૂઆત, અધૂરી રજૂઆત નુકસાન કરે છે. પૂર્વગ્રહ પ્રેરિત મંતવ્યોથી પણ પ્રશ્નને ન્યાય મળતો નથી. અલબત્ત, ક્યારેક ટૂંકી બુદ્ધિ ટૂંકા ગાળાનો લાભ મેળવી જાય, એમ બને.

લોકશાહીમાં જ નહિ, કોઈપણ પ્રગતિશીલ સમાજમાં મુક્ત અભિપ્રાયને આવકાર હોય જ. ઘટનાને તમામ બાજુએથી જોવા તપાસવાનો લાભ પણ ઘણો છે. એકના ધ્યાન બહાર હોય તે અન્યને દેખાય ત્યારે વધુ ચોક્કસ આયોજન થઈ શકે છે. આવાં સ્વતંત્ર મંતવ્યોથી ફાયદો થતો જણાય છે. ભવિષ્યની સંભવિત ભૂલ સુધારી લેવાનો આગોતરો મોકો મળે છે. સાચી દિશા મળે છે. સારું પરિણામ પ્રાપ્ત થાય છે. આમ, આ પ્રકારનાં વિવિધ મંતવ્યો લાભદાયી સિદ્ધ થતાં હોય છે. એમાં આરંભિક ઉશ્કેરાટ અથવા મનદુઃખ થાય છે, પણ, જો હેતુ સારો હોય તો વિરોધી મંતવ્ય પણ ઉપયોગી થાય છે.

સિક્કાની જે બાજુ એક જણે જોઈ નથી, એને બીજી બાજુથી જોનારનો અભિપ્રાય મદદરૂપ થાય છે. આ બંનેના અવલોકનથી જ એક સાથે બે બાજુને જોઈને લેવાય તેવો નિર્ણય લઈ શકાય છે. વિરોધ કહેવા કરતા, આવા અભિપ્રાયને અન્ય દ્રષ્ટિકોણ કહેવું વધુ યોગ્ય છે. એને ‘વિરોધ’ ગણવાથી તો આપણું મંતવ્ય એકપક્ષી બનશે, પૂર્વગ્રહ પ્રેરિત બનશે. મોકળું મન રાખીને જોવાથી આ અભિપ્રાય ઉપયોગી બની શકે. આવો અભિપ્રાય ખોટો જ છે એવું સાબિત કરવા દાખલા દલીલ એકઠા કરીને ઊર્જા વેડફવાનો અર્થ નથી. એ જો ખોટો હશે તો લાંબુ નહિ જ ટકે. તમે તમારા તરફથી, આવશ્યક લાગે તો એક વાર સ્પષ્ટતા કરી દ્યો. બસ. પછી, તમારા પૂરતી વાત પૂરી. અને જો એ મુદ્દો ખરેખર વિચારવા જેવો હોય, સાચો હોય તો એનો પ્રગટ કે અપ્રગટ સ્વીકાર કરો. ભવિષ્યમાં એને ધ્યાનમાં રાખો. અને જો અભિપ્રાય ઉચ્ચારનારના આભારી રહો. વિરોધ સામે વિરોધ એ અધિક ઉગ્ર વિરોધની હારમાળા રચે છે. અને છેલ્લે, શાંત ચિત્તે તપાસો તો વિરોધનો મૂળ વિષય ક્યાંય ભુલાઈ ગયેલો જણાશે. લગભગ તમામ ઝઘડામાં આમ જ બનતું હોય છે. એમાં ભૂતકાળ ખોદાય છે ને ભવિષ્ય બગાડાય છે. વર્તમાનનો વાંક તો બાજુએ જ રહી જાય છે.

