સત્યકામ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર)

કાળાં ડિબાંગ વાદળોવાળી મેઘલી રાત, બારે મેઘ ખાંગા થયા બાદ ઈન્દ્રદેવે વરસાદને ‘સ્ટે’ ઓર્ડર આપ્યો છે. પવનના સૂસવાટા અને વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવી રહ્યા છે, મધરાતે ઘૂવડ અને ચીબરીનો અવાજ કશાક અમંગળના એધાંણ આપી રહ્યો છે. શ્વાનનું કરૂણ રૂદન નાનક શેઠના સ્વજનોને વધુ ચિંતાગ્રસ્ત બનાવી રહ્યું છે, નાનક શેઠ વિક્ષિપ્ત દશામાં છે એમની લવરી ચાલુ છે. એમની પત્ની દેવશ્રી ડૂસકાંને સાયાસ રોકી રહ્યાં છે.

‘મને ખાત્રી છે કે એ નહીં આવે, આવે તો પણ હું એનું મોં જોવા ઈચ્છતો નથી’ શેઠનો બબડાટ ચાલુ છે.

મરણાસન્ન વ્યક્તિની સ્મૃતિ સબળ બની જતી હોય છે. જીવનની ઘટનાઓ ચલચિત્રની જેમ દ્રષ્ટિપથમાંથી પસાર થતી હોય છે પરંતુ નાનક શેઠના પત્ની દેવશ્રીને પૂરી શ્રદ્ધા હતી કે તેમનો ચૂડી-ચાંદલો અમર રહેશે.

દેવશ્રીની પણ પ્રબળ ઈચ્છા છે કે રીસાએલો પુત્ર સાંનિધ્ય એના પિતાના મુખદર્શન માટે આવી પહોંચે, પણ સાંનિધ્ય કોઈની નિકટતાનું ગૌરવ જાળવવા જન્મ્યો જ નહોતો. અંતે યમદેવ હાર્યા અને નાનક શેઠ જીતી ગયા.

નાનક શેઠ ‘શેઠ’ સિવાય બધું જ હતા, ગરીબીના બેતાજ બાદશાહ. ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ કહેવત એમના જેવા દાનઘેલા માનવીને જોઈને જ કોઈકે શરૂ કરી હશે.

તેઓ પત્ની દેવશ્રીને કહેતા, “મારી વંશાનુગત અટક ‘શેઠ’ છે, એટલે હું ‘નગરશેઠ’ જેવી મહાનતા દાખવવા બંધાએલો છું, મારું હૈયું ભરેલું છે અને હાથ ખાલી. પણ ખાલી હાથ છતાં દાન કરવાનો આનંદ કાંઈ ઓર જ હોય છે.”

દેવશ્રી કહેતાં : ‘એમાંને એમાં તો ખેતર-પાદર બધું જ વેચાઈ ગયું. પડી રહેવા આ નાનકડું ખોરડું બાકી રહ્યું છે, ન જાણે ભવિષ્યમાં પેટગુજારો કેવી રીતે થશે ! અત્યારે તો બધો જ મદાર મોટ દીકરા સાંનિધ્ય પર છે ! બાકી તો તમારો આ નાનકો સત્યમ્‍ તમારી જ કાર્બન કોપી છે… નવરો પડે એટલે ધર્મગ્રંથો અને નીતિકથાઓ વાંચે… ગરીબોની સેવા કરવા દોડી જાય ! સાંનિધ્ય એને વારંવાર સમજાવે છે કે આજે ધન એ જ ધર્મ બની ગયો છે અને દંભ એ જ દેશભક્તિ બની ગઈ છે. બિચારા કવિ કરસનદાસ માણેકે આઝાદી પછીની દેશની સ્થિતિની કલ્પના કરી લખ્યું હશે.’

“કામધેનુને સૂકેયે તૃણ ન મળતું,

ને લીલાછમ ખેતરોને આખલા ચરી જાય છે.

મને એજ સમજાતું નથી કે,

કેમ આવું થાય છે.”

