શું તમે ‘ના’ પાડી ?-અભિનંદન – વિનોદ ભટ્ટ

(‘અખંડ આનંદ’ સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

હા અને ના. આ બંને આમ તો એકાક્ષરી શબ્દો છે. પરંતુ આ બેમાં જે પહેલો અક્ષર છે એ સાંભળનારને ગમે એવો, પેલા રાજાની ગમતી રાણી જેવો માનીતો છે, અને બીજો અણમાનીતો છે, ‘ના’ સાંભળવું કોઈને પસંદ નથી. કહે છે કે નેપોલિયનની ડિક્ષનેરીમાં અશક્ય જેવો કોઈ શબ્દ ન હતો એ જ પ્રમાણે પૉઝિટિવ થિકિંગવાળાઓ તેમજ માફિયાઓના શબ્દકોશમાં ‘ના’ જેવો કોઈ શબ્દ નથી. (ઓહ ! નો ?) એમાં પણ માફિયાઓના કાન ‘ના’ સાંભળવા જરાય તૈયાર નથી હોતા, એ તો ‘ના’ પાડનારના વર્તમાનને ઘડીના છઠ્ઠા ભાગમાં ભૂતકાળમાં ફેરવી દેવા તૈયાર થઈ જાય એટલો બધો અણગમો તેમને નન્ના તરફ છે.

અલબત્ત એ હકીકત એટલી જ સાચી વાત છે કે લાખ દુઃખો કી એક દવા ‘ના’માં છે. જોકે ના કહેવાની માણસમાં હિંમત હોવી જોઈએ. આ હિંમતના અભાવે તો રામાયણ અને મહાભારત જેવાં મહાયુદ્ધો ખેલાયાં હતાં. પહેલાં રામાયણની વાત કરીએ. કહે છે કે કોઈ એક યુદ્ધ વખતે રાજા દશરથની અતિપ્રિય રાણી કૈકેયીએ, તેની જે આંગળી વડે પતિ દશરથને નચાવતી હતી એ આંગળીનો સ્પેરપાર્ટ તરીકે ઉપયોગ કરીને રાજાના રથને તૂટી પડતો બચાવેલો. એથી પ્રસન્ન થઈને દશરથે વચન નંગ બે આપ્યાં હતાં. રાજાને વચન આપતી વેળાએ ખબર ન હતી કે સ્ત્રીઓની યાદશક્તિ ઘણી ખરાબ હોય છે, તેમને કવેળાએ બધું યાદ આવી જાય છે. શ્રી રામના રાજ્યાભિષેક ટાણે જ કૈકેયીને પેલાં બે, આમ તો આઉટડેટેડ ગણાય એવાં, વચનો યાદ આવી ગયાં. પછી શરૂ થયું સેન્ટિમેન્ટલ બ્લેકમેઈલિંગ. વરને કહી દીધું કે, ‘અયોધ્યાનો રાજા તો મારો દીકરો ભરત જ થશે ને રામને પૂરાં ૧૪ વરસ વનમાં મોકલી આપો, જેથી મારો લાડલો, કોઈ પણ પ્રકારના ડખા વગર, એની રીતે રાજ કરી શકે. આ બધું તાત્કાલિક નહીં થાય તો હું આમરણ ઉપવાસ કરી દેહ પાડીશ. કે પછી મારા શરીરને આગ ચાંપી દઈશ. બોલો, શું કરવાનું છે ?’ આટલું સાંભળતાં જ ‘એવરેજ પતિની પેઠે દશરથ ફફડીને નમી ગયા. રાજા એ પણ ભૂલી ગયો કે તે રાજા છે ને તેની પાસે કૌશલ્યા અને સુમિત્રા ઉપરાંત બીજી બસો પચાસ રાણીઓ સિલકમાં છે. (આ બસો પચાસનો આંકડો અમને વાલ્મીકિ રામાયણમાંથી મળ્યો છે – આ રાણીઓનો નિર્વાહ વાલ્મીકિને ક્યાં કરવાનો હતો કે રાણીઓની સંખ્યામાં વધ-ઘટ કરે !) રાજાએ ધાર્યું હોત તો કૈકેયીને તે કહી શક્યો હોત કે, ‘જો કકુ, રાજા તો જાણે રામ જ બનશે, એ મારો પાટવી કુંવર છે, એટલે ભરત તો રાજા નહીં જ બની શકે; એનું રોકડું કારણ એ છે કે અયોધ્યાની રૈયત વિદેશીકુળ ધરાવતી સ્ત્રીના પેટે અવતરેલ પુત્રને સત્તાધીશ તરીકે સહેજ પણ સાંખી ન લે. મારી બેવકૂફીની સજા પ્રજા શા માટે ભોગવે ? એનો કંઈ વાંકગુનો ? (કૈકેયી વિદેશી હતી ને રાજા તેને લાડમાં કકુના હુલામણા નામે બોલાવતો એ વિગત પણ વાલ્મીકિ રામાયણમાં છે.) અને એ પણ સમજી લે કકુ કે જે સંજોગોમાં તને મેં બબ્બે વચનો આપેલાં એ સંજોગો ફરી લાવી આપ, પછી જો કે, આ દશરથ આપેલું વચન પાળે છે કે નહીં !’ આવું કહેવા છતાં કૈકેયી કકળાટ ચાલુ રાખત તો તેને છણકો કરતાં છેલ્લે પાટલે જઈને રાજા કહી શક્યો હોત કે તને યા તારા બાપને કોઈએ કહ્યું નહોતું કે હું બોલીને ફરી જનાર લુચ્ચો ને લબાડ છું ! રાજકારણમાં પડેલા માણસ પર તેં કોને પૂછીને વિશ્વાસ મૂકેલો ! (લગભગ આવી જ જબાનમાં વાત કરતા આ શહેરના એક શેઠિયાને આ લખનારે અનેક વાર સાંભળ્યો છે.)

