રિયાની મમ્મા – પારુલ કંદર્પ દેસાઈ

 (‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

વટાણા ફોલતાં સંધ્યા એકદમ ચોંકી ગઈ. તાજા, લીલાછમ દેખાતા વટાણાની અંદર એવા જ કલરની મોટી ઇયળ ગૂંચળું વળીને બેઠી હતી. દૂરથી તો ખ્યાલ જ ન આવે કે ઇયળ છે. ઇયળ સહેજ સળવળીને બહાર નીકળવા મથામણ કરવા લાગી. સંધ્યા એના સળવળાટને થોડી વાર જોઈ રહી પણ પછી એકદમ ચીતરી ચડી ને વટાણાની છાલ હાથમાંથી છૂટી ગઈ. વટાણા ફોલવાનું મૂકીને તે ઊભી થઈ ગઈ. ઘડિયાળમાં જોયું તો નવ વાગવા આવ્યા હતા. આ બાપ-દીકરીને તૈયાર થઈને આવતાં કેટલી વાર ? ‘હું આવી ગયો છું.’ વિજયે હાથ ઊંચા કરીને હાજરી પુરાવી અને ડાઈનિંગ ટેબલ પર બેઠો. ‘રિયા હજુ તૈયાર થઈને કેમ આવી નથી ? કોલેજમાં આવી પણ હજુય મારે જ બૂમાબૂમ કરીને તૈયાર થવાનું કહેવું પડશે.’ બૂમ પાડવા જતી હતી ત્યાં જ ઝડપથી પગથિયાં ઊતરતાં પગલાંનો અવાજ સંભળાયો. સંધ્યા જોઈ રહી. હજુ થોડા દિવસો પહેલાં જ બે ચોટલા લઈ સ્કૂલડ્રેસ પહેરીને જતી રિયા આ જ છે ! સહેજ લૂઝ ટીશર્ટ અને જીન્સની કેપ્રી પહેરી છે તેણે. કપાવી નાખેલા વાળની લટો ચહેરા પર આવ-જા કરે છે પણ તેને કંઈ પરવા નથી. કેટલી સુંદર લાગે છે તે, કોઈની પણ નજર ઠરી જાય અને એટલે જ થાય છે કે…

‘હાય, મોમ,’ કહીને સ્માર્ટફોનમાં મેસેજ વાંચતી રિયા ડાઈનિંગ ટેબલ પાસે પહોંચી. મેસેજ વાંચીને રિયાના ચહેરા પર મલકાટ વ્યાપી ગયો. સંધ્યા એ જોઈ અકળાઈ ગઈ. ‘આજથી ડાઈનિંગ ટેબલ પર આ રમકડાંઓને લઈને આવવાનું નહીં.’ ગુસ્સાથી તેણે વિજય અને રિયાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધા.

‘બટ વ્હાય ? મોમ !’ અણધાર્યા આક્રમણથી રિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. ‘મારે મેસેજ વાંચવા હતા !’

‘મેસેજ નાસ્તો કરીને વાંચીશ તો દુનિયા લૂંટાઈ નહીં જાય. આ બટાટાપૌંઆ ઠંડા થાય છે. સવારનો નાસ્તો તો શાંતિથી કરો. પછી આખો દિવસ બાપ-દીકરી દોડાદોડી કર્યા કરતા હોવ છો.’

‘તારી મમ્મી સાચું કહે છે, બેટા, એ સવારે વહેલાં ઊઠીને ટિફિન પણ તૈયાર કરે અને ગરમ નાસ્તો પણ બનાવે અને આપણે એની મહેનત પર પાણી ફેરવીએ.’ વિજયે નાસ્તાની ડિશ લેતાં કહ્યું.

‘બટ. ડેડ, બટાટાપૌંઆ !’ રિયા બોલવા જતી હતી પણ વિજયે તેને ઈશારો કરીને ચૂપ રહેવા કહ્યું.

