સંબંધસેતુ – દેવેશ મહેતા

Sabandh setu - Devesh mehta(‘સંબંધસેતુ’ નામના પુસ્તકમાં ૪૧ પ્રેરણાત્મક અને વિચારપ્રેરક લઘુનિબંધો આપવામાં આવ્યા છે. અહીં તેમાંથી બે લઘુનિબંધો પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

(૧) માનવતાથી વધારે મોટો બીજો કોઈ ધર્મ નથી

શિકાગોથી આવેલી ગાડીમાંથી એક જાડો માણસ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઊતર્યો. તેના હાથમાં ભારે બેગ અને બીજો ઘણો સામાન હતો. કોઈ કૂલીની તપાસ કરવા માટે તેણે આંખ ઊઠાવી તો સામે જ એક હબસી કૂલીને જોયો જેણે માથે લાલ રંગની કેપ પહેરેલી હતી અને પહેરણ પર નંબર ૪૨ નંબરનો બેજ લગાવેલો હતો. પેલા સ્થૂળ શરીરવાળા ગોરા મુસાફરે તેનો બધો સામાન સામે આવી ઊભા રહેલા હબસી હમાલના હાથમાં ખડકી દીધો. લિફ્ટ ઉપર ગઈ હતી અને કતાર ખૂબ લાંબી હતી. પેલા માણસે હમાલને (કૂલીને) કહ્યું – “ત્રણ-ચાર મિનિટ જેટલો સમય છે. આટલામાં ક્યાંક પીવાનું મળશે ?” કૂલીએ કહ્યું – “સાહેબ, નજીકમાં જ ફ્રૂટ જ્યુસની દુકાન છે. તમારા માટે લઈ આવું ?” પેલા માણસે તેની સામે ધુત્કારભરી નજરે જોયું અને કહ્યું – “ફળોનો રસ તો બાળકો અને માંદા માણસો પીએ ! મારા માટે ઊંચી જાતનો શરાબ લઈ આવ !” પેલા હબસીએ કહ્યું – “શરાબ ? તમારું શરીર જોતાં લાગે છે કે તમે ખૂબ જ શરાબ પીઓ છો. એણે તમારી તંદુરસ્તીને ભારે નુકસાન કર્યું લાગે છે. મારે તમારી સાથે કોઈ પરિચય નથી એટલે આવી સલાહ આપવાનો કોઈ અધિકાર નથી છતાં…” પેલા સ્થૂળકાય માણસે ગુસ્સાથી બરાડી ઊઠતાં કહ્યું – “હું મારી જાતે શરાબ ખરીદી લઉં છું. તું તારું કામ કર. તારું મોઢું બંધ રાખજે. મને ફરીથી સલાહ આપવાનો પ્રયત્ન ન કરીશ. એ સંજોગોમાં હું તને લાત પણ મારી દઉં તો મારો વાંક ન કાઢતો !!”

છતાં પેલા હબસી હમાલે એની જરા પણ પરવા કર્યા વિના પોતાની વાત આગળ ચલાવી – “તમારે જે કરવું હોય તે કરજો પણ હું તમને સલાહ આપવાનો જ. તમારા હાથમાં આ ઢીંગલી અને અત્યંત સુંદર પુષ્પગુચ્છ છે એટલે આ કહી રહ્યો છું !”

પેલા ગોરાએ તેને લાત ફટાકારી નહીં પણ તેની સાથે વાત કરવા માંડ્યો – “ઢીંગલી અને પુષ્પગુચ્છને આની સાથે શી લેવાદેવા ?” હબસીએ ઉત્સાહપૂર્વક તેને સમજાવા માંડ્યું – “આ અત્યંત કીમતી ઢીંગલી લઈને તમે ઘેર જઈ રહ્યા છો એ એવું દર્શાવે છે કે તમારે ઘેર એક નાની વહાલસોયી દીકરી હશે.

તમારા હાથમાં જે સુંદર પુષ્પગુચ્છ છે તે પણ એવું દર્શાવી રહ્યો છે કે તમે અત્યંત પ્રેમાળ પત્ની ધરાવો છો. શું તમે પીધેલી હાલતમાં તમારી દીકરી અને પત્નીને મળશો ?