અને હવે ધારો કે, રાજા દશરથે કૈકેયીને પૉઈન્ટ બ્લેન્ક ‘ના’ પાડી દીધી હોત તો શું થાત ? કશું જ ના થાત. બહુ બહુ તો કૈકેયી રિસામણે બાપના ઘરે રવાના થઈ જાત, યા કોઈ નારીગૃહમાં જાત, દશરથને વગોવત, ટી.વી. ચૅનલ હોત તો પતિની વિરુદ્ધ ઈન્ટરવ્યુ આપત, પણ આત્મહત્યા તો કોઈ કાળે ન કરત. મનોવિજ્ઞાનમાં કહેવાયું છે કે જેને સાચે જ આપઘાત કરવો હોય એ ક્યારેય આ બાબતનો આગોતરો ઢંઢેરો પીટતું નથી. (દા.ત. હૉલિવુડની ફિલ્મ અભિનેત્રી મેરલીન મનરો) બધાને બધું ક્યાં મળે છે એ રીતે કદાચ ભરતને માની જીદ છતાં અયોધ્યાની ગાદી ન મળી હોત, રામાયણ પણ ન થાત, એટલે કે સીતાજીનું અપહરણ ન થયું હોત કે તેમને જમીનમાં ઊતરી જવું ન પડત. જુઓને, બસ, ત્યારથી એ દિવસથી પોચી પડી ગયેલી ધરતી હજુય ધ્રૂજે છે – ધરતીકંપો થયા કરે છે. જો રાજા દશરથે કૈકેયીને પહેલી ABCD માં ‘NO’ કહી દીધું હોત તો રામને શબરીનાં એંઠાં બોર ખાવાના દિવસો ન આવ્યા હોત – ભલે પ્રેમથી ખવડાવવામાં આવે, પણ કોઈનું ખાધેલું એંઠું-જૂઠું ખાવું માણસ માટે આરોગ્યપ્રદ હોતું નથી. ગમે એટલો ભક્તિભાવ શબરી શ્રી રામ માટે ધરાવતી હોય, પણ એથી કરીને રામે તેનાં અડધાં-પડધાં ખાધેલાં બોર શા માટે આરોગવાં જોઈએ ? કદાચ આ જ કારણે જેના ગળાડૂબ પ્રેમમાં હોય એ સ્ત્રીનું ઝેર શૅર કરવા પ્રેમીઓ તૈયાર થતા નથી. આ પેલી સૂર્પણખાનું નાક પણ ન કપાયું હોત ને પછી ‘મિસ શ્રીલંકા’ બનવા નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવવાની નોબત ન આવત. શ્રી રામે તાડના ઝાડ પાછળ સંતાઈને વાલીનું ફેઈક એન્કાઉન્ટર ન કર્યું હોત. એ તો સારું થયું કે શ્રી રામ રાજઘરાનાના હતા એટલે બચી ગયા, બાકી પોલીસખાતામાં હોત તો જરૂર કોઈ સેક્યુલારિસ્ટે તેમના પર ફેઈક એન્કાઉન્ટરનો કેસ ફટકારે દીધો હોત, અને રાવણને દર દશેરાએ એ દિવસ યાદ રાખીને, ભડભડ બળવું ન પડત ને ફરી વાર બળવા માટે પેલા દેવહુમા પંખીની પેઠે પોતાની જ રાખમાંથી જન્મવું ન પડત. જોકે આ બધાં માટે દોષનો ટોપલો તો રાજા દશરથ પર જ નાખવાનો થાય. એક વાર ખોંખારીને તેણે કૈકેયી સામે જોઈને બરાડો પાડ્યો હોત કે, ‘ના એટલે ના’, તો તેને પણ હાર્ટફેઈલથી મરવું પડ્યું ન હોત – હા, તે ગુજરી ગયો ત્યારે તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. (રામ નામ સત્ય હૈ !)