‘ઓ.કે. મોમ, પણ સ્વિચ ઓફ્ફ નહીં કરતી.’

ડ્રોએંગરૂમમાં મોબાઈલ મૂકવા જતાં સંધ્યા રિયાના મોબાઈલ સામે જોઈ રહી. કોનો મેસેજ વાંચીને રિયા મલકાતી હતી. એક વાર જોઈ લઉં. ના, ના. કોઈનો મોબાઈલ એ રીતે ન જોવો જોઈએ. કોઈ ક્યાં છે? દીકરી છે મારી. એ કોને મળે છે, એના પર કેવા કેવા મેસેજ આવે છે એ તો મારે જાણવું જ જોઈએ. તેણે મોબાઈલ ઓન કરી વોટ્‍સ એપ ખોલ્યું તો તેના પર ત્રણ-ચાર તરવરતા તાજગીભર્યા યુવાન ચહેરા દેખાયા. એ ચોંકી ગઈ. બધા છોકરાઓના જ મેસેજ કેમ છે ? પાર્થ… અરે… આ પાર્થ કોણ છે ? અને આ શું લખ્યું છે તેણે ? Pls… pls… psl… એટલે શું ? બીજો મેસેજ કોઈ યોયોનો હતો. આ યોયો કેવું નામ છે? આજકાલના છોકરાઓ, નામ પણ કેવા રાખે છે ? એણે લખ્યું હતું. Gr8 cmnt… ત્રીજાએ લખ્યું હતું… lol અને જોડે સ્માઈલી કર્યું હતું, એનો અર્થ શો ? એના સમયમાં ‘સોદાગર’ ફિલ્મનું એક ગીત બહુ લોકપ્રિય બન્યું હતું ‘ઈલુ ઈલુ, આઈ એલ યુ એટલે આઈ લવ યુ.’ એક એલનો અર્થ લવ થતો હોય તો આ બીજો એલ શેને માટે ? આ લોકોના મેસેજની ભાષા… બધું ટૂંકું ને ટચ. કશાયના પૂરા સ્પેલિંગ ન લખે. કોડવર્ડ ઉકેલવા જેટલી જ મહેનત કરાવે છે. સંધ્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચવા લાગ્યો.

એકદમ જ રિયાએ આવીને પાછળથી બે હાથ તેને ગળે વીંટાળ્યા. સંધ્યા ચોંકી ગઈ. જાણે કે ચોરી કરતાં પકડાઈ ગઈ. ‘કોઈના મોબાઈલ પર આમ ચોરીછૂપીથી મેસેજ વાંચવા એ અનકલ્ચર્ડ છે માય સ્વીટ મમ્મા. પણ તારાથી મારે કંઈ ખાનગી નથી. યુ કેન રીડ ઓલ મેસેજીસ.’ મોબાઈલ હાથમાં લઈ તે ઉતાવળથી બોલી. ‘બાય… મોમ… આઈ ગેટ લેટ.’ સંધ્યા પૂછવા જાય કે આ પાર્થ કોણ છે, ત્યાં તો ચકલીની જેમ ફરફર ઊડી ગઈ ! અકળાયેલી સંધ્યા દરવાજેથી પાછી વળી તો વિજય ઊભો હતો, ઠપકાભરી નજરે તેની સામે જોતો. વિજયની નજર ટાળીને પસાર થવા ગઈ પણ વિજયે તેને ખભેથી પકડી લીધી.

‘તમને ખબર છે કેવા કેવા મેસેજ આવે છે એના પર. ચિંતા થાય છે મને.’

વિજયે એનો હાથ હાથમાં લઈ કહ્યું, ‘નાની નથી હવે તે. શું કરવું અને શું નહીં એની સમજ છે એનામાં. તને કશું બરાબર ન લાગતું હોય તો બહેનપણી બનીને વાત કર તેની સાથે. તું તો હંમેશાં તીર તાકીને ઊભી રહે છે તેની સામે.’ સંધ્યા કશો જવાબ ન આપી શકી.