વધારે પડતો શરાબ પીવાથી સ્વાસ્થ્ય કથળશે તો તે ચિંતિત નહીં થાય ? એમના ભાવિનો વિચાર કરીને તમારે તો હવે આલ્કોહોલ લેવાનું બંધ કરી દેવું જોઈએ. તમે મને લાત મારો કે તમાચા ચોડી દો એનો મને કોઈ વાંધો નથી.”

હવે પેલા ગોરા માણસે તેને પૂછ્યું – “તારું નામ શું છે ?” તેણે જવાબ આપ્યો – “મારું નામ રાલ્સ્ટન છે. દર સોમવારે, બુધવારે અને શુક્રવારે બપોરે ૧૨ વાગે એક ભંડકિયામાં અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈક વાર તમે પણ આવજો.” પેલા ગોરા અફસરે તેને બે ગ્લાસ નારંગીનો રસ લઈ આવવા કહ્યું. પેલા અફસરે એક ગ્લાસ પોતે પીધો અને એક રાલ્સ્ટનને આપ્યો. પછી તેની સાથે મિત્રની જેમ વાતો કરવા લાગ્યો – તેં મારા પર મોટો ઉપકાર કર્યો છે. વધારે પડતો દારૂ પીવાની મારી ટેવ સુધરતી જ નહોતી. મારો દારૂ છોડાવવા બધાએ પ્રયત્નો કર્યા હતા પણ કોઈને સફળતા મળી નહીં. પણ આજે સૂરજ કોઈ જુદી જ દિશામાં ઊગ્યો લાગે છે. આજથી શરાબ બંધ. એણે રાલ્સ્ટનને પાંચ ડૉલરની નોટ ટીપરૂપે આપવા માંડી. તેણે મજૂરીના પૈસા ઉપરાંતના પૈસા લેવાની ના પાડી. પેલા ગોરા માણસે કહ્યું – “તેં મારું પાંચ લાખનું કામ કર્યું છે. આજે તેં મને બચાવી લીધો છે. તેં મને જીવનનો સાચો રાહ બતાવ્યો છે.”

રાલ્સ્ટનનું હૃદય પ્રેમ ને કરુણાનો ભંડાર છે. એનું જીવન માનવધર્મની મિસાલ છે. એ માનવતાનો મશાલચી છે. એણે માનવસેવાનો ભેખ ધારણ કરી જીવન ધન્ય બનાવ્યું. અનેક લોકોના જીવનને પણા મહાન બનાવ્યાં.

આવા અનેક લોકો છે જે પ્રચ્છન્ન રીતે સમાજનું કલ્યાણ કરે છે. ધર્મનું સાચું સ્વરૂપ માનવસેવા જ છે. માનવતા પ્રાપ્ત કર્યા વિના ધાર્મિકતા આવી જ ન શકે. એની બેસન્ટ કહે છે – “ઈશ્વરને માત્ર એક જગ્યાએ શોધી શકાય છે, જ્યાં ફરી તેને ગુમાવવો પડતો નથી અને તે છે માનવીનો અંતરાત્મા.” જે બીજાના અંતઃકરણમાં રહેલા ઈશ્વરને જોઈ શકે છે તે જ સાચો ધાર્મિક ગણાય. પથ્થરની નિર્જીવ મૂર્તિઓમાં ઈશ્વરને જોઈ શકે તે હરતાફરતા માનવીમાં ઈશ્વરને ન જોઈ શકે એ એ કેવું ગણાય ?

મુસીબતો અને મૂંઝવણો સહન કર્યા વિના જીવનમાં ઊંચા સ્થાને પહોંચી શકાતું નથી. દુઃખ અને શોકમાં પ્રસન્ન રહ્યા વિના સાધુ બની શકાતું નથી. ગમે તેટલા ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરો, જીવનમાં પ્રેમ લાવ્યા વિના પરમાત્માને પામી શકાતું નથી. નાત-જાત ગમે તે હોય, સાચા માનવ બન્યા વિના જીવનની ધન્યતા અને કૃતાર્થતા લાવી શકાતી નથી.

(૨) પહેલી બે આવૃત્તિઓ ત્રીજી આવૃત્તિ કરતાં સુંદરતમ હતી !

