શીર્ષકમાં શું દાટ્યું છે ? – કલ્પના દેસાઈ

(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ઑક્ટોબર, ૨૦૧૫ના અંકમાંથી)

‘જલેબીનું ગૂંચળું.’

‘હેં ?’

‘કાગડાનો કાળો રંગ.’

‘એટલે ?’

‘ઢાંકણ વગરની ગટર.’

‘એક માઈકની ચીસ.’

‘ભઈ, કંઈ સમજાય એવું બોલો ને. આ શું છે બધું ? મગજમાં ન ઊતરે તેવું સાવ ધડમાથા વગરનું.’

‘આ બધાં મારી નવી વાર્તાનાં શીર્ષક છે. કેમ લાગ્યાં ?’

‘આવાં ? સા…વ ઉટપટાંગ ? શીર્ષક આવાં છે તો વાર્તા કેવી લખશો ?’

‘બસ, હવે મેં નક્કી કર્યું છે કે, વાર્તાનાં શીર્ષકોમાં પણ હવે બદલાવ આવવો જોઈએ. એના એ જ ઘીસાપીટા શીર્ષક વાંચી વાંચીને એટલીસ્ટ હું તો કંટાળી જ ગઈ છું. કંઈક નવું, મગજને હલાવી નાંખે કે ત્રાસ આપે તેવું કંઈક લખીએ તો તેનું શીર્ષક પણ એવું જ લખવું એવું નક્કી કર્યું.’

‘પણ છેક જ આવાં શીર્ષક ?’

‘તમને ત્યારે ખબર નથી. મેં એક વાર્તાનું શીર્ષક ‘?’ ના રૂપમાં જોયેલું. મને ત્યારે સમજ જ નહોતી પડી કે, આ લેખ છે કે વાર્તા ? અને જે હોય તે, પણ વાંચવાનું છે કે નથી વાંચવનું ? વાંચ્યા પછી શું કરવાનું છે ? આવા હજાર સવાલ ફક્ત એક જ ચિહ્‍ને ઊભા કરી દીધેલા. એટલે કંઈ નહીં તો મારી વાર્તાનાં શીર્ષકોથી લોકોને ખબર તો પડશે કે, વાર્તા વાંચવા જેવી તો છે જ. નક્કી કોઈ નવા ક્રાંતિકારી કે અલગતાવાદી વિચારોવાળા લેખિકા લાગે છે.’

‘હંક ! આપણે એવું વાહિયાત વાંચતાં જ નથી. એવી ઉટપટાંગ વાતોમાં આપણે સમય ના બગાડીએ.’

ખેર, મને તો શીર્ષકમાં પણ રસ એટલે મને તો એવાં જ અટપટાં શીર્ષક ગમે. એક વાર્તાનું શીર્ષક વાંચેલું, ‘ત્રિકોણનો ચોથો ખૂણો.’ બધાંને ખબર છે કે, ત્રિકોણને ત્રણ ખૂણા હોય એટલે જ એને ત્રિકોણ કહેવાય. પણ વાર્તા એટલે કલ્પના ! તમે કંઈ પણ ધારી શકો. ત્રિકોણને ચાર, પાંચ કે દસ ખૂણાવાળો પણ બનાવી શકો. લેખકે તો એ વાર્તાને આગળ ચલાવી એના હપ્તાવાહ નામ રાખવાનાં હતાં. ‘ત્રિકોણનો પાંચમો ખૂણો’, ‘ત્રિકોણનો છઠ્ઠો ખૂણો’… વગેરે.

તમને કોઈ દાંડો એવો પ્રશ્ન થયો કે, ત્રિકોણ જ કેમ ? ભૂમિતિમાં તો બિંદુ અને લીટીની મદદથી બનતી અવનવી રચનાઓનો ભંડાર ભર્યો છે. કેમ ‘લીટીને બીજે છેડે’ કે ‘વર્તુળની ત્રિજ્યા’ (નંબર ૧,૨,૩…) કે ‘વર્તુળનો વ્યાસ’ કે ‘અર્ધવર્તુળ’, ‘ચોરસ v/s  લંબચોરસ’ જેવાં શીર્ષકો કોઈને યાદ ન આવે ? ઘણી વાર તો શીર્ષકમાં ગણિતની ગમ્મત જોવા મળે ! ‘એક+એક=શૂન્ય’ બરાબર છે પણ વાર્તાનું શીર્ષક, એટલે બધું બરાબર છે ! બે એકડા અગિયાર ભલે શીખ્યાં હોઈએ પણ વાર્તા વાંચવી હોય તો ‘એક ને એક અગિયાર’ સ્વીકારવું પડે.

લેખકોને તો વાર્તાનું શીર્ષક નક્કી કરવામાં જરાય તકલીફ ના પડવી જોઈએ. એમને તો કણકણમાં ને ક્ષણક્ષણમાં શીર્ષક મળી જાય. ઘરથી જ શરૂઆત કરે તો ‘પાંચમી દીવાલ’, ‘ખખડતું બારણું’, ‘અફળાતી બારી’, ‘ટપકતી છત’ ને ‘લસરાવતી લાદી’ જેવાં શીર્ષકો ન મળે ? ‘ગૃહલક્ષ્મી’ કે ‘કાળકામાતા પ્રસન્ન, ‘હું અને મારાં બાળગોપાળ’, ‘દેવી ચાકરાણી’ જેવા વિષયો પર તો ખૂટે નહીં એટલું લખાય. ને તોય, લેખક બારીમાંથી દેખાતા આકાશના ટુકડાને જ જોયા કરે !