“દેવશ્રી, વાત તો સાચી છે, પણ દેશના બધાં જ લોકો આત્મકેન્દ્રી બને છે અને દેશની ચિંતા કરવાનું માંડી વાળે તો દેશનું શું થાય ? ઘોર અંધારી રાતથી ગભરાઈને દીવો પ્રગટાવવાનું તો ન જ વિસરાય ! મને ગર્વ છે મારા દીકરા સત્યમ્‍ પર. તું જો જે મોટો થઈને એ મારો વારસો જાળવશે. “મેરૂતો ચળે પણ જેનાં મનડાં ચળે નહીં” એવું અલગારી વ્યક્તિત્વ છે એનું.” નાનક શેઠ ગર્વ સાથે કહેતા.

પેટગુજારા માટે નાનક શેઠ નાનકડી હાટડી ચલાવતા. એમના ચોપડામાં જમા કરતાં ઉધારના આંકડા મોટા હતા એમની ભલમનસાઈને લોકો સારી પેઠે ઓળખતા હતા.

“શેઠ, મારી દીકરીને સુવાવડ આવવાની હોઈ હાથ હમણાં ભીડમાં છે, બે-ચાર મહિના કરિયાણું ઉધારથી આપજો.” વળી કોઈ કહેતું, “શેઠ આપનું દેવું રૂ. ચારસો પંચોતેર થઈ ગયું છે. બીજા પચ્ચીસ રૂપિયા રોકડા આપીને મારે ખાતે પાંચસો રૂપિયા લખી નાખજો.” અને નાનક શેઠની જીભે કોઈનેય કોઈ પણ વાતની “ના” નહીં કહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગામમાં કોઈને ઘેર પુત્ર-પુત્રીનો જન્મ થયાની જાણ થતાં નાનક શેઠ પ્રેમસગાઈએ એ બાળકને રમાડવાનું કર્તવ્ય નિભાવતા.

સાંનિધ્ય ઈજનેરી વિદ્યાશાખામાં ભણતો હતો. ક્યારેક તો ફી ભરવાના પૈસાની પણ તકલીફ. એ આક્રોશમાં આવી કહેતો, “મમ્મી, પપ્પાને કહી દે કે સત્ય, સેવા અને પરોપકારના પ્રયોગો બંધ કરે, માણસમાં પહેલાના જેવી કદરદાનીની ભાવના આજે રહી નથી. ભલાને ‘ભોટ’ અને બદમાશને ‘ચતુર’ ગણવામાં આવે છે. બદમાશીને પણ શિરપાવ ગણીને લોકો નફ્ફટાઈપૂર્વક તેનો આનંદ લેતો હોય છે. ગોટાળા કરીને જેલમાં ગયેલા નેતા જ્યારે જામીન પર છૂટે, ત્યારે તેના ચમચાઓ, ગણતરીબાજો અને સ્વાર્થી મનોવૃતિવાળા સામાન્ય માણસો ફૂલહાર કરવા દોડી જાય છે, એટલે મેં નક્કી કર્યું છે કે જે કાંઈ કરવું તે મોટા પાયા પર કરવું. મોટા પાયે આચરવામમાં આવેલી બેઈમાની પણ મીડિયા રસપૂર્વક ચમકાવે છે.”

“બસ કર સાંનિધ્ય, તારી હલકટ મનોવૃત્તિથી મારા નાનકડા પણ પવિત્ર ખોરડાને અભડવીશ નહીં, તારે કુલાંગાર બનવું હોય તો બન, પણ તારા નાના ભાઈ સત્યમ્‍ની પવિત્રતા પર તારી નીચતાનો પડછાયો ન પડવા દઈશ.” નાનક શેઠે ગુસ્સે થઈને કહ્યું હતું.

“તો પછી આ તમારું ખોબા જેવડું ખોરડું તમને મુબારક. હું હોસ્ટેલમાં રહીશ, પૈસા કમાઈશ, દુનિયા દેખતી રહી જાય એવો ભવ્ય બંગલો બનાવીશ અને રૂપિયાનું મૂળ અને કુળ પૂછ્યા સિવાય ધન ભેગું કરીશ. તમે ગરીબીમાં સડી કંટાળો ત્યારે મારી પાસે દોડી આવજો. તમે ‘બાપ’ છો, એટલે તમારું ૠણ અદા તો કરવું જ પડે !” સાંનિધ્યે આકરા શબ્દોમાં કહ્યું.

દેવશ્રી ઉશ્કેરાઈ ગયાં. પોતે લાડથી ઉછરેલો અને મુક્ત કંઠે વખાણેલો સાંનિધ્ય છેક છેલ્લા પાટલે બેસી હલકટ વાતો કરે, એ એમનાથી સહન ન થયું અને એમણે સાંનિધ્યના ગાલ પર બે લાફા ઝીંકી દીધા !

