કેટલીક ગઝલો… – સંકલિત

(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર)

(૧) એકાદું ઠેકાણું રાખો… – નીતિન વડગામા

સાચેસાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો,
સુખ-દુઃખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો.

મુક્ત બનીને થાતી ફોગટ દોડાદોડી થકવી દેશે,
સામે ચાલી બંધાવાનું એકાદું ઠેકાણું રાખો.

પોતાના પડછાયામાંથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત,
એવી ઓથે સંતાવાનું એકાદું ઠેકાણું રાખો.

ભરનિંદરમાં ભૂલ ભલે થઈ, એનું ઓસડ હાથવગું છે,
જાગી જઈને શરમાવાનું એકાદું ઠેકાણું રાખો.

પગલું માંડો ત્યાં જ પ્રયોજન આપોઆપ ઉઘાડું પડતું,
સાવ અકારણ પણ જાવાનું એકાદું ઠેકાણું રાખો.

પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જાશે,
અંદરઅંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો.

મેઘધનુષી રંગોના વાઘાથી દેહ ભલે શણગાર્યો,
ભગવા રંગે રંગાવાનું એકાદું ઠેકાણું રાખો.

(૨) કાયમ દિવાળી… – દિનેશ દેસાઈ

સબરસ બને જો આદમી, કાયમ દિવાળી,
હો જિંદગીમાં સાદગી, કાયમ દિવાળી.

પકવાન લાખો ના મળે તો ચાલશે, બસ
છે ડુંગળી ને ભાખરી, કાયમ દિવાળી.

જપ-તપ ફક્ત દેખાવ, મનમાં દાવપેચો,
દિલમાં કરી દો આરતી, કાયમ દિવાળી.

આ રંગરોગાનો કરીને ઢાંકશો શું ?
ભીતર ભરી દો ગુલછડી, કાયમ દિવાળી.

મેલું રહે છે મન, ભલે ને ઊજળું તન,
સબરસ બને જો આદમી, કાયમ દિવાળી.

(૩) શ્વાસોશ્વાસમાં… – હરદ્વાર ગોસ્વામી

હર હવાના અવસરો ઊજવાય શ્વાસોશ્વાસમાં,
રોમેરોમે ઢોલ ને શરણાઈ શ્વાસોશ્વાસમાં.

એક દિન હરકોઈનું નક્કી ગબડવાનું લખ્યું,
ખૂબ ઊંડી ખૂબ ઊંડી ખાઈ શ્વાસોશ્વાસમાં.

પર્વતોની પાસ તું ઊભો રહે પડશે ખબર,
નીકળી જાશે બધીયે રાઈ શ્વાસોશ્વાસમાં.

જિંદગીના ઝેરને એથી સરળતાથી પીધું,
ભીતરે કરતાલ, મીરાંબાઈ શ્વાસોશ્વાસમાં.

એટલે ‘હરદ્વાર’ હોવાને ચમત્કારો ગણું,
શિરડી નામે શરીરે, સાંઈ શ્વાસોશ્વાસમાં.

(૪) માણસને જરા ખોતરો… – બૈજુ જાની

માણસને જરા ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે.

મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે.

જરૂર નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે.

રખે માનશો, હેવાનિયત હૈવાનો જ કરે,
કદી, સજ્જનમાંથીય ઘણા, શૈતાનો નીકળે.

ઘા બધે જ મળે છે, ચાહે ગમે તેને ખોતરો,
કદી બહાર, કદી અંદર, નિશાનો નીકળે.

કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે.

(૫) એટલે ખટકું છું… – જયશ્રી દેસાઈ

જેવો છું એ લાગું છું, એટલે ખટકું છું,
સીધા રસ્તે ચાલું છું, એટલે ખટકું છું.

સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા,
ચોખ્ખે ચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું.

તારી-મારી, આઘીપાછી નહીં કરવાની,
નિજ મસ્તીમાં મ્હાલું છું, એટલે ખટકું છું.

આંખોમાં આંખો રાખી, વાત કરવી મારે,
ના કૈં ચોરી રાખું છું, એટલે ખટકું છું.

કટકી-બટકી, ટેબલ નીચે, નહીં ચાલે હોં,
મ્હોં પર કે’તો આવું છું, એટલે ખટકું છું.

(૬) ગઝલ – પારસ એસ. હેમાણી

રાહ જોતા એમની તો દાયકાઓ નીકળ્યા,
કેશમાં લઈને સફેદી કાફલાઓ નીકળ્યા.

આંખ ખોલી તો ઘણાં એ દાખલાઓ નીકળ્યા,
જાત ખોલી તો કપટના આયનાઓ નીકળ્યા.

થૈ ઉથલપાથલ બજારે ને થયા છે સ્તબ્ધ સહુ,
દોટ મૂકીને તેજીના આખલાઓ નીકળ્યા.

રાતના અંધકારમાં કો’કે સખાવત શું કરી ?
શેઠની પેઢી ખૂલી તો ધાબળાઓ નીકળ્યા !

વાત સંબંધોની જ્યારે નીકળી’તી હોઠથી,
કેટલીયે આંખમાંથી વાદળાઓ નીકળ્યા.

નામ ‘પારસ’ આપણું થોડું ઘણું જ્યાં થઈ ગયું,
કૈક હૈયાથી ઈર્ષાના આંચકાઓ નીકળ્યા.

(નીતિન વડગામા : ‘તાંદુલ’, ૨-સ્વાતિ સોસાયટી, આત્મીય કૉલેજ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫

દિનેશ દેસાઈ : ૩૧, મનીપુર ગ્રીન્સ બંગલોઝ, મનીપુર બસસ્ટેન્ડ પાસે, સંસ્કારધામ પાસે, બોપલ-ઘુમા રોડ, પોસ્ટ-ગરોડિયા, અમદાવાદ-૩૮૨૧૧૫

હરદ્વાર ગોસ્વામી : જી-૨૦૧, ગણેશ હોમ્સ, સહજાનંદ હોમ્સ પાછળ, ચેનપુર રોડ, ન્યુ રાણીય, અમદાવાદ-૩૮૨૪૭૦

બૈજુ જાની : બી/૧૪, સીમંધર હોમ, વંદેમાતરમ્‍ સિટીની પાછળ, આઈ.સી.બી. પાર્કની બાજુમાં, ગોતા, અમદાવાદ.

જયશ્રી દેસાઈ : ૩૧, મનીપુર ગ્રીન્સ બંગલોઝ, મનીપુર બસસ્ટેન્ડ પાસે, સંસ્કારધામ પાસે, બોપલ-ઘુમા રોડ, પોસ્ટ-ગરોડિયા, અમદાવાદ-૩૮૨૧૧૫

પારસ એસ. હેમાણી : હેમાની હોસ્પિટલ, કાંતા સ્ટ્રીટ વિકાસ ગૃહ નજીક, ભક્તિનગર સોસાયટી, રાજકોટ.)

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “કેટલીક ગઝલો… – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.