લેખકની વાર્તાના શીર્ષકમાં બારીનું મહત્વ કેમ છે ? કારણ કે લેખક હંમેશાં બારીની સામે જ બેસે છે. બારણાની સામે કેમ નહીં ? એક તો ઘડી ઘડી બારણું ઉઘાડબંધ કરવા ઊઠવું પડે. અને હાલતાં ને ચાલતાં ઘરનાંને ઠેબે ચડવું પડે ! વળી, બારણામાંથી તો મોટું આકાશ દેખાય, જ્યારે બારીમાંથી તો આકાશનો ટુકડો દેખાય ! બારીના સળિયાની પેલે પાર દેખાતું આકાશ કે રમ્ય રાતે દેખાતો ચાંદ લેખકની વાર્તામાં શ્વાસ/પ્રાણ પૂરે છે. લખવાની અદ્‍ભુત પ્રેરણા આપે છે. એમ તો આખું ઘર જ એક મંદિર છે, નિશાળ છે, સતત ધમધમતી ઑફિસ છે ને ઘર ધરતીનો છેડો પણ છે. શબ્દોની હેરાફેરી કરીને તો કેટલાંય શીર્ષક બની જાય.

નદી ને દરિયો, જંગલે ને પહાડ, સીમ, ખેતર તો ઠીક, ઝાડ ને પાંદડાં (ડાળીઓ સહિત) લેખકને વાર્તા લખવા પ્રેરે. એટલે વાર્તાનાં શીર્ષક સ્વાભાવિક છે કે ‘સમુદ્રનો સાતમો રંગ’. ‘અફળાયેલું મોજું’, ‘દરિયાને તળિયે જલપરી’ અથવા તો ‘નદી-નાવ-કાદવ’, ‘રાહ જોતી હોડી’, ‘કિનારાની રેતી’ જેવાં જ હોવાનાં ! કેમ કોઈ સુંદર ખાબોચિયાની કે દેડકા ને કરચલાની વાર્તા નથી હોતી ? જાણે કે, ‘વાર્તાની નાયિકા ખાબોચિયાને રમ્ય કિનારે ઊભી ઊભી ખાબોચિયામાં પકડાપકડી રમી રહેલા દેડકાને અનિમેષ નજરે જોઈ રહી હતી તે જ સમયે નાયકે આવીને એના હાથમાં એક સોનેરી માછલી મૂકી દીધી ! અથવા એક કરચલો મૂકી દીધો !’ કેવું રિયાલિસ્ટિક લાગે ! પણ આપણને તો વિચારના વમળમાં જ ફસાવાની ટેવ તે વાર્તામાં કંઈ પણ રિયલ ના આવવું જોઈએ.

‘પાંપણે બેઠું પતંગિયું’. તદ્દન અસંભવ ! પાંપણના સતત પલકારામાં ધૂળની રજકણને પણ આંખમાં પ્રવેશ નથી તો પાંપણ પતંગિયાને બેસવા ક્યાંથી દે ? આજે લેખકે પતંગિયું બેસાડ્યું તો શક્ય છે કે કાલે ચકલીને બેસાડી દે ! વરસાદની ઋતુમાં શ્રાવણ-ભાદરવો આવે તે સમજ્યાં, પણ કોઈ સ્ત્રી (ફક્ત સ્ત્રી-પુરુષ નહીં) ક્યારેય પણ જોરજોરમાં રડીને ઘરનાંને બિવડાવે એટલે એની અશ્રુધારાને શ્રાવણ-ભાદરવાની ઉપમા મળી છે. ‘આંખ ઝરે તો સાવના !’, ‘આંસુનાં તોરણ !’ (આંસુ તો ટપકપદ્ધતિમાં માને ત્યારે તોરણ ક્યાંથી બંધાય ?) ‘આંખમાં આંજ્યું એક સપનું.’ લેખકને કાજળઘેરી આંખો નથી ગમતી, જીવદયા નેત્રપ્રભા પણ નથી નાંખવું. ફક્ત આંખમાં સપનાં આંજવાં છે. ભઈ, સપનાં આવે તો ઊંઘ બગડે ને બીજે દા’ડે સુસ્તી લાગે. આંખ ને સપનાંનાં શીર્ષક ઘણાં છે પણ ‘કર્ણકોડિયાં’ કે ‘નાસિકાદ્વારે’ જેવાં શીર્ષક કેમ નથી ?

