સુખ સહન કરવાની અશક્તિ – ગુણવંત શાહ

(‘સૂર્ય નમસ્કાર’ના નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાંથી)

સૂફી ચિંતક ઇદ્રિસ શાહે એમ વાત કરી છે. બે યુવાન પ્રેમીઓ લાંબા વિયોગ પછી ભેગાં મળ્યાં. યુવકે વિરહના ગાળામાં પ્રિયતમાને લખેલા પ્રેમપત્રો વાંચવા માંડ્યા. પ્રિયતમા પત્રોના વાચનથી કંટાળી ગઈ. એણે યુવકને કહ્યું, ‘અહીં હું તારી સમીપે બેઠી છું અને તું પત્રો વાંચ વાંચ કરે છે ! આ આપણું છેલ્લું મિલન છે. હવે મને નદી દેખાય છે, પણ પાણી નથી દેખાતું.’

એકાદ સાચી મૈત્રી પામ્યો હોય એવો કોઈ પણ માણસ ગરીબ ન ગણાય. દુઃખ તો જખ મારીને વેઠવું પડે છે, પરંતુ અસહ્ય સુખને શી રીતે વેઠવું ? કેટલા ધનવાન ગણાતા માણસો પોતાના પર તૂટી પડેલા સુખથી બચવાના છેલ્લા ઉપાય તરીકે મૈત્રીની શોધ કરવા માંડે છે. કેટલાક માલદારો ઓચિંતા આવી પડેલા સુખથી ગભરાઈ જઈને નશો કરવા માંડે છે. જે માણસ અસ્વસ્થ હોય તેને માટે સુખ અને દુઃખ બંને અસહ્ય બની જાય છે. સુખ અને દુઃખથી પર એવો શબ્દ ‘આનંદ’ ઉપનિષદીય મૂળિયાં ધરાવનારો છે. ‘આનંદ’ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. સુખ માટે મહેનત કરવી પડે છે, પરંતુ આનંદ માટે સાધના કરવી પડે છે.

એક દિવસ આપણને જરૂર ભાન થશે કે આપણાં બધાં ગીતો તો કોઈ વિરાટ સંગીતની કેટલીક પંક્તિઓ માત્ર છે. આવું સમજાય ત્યારે આપણું સમગ્ર અસ્તિત્વ એક મધુર ધૂન બની રહેશે. જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર ૧૯૮૩માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઈડ્સ નો રોગ લાગુ પડ્યો. એની અંતિમ અવસ્થામાં કોઈકે પૂછ્યું, ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી ?’ આર્થર એશનો જવાબ કોઈ મહાત્માને શોભે તેવો હતો. એણે કહ્યું, ‘આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી બે જણ ફાઈનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું, ‘આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?’

કેટલીક સુખી ગૃહિણીઓ પતિની અઢળક આવકને પહોંચી વળવા માટે ખર્ચ કરવાની નવી નવી તરકીબોની શોધ કરતી રહે છે. આવી ગૃહિણીઓનો સૌથી પ્રિય શબ્દ ‘શોપિંગ’ હોય છે અને સૌથી અપ્રિય શબ્દ ‘કેલરી’ હોય છે. દુકાનદાર આવી ખર્ચપ્રિયા ગૃહિણીને તરત ઓળખી જાય છે. મોંઘીદાટ સાડીઓની દુકાનમાં રૂઆબભેર દાખલ થયેલી ગૃહિણીના સ્વાગતમાં સેલ્સમેને ધરેલો કોકાકોલાનો એક જ ગ્લાસ ક્યારેક હજારેક રૂપિયાનો પડતો હોય છે. ઘરમાં સો સાડીઓ કબાટમાં લટકતી હોય ત્યારે પણ નવી સાડી ખરીદવાની ચળ ઊપડે ત્યારે જાણવું કે ખરીદશક્તિમાં તેજી છે, પણ વિચારશક્તિમાં મંદી છે. સુખી ગૃહિણીઓનાં તોતિંગ શરીરને જોઈને થાય છે કે અસહ્ય સુખના સોજા ચડ્યા છે. એમનું સૌથી મોટું સુખ, કશુંક કામ ન કરવાના કારણે લાગેલા થાકને ઉતારવા માટે શોપિંગ કરવામાં રહેલું છે.