સાંનિધ્યે લાફા ખમી લીધા અને “ગૃહત્યાગ” કરતાં પહેલાં કહ્યું, “મમ્મી, વાત્સલ્ય પણ આટલું બધું પક્ષપાતી અને બનાવટી હોય છે, એની મને ખબર નહોતી. હું માનતો હતો કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા થતી નથી ! આજ પતિ પ્રેમની ઘેલછામાં તે પુત્રને અન્યાય કર્યો છે. સત્યમ્‍ તને એટલા માટે વહાલો છે કે એ પિતાના માર્ગે ચાલનારો છે. જિંદગીની વાસ્તવિકતાની એને ખબર નથી ! પણ યાદ રાખજો, એ તમારે માટે ભીખ માગવાના દહાડા લાવશે અને એક દિવસ ઘરનું દેવું ફેડવા તારે જ મારે બંગલે ખોળો પાથરવા આવવું પડશે, ત્યારે હું તને તેં મારેલા લાફાનું સ્મરણ કરાવી ચોકીદાર દ્વારા બંગલાના કમ્પાઉન્ડની બહાર ધકેલી દઈશ. મને સપનાં ન જોવા દે એવી આંખ નથી ગમતી અને પડતાં રોકે એવી પાંખ નથી ગમતી ! ઘણાં મા-બાપો સંતાનોને આજ્ઞાંકિત બનાવવા તેમની સ્વતંત્રતાની પાંખો કાતરી નાખતાં હોય છે તમે સત્યમની પાંખો નિરાંતે કાતરજો, હું કોઈનુંય પ્યાદુ બનવા જન્મ્યો નથી… હું જાઉં છું, મને મળવાનો પ્રયત્ન ન કરશો.”

દેવશ્રી સાંનિધ્યના ‘અલ્ટીમેટમ’થી ગભરાઈ ગયાં અને એના પગ પકડી એને રોકવાની કોશિશ કરવા લાગ્યાં. પણ નાનક શેઠ મક્કમ હતા. એમણે કહ્યું, “દેવશ્રી, એને જવા દે, ઘણાં સંતાનો પૂર્વભવની શત્રુતા વસૂલ કરવા અમુક ઘરમાં જન્મ લેતાં હોય છે. એમને નથી હોતી માતાના ધાવણની કિંમત કે નથી હોતી પિતાના વાત્સલ્યની કિંમત ! લાગણી અને પ્રેમની કહાણી લાયકને થાય, ગંગાજળ ઉકરડે ન ઢોળાય. મને ક્ષમાશીલતાનો અતિરેક નથી ગમતો અને સાંનિધ્ય સાંભળ, અમને અમારા નસીબ પર છોડી દે. મરીશું, પણ તારી બેઈમાનીના રોટલાનું બટકું આરોગવા તારે આંગણે પગ નહીં મૂકીએ.”

અને ત્યારથી સાંનિધ્ય સાથેના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી.

સમય વહેતો રહ્યો, નાનક શેઠનો સેવાયજ્ઞ ચાલુ રહ્યો. સત્યમ્‍ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયો હતો. એણે આઈ.એ.એસ.ની પરીક્ષા પાસ કરી ઓફિસર બનવાનું નક્કી કર્યું. એ માનતો હતો કે, સત્તાનો ઉપયોગ સેવા કાજે કરવામાં આવે તો હોદ્દાનું ગૌરવ મહેકી ઉઠે છે.

એણે રાત દિવસ મહેનત કરવાનું શરૂ કરી દીધું. મોડીરાત સુધી એ વાંચતો, નાનક શેઠ એની સાથે જાગતા. દેવશ્રીબહેન થાક્યાપાક્યા ઘસઘસાટ ઉંઘતાં હોય, ત્યારે નાનક શેઠ ઉમળકાભેર પુત્ર સત્યમની સેવામાં સક્રિય હોય, સત્યમને અડધી રાત્રે ચા બનાવી આપે, ક્યારેક તાજો નાસ્તો પણ તૈયાર કરી હેતથી તેને કોળિયા ભરાવે, અભિભૂત થએલો સત્યમ્‍ કહેતો, “પપ્પા, જો પરીક્ષામાં મને પિતૃપ્રેમ વિશે નિબંધ લખવાનું પૂછવામાં આવે તો સ્વાનુભવથી હું એવો નિબંધ લખું કે પરીક્ષકને સોમાંથી એકસો એક માર્ક્સ આપવાનું મન થાય, પપ્પા તમારે તો સારા પપ્પાઓ તૈયાર કરવાનું ‘બાપમંદિર’ ખોલવું જોઈએ. આજે ‘બાલમંદિર’ કરતાં ‘બાપમંદિર’ની વધુ આવશ્યકતા છે.”