અને મહાભારતવાળા યુધિષ્ઠિરે દુર્યોધન આણિ આણિ કંપનીને જુગટું રમતાં પહેલાં મોઢામોઢ કહી દીધું હોત કે તમે તો સાવ અંચઈડા છો, તમારી જોડે અમારે નથી રમવું તો આખેઆખું મહાભારતનું યુદ્ધ આપોઆપ ટળી ગયું હોત, લાખો માણસો યુદ્ધમાં ખુવાર ન થાત, આ યુદ્ધમાં સત્યનો વિજય થયો છે તેવું ભલે કહેવાતું. પણ યુધિષ્ઠિરને ‘નરો વા કુંજરો વા’ જેવું અડધુંપડધું સત્ય બોલવું પડેલું એ બોલવું ન પડ્યું હોત, ને તેનો રથ ઠેઠ સુધી જમીનથી એક વેંત અધ્ધર ચાલતો હોત ને એ જોવાની નગરજનોને ગમ્મત પડતી હોત – આમેય એ જમાનામાં મનોરંજનનાં સાધનો અતિ અલ્પ હતાં એટલે આવાં દ્રશ્યો જોવાથી પ્રજાને થોડીય રમૂજ મળતી રહેત, કૌરવો સાથે જુગાર પાંડવો રમ્યા ને હાર્યા, દ્રૌપદીનેય હોડમાં મૂકી, કૌરવો દ્વારા તેનું વસ્ત્રાહરણ થયું ને દ્રૌપદીનાં ચીર પૂરવા શ્રીકૃષ્ણને રતનપોળ જેવું મસમોટું સાડીબજાર ઘટના સ્થળે ઠાલવવું પડ્યું જેને પેલો પ્રખર જ્યોતિષી સહદેવ (જે દ્રૌપદીનો વીસ ટકા વર હતો એ) પણ તેના મોટા ભાઈ યુધિષ્ઠિરને જુગાર રમતાં રોકી શક્યો ન હતો. આ આખાય ‘એપિસોડ’માં સવાલ તો ફક્ત એક ‘ના’ નો જ હતો, જેણે ધર્મરાજા યુધિષ્ઠિરની કીર્તિને ઝાંખપ લગાડી દીધી ને દુષ્ટની છાપ ધરાવનાર દુર્યોધનને યુધિષ્ઠિર કરતાં અડધી મુઠ્ઠી ઊંચો બતાવાયો છે – હા, આપણે ત્યાં દુર્યોધનનું મંદિર છે, શ્રદ્ધાળુ જીવો ભક્તિભાવથી તેની પૂજા કરે છે, ને મનવાંછિત ફળ પામે છેય ખરાં.