વિજય ઓફિસ ગયો અને સંધ્યા એકલી પડી. તેને પણ ઘણી વાર લાગતું કે એ મૂરખની જેમ વર્તી રહી છે. પણ તરત જ મન મનાવતી. હા, મારો સ્વભાવ એવો છે તો શું કરું… જ્યારથી રિયા પાસે સ્માર્ટફોન આવ્યો છે એના પર સતત જુદા જુદા ટ્યુન્સ વાગ્યા કરે છે. વોટ્‍સ એપનો, ફેસબુકનો, ઈમેઈલનો, મેસેજનો… સંધ્યા અકળાઈ જતી. એની અકળામણ જોઈને રિયા અને વિજય બંને હસતાં. વિજય રિયાને કહેતો, તું એને મેસેજ વાંચતાં શીખવાડી દે.

વિજય જોડે શરત કરી હતી રિયાએ. જો ટ્‍વેલ્થમાં ૮૦ ટકાની ઉપર આવશે તો સ્માર્ટફોન લઈ આપવાનો. ‘ઓ. કે. ડન.’ વિજયે કહ્યું હતું. પંચ્યાસી ટકા આવ્યા હતા. પછી તો બાપ-દીકરી હવામાં ઊડતાં હતાં. તેણે વિજયને ના પાડી હતી. પણ તેનું કોણ સાંભળે ? કહ્યું હતું કે એન્જિનિયરિંગ કોલેજમાં ન જઈશ. પણ ન માની અને લીધી તો પાછી કઈ લાઈન… મિકેનિકલ એન્જિનિયરિંગ. એમાં શું કરવાનું ? તો કે મશીનો જોડે કામ કરવાનું. જેમાં હાથ કાળા થાય. જે હાથમાં મેંદીનો રંગ હોવો જોઈએ તે હાથ તો… પણ રિયા તો… કોલેજથી આવીને તેના કાળા હાથ મમ્માને સુંઘાડતી. મમ્મા, આ ઓઈલ અને ગ્રીસની જે સુગંધ છે. આ છે મને ગમતી સુગંધ. ઊંડો શ્વાસ લઈને સુગંધને ભરીને કહેતી ‘આઈ લવ્ડ ઈટ.’

સંધ્યાને યાદ આવ્યું. નવમા ધોરણમાં હતી તે. ક્યુબ્સ ગોઠવ્યા કરતી હતી. સંધ્યાએ ચિડાઈને કહ્યું હતું, ‘લે, આ તારા યુનિફોર્મને જાતે ઈસ્ત્રી કરી લે. નાની નથી હવે.’

‘ઈસ્ત્રી કરું ? હું ?’ રિયાએ આશ્ચર્યથી કહ્યું હતું. ‘ઈટ્‍સ નોટ માય વર્ક.’