લેખકને તો લોહી-પાણી એક કરીને લખેલી વાર્તાનું કોઈ ઢાંસુ શીર્ષક રાખવું હોય એટલે, ‘મનમંદિરને દ્વારે’ કે ‘મનમૂંઝારો કે તન પિંજારો’ જેવાં અટપટાં, લાંબાં શીર્ષક રાખે, એ બહાને વાચકો ભરમાય કે પ્રભાવિત થાય ? કોણ જાણે. ઘણી વાર એમ તો, બે કે ત્રણ અક્ષરનો શબ્દ હોય કે એને બંધબેસતો પ્રાસ મળી જાય અથવા વિરોધી શબ્દની વાર્તાનાં શીર્ષકો પણ ખૂબ ચાલ્યાં છે. એ શબ્દોનો એવો પ્રભાવ હોય કે વાચક એમાં જકડાઈ જાય તો કોઈ વાર અકળાઈ પણ જાય ! ‘પાપ-પુણ્ય’ કે ‘બંધન-મુક્તિ’ ને બદલે ‘પાપ-બાપ’ કે ‘બંધન-ફંધન’ જેવાં શીર્ષકો પણ ચાલે.

‘ખેલ’ શીર્ષક કે વિષયવાળી વાર્તાઓ ઘણી લખાઈ. એ ખેલમાં લંગડી, સાતતાળી, ગિલ્લીદંડા જેવી રમતો કેમ નથી દેખાતી ? કાયમ શતરંજ હોય કે બાવન પાનાંની રમત હોય. નિર્દોષ રમતને બદલે જુગાર ! એમાં ‘લાલતો બાદશાહ’ કે ‘ચોકટની રાણી’ કે ‘રમત દૂરી-તીરીની’ જેવાં શીર્ષક આવે, ‘ગુલામ-બેગમ-બાદશાહ’ આવે તો બીજાં પાનાંનો શો વાંક ?

વાર્તામાં જાતજાતના રંગ ભર્યા હોય ‘સુખનો સફેદ રંગ’, ‘યુદ્ધનો લાલ રંગ’, ‘પીળા સૂરજનો તડકો’, ‘લીલા ઘાસનું તણખલું’, ‘સોનેરી હરણ’, ‘કાળા વાદળની રૂપેરી કોર’ ને એવાં તો કંઈ મેઘધનુષી શીર્ષક આપણને મળે. ‘કથ્થઈ રંગના વાળની લટ’ કે ‘ચળકતી ટાલ પર શ્વેત ધજા’ જેવું શીર્ષક કેમ નહીં ? તમે જો વાર્તા વાંચવાના શોખીન હશો તો, ‘સ્ટેશન’, ‘એરપૉર્ટ’, ‘બસસ્ટૅન્ડ’ જેવાં શીર્ષકોવાળી વાર્તાઓ વાંચી હશે. ‘સ્ટેશનનું ઘડિયાળ’ કે ‘એરપૉર્ટનો ડોરકીપર’ અથવા ‘બસ-સ્ટૅન્ડનો કન્ડક્ટર’ કેમ નહીં ?

વાર્તાના નાયક કે નાયિકાને જો સંગીતમાં રસ હોય તો ગિટાર કે સિતારના તાર જ ધ્રુજાવે. કેમ ‘તબલાંની થાપ’, ‘ઢોલક બાજે ઢમ ઢમ ઢમ’ કે ‘હાર્મોનિયમની હવા’ જેવાં શીર્ષકો કોઈને પસંદ નથી આવતાં ? નાયક-નાયિકાના બૂટ-ચંપલને લગતું શીર્ષક આપવું હોય તો ‘કાળા બૂટનું તળિયું’ કે ‘ચંપલની ચમરાટી’ અથવા ‘સૅન્ડલના સટાકા’ ચાલી શકે. ચાલી શકે શું ? ચાલી જ જાય. આવું શીર્ષક જોઈને જ વાર્તા હાથમાં લેવાઈ જાય. વાર્તાનો અંત આવતા સુધી તો વાચક એ જ ઈંતેજારીમાં હોય કે, ક્યારે બૂટનું તળિયું ફાટે કે ચંપલની ચમરાટી દૂર થાય અથવા સૅન્ડલના સટાકા ચાલે !

વાર્તાલેખિકાઓ તો આજકાલ કેટલી પ્રગતિ કરી રહી છે ! ઘરમાંથી જે એમને કેટલા શીર્ષક મળી આવે. એમને થોડી મદદ કરવાની આશાથી થોડાં શીર્ષક સૂચવું છું :

‘બે પડી રોટલીની અંદર’

‘બરણીની આરપાર’

‘એક બળેલી ભાખરી/સૅન્ડવિચ’

‘વઘારિયું’

‘આથો’ – ‘અથાણું’

‘વેલણને સાથ પાટલાનો’

‘ઝીણો તોય રાઈનો દાણો’

‘કડવું તોય કારેલું, સૌને માથે મારેલું.’

બસ. શીર્ષકકથા અહીં જ સમાપ્ત કરું અને આશા રાખું કે કવિ પછી કોઈ લેખક કે કવિને શીર્ષક બાબતે બહુ મૂંઝાવું નહીં પડે.’

 – કલ્પના દેસાઈ

સંપર્ક : ગુલમહોર, ઉચ્છલ, જિ.તાપી-૩૯૪૩૭૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “શીર્ષકમાં શું દાટ્યું છે ? – કલ્પના દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.