રૂપ-અરૂપ – ડૉ. દિનકર જોષી

(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર)

ગામ નાનું ન કહેવાય, ખાસ મોટુંય ન કહેવાય. રાત્રિના પાંચ છ કલાક બાદ કરતા રેલવે સ્ટેશન પણ ધમધમતું. ગાડીઓ દર કલાક-દોઢ કલાક પછી આવતી જતી એટલે વચ્ચેનો ગાળો થોડોક શાંત રહેતો.

આજેય મેલ ગાડી જતી રહી અને પ્લેટફોર્મ લગભગ ખાલીખમ થઈ ગયું એ પછી એક અજાણ્યો લાગતો મુસાફર ધીમે ધીમે દરવાજામાંથી બહાર નીકળ્યો. એણે બહાર આવીને ચારેય તરફ જોયું. એને લાગ્યું આમ તો આ બધું જાણીતું જ છે, કંઈ અજાણ્યું નથી. મકાનો બદલાયા છે. પેલી તરફ અવાવરું અને અગોચર પ્લોટ પડ્યો હતો ત્યાં ઘણા બધા મકાન થી ગયા છે. સામેની દિશામાં એક તળાવ હતું. આ તળાવ હવે ચાર રસ્તાનો ચોક બની ગયું છે.

મુસાફરને થયું આમ તો પોતે સ્મૃતિના સથવારે પોતાના ગંતવ્યસ્થાને પહોંચી શકે એમ છે પણ હવે એવું જોખમ શું કામ લેવું ? ક્યાંક અટવાઈ જવાય એ કરતા પૂછતા પૂછતા ધીમે ધીમે જતા રહેવું એ વધારે સારું. મુસાફરની ઉંમર કેટલી હશે એ પહેલી નજરે કોઈ કળી શકે એમ નહોતું. ચાલ ટટ્ટાર હતી, પણ હાથમાં લાકડી હતી. આંખ ઝીણી કરીને જોવું પડે એવું નહોતું અને છતાં ચશ્માં તો હતા જ. હવામાં શિયાળાની ઠંડક હતી એટલે કે પછી કોણ જાણે એણે મફલર ચહેરા ઉપર વીંટ્યું. મેલ ટ્રેનના પેસેન્જરો જતા રહ્યા હતા એટલે બહાર ટાંગાવાળા, રીક્ષાવાળા અને કુલીઓ આ બધાની હાજરી સાવ પાંખી હતી. એક ટાંગાવાળો ઘોડીની પીઠ ઉપર હાથ ફેરવતો બીડીનું ઠુંઠું ચૂસતો હતો. મુસાફરે એની પાસે જઈને પૂછ્યું.

‘ભઈલા, મારે પ્રદ્યુમ્નભાઈ કાપડિયાને ઘરે જવું છે. એના ઘરે જવાનો રસ્તો તું મને કહીશ ?’

‘પ્રદ્યુમ્ન કાપડિયા ?’ ટાંગાવાળાએ ગ્રાહકની આશાથી ઊંચું જોયું. ‘બેસી જાઓ. સાત રૂપિયા પડશે.’

‘મારે તો ચાલતા જવું છે. તું મને એનો રસ્તો બતાવીશ ?’

‘પ્રદ્યુમ્નભાઈના ઘરનો રસ્તો મને બરાબર યાદ છે સાહેબ ! આ ગામમાં નાનું છોકરુંય એમને ઓળખે, ભારે કંજૂસ, મખ્ખીચૂસ. પૂરો એક મહિનો મારા બાપુએ આ ટાંગામાં એમને ઘરેથી સ્ટેશને અને બપોરે સ્ટેશનેથી ઘરે લઈ જવાની મજૂરી કરી હતી પણ, જ્યારે ટાંગા ભાડું ચૂકવવાનું થયું ત્યારે એણે દશ ધક્કા ખવડાવ્યા પછી અડધાય ચૂકવ્યા નહોતા.’

ટાંગાવાળાએ બળાપો ઠાલવ્યો.

‘એમ ?’ અજાણ્યા મુસાફરે ખાસ રસ લીધા વિના કહ્યું, ‘એની તો મને શી ખબર પડે ભાઈ !’