પુત્ર સત્યમની વાત સાંભળી નાનક શેઠ ભાવવિભોર બની જતા. એમના કાનમાં નરસિંહ મહેતાના ભજનની પંક્તિઓ ગૂંજતી, ‘ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યા રે.’ એમને ગૌરવ હતું કે સત્યમ્‍ જેવા પુત્રનું વરદાન આપીને ભગવાને તેમનો જન્મારો તારી દીધો છે.

ક્રમશઃ બધી જ પરીક્ષાઓમાં ઝળહળતી ફતેહ મેળવીને સત્યમે આઈ.એ.એસ.ની પદવી મેળવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.

મીડિયા રિપોર્ટર્સ સત્યમના ઈન્ટરવ્યૂ અને ફોટોગ્રાફ્સ માટે દોડી આવ્યા, પણ સત્યમે નમ્રતાપૂર્વક કહ્યું, “મહેરબાની કરી મારો ફોટોગ્રાફ પણ ન લેશો અને હું ઈન્ટરવ્યૂ પણ નહીં આપું ?”

‘પણ કેમ ? તમે નાનક શેઠ જેવા ઈમાનદાર અને સેવામૂર્તિ પિતાના સ્વાવલંબી પુત્ર છો. નથી કોઈ ટ્યૂશન ક્લાસમાં જોડાયા કે નથી કોઈનું અંગત કોચિંગ લીધુ… તમે ભાવિ ઉમેદવારો માટે એક અનુકરણીય આદર્શ પ્રસ્તુત કર્યો છે, જે અનેક માટે પ્રેરક નીવડશે.’ એક રિપોર્ટરે કહ્યું.

પણ સત્યમ્‍ એકનો બે ન થયો તે ન જ થયો. એણે કહ્યું, મિત્રો ‘તમારે નીવડે વખાણ’નો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ. માણસ આખરે માણસ છે એને ભટકતાં વાર નથી લાગતી. તમે જેને કંચન માની ચમકાવ્યો હોય, તે કથીર નીકળે તો મીડિયાએ આપેલું માન એળે જાય. પહેલાં મને જનસેવાની પરીક્ષામાં પાસ થવા દો, કર્તવ્યની આકરી કસોટીનો સામનો કરવા દો, અને અંતે હું આપ સહુની શાબાશીને લાયક ઠરું તો તમારી કલમ અને કેમેરાને મારી પ્રસંશા માટે મુક્ત કરજો, ત્યાં સુધી મને માફ કરજો. મને મારી જાત પાસેથી લૂંટાવાની સ્થિતિમાં ન મૂકશો. ‘ગૂડબાય ફ્રેન્ડઝ’ કહી સત્યમ્‍ પોતાના ડ્રોઈંગ રૂમમાં ચાલ્યો ગયો હતો, એણે નાનકડો બંગલો ભાડે રાખી લીધો હતો.

“શાબાશ દીકરા, તે નાનક શેઠ નામના નાના માણસને આજે મોટો માણસ બનાવી દીધો છે. ઈમાનદારી અને કર્તવ્યોની નિષ્ઠાની કસોટીમાંથી તું પાર ઉતર્યો છે. મારી છાતી આજે ગજ ગજ ફૂલે છે. પ્રસિદ્ધિ લોભામણી પણ છે અને છેતરામણી પણ. એના ચક્કરમાં ફસાનારા અંતે બદનામ જ થાય છે. જે લોકો એક સમયે નેતા કે અધિકારીને માથે બેસાડે છે, સમય બદલાતાં અને અસલિયત સામે આવતા માથું હલાવી તેને ભોંય પટકાવી દેતાં પળનોય વિલંબ કરતા નથી.” – નાનક શેઠે કહ્યું.