પોતાનું મંતવ્ય પ્રગટ કરવાના અધિકારની જ નહિ, અન્યને માટે પણ એની આવશ્યકતાની જરૂર સ્વીકારવા બાદનો મુદ્દો છે એને વ્યક્ત કરનારના હેતુનો. કેટલાકની દ્રષ્ટિનો લેન્સ વિરોધના ખૂણે જ ફીટ થઈ ગયો હોય છે. આવા વાંકદેખાની જીભ પણ વાંકી જ ચાલે છે (-એ કલમ પણ). એમનો હેતુ જ વિરોધ કરવાનો હોય છે. આમ કરવા પાછળનો એક હેતુ એમનું મહત્વ થાય તે હોય છે. આ એમને મળેલો લાભ છે. એમનો અભિપ્રાય નહિ, એમનો આ વિરોધ એમને ઉપયોગી થાય છે. વિરોધથી ડરતી કે વિરોધ ટાળવા મથનારા, અનુકૂળ થઈ જવાનો સ્વભાવ રાખનારા આવા લોકોના પ્રથમ અને સહેલા શિકાર બને છે. આ રીતે વિરોધ કરનારા ક્યારેક કરવા ખાતર વિરોધ કરે છે, ક્યારેક આધારહીન ક્યારેક દાખલા-દલીલથી સજ્જ થઈને એ મેદાનમાં ઊતરે છે. એવા સમયે એ સંઘર્ષને લાંબો ચલાવવા માગતા હોય છે. આ વિરોધ સાચો ન હોય તો પણ લડવાની એમની શક્તિ, એમની શૈલી અને ક્યારેક સજ્જતા હથિયાર હેઠાં મુકાવે તેવાં હોય છે. પ્રત્યેક શેરીમાં, સોસાયટીમાં, ઑફિસમાં આવાં તત્વો હોય છે. એમની ‘ના’ સતત ગૂંજતી જ રહે છે. ધીરે ધીરે એમની ઉપેક્ષા કરે છે, પણ ક્યારેક અનિવાર્ય અનિષ્ટ તરીકે એમને સહન કરે છે. એમનામાં વિકાસકાર્યોનો વિરોધ કરવાની જન્મજાત ટેવ હોય છે. સહુની સગવડના એ વિરોધી હોય છે, પછી ભલે પોતે પણ અગવડ વેઠવી પડે. અને આવા સ્વભાવને એ ‘સિદ્ધાંત-પ્રિયતા’ના વાઘા પહેરાવી જાણે છે.

વિરોધનો હેતુ સર્જનાત્મક હોવો ઘટે. ભૂલ સુધરે ને વધુ સારું બને એ હોવો ઘટે. વિરોધ કશું તોડી પાડવા પૂરતો સીમિત ન હોય. નવું રચવા માટે પ્રવૃત્ત પણ હોય. વિરોધ સામેનાની મર્યાદાને જ પ્રગટાવવા માટે ન હોય. એ મર્યાદાનાં કારણો સમજવાની મોકળાશ પણ ધરાવતો હોય. વિરોધ એ અન્યને પોતાનો મુદ્દો પણ મુકવાની તક આપતો હોવો જોઈએ. અથવા, એ કારણોને જાણીને પછી વધુ સંતુલિત રીતે મુકાવો જોઈએ. ક્યારેક વિરોધ સાચો હોય એટલાં જ એ વિરોધ પામેલી ઘટના પાછળનાં કારણો પણ એટલાં જ સાચાં હોઈ શકે છે. આ પ્રામાણિક પ્રયત્નની વાચા પણ સાંભળવી જોઈએ.

વિરોધનો વાયરો પહેલાં લહેરખી બને, પછી વંટોળ બને. આરંભે જ વંટોળ બનીને આવવાથી હાજરી નોંધાય છે. પણ વિરોધના કારણરૂપ મુદ્દો પણ વંટોળમાં જ ઊડી જાય છે. ભૂલ હોય ત્યાં ધ્યાન દોરાય. ભૂલ સુધારવાનો મોકો અપાય. ભૂલ કબૂલ કરવાની તક અપાય. ભૂલના કારણ વિષે પણ વાત થાય. આને અંતે નવું અને આવકાર્ય ને સ્વીકાર્ય એવું કૈંક આકાર લઈ શકે. (પછી ભલે એનો ય વિરોધ કરનારા નીકળે.) વિરોધ થાય એ યોગ્ય, પણ વિરોધના ભયે કે નિરાશાએ કામ ન જ થાય એ તો સાવ જ અયોગ્ય. અનેક પ્રામાણિક કર્મચારીઓ નિષ્ક્રિય થઈ જાય છે અને અપ્રામાણિકો સક્રિય જ રહે છે – એક વિરોધથી હતાશ છે, બીજાને વિરોધ અડતો નથી. સંવેદનશીલ રહેવું કે સંવેદન બધિર થવું ? બધા આગળ, બધો વખત સુધી સ્પષ્ટતાઓ જ કર્યા કરવી ? તો કામ ક્યારે કરવું ?