‘મારી વાત ન માનતા હો તો પેલા સામે બેઠેલા માણસને પૂછી જુઓ.’ સામેના એક ખૂણામાં ઓટલાને અઢેલીને બૂટચંપલ રીપેર કરનારો એક મોચી બેઠો હતો. એના તરફ આંગળી ચીંધીને ટાંગાવાળાએ અધૂરી વાત પૂરી કરી. ‘એકવાર પ્રદ્યુમ્નભાઈએ એની પાસે પોતાના જોડાને પેલીશ કરાવેલી. પોલીશનો ભાવ ત્યારે ત્રીસ પૈસા. પ્રદ્યુમ્નભાઈએ પચાસ પૈસાનો સિક્કો આપીને વીસ પૈસા પાછા માંગ્યા. પેલા પાસે વીસ પૈસા છુટ્ટા નહોતા. એણે નરમાશથી કહ્યું – શેઠ, કાલે લઈ જજો. તમે તો અહીંથી રોજ નીકળો છો. આના જવાબમાં પ્રદ્યુમ્નભાઈએ શું કહ્યું એ જાણો છો ? એમણે કહ્યું – હા, રોજ નીકળું છું એટલે તારા ત્રીસ પૈસા કાલે તને આપી જઈશ, એમ કહીને પેલાના હાથમાંથી પચાસ પૈસાનો સિક્કો લઈને પાછો મૂકી દીધો… હા હા હા હા…’ ટાંગાવાળો જોરથી હસી પડ્યો.

અજાણ્યા મુસાફરે બાકીની વાત ધ્યાનથી સાંભળી તો ખરી, પણ પછી પૂછ્યું – ‘ભઈલા, મારે ક્યે રસ્તે જવું એટલું તો કહે.’

‘જુઓ, આ ઊભા રસ્તે આગળ જઈને એક મોટું મંદિર આવશે ત્યાંથી જમણી તરફ વળી જજો. કોઈને પણ પૂછજો હવેલી ચોક ક્યાં છે ? પ્રદ્યુમ્નભાઈની હવેલીના નામ ઉપરથી જ ચોક હવેલી ચોક કહેવાયો છે. બહુ મોટા માણસ ખરા ને ! હા હા હા હા.’

વાતવાતમાં કાન જરાક ખુલ્લા થઈ ગયા હતા એના ઉપર ચશ્માની સોનેરી ફ્રેમ બરાબર ગોઠવીને પેલા મુસાફરે મફલર સરખું વીંટાળી દીધું. એ પછી આગળ ચાલ્યો.

પેલો ટાંગાવાળો સાચો હતો. ઊભા રસ્તે સાત આઠ મિનિટ ચાલ્યા પછી જમણી તરફ એક મોટું મંદિર ઊભું હતું. મંદિરના ઘંટનાદો સંભળાતા હતા. લોકોની અવરજવર પણ ખાસ્સી હતી. ટાંગાવાળાની સૂચના પ્રમાણે હવે જમણી તરફ વળવાનું હતું. આ મંદિર જ્યારે અહીં નહોતું ત્યારે કદાચ પોતે અહીં આવ્યો હતો એવું પેલા મુસાફરને લાગ્યું. જમણી તરફનો આ રસ્તો…

એને થયું મંદિરના દરવાજા પાસે પૂજાપાની દુકાન હતી ત્યાં પૂછપરછ કરીને પછી આગળ વધવું સારું. એણે પેલા દુકાનદાર પાસે જઈને પૂછ્યું.

‘ભઈલા, પ્રદ્યુમ્નભાઈ કાપડિયાની હવેલી…’

‘તમે અજાણ્યા માણસ લાગો છો ભાઈ ?’ પેલો દુકાનદાર મર્માળું હસ્યો. ‘આ મંદિર પ્રદ્યુમ્નભાઈએ જ બંધાવ્યું છે. મંદિરમાં જશો તો ફળિયામાં જ ઉગમણી કોર એમનું બાવલું દેખાશે. હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી, માથે પાઘડી અને કાને સોનેરી ફ્રેમના ચશ્માં… એની જેવો ધાર્મિક માણસ તો આ ગામે જોયો નથી. ત્રણસોને પાંસઠેય દિવસ આરતી ટાણે દર્શન કરવા અચૂક આવે…’ દુકાનદારે પ્રદ્યુમ્નભાઈ કાપડિયા તરફ ખૂબ અહોભાવ સાથે કહ્યું.

‘એમ ?’ પેલા અજાણ્યા મુસાફરને આશ્ચર્ય થયું. હજુ તો થોડીકવાર પહેલાં જ સ્ટેશન પાસે એણે જે સાંભળ્યું હતું એ વાત અને આ દુકાનદાર કહી રહ્યો હતો… એ વાત…

‘એ જે હોય તે. મને હવેલી ચોકનો રસ્તો કયો એટલું કહોને ભાઈ સાહેબ !’

