- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઊર્જાનું ઝરણું અરુણા જાડેજા – અનવી ત્રિવેદી

(‘ફીલિંગ્સ’ના લાઈફ… એટ 40 વાર્ષિક વિશેષાંક-૨૦૧૫માંથી સાભાર)

ઘણી વખત તમે લોકોના મોઢે બોલતાં સાંભળ્યું હશે કે મહેનત કર, આ તારી સફળ થવાની ઉંમર છે. મહેનત કરીને નામના કમાવવાની એક ઉંમર હોય છે… શું આપ એવું માનો છો કે સફળ થવાની કે સિદ્ધિ મેળવવાની કોઈ ઉંમર હોય છે ? એ ઉંમર જતી રહે પછી નામના નથી મળતી ? એવા ઘણા લોકો છે જે… પરિશ્રમ કરે છે અને પ્રૌઢાવસ્થામાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

આજે હું એક એવી વ્યક્તિ વિશે વાત કરીશ, જેમણે તેમના જીવનમાં ૪૦ વર્ષ પછી સિદ્ધિ મેળવી છે. આ વ્યક્તિનું નામ અરુણા જાડેજા. તેઓ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહે છે. મરાઠી પરિવારમાં તેમનો જન્મ, પરંતુ તેમના લગ્ન થયા જાડેજા કુટુંબમાં. તેમની હાલની ઉંમર ૬૬ વર્ષની છે. અરુણા જાડેજાએ એક મુલાકાતમાં તેમના વિશે જે જણાવ્યું તે તેમના જ શબ્દોમાં… ‘મારા લગ્નના ૨૫ વર્ષ બાદ જ્યારે મારી જવાબદારી ઓછી થઈ ત્યાર બાદ મેં લખવાનું શરૂ કર્યું. હું લગ્ન પહેલાં લખતી હતી, પરંતુ લગ્નના ૨૫ વર્ષ દરમિયાન મેં કલમ નહોતી ઉપાડી. પછી મને લખવાનું મન થયું એટલે મેં ૫૦ વર્ષે લખવાનું ચાલુ કર્યું. મેં પ્રથમ વખત અખંડ આનંદ, નવનીત સમર્પણ, નવચેતન જેવા સામયિકોમાં લખવાનું શરૂ કર્યું. હું મૌલિક લેખન પણ કરતી હતી. એ દરમિયાન મેં મરાઠી હાસ્ય કવિ પુરુષોત્તમ દેશપાંડેજીના લેખોના અનુવાદન શરૂ કર્યાં.’ એમ કહેવાય છે કે હાસ્ય અને કવિતાના અનુવાદ થઈ શકે નહિ. અમુક વાક્યો અને અમુક શબ્દો જે ગુજરાતીમાં હોય તે મરાઠીમાં અનુવાદ કરવા અઘરા હોય છે. અરુણાબહેને વર્ષ ૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.

આમ, અરુણાબહેન પુસ્તક પ્રેમીઓમાં ખૂબ જાણીતાં બન્યા. તેમનો ૬૬ વર્ષે પણ જુસ્સો જોઈને ભલભલા થંભી જાય છે અને એક વાક્ય યાદ આવે કે ઉંમર કદીયે આપણી સફળતામાં બાધા નથી બનતી ! અરુણાબહેને પુસ્તક લખવાની સાથે-સાથે ૫૦ વર્ષની ઉંમરે ગાડી શીખવાનું શરૂ કર્યું. જીવનના ૫૦ વર્ષમાં કદી સાઈકલ પણ ના ચલાવી હોય તેમણે ગાડીના ગિયર બદલવાનું શીખ્યું. ગાડી ચલાવવાની સાથે-સાથે તેઓ ૫૫ વર્ષની ઉંમરે ટેક્નોસેવી બન્યાં અને તેમણે કમ્પ્યૂટર શિખવાનું શરૂ કર્યું. કમ્પ્યૂટરમાં પેજમેકર શિખ્યા બાદ તેમના બધા લેખ તેઓ કુરિયર કરવાને બદલે મેલ કરતાં થઈ ગયાં. તેમણે જણાવ્યું કે ગાડી ચલાવવા પાછળ અને કમ્પ્યૂટર શિખવા પાછળ મારી દીકરીઓનો ખૂબ મોટો ફાળો છે. અરુણાજીને કુકિંગનો પણ ખૂબ શોખ છે. તેમના આઈસક્રીમ અને કેક ખૂબ વખણાય છે. એમાં પણ પાનનો આઈસ્ક્રીમ તેમની યુએસપી છે.

મુલાકાત દરમિયાન અરુણાજી સાથે થયેલી વાતચીતના થોડા અંશ…

૧. તમારામાં આ બદલાવ આવ્યો એનાથી પરિવારમાં શું અસર થઈ ?

– પરિવારને મારા પ્રત્યે ગર્વ છે. મારા પૌત્રો પણ કહે છે વી પ્રાઉડ ઓફ યુ દાદી.

૨. તમે લખવાનું શરૂ કર્યું બાદ તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું ?

– મારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી મને ડિપ્રેશનનો ‘ડી’ કે ફ્રસ્ટ્રેશનનો ‘એફ’ શું છે તેની ખબર જ નથી. અત્યારની જનરેશનને નાની ઉંમરે આ બધું જોવા મળતું હોય છે. મારી પાસે એટલું કામ છે કે ભગવાને મને બે હાથની જગ્યાએ દસ હાથ આપ્યા હોત તો… અને દિવસના ૨૪ કલાકની જગ્યાએ ૫૦ કલાક આપ્યા હોત તો… હું મારા અલગ-અલગ કામને ટાઈમ આપી શકત.

૩. આ વળાંકે તમારા જીવનમાં કેટલી સફળતા અપાવી ?

– પુષ્કળ, અવર્ણનિય, અકલ્પ્ય. હું ખુશ છું કે આટલાં વર્ષે મને મારા નામથી બધા ઓળખે છે. કામથી વખણાશું, જો કામ કરશો તો ચોક્કસ સફળ થશો !

૪. આ ઉંમરે આવેલા બદલાવથી આપ કેટલા સંતુષ્ટ છો ?

– આ બદલાવથી હું ખૂબ જ સંતુષ્ટ છું. હું જીવનમાં સતત જુવાન રહેવા માગું છું. કારણ કે, મારા નામની પાછળ જુવાનસિંહ લખાય છે. મારા પતિનું નામ જુવાનજી છે. હું ટૂંક સમયમાં સંસારમાંથી નિવૃત્તિ લઈ રહી છું અને આધ્યાત્મિક માર્ગે વળી રહી છું.

અરુણા જાડેજા દર વર્ષે વિશ્વ પુસ્તકદિન નિમિત્તે અને પુસ્તકપ્રેમીઓને પોસ્ટ દ્વારા અનોખી બુકમાર્ક મોકલે છે. એટલું જ નહિ, બુકમાર્કમાં પુસ્તક વિશેનો અનોખો સંદેશ પણ હોય છે. દર વર્ષે અરુણાજી ૧૦૦ બુકમાર્ક પ્રિન્ટ કઢાવે છે. જે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે જેટલા પણ પ્રોગ્રામ હોય છે ત્યાં લોકોને આપે છે.

અરુણા જાડેજાનો આ ઉંમરે પણ આવો ઉત્સાહ જોઈને બધા તેમને ઊર્જાનું ઝરણું અને સ્ફૂર્તિનો ધોધ કહે છે. જે ખરેખર સાર્થક છે અને તેમની આ મુલાકાતમાં પણ તે દેખાઈ જ આવે છે.