વિરોધનો હેતુ જ વિરોધની રીત પણ નક્કી કરે છે. કેટલાકની ભાષામાં ભારોભાર કડવાશ અને તીખાશ હોય છે. એ સીધો ઘા જ કરે છે. અને એની ચોટની અસરકારકતાનો અભ્યાસ કરે છે અને આનંદ માણે છે. તો કેટલાક પાસે મીઠાશની આવરણમાં કડવાશ હોય છે, એને કટાક્ષ પણ કહે છે. એ આડું બોલીને સીધું વીંધે છે. કોથળામાં પાંચશેરી રાખીને મારે છે. માર વાગે પણ દેખાય નહિ. એ વખાણ કરતા જાય ને વિષ ઘોળતા જાય છે. આ વકતૃત્વની કલા છે. બ્રૂટસનાં વખાણા કરતાં કરતાં જ એની સચ્ચાઈ પ્રગટ થાય છે. જેમના માટે સામાન્ય રીતે આદરભાવ પ્રવર્તતો હોય એમના વિષે જ ઝેર ઓકવાથી એમને નુકસાન થાય કે ન થાય, તમારી નોંધ તો લેવાય જ – (ભલે ને ભૂલી જવા માટે) – એ આ ક્ષણ પકડી લે એ પોતાની જગ્યા બનાવી લે છે. જેને ગાળો દીધી હોય એને જ હાર પહેરાવી દઈ નિકટતા સાધી શકે છે. પોતાને સાચું જ બોલવા જોઈએ છે એવી ભ્રાંતિ રચી શકે છે. પોતે કોઈનીય સાડીબારી રાખતા નથી એવી છાપ ઊભી કરી શકે છે. ગમે ત્યારે, ગમે તેની ઑફિસમાં, બધી ઔપચારિકતાને બાજુએ મૂકીને બારણું ધકેલીને પ્રવેશી જનારા પોતાના પ્રભાવ વિષે વાતો કરતાં ધરાતા નથી અને એને સાંભળનારા એમના સ્વભાવની મનોમન કિંમત કરતા હોય છે. અંદર આવવાની આજ્ઞા ન લેનાર કરતાંય એને બહાર કાઢી ન મૂકનાર વધુ સમર્થ છે. એ ડરતા હોય કે, કશું સંતાડવા મથતા હોય કે સંઘર્ષ ટાળવા માગતા હોય કે પોતાની શક્તિ એની પાછળ વેડફવા ન માગતા હોય – આમાંથી એમના મૌનનો હેતુ ગમે તે હોય. બારણું પછાડનારાની હિંમતનાં મૂળ એના આધારે ઊંડાં કે ઉપરછલ્લાં હોય છે.

વ્યક્તિગત અભિપ્રાયની સૌથી મહત્વની બાજુ એની સાથે જોડાયેલી જવાબદારીની ભાવના છે. અઢાર કરોડની ફિલ્મને અઢી કલાકમાં બકવાસ જાહેર કરી દેનારા ઘણા છે. આ અંગત અભિપ્રાય છે, પણ સાવ ખાનગીમાં કે પ્રગટપણે જાહેરમાં ઉચ્ચારાયેલો અભિપ્રાય બિનજવાબદારીપૂર્ણ ઉચ્ચારણ ન હોવો ઘટે. કોઈને અન્યાય થાય કે કોઈના અનધિકાર પ્રમાણભાન કે વિવેકભાન વગરનાં વખાણ થાય ત્યારે એ જેને માટે બોલાય છે એને અને એના બોલનારને નુકસાન કરે છે. વાહન ચલાવતાં ન આવડે એણે આંગણામાં પ્રૅક્ટિસ લેવાય, જાહેર માર્ગ પર નહિ. એના પ્રયત્નોથી અન્યને ને એમને બંનેને નુકસાન થાય છે. ઘટનાને ક્યાંથી જુવો છો તે, કઈ રીતે જુવો છો તે, કેમ જુવો છો તે, એમાંથી શું જુવો છો તો, તમારો હેતુ, તમારી દ્રષ્ટિ, એની પક્વતા, તમારી સજ્જતા, તમારી ભૂમિકા, તમારી પાત્રતા, તમારું વિષયજ્ઞાન, તમારો અનુભવ, તમારો અભ્યાસ અને એ બધા ઉપરાંત, તમારી ભાષા – આ બધું જ એક અભિપ્રાયનો મહિમા વધારે કે ઘટાડે છે. જેમ કોઈ પ્રયાસ સંપૂર્ણ નથી. તેમ જ કોઈ અભિપ્રાય પણ અંતિમ નથી. કલમ, કૅમેરા કે જીભ – જવાબદારી ન જાળવે તો ન શોભે.

[કુલ પાન ૧૭૬. કિંમત રૂ. ૨૦૦/- પ્રાપ્તિસ્થાનઃ નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧ ફોન. (૦૭૯) ૨૨૧૩૯૨૫૩]