‘તો આ ક્યુબ્સ ગોઠવવાનું તારું વર્ક છે ?’ અકળાઈને સંધ્યાએ ઈસ્ત્રીનો પ્લગ ભરાવ્યો ને જ્યાં સ્વિચ પાડી ત્યાં ઈસ્ત્રીમાં સ્પાર્ક થયો. ‘લે, આ ઈસ્ત્રીય બગડી ગઈ. પહેર હવે ઈસ્ત્રી વિનાનાં કપડાં.’ રિયા એકદમ ક્યુબ્સ છોડી ઊભી થઈ ગઈ હતી. ઈસ્ત્રી હાથમાં લઈ, સ્ક્રૂ ખોલી તેના પાર્ટ્‍સ છૂટા પાડવા લાગી. સંધ્યા ગભરાઈ ગઈ. ‘જો જે, બેટા, તને શોટ ન લાગે.’ પણ રિયાએ તો થોડી વારમાં ઈસ્ત્રી ચાલુ કરી દીધી. ‘લે, હવે તો મારાં કપડાંને ઈસ્ત્રી કરી આપ.’ કહી પાછા ક્યુબ્સ ગોઠવવા માંડી હતી. સંધ્યા આશ્ચર્યથી જોઈ રહી હતી. રાત્રે તેણે વિજયને પણ કહ્યું હતું. બંને કેટલાં ખુશ થયાં હતાં ? પણ આ મિકેનિકલ એન્જિનિયરિંગ. કેટલી ઓછી છોકરીઓ આ લાઈનમાં જાય છે અને પેલા છોકરાઓએ શું લખ્યું હતું રિયાને. પીએલએસ… પીએલએસ… એલઓએલ એટલે શું ? રિયાને પૂછવું પડશે હવે. બપોરે સહેજ આડી પડીને સંધ્યા સિરિયલ જોતી હતી. રિયાની ચિંતામાં તેણે હમણાંથી વી ચેનલ પર આવતી યંગસ્ટર્સની સિરિયલ જોવાનું શરૂ કર્યું હતું. અરે, અંજલિ આ કેવા વેશમાં. તે ફ્રેશર હતી અને તેને ટેડીબેરનાં કપડાં પહેરાવી બધાંને શરબત આપવાનું કહેવામાં આવ્યું હતું. સંધ્યાને લાગ્યું કે સામે અંજલિ નહીં રિયા છે. એને પણ કોલેજમાં આવી રીતે હેરાન કરી શકે ? આજે તો વિજયને કહેવું જ છે કે એને એન્જિનિયરિંગ-ફેન્જિનિયરિંગ નથી કરાવવું. આટ્‍ર્સમાં હજુ રેગિંગ નથી કરતા.

સાંજે રિયા ઘેર આવી તો તરત જ સંધ્યાએ પૂછ્યું. ‘તને કોલેજમાં છોકરાઓ હેરાન તો નથી કરતાને ?’

રિયા આશ્ચર્યથી જોઈ રહી. ‘હેરાન શું કામ કરે કોઈ મને ?’

‘ફ્રેશર્સને કોલેજમાં રેગિંગ કરતા હોય છે એ સાચું છે ?’

‘રેગિંગ ? હા, કરતા હોય છે. તો શું છે ?’

‘તને પણ રેગિંગ કર્યું હતું ?’

‘ઓહ, હા.’

‘શું કર્યું હતું તને ? ટેડીબેરનાં કપડાં પહેરાવ્યાં હતાં ?’

‘ઓહ, નો મોમ, તું પણ કેવી કલ્પના કરે છે. અમારે સામસામે એકબીજાની આંખોમાં પાંપણ પટપટાવ્યા વિના જોવાનું હતું અને મેં યોયોને હરાવી દીધો.’ રિયાએ સહજતાથી કહ્યું હતું.

‘આ યોયો કેવું નામ છે ? અને તેં એની આંખોમાં જોયું હતું.’

‘યપ, એન્ડ આઈ એન્જોય્ડ ઈટ. મોમ, પછી એણે બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. હવે તારી પ્રશ્નોત્તરી પૂરી થઈ હોય તો હું મારા રૂમમાં જાઉં ?’

‘ના, હજુ બાકી છે.’ સંધ્યાએ રિયાનો હાથ ખેંચીને પોતાની પાસે બેસાડી. રિયાએ તેના ખોળામાં માથું નાખી દીધું. ‘વાહ, મમ્મી આજે તને લાડ કરવાની નવરાશ મળી ?’

‘એટલે હું તને લાડ નથી કરતી એમને ?’

‘કરે છેને પણ પાપા જેટલું નહીં.’ રિયાએ તોફાની અવાજે કહ્યું. સંધ્યા ગુસ્સો કરવા ગઈ ત્યાં એને મુખ્ય કામ યાદ આવ્યું. ‘આ પાર્થ, યોયો ને બધા કોણ છે ? તને કેવા કેવા મેસેજ મોકલે છે ?’