બીજી તરફ સાંનિધ્યે ભ્રષ્ટાચાર અને રૂપિયાની મદદથી યેનકેન પ્રકારે ઈજનેરની પદવી મેળવી લીધી હતી. નોકરીના ઈન્ટરવ્યૂમાં પણ આડમાર્ગો અપનાવી સરકારી નોકરી મેળવી લીધી હતી. તે પોતાના ઉપરી અધિકારીઓને ભેટસોગાદો આપી ખુશ રાખતો. અને ડિપાર્ટમેન્ટનાં નાના કામોને મોટાં દેખાડી અખબારોના પાને ચમકતો હતો.

એને ફાળવવામાં આવેલા સરકારી ક્વાટર્સને એણે વૈભવશાળી બનાવી દીધું હતું. ઈમ્પોર્ટેડ ફર્નિચર, મોંઘાદાટ પડદા અને કારપેટ એની શાનમાં વધારો કરતાં હતાં. અલબત્ત, એ બધુ સ્વખર્ચે નહીં પણ ગેરકાયદેસર કામો કરી એણે રિઝવેલી પર્ટીઓની કૃપાદ્રષ્ટિને પરિણામે. સાંનિધ્ય પોતાનાં મમ્મી-પપ્પાને બતાવી આપવા માંગતો હતો કે, ભ્રષ્ટાચારનો માર્ગ શૂરાનો માર્ગ છે, સત્યમ્‍ જેવા કાયરનો નહીં. સત્યમ્‍ ઓફિસર થયો, પણ ઓફિસરનો મોભો માણતા એને નહીં આવડે, પોતાના ભ્રામક સિદ્ધાંતોની બેડીઓમાં એ જકડાએલો છે. શુદ્ધિની વાતો કરનારના નસીબે લક્ષ્મી લખાતી નથી, પણ આજીવન વૈતરું લખાય છે. પણ ગાંધીજીના ચેલા જેવા નાનક શેઠનો ગુણિયલ સુપુત્ર સત્યમ્‍ એ વાત નહીં સ્વીકારે !

તાલીમ પૂરી થયા બાદ સત્યમ્‍ ડેપ્યુટી ક્લેક્ટર તરીકે સાંનિધ્ય જે શહેરમાં રહેતો હતો, એ જ શહેરમાં નોકરી મળી, એ સમાચારથી સાંનિધ્ય ખુશખુશાલ થઈ ગયો. સત્યમના નામને વટાવીને લોકોને ઉલ્લૂ બનાવી પૈસા પડાવવાનું કામ સરળ બની જશે. સત્યમ્‍ આદર્શવાદી છે, એટલે સીધી રીતે કોઈની પાસેથી કશું લેશે નહીં. એના મોટાભાઈ તરીકે પોતાના દ્વારા જ કામ સિદ્ધ થશે, એવી દલીલો દ્વારા એ સ્વાર્થી લોકોને વશ કરી લેતો અને ખિસ્સું ગરમ કરી લેતો. સત્યમ્‍ પ્રત્યેક કેસની ઝીણવટભરી તપાસ કરતો અને ન્યાયોચિત કામે સંબંધિત વ્યક્તિને બોલાવ્યા સિવાય બારોબાર પતાવી દેતો. કામ સફળ થયાના સમાચાર મળે એટલે યશ લેવા સાંનિધ્ય પાર્ટીને જાણ કરતો. પોતાની લાગવગથી કામ થયું છે એવો ડોળ કરી રોકડ રકમ કે મોટી ભેટ સોગાદ મેળવી લેતો. પોતાની પાપલીલાના આનંદમાં ઉપરી અધિકારીઓને પણ સામેલ કરતો. એમની પત્નીઓને ઘરેણાં અને રૂઆબદાર હોટલમાં સપરિવાર પાર્ટી આપી તેમનું મન જીતી લેતો. સાહેબોનાં સંતાનો પણ સાંનિધ્ય અંકલથી રાજી હતાં. એમની સમક્ષ વિના સંકોચ પોતાની ફરમાઈશો રજૂ કરતાં. સાંનિધ્ય અંકલ તરત જ એ ફરમાઈશો પૂરી કરતા, એટલે સાંનિધ્ય તેમને મન કલ્પવૃક્ષ હતો.