તેત્સુજેન ભગવાન બુદ્ધ પ્રત્યે અપાર ભક્તિભાવ ધરાવતો હતો. બુદ્ધના ઉપદેશથી તેને સાચી જીવનદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. તેના મનમાં એવો સંકલ્પ હતો કે બુદ્ધનો ઉપદેશ બધા લોકો સુધી પહોંચે. એ સમયે બૌદ્ધ સૂત્રગ્રંથ માત્ર ચીની લિપિમાં હતો. જાપાનના લોકો એ જ્ઞાનથી વંચિત હતા. તેત્સુજેનના મનમાં એવી અભીપ્સા જાગી કે ગ્રંથ જાપાની લિપિમાં છપાવવો અને જાપાનના લોકોને એ ઉપદેશથી અવગત કરાવવા. વિચાર તો સારો હતો પણ એને અમલમાં મૂકવો એ અઘરું કામ હતું. એ દિવસોમાં મુદ્રણકાર્ય ખૂબ મોંઘું હતું અને તે ગ્રંથની લાખો નકલો છપાવવા માંગતો હતો. આ ભગીરથ કાર્ય માટે તેણે ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. આ કાર્ય દસેક વર્ષ ચાલ્યું. એની ધારણા હતી તે મુજબ નાણાં એકઠાં થઈ ગયાં એટલે તેણે એ ગ્રંથને જાપાની ભાષામાં પ્રગટ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી.

પણ પરિસ્થિતિમાં એકાએક પલટો આવ્યો. યુજી નદીમાં ભયંકર પૂર આવ્યું અને હજારો લોકો તેનો ભોગ બન્યા. કેટલાકે જાન ગુમાવ્યા તો કેટલાકે ઘરબાર. તેત્સુજેનનું કોમળ હૃદય કરુણાથી રડી ઊઠ્યું. તેના મનમાં ભાવના ઉદ્‍ભવી કે ફંડના આ નાણાંનો ઉપયોગ પૂરપીડિતો માટે કરાય તો કેવું સારું ! તેણે બહોળા લોકસમુદાય આગળ આ પ્રસ્તાવ મૂક્યો. લોકોએ તેને સહર્ષ વધાવી લીધો. ફાળાની બધી રકમ નિરાધાર લોકોને સહાય કરવા માટે વાપરી નાંખવામાં આવી.

તેત્સુજેન એનું કાર્ય અધૂરું છોડવા માંગતો નહોતો. તેણે બીજાં દસેક વર્ષ અથાગ પરિશ્રમ કર્યો અને લોકો પાસેથી ફાળો એકત્રિત કર્યો. બૌદ્ધ સૂત્રગ્રંથ જાપાની ભાષામાં છપાવવાની તૈયારીઓ ફરી શરૂ કરી. પણ આ સમયે બીજી એક મુશ્કેલી આવી. જાપાનના અનેક વિસ્તારમાં મરકીનો રોગ ફેલાયો. અસંખ્ય લોકો તેનો ભોગ બન્યા. તેત્સુજેનનું સંત હૃદય આ જોઈને કકળી ઊઠ્યું. તેના મનમાં ફરીથી વિચાર ઉદ્‍ભવ્યો – ‘આ ગ્રંથ માટે એકત્રિત થયેલાં નાણાં આ મહામારીનો ભોગ બનેલા લોકોની સેવાચાકરી માટે ખર્ચાય તો કેવું સારું !’ તેણે આ વિચાર બહોળા લોકસમુદાય આગળ મૂક્યો. તેમણે તે વિચાર સ્વીકારી લીધો. તેત્સુજેને લોકોની સાથે રહીને બધી રકમ રોગનો ભોગ બનેલા લોકો માટે ખર્ચી કાઢી. સારા કાર્યમાં તે ધનનો ઉપયોગ થયો એવા સંતોષ સાથે તેણે ધન્યતા અનુભવી. તે પોતાનું નિર્ધારિત કાર્ય અધૂરું છોડવા માંગતો નહોતો. તેણે ફરીથી લોકો સામે ટહેલ નાંખી. લોકો પાસેથી થોડા પૈસા ભેગા કરતો, એમને રસીદ આપતો અને એ પૈસાનો પૂરો હિસાબ રાખતો. ગ્રંથ છપાવા જેટલાં નાણાં ભેગાં કરતાં આ વખતે તેને વીસ વર્ષ લાગી ગયાં. પણ આ વખતે કોઈ આપત્તિ કે વિઘ્ન ન આવ્યું. બૌદ્ધ સૂત્રગ્રંથ જાપાની ભાષામાં છપાયો. જો કે તેત્સુજેને પહેલી અને બીજી વખત આ ગ્રંથ ન છપાયો તેને આપત્તિ કે વિઘ્ન તરીકે લેખ્યું નહોતું. ઊલટું આપત્તિ કે વિઘ્ન સમયે કામમાં આવેલ એ શ્રેષ્ઠ સહાય હતી એમ જ માન્યું.