‘એટલે ?’ રિયાએ અકળાઈને ઊભા થતાં પૂછ્યું.

‘જો, દીકરા, હું તારી મા જ નહીં, તારી બહેનપણી પણ છું. તારે જે કહેવું હોય તે તું મને કહી શકે છે. પણ આ તારી પ્રેમમાં પડવાની ઉંમર નથી, હજુ તો તારે ભણવાનું છે.’

‘વૉટ મોમ, પ્રેમમાં, યુ મીન લવ ?’ રિયા ખડખડાટ હસી પડી.

સંધ્યા થોડી ઝંખવાઈ ગઈ પણ તરત જ બોલી. ‘તો પછી આ એલઓએલ એટલે શું ? અને આ પીએલએસ… આ બધું શું ચાલે છે મોબાઈલ પર ? એટલે જ હું આવો ફોન લઈ આપવાની ના પાડતી હતી.’

‘ઓહ મમ્મી. તું હવે આ મેસેજની ભાષા શીખી જા, આમ કલ્પનાના ગુબ્બારા ન ઉડાડ. એલઓએલ એટલે લોટ્‍સ ઓફ લાફ અને પીએલએસ એટલે પ્લીઝ. એને જે બુક્સ જોઈતી હતી તે મેં લાઈબ્રેરીમાંથી લઈ લીધી છે એટલે એ રિક્વેસ્ટ કરે છે અને આ નિશાની જે મેં કરી છે તે ડિંગોની છે. હવે તો શાંતિ થઈને ?’

*

એક દિવસ રિયાએ કહ્યું, ‘આજે મોનાનો બર્થડે છે. અમે બધાં તેને સરપ્રાઈઝ આપવાનાં છીએ. મોડું થશે પણ ડોન્ટ વરી, મીત એની કારમાં અમને બધાંને મૂકી જવાનો છે.’

‘મીત, મીત કોણ છે ?’ સંધ્યાથી પુછાઈ ગયું હતું.

‘અમારાથી સિનિયર છે. ગર્લ્સને ઘેર પહોંચાડવાની જવાબદારી એની છે.’

‘નો વે, હું નહીં જવા દઉં પાર્ટીમાં.’ સંધ્યાએ અલ્ટિમેટમ બહાર પાડ્યું. ‘અને જવું જ હોય તો પપ્પા દસ વાગે તને લેવા આવશે. કોઈ મીત-ફીત જોડે નથી આવવાનું.’

‘દસ વાગે તો પાર્ટી સ્ટાર્ટ થશે, મોમ, પ્લીઝ ડેડ, તમે સમજાવોને.’

‘ના એટલે ના. બાપ-દીકરીની જુગલબંધી અહીં નહીં ચાલે.’

“ડુ યુ લવ મી, મોમ ?’

‘આ તે કેવો પ્રશ્ન છે? મારી એકની એક દીકરી છે તું.’

‘ધેન વ્હાય ડોન્ટ ટ્રસ્ટ મી.’ ધારદાર નજરે સંધ્યાની સામે જોતાં રિયા પોતાના રૂમમાં ચાલી ગઈ હતી.

સંધ્યા એકદમ ઝંખવાઈ ગઈ. વિજયે તેની પાસે બેસી તેનો હાથ હાથમાં લઈ કહ્યું, ‘આપણી દીકરી મોટી થઈ ગઈ છે હવે. જવા દે એને પાર્ટીમાં. આ જ તો એનો સમય છે એન્જોય કરવાનો. તું આમ એને વાતવાતમાં ટોક્યા કરે. ધિસ ઈઝ નોટ ગુડ ફોર હર.’

