રમાનાથનો અમૃતબોધ – વ્રજલાલ વઘાશિયા

Ramanath no amrutbodh(‘રમાનાથનો અમૃતબોધ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ મહેન્દ્રભાઈ એન.પરીખ (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં ઘણા બધા ધાર્મિક પ્રશ્નોના ઉત્તરો આપીને ચર્ચા કરવામાં આવી છે. અહીં તેમાંથી અમુક પ્રશ્નો અને ઉત્તરો પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

૧. Devotion (ભક્તિ) કૃપાથી પ્રાપ્ત થાય કે કેમ ?

ઉત્તર : ભક્તિ, કૃપાથી થાય એ હકીકત છે; પરંતુ તેથી કાંઈ સાધના ન કરવી એવું નથી. દુન્વયી બાબતોમાં આપણે પૂરેપૂરા particular (બહુ ચોક્કસ) હોઈએ છીએ અને માને માટે ફક્ત તેની કૃપા માની કંઈ જ પ્રયત્ન ન કરીએ તે પણ બરાબર નથી. અથવા તો તેટલા અંશે એટલે કે total surrender (સંપૂર્ણ શરણાગત) થતાં તો અહીં રહી જ ન શકાય. જેમ કે, નદીના પ્રવાહમાં તરતું પાંદડું. માણસ તદ્દન ખાલી થઈ ગયો હોય. ઈશ્વરની કૃપા હોય તો જ આવી શરણાગતિ પ્રાપ્ત થઈ શકે. બાકી આપણે કૌટુંબિક કે સામાજિક ફરજો જાગ્રત રહીને બજાવીએ જ છીએ. તો આ તો વિશેષ ફરજ છે. એટલે કે આ તો સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાનું છે. સાંસારિક ફરજોમાં સક્રિય રહેવું અને સર્વોચ્ચ ધ્યેયની પ્રાપ્તિમાં ફક્ત કૃપા ઉપર જ આધારિત રહેવું અને કંઈ જ સાધના કે પ્રયત્ન ન કરવા તે તો ખોટું જ છે ને ? કૃપાને સમજવા પણ માની કૃપા જોઈએ. દા.ત., આપણને નુકસાન થયું તો તે આપણા હિત માટે છે કે નહિ ? અથવા પ્રતિકૂળ સંજોગો ઊભા થયા, તો તે માનો અભિશાપ છે કે વરદાન ? આ બધું સમજવા માની કૃપા જોઈએ.

૨. ભગવન્નામસ્મરણની શી અસર થાય છે ?

ઉત્તર : નામ ચિન્મય છે. નામ અને નામી (ભગવાન) અભિન્ન છે, એ ચોક્કસ છે. ઊંઘતા માણસને નામ લઈને બોલાવીએ તો તે ઊંઘમાં પણ સાંભળે છે; ભગવાન તો સજ્ઞાન શક્તિ છે, તો પછી ભગવાનને બોલાવીએ તો તે અચૂક સાંભળે જ સાંભળે ! ભાષાશુદ્ધિ ઉપર ભગવાન ધ્યાન આપતો નથી. ભગવાન તો ભાવગ્રહી છે ‘भावग्राहीजनार्दनः।’ તમે શ્રદ્ધાથી ભગવાનને હાંક મારો. એ હાંકમાં શ્રદ્ધા અને ભાવ બંને હોવાં જરૂરી છે. વિદ્વાન પંડિત એની કહેવાતી બુદ્ધિ સાથે રાખીને ભગવાનનું નામ લેતો હોય, પણ તેમાં ભાવનો અભાવ હોય તો પ્રભુ ત્યાં જતો નથી. અભણ વાલ્મીકિ ‘રામ’નું નામ ‘મરા, મરા’ એમ ઊલટું નામ લેતા હતા; પરંતુ તેના ઉત્કટ ભાવને લીધે ભગવાન તેને પ્રાપ્ત થયા. ભગવાન ધન જોઈને, પ્રતિષ્ઠા જોઈને, જ્ઞાન જોઈને પ્રાપ્ત નથી થતા. પાંચ વર્શના પ્રહ્‍લાદને અને બાળભક્ત ધ્રુવને તેમના ભાવને લીધે ભગવાન મળ્યા ! ભાવ અને શ્રદ્ધા હોય તો ભગવાન ભક્તને મળે, મળે અને મળે જ ! કોઈ પણ શબ્દનો અર્થ ભલે સમજાય કે ન સમજાય છતાં એની ચોક્કસ અસર થાય જ છે. બજારમાં થતા ઘોંઘાટથી માણસ પાગલ પણ થઈ જાય ! અને વિશુદ્ધ સંગીતના માધુર્યની અસરથી રોગી રોગમુક્ત પણ થઈ જાય ! મધુર ધ્વનિથી પ્રકૃતિ પ્રફુલ્લ બને છે ! તેથી અનોખો આનંદ પ્રાપ્ત થાય છે. ઉત્કર્ષ – upliftment પણ થાય છે. મંત્રોના ઉચ્ચારમાં અકલ્પ્ય બળ છે, શક્તિ છે, આ reality છે – એક હકીકત છે.