જે દૈવી ગુણો વિકસાવવા અને માનવતા ધારણ કરવા બુદ્ધ ઉપદેશ આપે છે તેને ચરિતાર્થ કરવાનો આ ઉત્તમ અવસર છે એમ એણે માન્યું. બુદ્ધના ઉપદેશને વ્યવહારમાં ઉતાર્યા વિના કેવળ એને છપાવવાના ભૌતિક યાંત્રિક કાર્યમાં એ સંલગ્ન રહ્યો હોત તો તેણે બુદ્ધને અન્યાય કર્યો ગણાત. એટલે જે જાપાનના લોકોએ સૂત્રગ્રંથ પહેલીવાર જાપાની ભાષામાં છપાયો ત્યારે કહ્યું હતું – “તેત્સુજેને આ સૂત્રગ્રંથની ત્રણ આવૃત્તિઓ છપાવી હતી, જે પૈકીની પહેલી બે આવૃત્તિઓ અદ્રશ્ય છે, પણ તે બન્ને આવૃત્તિઓ આ ત્રીજી આવૃત્તિ કરતાં સુંદરતમ હતી.”

એની બેસન્ટ કહે છે – “સત્‍-અસત્‍ વચ્ચેનો ભેદ સમજવાની વિવેકશક્તિ એટલે અધ્યાત્મ. આવો વિવેક કરવા મનને સદા જાગૃત રાખવું પડે. અધ્યાત્મ એટલે મનના દરવાજા ખોલવા કે રાહ બદલવો અને એક થવું… આધ્યાત્મિક માનવી જેટલું પોતાને સાચું લાગે તેટલું સ્વીકારે અને સત્યનું નવું પાસું મળે તે માટે મન ખુલ્લું રાખે જેથી નવું સત્ય ઝીલી શકાય. ‘જે છે’ તેને પસંદગી કે નાપસંદગી વિના કેવળ જોવામાં આવે તો તે અધ્યાત્મ છે. અધ્યાત્મને કેવળ જ્ઞાન સાથે નહીં પણ પ્રજ્ઞા સાથે સંબંધ છે… અધ્યાત્મ એટલે બુદ્ધિપૂર્વકનું જીવન… અધ્યાત્મિક માનવી સહિષ્ણુતા ધરાવે છે. તે ધર્માંધતા, રાષ્ટ્રવાદ અને વહેમથી મુક્ત હોય છે… આધ્યાત્મિક માનવી માટે કોઈ બાબત નાની નથી કે મોટી નથી. તેને મન દરેક બાબતનું મૂલ્ય સરખું છે અને તેથી દરેકમાં તે સંભાળ અને ચીવટથી કામ કરે છે, દુનિયાદારીની ફરજો કુશળાતાપૂર્વક બજાવે છે. કોઈ માનવી આધ્યાત્મિક છે કે નહીં તેની કસોટી છે– તે બીજાને કેટલો ઉપયોગી થાય છે. આધ્યાત્મિક વ્યક્તિ હિંમતવાન હોય છે અને તેનું ચિત્ત સ્થિર હોય છે. સોગિયું મોઢું કે દિવેલ પીધા જેવું મોઢું લઈને ફરે તો જ તે આધ્યાત્મિક છે તેવું નથી. આધ્યાત્મિક માણસ તદ્દન કુદરતી માણસ છે. એટલે સામાન્ય રીતે માણસો જેવું જીવન જીવે છે તેવું જ જીવન જીવનારો છે. ફક્ત તેનું જીવન પ્રત્યેનું વલણ સામાન્ય મનુષ્ય કરતાં જુદું હોય છે. તેવી વ્યક્તિનું ખાનગી અને જાહેર જીવન એકસરખું હોય છે.

– દેવેશ મહેતા

[કુલ પાન ૧૬૪. કિંમત રૂ. ૧૫૦/- પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧]

લેખકનો સંપર્ક : C/૬૧, સચિન ટાવર્સ, શ્યામલ ચાર રસ્તા પાસે, ૧૦૦ ફૂટના રોડ પર, સૅટેલાઈટ, અમદાવાદ – ૧૫ ફોન : ૨૬૯૩૧૩૦૦

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સંબંધસેતુ – દેવેશ મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.