અકસ્માતનો અનુભવ..

ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો છે.

વાત એમ હતી કે બાઈક પારકુ હતું, એક મિત્રના કર્મચારીઓ કામથી નિવૃત્ત થઈ બિહાર જઈ રહ્યા હતાં, તેમની પાસે એક બાઈક હતું, મિત્ર મને કહે એ તારી પાસે રાખજે, દિવાળી પછી ડિસેમ્બરમાં પાછા આવીશું ત્યારે બાઈક લઈ જઈશું, અને એટલે જ એ બાઈક લઈ હું આઠ વર્ષમાં પહેલી વાર પીપાવાવથી મહુવા એકલો આવવા નીકળ્યો.

મહુવા પહેલા દાતરડી પાસેના સાવ બિસ્માર પુલ પરના ખાડાઓને લીધે બાઈકની હેડ લાઈટ બંધ થઈ ગઈ, પણ હવે ચાલીસમાંથી પંદર કિલોમિટર જ બાકી રહ્યાં હતાં, એટલે વચ્ચે બાઈકને ક્યાં મૂકવું એમ વિચારીને રસ્તાને કિનારે ધીમે ધીમે ચલાવતો રહ્યો. રસ્તામાં એક ખાડો દેખાયો એટલે બાઈક સાવ નહિવત સ્પિડે પસાર કર્યો, પણ પછી તરત તેનાથી ઉંડો ખાડો હતો એ ન જોઈ શકાયો અને પડ્યો, જેવું બાઈક પગ પર પડ્યું કે કડાકો થયો અને હાડકું તૂટ્યું એટલે ભયાનક પીડા પણ થઈ.. પણ અથડાઈને બાઈક રસ્તાની વચ્ચે જઈને પડ્યું, શિયાળાના સાંજના સાત વાગ્યાનું અંધારું હતું, પાછળથી આવતું કોઈ ટ્રેલર કે ટ્રક બાઈકને અથડાય કે મને કચડી નાંખે એ ભયે સૌપ્રથમ પગ ઉપાડીને રસ્તાની એક તરફ ઝાડીઓ પાસે પહોંચ્યો અને પછી બાઈક પર જઈ રહેલા મદદ માટે ઉભા રહેલા બે લોકોને બાઈક ખસેડી એક તરફ કરી આપવા કહ્યું, ૧૦૮ને ફોન કર્યો ત્યાં સુધીમાં તો દસ બાર જણ ભેગા થઈ ગયેલા, બધા ટોર્ચ મારીને શું થયું છે એ જોઈ રહેતાં, એક ગાડીવાળાએ ગાડી ઊભી રાખી પૂછ્યું, ‘છે કે ખલાસ?’ કોઈકે કહ્યું, ‘ખાલી પગનું હાડકું જ ભાંગ્યુ છે.’

‘તો ભલે’ કહી એ આગળ વધ્યા, દરમ્યાનમાં મેં પત્નીને ફોન કરી મહુવાની હનુમંત હોસ્પિટલ પહોંચવા કહ્યું અને ઑફિસના મિત્રોને ફોન કરીને નજીકમાં હોય તો મદદે આવવા જણાવ્યું. થોડા સહકર્મિઓ બસમાંથી ઉતરી ગયા અને મારી તરફ આવવા પાછા વળ્યા, ઑફીસથી આવી રહેલી બીજી બસ પણ ઉભી રહી અને બધા એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યાં, એમ્બ્યુલન્સ આવી એટલે મને સ્ટ્રેચર દ્વારા તેમાં ટ્રાન્સફર કરી હનુમંત હોસ્પિટલ રવાના કરાયો અને બાઈકને પણ પાસેના ખેતરમાં મૂકવાની વ્યવસ્થા એક મિત્રએ કરી.