૩. પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા સાધારણ માણસે શું કરવું જોઈએ ?

ઉત્તર : કૃપા તો બધા પર વરસી રહી છે, એવું ભાન થવું જોઈએ. પણ જો એ ન સમજાય તો તે સમજવા માટે ભગવાન કૃપા કરે એ માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. દરેકને તે છૂટથી હવા, પ્રકાશ ને પાણી આપીને કૃપા કરી રહ્યો છે. એના વગર તમારું બે મિનિટ પણ ટકવું મુશ્કેલ છે. વળી તમને મનુષ્યયોનિ આપી છે. તે પણ ભગવાનની પરમ કૃપા જ છે ને ! એણે પશુ, પક્ષી, વૃક્ષ વગેરેને આ બાબતમાં વિચારવાની પણ તક આપી નથી, જે મનુષ્યને આપી છે. એણે આપેલી આ ઉત્તમ તકને સફળ બનાવવા માટે એ કૃપા કરે એવી એને પ્રાર્થના કરવી જોઈએ. દરેક સંજોગ તેના દ્વારા જ નિર્મિત થયેલ છે. એમાં આપણું મંગળ જ છે. અને સુખ-દુઃખ, લાભહાનિ જેવા સંજોગોરૂપે એ જ આપણને ભેટી રહ્યો છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. આપણે આપણી મર્યાદાઓમાં બદ્ધ હોવાને લીધે જ્યારે દુઃખ આવે છે, ત્યારે ભગવાનની સામે બળવો પોકારીએ છીએ, પરંતુ ભગવાન તો આપણા પિતા-માતા, બંધુ, સખા-સર્વસ્વ છે. એને આપણામાં રસ છે. એટલે એ આપણા માટે જે કાંઈ કરે તે આપણા કલ્યાણ મંગળ માટે જ કરી રહ્યો છે એવી શ્રદ્ધા હોવી જરૂરી છે. આપણે આપણા કુટુંબ, સમાજ, દેશ માટે ભોગ આપતા હોઈએ છીએ, ત્યારે આપણને આનંદનો અનુભવ થાય છે. તો પછી ભગવાનને માટે કાંઈ ભોગ આપીએ કે સહન કરીએ ત્યારે બૂમો શા માટે પાડવી જોઈએ ? આમાં પણ એની કૃપા જ અવશ્ય કામ કરે છે, તે ન સમજાય, તો તે સમજવા પ્રાર્થના કરવી જોઈએ.

૪. નિઃસ્વાર્થ ભક્તિ કઈ રીતે કરી શકાય ?