‘જુઓ, પેલી તરફ સીધેસીધા જતા રહો. આગળ જતા જે લાલ રંગનું નવું મકાન દેખાય ત્યાં જઈને પૂછજો એ દવાખાનું છે.’

અજાણ્યા મુસાફરે એ દિશામાં પગ ઉપાડ્યા. લાલ રંગના દવાખાના પાસે આવીને એ અટક્યો. દવાખાનાના દરવાજા પાસે જ એક પચાસેક વરસની પ્રૌઢા ખરીદીના માલસામાનથી ભરેલી થેલી લઈને ઊભી હતી. મુસાફરને થયું આ સ્ત્રી પાસેથી હવે એ આગળની દિશા જાણી લે તો સારું !

‘બહેન,’ એણે આ મહિલા પાસે ઊભા રહીને ધીમેથી કહ્યું, ‘અહીં હવેલી ચોકમાં પ્રદ્યુમ્નભાઈ કાપડિયાનું ઘર છે…’

‘પ્રદ્યુમ્નભાઈ કાપડિયા ?’ પેલી સ્ત્રીએ આંખ સહેજ ઝીણી કરીને એણે આ મુસાફર સામે ઠેરવી. તમારે એનું શું કામ છે ? એ શું તમારા કંઈ સગા થાય ?

‘કામ તો… કામ તો… ખાસ કંઈ નહિ અને આમ તો એ મારા સગા પણ નહિ…’ પેલા મુસાફરે લોચા વાળવા માંડ્યા.

‘કંઈ વાંધો નહિ ભાઈ, કંઈ વાંધો નહિ.’ પેલી સ્ત્રીએ નીચલો હોઠ સહેજ બે દાંત વચ્ચે દબાવીને આંખ પટપટાવી. ‘હવેલી ચોક તો સહેજ ડાબી તરફ વળીને આગળ જઈને કોઈને પણ પૂછશો તો કોઈપણ બતાડશે.’ પેલી મહિલા સહેજ અટકી અને પછી બોલી. ‘તમે એકલા જ છો ને ભાઈ ? તમારી સાથે કોઈ બૈરું નથી ને ?’

પેલો મુસાફર ચોંકી ઉઠ્યો. શો મતલબ હતો આ પ્રશ્નનો ? એની મૂંઝવણ બહુ લાંબી ન ચાલી. પેલી સ્ત્રીએ ફોડ પાડીને તરત જ કહી દીધું.

‘રૂપાળું બૈરું જોયું નથી ને ઈ મુવાને દાઢ ડળકી નથી ! આ તો અમને કહી રાખ્યું. તમે એકલા છો પછી કંઈ વાંધો નથી !’

પેલો અજાણ્યો મુસાફર આ સ્ત્રીની વાત સાંભળીને સડક થઈ ગયો. પોતે જેને મળવા જઈ રહ્યો હતો એ માણસ… પ્રદ્યુમ્ન કાપડિયા… હાથમાં રૂપેરી મૂઠવાળી લાકડી, માથે પાઘડી અને આંખો સોનેરી ફ્રેમના ચશ્માં… આ સ્ત્રી કહેતી હતી એમ – બૈરું જોયું નથી ને દાઢ ડળકી નથી !

એણે આગળ ચાલવા માંડ્યું. ચોક પાસે ખાસ્સી ચહલપહલ હતી. લોકો ઉતાવળા ઉતાવળા આવજા કરી રહ્યા હતા. દુકાનો પાસે ઘરાકી પણ ઠીક ઠીક હતી. પેલી તરફ કોઈક શૈક્ષણિક સંસ્થા હોય એમ વિદ્યાર્થીઓના ટોળાં પણ ઉમટી રહ્યા હતા. એણે એક માણસ પાસે જઈને હળવેથી પૂછ્યું.

‘ભઈલા, આ હવેલી ચોક…’

‘અરે આ સામે તો હવેલી ચોક છે !’ પેલાએ જાણે આ મુસાફરના અજ્ઞાન સામે દયા ખાતો હોય એમ કહ્યું, ‘તમારે કોને ત્યાં જવું છે ?’