મહુવાથી પિપાવાવનો રસ્તો બિસ્માર રસ્તાઓનો સૌથી ઉત્તમ નમૂનો છે. દરેક ગામડે લોકોએ મૂકેલા કોંક્રિટના બમ્પ્સ, તદ્દન બ્લાઈન્ડ ટર્ન્સ, ખાડાઓ અને તૂટેલા પુલો સાથેનો આ ગુજરાતનો કદાચ સૌથી બકવાસ રસ્તો છે. એક સિવિલ ઈજનેર હોવાને લીધે એટલું તો કહી શકું કે નેશનલ હાઈવેની કોઈ વ્યાખ્યામાં આ રસ્તો આવતો નથી. હનુમંત હોસ્પિટલ જતાં રસ્તામાંના અધધ ખાડાઓને લીધે અપાર દુઃખાવો થયો, હોસ્પિટલ પહોંચી એક્સરે લેવાયા, ઈંજેક્શન અપાયા, બ્લડ ને યુરીન ટેસ્ટ્સ થયા અને પગે પ્લાસ્ટર લગાવી રૂમમાં શિફ્ટ કરાયો. દરમ્યાનમાં આવી ગયેલી પત્નીને રડતાં રોકવાનો એક મિત્રપત્ની પ્રયત્ન કરી રહ્યાં હતાં, પગમાં સળીયો નાંખવા ઓપરેશન કરવું પડશે એવો અભિપ્રાય આવ્યો, જો કે હનુમંત હોસ્પિટલમાં ઑર્થોપેડીક ડૉક્ટર હતાં નહીં, ઑર્થોપેડીક ઓપરેશન થિએટર પણ બંધ હતું, એટલે તેમણે ગાયનેક ઓપરેશન થિએટરમાં ઓપરેશન કરવાનો વિકલ્પ આપ્યો. ભાવનગરથી તેમના ડૉક્ટરે કહ્યું કે જો અર્જન્ટ હશે તો તેઓ કાલે આવવા પ્રયત્ન કરશે. મિત્રોએ સેકન્ડ ઑપિનીયન લેવા મહુવાના ડૉ. ધીરજ આહિરનો સંપર્ક કર્યો, દરમ્યાનમાં મારા કઝિન ભાઈએ પણ તેમનો જ રેફરન્સ આપ્યો એટલે હનુમંત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ ત્યાં જવા એમ્બ્યુલન્સ બોલાવાઈ, ફરી એ જ ખરાબ રસ્તા ને દુઃખાવો, ડૉ. આહિરે એક્સરે વગેરે જોઈ પાંચ તારીખે ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને બોટલ વગેરે ચાલુ કરી દીધાં. માતા પિતાને વડોદરા જાણ કરાઈ ચૂકી હતી અને એ લોકો મહુવા આવવા નીકળી ચૂક્યા હતાં, પણ અમને એકલા ન મૂકવા માંગતા મિત્રોએ પત્નીને બાળકો સાથે ઘરે મોકલી આપી અને રાત્રે અમે લગભગ બે વાગ્યા સુધી બધાં સાથે રહ્યાં. આખીરાત પણ એક મિત્ર સાથે જ રહ્યો, સવારે માતા પિતા આવ્યા ત્યારે છેક એ ઘરે ગયાં. પગમાં નાંખવાનો ટાઈટેનિયમનો સળીયો પણ મહુવામાં નહોતો, એ મંગાવવા ડૉક્ટરે કોઈકને ભાવનગર દોડાવ્યા, પાંચ તારીખે સાંજે પાંચથી સાત ઓપરેશન થયું, ત્રણ દિવસના હોસ્પિટલાઈઝેશન પછી આઠમીએ વડોદરા આવ્યો.

હવે ડૉક્ટરે દોઢ મહીનાનો આરામ, સંપૂર્ણ પથારીવશ આરામ સૂચવ્યો છે, પછી પણ વ્યવસ્થિત ચાલતાં બેએક મહીના થશે એમ તેમનું કહેવું છે. ૩ ડિસેમ્બર સુધી વડોદરા જ રહીશ, ત્યાર બાદ મહુવા શિફ્ટ થઈશું.

એક ક્ષણની ગફલતે કેટકેટલા કાર્યક્રમો પર પાણી ફેરવ્યું! દિવાળી પછી અમારે મનાલી જવું હતું, દિવાળી પર અક્ષરનદનો પોડકાસ્ટ વિભાગ શરૂ કરવો હતો તેને બદલે દિવાળી પણ પથારીમાં જ પસાર થઈ અને અક્ષરનાદ કે રીડગુજરાતીને પંદર દિવસ સ્પર્શવાની પણ હામ રહી નહોતી. અક્ષરનાદ વચ્ચે બ્લ્યૂહોસ્ટને લીધે ત્રણેક દિવસ ડાઊન રહી, પછી હેક થઈ ગઈ અને હજુ પણ અમુક સમસ્યાઓ તો છે જ.

હવે આશા છે કે બંને વેબસાઈટ ત્રણ ચાર દિવસમાં ફરીથી નિયમિત કરી શકીશ. અનેક મિત્રોએ ઈ-મેલ અને ફોન મારફત વેબસાઈટ અને મારા વિશે પૃચ્છા કરી છે, શુભેચ્છાઓ આપી છે એ બદલ તેમનો આભાર. સગાવહાલાંઓ કરતાં તો આ ઓનલાઈન પરિવાર મોટો થઈ ગયો છે.

આ દુર્ઘટનાએ એક મોટી શીખ આપી છે, અક્ષરનાદ હોય, રીડગુજરાતી હોય કે જીવન, દરેકને ચલાવવા આપણે ન હોઈએ ત્યારે બેક અપની વ્યવસ્થા કરવી આવશ્યક છે.

અક્ષરનાદ અને રીડગુજરાતીમાં સક્રિયપણે સહસંપાદક તરીકેની ફરજ નિભાવવા માંગતા મિત્રો આવકાર્ય છે, દરેક વેબસાઈટમાં આવા બે સહસંપાદકોને હું સઘળી માહિતી અને વેબસાઈટ્સ વહેંચી શકીશ જેથી આવા અન્ય સંજોગોમાં તેમના સંચાલન પર અસર ન પડે.

સૌને મોડે મોડેથી પણ…. સાલમુબારક.. તો હવે ફરીથી શરૂ થશે આ નવા વર્ષમાં નવી સફર…

– જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “અકસ્માતનો અનુભવ..”

Copy Protected by Chetan's WP-Copyprotect.