ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – સંકલિત

(‘લાવણ્ય’ પુસ્તકમાંથી)

(૧) નજાકત – નીતા જોશી

અરજણ જીવીને સાત ફેરાનાં ચક્કર ફેરવીને લઈ આવ્યો પછી સંસારનો ચાકડો ફરવો શરૂ થઈ ગયો. મહેંદીનો રંગ ઊતરે એ પહેલાં જ જીવી અરજણ સાથે માટીનાં રંગે રંગાઈ ગઈ. માટી, પાણી અને ચાકડો, ભડભડતી અગ્નિ અને અંદર પાકતા માટીનાં ઠામ વચ્ચે બન્ને ખુશખુશાલ હતા. માટીની નરમ જાત સાથે કામ એટલે તૂટવા-તરડાવવાની બીકે બધું હળવા હાથે ઉઠાવવાની જીવીને ટેવ હતી. દીકરા મોહનને પણ ફોરાં હાથે આમ જ મોટો કરેલો. મોટો સાહેન બનવાની જીવી-અરજણની ખેવના ત્યારે પૂરી થઈ જ્યારે દીકરાની અંદરનાં નીંભાડામાં શબ્દો પાક્યાં.

મોહન યુવાન થયો. ઘરની માટીની ગંધથી દૂર થયો ને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મોહનની નેઇમપ્લેટ સાથે શહેરમાં નામાંકિત થયો.

પોતાની હૉસ્પિટલમાં પ્રથમ સફળ ઑપરેશન પછી નવજાત શિશુએ એનાં હાથમાં આંખ ખોલી ત્યારે આ બાજુ અરજણે આંખો બંધ કરેલી. જીવી એકલી પડી. અરજણનાં ગયા પછી ચાકડો ધીમો-ધીમો ફરતો તો રહ્યો જ. મોહનની શહેરમાં લઈ જવાની જિદ સામે જીવી ઝૂકી નહોતી. ‘દીકરા આ માટીની મને માયા છે.’ અંતે દીકરો લાલ-લીલા બટનનાં અર્થો સમજાવી મોબાઈલ મા ના હાથમાં મૂકતો ગયો. પછી તો સાંજ પડે એટલે જીવી લીલાં બટનની ફરતે ચક્કર… ચક્કર… દિવસ આખાની વાતોની આપ-લે થાય. જીવી પાસે કાંઈ નવીન વાતો ન હોય તો મોહનનાં બાળપણની વાતો કરે… ‘ગધેડા ઉપર ગોઠવેલાં છાલકાની માટી ઉપર રાજા જેવો લાગતો મારો દીકરો…’ આવી બધી વાતો સાંભળી મોહન ખડખડાટ હસી પડતો અને કહેતો ‘હવે તો મા મારી પાસે ચકચકતી ગાડી છે. એની સીટ એટલી તો નરમ કે તું તો ઊભડક બેઠી થઈ જા. તું અહીંયા આવી જા.’ જીવી ત્યારેય ન માની. ‘તું સુખી રહે દીકરા, તારા ધંધામાં મને ઓછી હમજ પડે એટલી ખબર પડે કે હું માટીનાં પીંડ ઉતારું છું અને તું જીવતા. પચ્ચીસ વરસ થયા આ ધંધામાં તાવડી હોય કે માટલા, દિવડી હોય કે કલેડાં તડ ન પડે એમ નરમ હાથથી ઊંચકીને પકવ્યા છે. બેટા, તારાં ધંધામાં બસ આટલું ધ્યાન રાખવાનું ચૂકતો નહીં.’

(૨) હૂંફ – નીરજ મહેતા

ડોરબેલ વાગી. ક્ષિતિજે અંદર આવતાં જ નિહારિકાને કહ્યું, ‘નેહા, ગૅસ વૉટ !! મારું પ્રમોશન થયું છે. આ જો, તારા માટે ડાયમંડ નેકલેસ લઈ આવ્યો છું.’ નિહારિકાએ સાનંદાશ્ચર્ય કહ્યું, ‘વાઉ, થેંક્સ. ઈટ્‍સ સુપર્બ ઍન્ડ ક્લાસી !!’ ક્ષિતિજનો સ્વર આકાશને સ્પર્શતો હતો, ‘અને હા, આજે કશું ન બનાવીશ, આપણે બન્ને બહાર જમીશું.’ પછી યાદ આવ્યું હોય એમ તેણે ખુરશી સાથે એકરૂપ બની ગયેલા સ્થિર શરીરને થોથવાતી જીભે કહ્યું, ‘પપ્પા, તમારા માટે પાર્સલ કરાવતાં આવીશું, ઓ.કે.?’ પછી જવાબની રાહ જોયા વગર તે નિહારિકા તરફ ફરી ગયો. ‘નેહા, વિચારું છું કે પપ્પાના રૂમમાં પણ હવે એ.સી. નંખાવી દઈએ, શું કહે છે ?’ નિહારિકા કંઈ કહે એ પહેલાં એકાકી વૃદ્ધની આંખોમાં ઝળઝળિયા રૂપે જવાબ તગતગી રહ્યો. ‘મને હૂંફની જરૂર છે, બેટા !’