સંધ્યાએ ડોકું હલાવી સંમતિ આપી એટલે વિજય હળવો થઈને ઓફિસે જવા નીકળ્યો અને કહેતો ગયો, ‘સમજાવ તારી લાડલીને અને યુદ્ધવિરામ કરો.’

વિજયને કેવી રીતે સમજાવું કે મા છું એની હું. પ્રોટેક્ટ કરવા માગું છું એને. બચાવવા માગું છું. બધાથી. જ્યારથી રિયા કોલેજમાં આવી છે ત્યારથી સાવ બદલાઈ ગઈ છે એવું સંધ્યાને લાગતું હતું. તેને જાણે પાંખો ફૂટી હતી અને ઊડવા આખુંય આકાશ મળ્યું હતું. સંધ્યાના મનમાં સતત ડર રહ્યા કરતો હતો કે રિયા ક્યાંક ફસાઈ તો નહીં જાયને ? એને કોઈ હેરાન-પરેશાન તો નહીં કરેને ? એકની એક દીકરી હતી. વર્ષો પછી આવેલી અને બા, દાદા, ફિયા, કાકા… બધાંની ખૂબ લાડલી. સંધ્યાને સતત ડર રહ્યા કરતો હતો કે પારાની જેમ છટકી જશે આ છોકરી. પોતાનાથી દૂર દૂર. મારા વિશ્વ સાથે એ જોડાઈ ન શકે અને એના વિશ્વમાં પ્રવેશવા મારે કેટલું બધું બદલાવું પડે.

એવું તો નહોતું કે સંધ્યા નહોતી બદલાઈ. એ પાસ્તા અને પિઝા, મેક્સિકન, ચાઈનીઝ અને ઈટાલિયન ખાવાનું બનાવતા શીખી ગઈ હતી. રસોઈ શો જોઈ જોઈને અને રેસિપી બુક વાંચી વાંચીને પણ ક્યારેક એમાં ગુજરાતી ટેસ્ટ ભળી જતો અને રિયા અકળાઈ જતી. પેલી જાહેરાત બોલતી, ‘મોમ, પિઝા મેં બૈંગન નહીં ડાલતે.’

સંધ્યા ખસિયાણી પડી જતી. એક તો આટલી મહેનત કરીને બનાવું છું ને પાછા બેય મજાક કરે છે. પણ રિયા તરત મનાવી લેતી, ‘ઈટ્‍સ જસ્ટ જોક.’

સંધ્યા રિયાના રૂમમાં ગઈ. બધું જ વેરવિખેર પડ્યું હતું. છૂટા છૂટા વેરાયેલા મશીનરીના પાર્ટ્‍સ. થયું કે ગોઠવી દે આ બધું. પણ તરત યાદ આવ્યું, રિયાએ ચોખ્ખી ના પાડી હતી. ‘મોમ, આ રૂમ મારો છે. તું કશું ગોઠવીશ નહીં, આ બધા પાર્ટ્‍સ આડાઅવળા ન કરીશ.’ સંધ્યા અંદરથી ઘવાતી. આજ સુધી હું જ ગોઠવતી’તી એનો રૂમ અને એનાં કપડાંની ખરીદી પણ. હવે તો કહેશે, મને મારી રીતે સિલેક્શન કરવા દે.’

નાની હતી ત્યારે ખોળામાં માથું નાખી એકએક વાતો કહેતી રિયા હવે કોલેજમાંથી આવે કે તરત એનાં મશીનો જોડે અથવા તો સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં એવી તો ખોવાઈ જાય છે કે જાણે ઘરમાં કોઈ છે જ નહીં. વિજયને તો પહેલેથી જ ઓછું બોલવાની ટેવ. રિયાને કારણે ઘર ભરેલું લાગતું. હવે તો સામે બેઠેલી હોય તોય સ્માર્ટફોનમાં ડૂબેલી હોય. પૂછીએ તો ટૂંકાં ટૂંકાં વાક્યોમાં જવાબ આપે. ક્યારેક ન પણ આપે. એ કહેતી, આખું વિશ્વ અમારી હથેળીમાં છે, મારા ડિયર મમ્મા, બોલ તારે શેના વિશે જાણવું છે ?