ઉત્તર : નિઃસ્વાર્થ ભક્તિ કરવી એ અતિશય કઠિન બાબત છે, કારણ કે માનવીમાં અસંખ્ય આસક્તિઓ, વાસનાઓ અને આકાંક્ષાઓ ભરેલી હોય છે. આથી સ્વાર્થ સાથે અશુદ્ધ ભક્તિ થાય એ પણ કંઈ ખોટું નથી.  માનવી ઘણાં પાપો કરે છે. અને તેનામાં અસંખ્ય નબળાઈઓ રહેલી હોય છે, છતાં એનો સ્વભાવ જ એવો હોય છે કે પોતાની નબળાઈઓ બીજાની ઉપર નાખી દે છે. આ તેનો સ્વભાવ જ છે. અને તે સંસ્કારો જન્મોજન્મથી સાથે હોય છે. માનવીને બીજા પાસે પોતાની નબળાઈઓ સ્વીકારવામાં ભલે શરમ આવે, સંકોચ થાય, પરંતુ તેણે ભગવાન પાસે તો પોતાની મર્યાદાઓનો સ્વીકાર તો કરવો જ જોઈએ. આવી પરિસ્થિતિ છે, તો સ્વાર્થ સાથે ભક્તિ થતી હોય તોપણ ખોટું નથી. ગીતામાં ભગવાને આર્ત અને અથાર્થીને પણ ભક્તની કૅટેગરીમાં મૂક્યા જ છે ને ! માનવીને જ્યારે દુઃખ પડે છે, ત્યારે ભગવાનને દોષ આપે છે, એ ખોટું છે. અસંખ્ય તારાઓ, સૂર્યો, નક્ષત્રો, ગ્રહો અને બ્રહ્માંડો છે – તેમાં આ પૃથ્વી પરના નાના જીવ-માણસને ભગવાન દુઃખ આપે એ માની શકાય એવું નથી. માણસને જે ભોગવવું પડે છે તે તેનાં પોતાનાં કર્મોનું ફળ ભોગવે છે. આના કરતાં જૈન ધર્મની ફિલૉસૉફી વધુ સારી છે કે “જેવું કર્મ કરીએ તેવું ફળ ભોગવવું જ પડે છે.” આ રીતે તેઓ પોતાની જવાબદારી સ્વીકારી લે છે. માણસ પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની નબળાઈઓ ઢાંકવાનો પ્રયત્ન કરે એના કરતાં મા પાસે એનો સ્વીકાર કરી લે એ વધારે સારું છે. હું પોતે પણ નિઃસ્વાર્થ ભક્તિ કરી શકતો નથી. મારામાં પણ ઘણી નબળાઈઓ છે, જેથી ખાઈ શકાતું નથી, તબિયત સારી રહેતી નથી. માએ કહ્યું છે કે પોતાની નબળાઈઓ ભગવાન પાસે સ્વીકારવી અને ભગવાનની કૃપાની પ્રાર્થના કરવી. આપણે પુરુષાર્થ કરવો, સાથે માની કૃપા માગવી. કેટલાક ત્યાગી લોકો પોતે પૂર્ણ છે, એમ માને છે અને સંસારી લોકોને ઉપદેશ આપે છે. અને ઉપદેશમાં ચાબખાઓ મારે છે, પરંતુ ખરી રીતે, ખરો ત્યાગી તો સંસારી માનવી છે. જે પોતાના પૈસા અને અન્ન બચાવીને ત્યાગીઓને, સાધુ, સંતોને આપે છે. આથી એ સાધુ પણ સંસારી જ કહેવાય. કેટલાક લોકો પોતે નીતિમાન, સંસ્કારી અને સદાચારી છે એ રીતનો દેખાવ કરે છે. વાસ્તવમાં પોતે તેવા હોતા નથી. આપણે દંભ ન કરવો. જેવા હોઈએ તેવા દેખાવું અને માને પ્રાર્થના કરવી કે તે કૃપા કરીને આપણી નબળાઈઓ અને વાસનાઓ દૂર કરે.

[કુલ પાન ૩૮૨. કિંમત રૂ.૨૩૦/- પ્રાપ્તિસ્થાન : વ્રજલાલ વઘાશિયા ‘પ્રશાંતિ’, રાઘવકુંજ સામે, શ્યામ બેકરી પાસે, કપૂરિયા ચોક, ગોંડલ-૩૬૦૩૧૧]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “રમાનાથનો અમૃતબોધ – વ્રજલાલ વઘાશિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.