(૩) વૈરુર્ધ્ય – ચંદ્રકાન્ત નિર્મલ

(૧૦-૧૨-૨૦૧૪ના ‘લાવણ્ય’ના અંકમાંથી)

“સ્ટેજ પર બિરાજમાન આદરણીય વડીલગણ, આમંત્રિત મહેમાનો તથા મિત્રો. નમસ્કાર. હું હેમંત ક્રાંતિકારી આપને વંદન કરું છું. ભારતીય સંસ્કૃતિ-સંસ્કાર સંવર્ધક સમિતિના ઉપક્રમે યોજાયેલ પરિસંવાદનાં આજના વિષય, ‘માતા-પિતા એ ભગવાનથી પણ મહાન છે,’ ઉપરનાં મારા વિચારો રજૂ કરવાની જે તક આયોજકોએ મને આપી છે તે બદલ હું તેમનો આભારી છું. હાં, તો મિત્રો, માબાપ આપણને જન્મ આપે છે. માતા તેના ઉદરમાં નવ નવ માસ સુધી આપણું જતન કરે છે…

મિત્રો આપે મને જે શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે જ આયોજકશ્રીઓએ મારા વિચારો રજૂ કરવાની જે તક મને આપી છે તે બદલ હું તેમનો પણ ફરી ફરી આભાર માનું છું અને આ આવા પરિસંવાદ યોજી સમાજમાં ચેતના જાગૃત કરવાના તેમના પ્રયાસને બિરદાવું છું.”

“ડ્રાઈવર, ગાડી સ્ટેશન રોડ ઉપર થઈને લેજો. બા બાપુજીને જરા ‘જીવનસંધ્યા વિશ્રાંતિ’એ મળીને પેલી બાજુ નીકળી જઈશું.”

“ભલે હેમંતભાઈ.”

(વિના મૂલ્યે અનિયતકાલીન ચાલતું નાનું સામયિક છે ‘લાવણ્ય’ અને એ જ નામનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે. આ ત્રણ લઘુકથાઓ એમાંથી લીધી છે. સંપાદકની માહિતી -‘લાવણ્ય’ સંપાદકઃ રમેશ વસાણી, એચ-૧૦૯/૯૨૩, નિર્મલ એપાર્ટ્મેન્ટ, ૧૨૩ રીંગ રોડ, સોલા પોસ્ટ ઓફિસ પાછળ, નારણપુરા, અમદાવાદ મો.૯૮૨૪૩ ૮૧૭૦૮ )


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અભિપ્રાયની ઉતાવળ – તુષાર શુક્લ
સંબંધસેતુ – દેવેશ મહેતા Next »   

5 પ્રતિભાવો : ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – સંકલિત

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  વિના મૂલ્યે ” લાવણ્ય ” પીરસતા વડીલ શ્રી. રમેશ વસાણી લગભગ દર વર્ષે વાર્તા,લઘુકથા,કાવ્ય માટે સ્પર્ધા પણ યોજે છે. વિજેતાઓને સારો પુરસ્કાર પણ આપે છે, તથા સ્પર્ધામાં આવેલી કૃતિઓમાંથી ચૂંટેલી કૃતિઓને ” લાવણ્ય ” પુસ્તકરુપે ગ્રંથસ્થ પણ કરે છે અને તે પુસ્તકને સાહિત્યરસિકોને વિનામૂલ્યે પોતાના પોસ્ટેજના ખર્ચે ઘરે પહોચાડે છે. નવોદિતોને સ્પર્ધામાં ભાગ લેવો હોય તો ઉપરના સરનામે સંપર્ક કરી શકે છે.

  ત્રણેય વાર્તાઓ એકદમ અસરકારક છે. લેખકોને અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Arvind Patel says:

  નજાકત : આ વાર્તા નું બીજું શીર્ષક શું હોઈ શકે !! માણસાઈ ના દીવા. બધુજ હશે પણ માણસાઈ નહિ હોય તો બધુજ નકામું. સુંદર વાર્તા છે. જે માં બાપે શ્રમ કરીને સારા સંસ્કાર નું સિંચન કર્યું હોય પછી શું જોવું પડે !!
  હૂફ : જે માં બાપે દીકરાઓ ને પ્રેમ આપ્યો તે જ દીકરાઓ પાછલી ઉંમરે ફક્ત ફરજ ખાતર જ માં બાપ સાથે વર્તે અને તેમન માં ઊંડી લાગણી કે હૂફ ના હોય તે ખુબ જ ખરાબ છે. કુદરત આવી વાતોને અહીં જ જવાબ આપી દેછે. કુદરત ના કાનુન માં દેર પણ નથી અને અંધેર પણ નથી જ.
  વૈરુર્ધ્ય : જેના માં માણસાઈ જ નથી ફક્ત ભાષા માં જ દેખાડો કર્યા સિવાય કઈ જ નથી તેવો વિષે શું વાત કરવી અને આપણો સમય બગાડવો !! તેઓ ને તો કુદરત જ સીધા કરશે !!

 3. આશીક કાલ્પનીક છતાયે વાસ્ત્વીક લાગે તેવી, ટુ ધીપોઇન્ટ, જડ્બેસલાક સુદર્ વાર્તા.
  હેમન્ત ક્રન્તિકરીએ માતાપિતાને મળવા “જિવન વિશ્રાન્તી” તરફ ગાડી વળાવી લેવાને બદ્લે માઈક્રોફોન ઉપર જ ચીટ્કિ રહિ થોડો વધુ બકવાશ ક્રર્યો હોત તો સારુ!!!!

 4. મુકેશ સોજીત્રા says:

  ખુબ જ સરસ માઈક્રો ફિકશન માં એક રસાસ્વાદ હોય છે જે નવલિકા માં ઓછો જોવા મળે છે અભિનંદન તમને!!!!

 5. SHARAD says:

  very fine choice of stories

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.