હોટલમાં ગોઠવાયેલી એક પાર્ટી દરમિયાન સત્યમને ઓળખતી એક ઓફિસરની પત્નીએ કહ્યું, “સાંનિધ્ય સાહેબ અને સત્યમ્‍ બંને વચ્ચે આભ જમીન ફેર છે. સાંનિધ્ય સાહેબ મળતાવડા, પરગજુ અને દરિયાદિલ છે, જ્યારે સત્યમ્‍ સાવ મુજી છે, એને આંગણે ચકલુંય ફરકતું નથી. એ ભલો અને એના મા-બાપ ભલા, મને લાગે છે, સરકારે ઓફિસર થવાની ‘કળા’ એને આવડતી જ નથી. તમારા એ બુદ્ધુભાઈને થોડીક ટ્રેઈનિંગ આપો. સાંનિધ્ય સાહેબ, તમે બંને ભેગા થાશો તો આખી દુનિયાને હચમચાવી શકશો, અને હા, રવિવારે અમારા પુત્ર સ્વીટુની ત્રીજી વર્ષગાંઠ છે, એના ‘મામા’ તરીકે પાર્ટીની સઘળી વ્યવસ્થા તમને સોંપું છું. લોકોને યાદ રહી જાય એવી ભવ્ય અને શાનદાર પાર્ટી ગોઠવાવી જોઈએ.”

“એમાં પૂછવાનું હોય ? તમે મને ‘મામો’ બનાવી દીધો, એમાં બધું જ આવી ગયું. મારો ભાઈ સત્યમ્‍ ભાગ્યશાળી છે કે એને મમ્મી પપ્પાનો પ્રેમ મળ્યો છે, આપણે બધાને ચીલે નહીં ચાલનાર માણસ. મમ્મી કે પપ્પાની ‘કાર્બનકોપી’ બનવાનું આપણને ગમે નહીં ! એટલે પપ્પાની નજરે હું ‘બ્લેક લિસ્ટ’માં છું. મને પણ પ્રેમ અને લાગણીની ખૂબ જ તરસ છે પણ પોતાની કેડી પસંદ કરનારે જ એકલપંથી જ બનવું પડે છે, પણ તમે સહુ મારાં કુટુંબીજનો જ છો, એટલે મારું જીવન ભર્યું ભર્યું છે-“

પેલી મસ્કાખોર મેડમે વાત પકડી લીધી અને કહ્યું, “મારે પણ પીયરિયા સાથે બનતું નથી. મારા ભાઈએ મને રાખડી બાંધવા આવવા પર પ્રતિબંધ મૂક્યો છે, હવે મને તેની કશી જ પરવા નથી. તમારા જેવા અમીરભાઈ મેળવી હું ભાગ્યશાળી બની છું. આ વખતની બળેવે હું તમારી મહેમાન બહેન” અને સહુ હસી પડ્યાં. સાંનિધ્ય એક પછી એક પ્રગતિ અને અમીરીના ઉચ્ચ સોપાનો સર કરતો ગયો અને બીજી તરફ નેક નિયતવાળો અફસર સત્યમ્‍ કેવળ ‘વેતન જીવી’ રહ્યો. નાનક શેઠને એ વાતનો આનંદ હતો કે, સત્યમ્‍ પિતાના આદર્શોને ચરિતાર્થ કરી રહ્યો હતો.

સવારનો સમય હતો. નાનક શેઠ ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા છાપુ વાંચી રહ્યા હતાં. એટલામાં એક સૂટેડ બૂટેડ માણસે બારણે ટકોરા માર્યા. નાનક શેઠે જાતે ઊભા થઈ બારણું ખોલ્યું, “મે આઈ કમ ઈન” કહી આગંતુકે ડ્રોઈંગરૂમમાં પ્રવેશવાની કોશિશ કરી.

સત્યમ્‍ પૂજા ઘરમાં પૂજા કરી રહ્યો હતો, એટલે નાનક શેઠે આવનારને પૂછ્યું, ‘આપને કોનું કામ છે ?’

“તમારું તો નહીં જ, તમે કોણ છો ? દેખાવે શહેરી લાગતા નથી.” પેલા રૂઆબદાર આગંતુકે પૂછયું.