‘પ્રદ્યુમ્નભાઈ… પ્રદ્યુમ્નભાઈ કાપડિયા…’

‘ઓ હો… એમ વાત છે ! તમે એમના મહેમાન છો ?’ પેલાએ રસપૂર્વક પૂછ્યું, ‘પ્રદ્યુમ્નભાઈને કારણે જ તો આ ગામ સુખી થયું છે. એમના કારખાનાઓમાં કેટલા બધા લોકો નોકરીએ વળગ્યા. સામે દેખાય છે એ સ્કૂલ પણ એમણે બંધાવી આપી. પહેલા અહીં કૉલેજ નહોતી. એમણે જ કૉલેજ કરાવી આપી. એમની હવેલી આ સ્કૂલની પાછલી દીવાલની બરાબર સામે.’ આટલું કહીને એણે સામેની દિશામાં આંગળી ચીંધી.

પેલો અજાણ્યો મુસાફર વધુ સાંભળવા રોકાયો નહિ. ચીંધાયેલી આંગળીની દિશામાં એણે ઉતાવળે ઉતાવળે પગલાં ભરવા માંડ્યા. સ્કૂલના મકાનની પ્રદક્ષિણા કરતો હોય એમ એ એની પાછલી દીવાલ તરફ ગયો. પેલા માણસની વાત સાચી હતી. આ જ હવેલી… આ જ હવેલી પ્રદ્યુમ્ન કાપડિયાની હતી. હવેલીના દરવાજાની સામે થોડે દૂર એક ઓટલા ઉપર બેસીને ત્રણ ચાર માણસો ગપ્પાં મારી રહ્યા હતા. આ મુસાફરે ઘડીક હવેલી સામે જોયું અને પછી ઓટલે બેઠેલા પેલા નવરાધૂપ વાતોડિયાઓને પૂછ્યું.

‘ભઈલા, પ્રદ્યુમ્નભાઈ શેઠની હવેલી આ જ ને ?’

‘શેઠ ?’ એક સાથે બેત્રણ જણ બોલી ઉઠ્યાં.

‘હા, હા… પ્રદ્યુમ્નભાઈ શેઠ… પ્રદ્યુમ્ન કાપડિયા…’ પેલા વાતોડિયાઓ ખડખડાટ હસી પડ્યા અને પછી એક જણ બોલ્યો,

‘તમે સાવ ભોળાભટાક લાગો છો. શાના કાપડિયા ને શાની વાત ? પ્રદ્યુમ્નના બાપ કાપડની ફેરી કરતા. ગામેગામ અને ઘરે ઘરે જઈને પોટકું ખોલીને માલ વેચતા. એ વળી કાપડિયા શાના ?’

‘હાસ્તો !’ બીજાએ પાદપૂર્તિ કરી. ‘આ પ્રદ્યુમ્નભાઈ ભારે ગીલીન્ડર. ધંધામાં એવો ગફલો કર્યો અને ગામના પૈસા ડૂબાડ્યા જેથી ભાઈસાહેબ પોતે શેઠ બની ગયા. શેઠ કેવા ને વાત કેવી…! આ હવેલી કોઈકની પચાવી પાડેલી…!’

પેલા અજાણ્યા મુસાફર માટે આ બધું સાંભળવું અસહ્ય થઈ ગયું હોય એમ એણે પીઠ ફેરવી લીધી. હવેલીના દરવાજા પાસે જઈને એ હાંફવા માંડ્યો. આંખો ફાડીને હવેલી સામે જોઈ રહ્યો અને પછી કોણ જાણે શું થયું કે બેભાન થઈને ચત્તોપાટ ઢળી પડ્યો. લાકડીની ચાંદીની મૂઠ ઉપર વાળેલી મુઠ્ઠી એણે છોડી દીધી.

સામે ઓટલે બેસીને આ જોઈ રહેલા પેલા વાતોડિયાઓ ચોંકી ઉઠ્યા. તેઓ દોડીને હવેલીના દરવાજા પાસે ઢળી પડેલા પેલા મુસાફર પાસે આવ્યા. આ મુસાફરનું મફલર હવે ખુલી ગયું હતું. એનો ચહેરો હવે લગભગ ખુલી ગયો હતો. પેલા વાતોડિયાઓએ આ મુસાફરને ઢંઢોળ્યો. પણ હવે એ કંઈ જવાબવાળી શકે એમ નહોતો. એના હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી અને આંખે સોનેરી ફ્રેમવાળા ચશ્માં હતાં.

– ડૉ. દિનકર જોષી

સંપર્ક : ૧૦૨-એ, પાર્ક એવન્યુ, દહાણુકર, વાડી એમ.જી.રોડ, કાંદિવલી (પ.) મુંબઈ-૪૦૦૦૬૭

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “રૂપ-અરૂપ – ડૉ. દિનકર જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.