મારે તો મારી રિયા પછી જોઈએ છે. સંધ્યા મનમાંને મનમાં બોલતી. તેને પોતાની હથેળી રિયાની આગળ ધરવાનું મન થતું. મારું વિશ્વ તો તું જ છે બેટા.

એક વાર સંધ્યા રાત્રે જાગી ગઈ. જોયું તો રિયાના રૂમની લાઈટ ચાલુ હતી. અર્ધી રાત્રે રિયા શું કરે છે ? બારણું અધખુલ્લું હતું. રિયા એક ધ્યાનથી કોમ્પ્યુટરમાં કશુંક કરતી હતી. સંધ્યાના મનમાં ચમકારો થયો. તે કોઈ એવી તેવી સાઈટ્‍સ તે જોતી નથીને ? તેને થયું કે વિજયને જગાડે અને રિયાના આ પરાક્રમની જાણ કરે. ના, પણ પહેલાં ખાત્રી તો થાય કે એ શું કરે છે ? ધીમેથી ચોરની જેમ તેણે બારણું ખોલ્યું અને રિયાની પાછળ જઈને ઊભી રહી ગઈ. રિયા ચમકી ગઈ પણ ખુશ થઈને બોલી, ‘હાય, મોમ, તું જાગે છે હજી ? એક કોલ્ડ કોફી બનાવી આપને ?’

‘અર્ધી રાત્રે તું કોમ્પ્યુટર પર શું કરે છે ?’ સંધ્યા ચિડાઈને બોલી, ‘દિવસ આખો મોબાઈલ પર, રાત્રે કોમ્પ્યુટર, તને મેં ક્યારેય વાંચતાં-લખતાં તો જોઈ જ નથી.’

‘ઓહ, માય ડિયરેસ્ટ મમ્મા, તો આ કોમ્પ્યુટર પર હું શું કરું છું ? આ જો, મારે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરવાનું છે તેની તૈયારી કરું છું.’ એમ કહી રિયા ક્લિક કરતી ગઈ અને એક પછી એક સ્લાઈડો ખૂલતી ગઈ. સંધ્યા સ્તબ્ધ થઈ ગઈ. ‘અરે, આ બધું તેં ક્યારે કર્યું ? એ માટે તારે વાંચવું ન પડે ?’

‘વાંચું છું ને જો, આ અમારી એજ્યુકેશનની સાઈટ. મારાં બધાં જ સબ્જેક્ટનું મટીરિયલ મને અહીં મળી જાય.’ રિયાએ મોબાઈલ હાથમાં લીધો. ‘જો મમ્મા, વોટ્‍સ એપ પર અમારા મિત્રોનું ગ્રુપ છે. એમાં અમે માત્ર મજાકમસ્તી નથી કરતાં, એકબીજા સાથે અમારા વિષયની ચર્ચા પણ કરતા હોઈએ છીએ.’

‘તારા માટે કોફી બનાવી લાવું.’ કહીને સંધ્યા ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ. કિચનની જોડે નાનકડી બાલ્કની હતી. સંધ્યા ત્યાં જઈને ઊભી રહી. તેણે ઊંડો શ્વાસ લીધો. આકાશ સ્વચ્છ હતું. તારાઓનાં ઝૂમખાં ચમકતાં હતાં. તેના મનમાં શાંતિ થઈ ગઈ. બસ, હવે નહીં. હવે ક્યારેય નહીં. ત્યાં જ અચાનક એક વાદળી ક્યાંકથી આવી ચડી ને ચંદ્ર ઢંકાઈ ગયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “રિયાની મમ્મા – પારુલ કંદર્પ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.