સામાન્ય ગણાતા માણસો એવું માની જ લે છે કે તાતા, બિરલા કે અંબાણી પોતાના કરતાં વધારે સુખી છે. માણસનો ભૂખવૈભવ, ઊંઘવૈભવ, સંતોષવૈભવ અને શાંતિવૈભવ ખતમ થાય પછી જે બચે તેમાં સળવળતો; પરીધીને નિહાળવા માટે સોક્રેટિસની આંખ જોઈએ અને થોરોની જીવનદ્રષ્ટિ જોઈએ. પ્રત્યેક માણસનું કુરુક્ષેત્ર એટલે દિલ્હી અને અમૃતસર વચ્ચે આવેલું મહાભારતનું રણમેદાન નહીં, પરંતુ જીવનમાં સતત યુદ્ધ જગાડતું ક્રોધક્ષેત્ર, લોભક્ષેત્ર, મોહક્ષેત્ર અને વેરક્ષેત્ર. અત્યંત પૈસાદાર માણસોને કંટાળાના નામના અસાધ્ય રોગથી પીડાતા જોયા છે, તેઓ કશુંય ન કરે તો પણ પૈસાનો પ્રવાહ ઘરમાં ઠલવાતો જ રહે ત્યારે એમની નજર કોઈ સાધુબાવા પર પડે છે. આપણે ત્યાં કૃપાકાંક્ષી સેવકો અને સાહિત્યકારોની ખોટ નથી.

પૈસાદારના અહંકારને પંપાળાવાથી પાંચ પૈસા મળતા હોય તો તેમની પ્રશંસા માટે કવિતા લખનારાઓ પણ હાજર હોય છે. પૈસાદારની સુખ સહન કરવાની અશક્તિ વધી પડે ત્યારે સેવકો પણ ખાસા મદદરૂપ થાય છે. પાપ સ્વભાવે બોજલ હોય છે. પૈસાદારનો બોજ ઘટે છે અને સેવકોની હળવાશ ઘટે છે. સેવા ભારેખમ બને ત્યારે એન.જી.ઓ.નો વટ પડે છે. હવે વધારે રકમની જરૂર નથી, એવું કોઈ સેવક કહે તો એને વંદન કરવાનું ચૂકશો નહીં. આવી તકલીફ તમારે વારંવાર નહીં લેવી પડે. ફાળો અનંત ! સેવા અનંત !

ખોટું અંગ્રેજી બોલનાર સ્માર્ટ ગણાય છે, પણ શુદ્ધ ગુજરાતી બોલનાર ચોખલિયો ગણાય છે. રસ્તાઓ પહોળા થયા છે પરંતુ મન સાંકડા થયા છે. સંબંધો વધ્યા છે, પણ પ્રેમ ઘટ્યો છે. બજારમાં મળતાં લીંબુના શરબતમાં આર્ટિફિશિયલ ફ્લેવર ઉમેરવામાં આવી છે, એવું ડબ્બા પર લખેલું હોય છે અને વાસણ માંજવાનાં પાઉડરના ડબ્બા પર વાંચવા મળે છે કે એમાં કુદરતી લીંબુનો રસ ઉમેરવામાં આવ્યો છે. જ્યાં સુધી માણસ વસ્તુને પ્રેમ કરવાનું અને બીજા માણસને વાપરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ અશક્ય છે. કવિ દુલા ભાયા કાગનું વિધાન છે : ‘આજનો માણસ સુખી થાવા હાટુ દુઃખી થાય છે.’ ભારે કરી દુલાબાપુ ! મારું ચાલે તો દુલાબાપુને નોબેલ પારિતોષિક આપું. સુખ અસહ્ય બને ત્યારે શું થાય ? રોડની ડેન્જરફીલ્ડના શબ્દો સાંભળો : ‘અમે બંને જુદા જુદા ઓરડામાં રહીએ છીએ. અને બંને જુદા જુદા રેસ્ટોરામાં ભોજન લેવા જઈએ છીએ. અમે બંને જુદા જુદા સ્થળોએ વેકેશન ગાળીએ છીએ. હવે અમારું લગ્નજીવન બચાવવા માટે અમે આનાથી બીજું વધારે શું કરીએ ?’