કોણ જાણે કેમ, પણ ગમે તે વાતમાં ‘ના’ પાડવાનું મને વિશેષ પ્રિય છે. દરેક વાતમાં મારો પહેલો પ્રતિભાવ ‘ના’ જ હોય છે. એનું કારણ એ છે કે એક વાર ‘ના’ પાડ્યા પછી વાત ત્યાં જ અટકી જાય છે.

ધારો કે આપણે કોઈનું કામ કરવાની ‘હા’ ભણી દઈએ એટલે એ જણ તો પછી હરખાતો નિશ્ચિંત થઈ ઘેર જઈને નિરાંતે સૂઈ જશે, પણ ઊંઘવા માટે આપણે ઊંઘવાની ગોળી લેવી પડશે; કેમ કે જનાર તો એનું ‘ટેન્શન’ આપણને ઓઢાડીને મુક્ત થઈને વહેતો થઈ ગયો છે ને કામ કરવાનું બંધન, એની જવાબદારી આપણા માથે આવી પડે છે. ચીંધેલું કામ પાર પાડી આપવા પાછળની આપણી ભાવના બસ એટલી જ હોય છે કે, ‘બાકી વિનોદ ભટ્ટ માણસ પરગજુ, પારકી છઠ્ઠીનો જાગતલ હોં !’ ફક્ત એટલું જ સાંભળવા આપણા કાન સળવળતા હોય છે. મનોવિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે કોઈનેય ‘ના’ નહીં કહી શકનાર માણસ લઘુતાગ્રંથિથી પીડાતો હોય છે, તેનામાં આત્મવિશ્વાસની ભારે ખેંચ હોય છે, તાણ હોય છે ને તેને મનમાં ડર હોય છે કે ‘ના’ કહી દેવાથી પેલાને (કે પેલીને) ક્યાંક ઓછું આવી જશે ને સંબંધમાં ખટાશ આવી જશે તો ? – એટલે તે પોતાના ગજા બહારનાં કામ માટેય ફટ દઈને ‘હા’ પાડી દે છે. કહી દે છે કે, ‘વરી નોટ, તમારું કામ થઈ જશે, બીજું કંઈ ? (પહેલાં પહેલું તો પૂરું કર !) કામ સોંપનાર એટલી ક્ષણો રાજીનો રેડ થઈ જાય છે ને કામ ન થાય તો બેવડો નારાજ થઈ જાય છે ને દેખાય નહીં એવી બારીક તિરાડ બંને વચ્ચે પડી જાય છે, એટલે સંબંધ જો બગાડવાનો હોય તો ચોખ્ખી ‘ના’ પાડીને વહેલો બગાડવો, એમાં અપરાધભાવ ઓછો થશે. આ જ કારણે મારા ગીધુકાકા કહે છે કે જો ભાઈ વિનુ, કોઈને ‘હા’ કહેવામાં ઉતાવળ કરવી નહીં, ને ‘ના’ પાડવામાં વિલંબ કરવો નહીં.

મારા કિસ્સામાં એવું બનેલું કે મારી ઈચ્છાની ઉપરવટ જઈને મારા પિતાશ્રીએ મને મારી અણગમતી ફૅકલ્ટી કૉમર્સમાં ભણવા મૂક્યો. પિતાજીની એવી ધાક હતી કે કૉમર્સમાં ભણવાની મારી લેશમાત્ર મરજી નથી એવું તેમને હું કહી ન શક્યો. પરિણામે ઈન્ટર કોમર્સમાં બે વખત નાપાસ થયો. એથી નુકસાન એ થયું કે નોકરીએ બે વરસ મોડો લાગ્યો – અલબત્ત એ નોકરી પ્રમોશન વગરની હતી. પિતાશ્રીને ત્યાં નોકરી હતી, બીજું તો કોણ નોકરી આપત !

હા, તમે સરવૈયું કાઢી જોજો, હા પાડવા કરતાં ‘ના’ પાડવામાં તમને ઓછી ખોટ ગઈ હશે. લગ્નની વાતને અહીં વચ્ચે લાવવાથી કશો ફેર નહીં પડે.

– વિનોદ ભટ્ટ

સંપર્ક : ૭, ધર્મયુગ કૉલોની, વેદમંદિર પાસે, કાંકરિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૨

 

Leave a Reply to arsonara astt.director agriculture Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “શું તમે ‘ના’ પાડી ?-અભિનંદન – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.