“કેમ ભાઈ શહેરના લોકોના મોઢા પણ શહેરીપણાનો સિક્કો મારેલો હોય છે ? સાદગીને તમે અપરાધ ગણો છો અને આંજી નાખે એવા ભપકાદાર વસ્ત્રોને શહેરી હોવાનો માપદંડ માનો છો ?” નાનક શેઠે સહેજ ઉશ્કેરાટ સાથે કહ્યું. “મારે તમારી સાથે ચર્ચામાં નથી ઉતરવું. સત્યમ્‍ સરને બોલાવો, એટલે એમને આ રૂપિયા ભરેલી બેગ આપી હું વિદાય થાઉં. એમણે વગર લાગવગે અમારી કંપનીની જમીન મુક્ત કરી આપી છે. એટલે એની કદર તો કરવી જોઈએ. બાય ધ વે, સાંનિધ્ય સાહેબ સત્યમ્‍ સરના મોટાભાઈ થાય છે ?” પેલા ઓફિસર જેવા લાગતા ભાઈએ પૂછ્યું. “હા, તમારે એ સાથે કશો મતલબ ?” નાનક શેઠે પૂછ્યું. “હું આવી જ બેગ એમને બંગલે પણ આપીને આવ્યો છું. એમણે સમ્માનપૂર્વક બેગ સ્વીકારી, અને મારો આભાર માન્યો, પણ અહીંનું વાતાવરણ કાંઈક જૂદું જ છે. સત્યમ્‍ સરે આપને ચોકી કરવા માટે જ ગામડેથી અહીં બોલાવ્યા લાગે છે, પણ એ એમનો પર્સનલ પ્રોબ્લેમ છે. તમે એમને બોલાવો અથવા લો આ મારું વિઝિટીંગ કાર્ડ અને રૂપિયા ભરેલી આ બેગ, મારા કાર્ડ પરથી એમને મારો પરિચય થઈ જશે.” મુલાકાતી ઓફિસરે કહ્યું.

“તમારો મને તો પાકો પરિચય થઈ ગયો. તમે શરીફ બદમાશ છો.” ભારત માતાને લજવનારા ભ્રષ્ટ નાગરિક છો. તમારા જેવા ગદ્દારોએ જ ભારતની અસ્મિતાને ખતમ કરી નાંખી છે. તમારી એ ભેટ નથી પાપનું પોટલું છે. મારો પુત્ર ‘સત્યમ્‍’ માત્ર સત્યમ્‍ નથી, પણ એ ‘સત્યકામ’ છે. એને કોઈ ખરીદી પણ શકે નહીં, એટલે કૃપા કરી અહીંથી વિદાય થાઓ, નહીં તો મારે ધક્કા મારીને તગેડી મૂકવા પડશે.” નાનક શેઠે કહ્યું.

“તમારી બુદ્ધિ સાઠે નાઠી છે. કોઈ બાપ દીકરાને ઘેર સામેથી આવેલી લક્ષ્મીને ઠોકર મારવાનું દુષ્કૃત્ય ન કરે અને સત્યનું પૂછડું પકડીને બેઠેલો તમારો દીકરો સત્યમ્‍ દુઃખી થવા જ જન્મ્યો છે. જે જેમાનાને નથી ઓળખતો એને જમાનો ઠેબે ચડાવે છે. તમે તો નમસ્તે કહેવાને લાયક નથી.” કહીને રૂપિયા ભરેલી બેગ લઈને પેલો ઓફિસર ચાલ્યો ગયો હતો.

એ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી સાંભળીને સત્યમ્‍ બહાર દોડી આવ્યો હતો. એણે વિસ્મય સાથે પૂછ્યું, “પપ્પા, કોણ આવ્યું હતું ?”

“એક હડકાયું કૂતરું મોંમાં સોનાની લગડીનું પેકેટ લઈને આવ્યું હતું. તને વગર પૂછે મેં એને હાંકી કાઢ્યું છે. મારો એટલો અપરાધ માફ કરીશ દીકરા ?” નાનક શેઠે કહ્યું.

“તમે એ ભ્રષ્ટાચારીનું મોં પણ મને જોવા ન દીધું, એ પુણ્યનું કામ કર્યું છે, એમાં માફીનો પ્રશ્ન જ નથી.” સત્યમે કહ્યું.

નાનક શેઠે હળવા થઈ ગયા. વાતાવરણમાં જાણે પ્રતિઘોષ સંભળાતો હતો. “ભારત માતા, તારે એક નહીં લાખ્ખો સત્યમ્‍ જેવા અધિકારીઓની જરૂર છે. ‘સત્યકામ’ જ ભારતીય સંસ્કૃતિનું રળતર છે.”

સંપર્ક : ૧૬, હેવન પાર્ક, રામદેવનગર પાસે, નર્મદા કોલોની સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સત્યકામ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.