વિખ્યાત અભિનેત્રી મેરીલિન મનરોનું અત્યંત કિંમતી ઝવેરાત ચોરાઈ ગયું ત્યારે એના દુઃખનો પાર ન રહ્યો. પાસે જ બેઠેલા પ્રેમીએ એને આશ્વાસન આપતા કહ્યું, ‘ડાર્લિંગ ! જીવનમાં મને એક બાબત જડી છે. જે ચીજ તારે માટે રડી ન શકે, તે ચીજ માટે તારે રડવાની જરૂર નથી.’ દુઃખથી બેવડ વળી ગયેલા માણસને ભાગ્યે જ ખબર હોય છે કે એના જીવનભવનમાં એક એવી બારી ખુલ્લી રહી ગઈ છે, જેમાંથી સુખ પ્રવેશી શકે છે. જ્યાં જ્યાં લાક્ષાગૃહ હોય છે ત્યાં ત્યાં કોઈ વિદુરે રાખેલી નાઠાબારી હોય જ છે.

જીવન એટલે સુખ-દુઃખનું રહસ્યમય લેવલ-પ્લેઇંગ-ફીલ્ડ. સુખ કંઈ સફળતાનું ઓશિયાળું નથી, તેમ દુઃખ નિષ્ફળતાનું ગુલામ નથી. કોઈને સુખી કરવા મથવું એ સુખી થવાનો સૌથી સરળ રસ્તો છે. મેડીનાના જીવનમાં સફળતાની ચમકદમક છે જ્યારે મધર ટેરેસાના જીવનમાં સાર્થકતાની સુગંધ છે. વિશ્વવિખ્યાત સંગીતકાર બિથોવનના આખરી શબ્દો સાંભળવા જેવા છે : ‘મિત્રો ! તાળી પાડો, પ્રહસન પૂરું થયું !’

– ગુણવંત શાહ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રૂપ-અરૂપ – ડૉ. દિનકર જોષી
સત્યકામ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

8 પ્રતિભાવો : સુખ સહન કરવાની અશક્તિ – ગુણવંત શાહ

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  મુ. ગુણવંતભાઈ,
  સુખને પચાવવું-સહન કરવું ખૂબ જ અઘરૂ છે. ખરેખર તો ” કોઈને સુખી કરવા મથવું ” — એ જ સુખી થવાનો સૌથી સરળ રસ્તો છે. એકદમ સનાતન સત્ય જણાવી દીધું. … આભાર. સાચે જ એક રડતા બાળકને — જરા હસાવી જો જો — તમને અપૂર્વ સુખની લાગણી થશે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Megha Joshi says:

  આદરણીય શાહ સાહેબ.. હંમેશની જેમ ખૂબ જ સુંદર લેખ.. વર્તમાન સમયની નગ્ન વાસ્તવિકતા.. આભાર..

 3. નવિન વિચારો સાથેનો ખુબ જ સારો લેખ .
  “આજનો માણસ સુખિ થાવા હાટુ દુખિ થાય છે.” સાવ સાચિ વાત્.

 4. Bhailal Bhanderi says:

  આપણી ભારતીય સન્સ્ક્રુતિ તપ, ત્યાગ અને સહિસ્નુતાની છે.
  તેમા સાચો આનન્દ છે.
  ભોગમા ક્ષણિક સુખ અને કાયમી ઉદ્વેગ્ , નીરાશા, હતાશા જ છે.
  શાન્ત અને સહિશ્નુ બની કાયમી આનન્દમા રહીએ.

 5. Paresh Jha says:

  ઉદાસીનતા depression ને દૂર કરવા માટે પોતાનાથી વધુ દુઃખી લોકોની મુલાકાત લેવી, તેની સેવા કરવી. …બીજાને સુખી કરો… well said …

 6. Bharati Khatri says:

  Very nice

 7. Naresh Machhi says:

  સાવ સાચી વાત
  જે આનન્દ સન્ત ફકિર કરે વો આનન્દ નાહી અમીરી મે.

 8. ચિંતન આચાર્ય says:

  વાહ… વાહ… વાહ….
  આજે ખરેખર શબ્દો ખૂટી પડયાં.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.