અસ્તિત્વ – પ્રફુલ્લ કાનાબાર

રમત આટાપાટાની(‘રમત આટાપાટાની’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

પિન્કીની સ્કૂલમાં આજે પૅરન્ટ્સ ડે હતો. મુંબઈની પ્રખ્યાત શાળાઓમાં પૅરન્ટ્સ–ડેની સ્ટેજ પ્રોગ્રામ સાથે દબદબાપૂર્વક ઉજવણી થતી હોય છે. સરિતા દર વર્ષે પિન્કીની સાથે આ પ્રોગ્રામમાં અવશ્ય જતી. પિન્કી નાની હતી ત્યારે તો ઘણી વાર દરેક બાળકોનાં મમ્મી-પપ્પાને સાથે આવેલાં જોઈને નિસાસો નાખતી. તેને મનમાં ને મનમાં થતું કે કાશ મારાં પપ્પા ને મમ્મી સાથે રહેતાં હોત તો આજે તેઓ પણ અહીં ઉપસ્થિત હોત ! જ્યારે કોઈ પણ યુગલ એકાદ બાળક થયા પછી છૂટું પડી જતું હોય છે ત્યારે નિર્દોષ બાળકના ભાગે એક પ્રકારનો અજંપો આવતો હોય છે ! એક વાર પૅરેન્ટ્સ-ડેને દિવસે જ પિન્કી મમ્મીને પૂછી બેઠી હતી, “મમ્મી, મારા પપ્પા ક્યાં છે ?” સરિતાએ પિન્કીને છાતી સરસી લગાવીને આંખમાં આંસુ સાથે કહ્યું હતું, “બેટા, હું જ તારા પપ્પા છું અને હું જ તારી મમ્મી છું.” મમ્મીને રડતી જોઈને ત્યાર બાદ પિન્કીએ ક્યારેય પપ્પા બાબતે પૂછીને તેને દુઃખી નહોતી કરી. કોઈ પણ બાળકને જ્યારે બાળપણમાં મા કે બાપ ગમે તે એકનો સહારો ન મળે ત્યારે તે નાની ઉંમરે જ પરિપક્વ થઈ જતું હોય છે !

સરિતા અને માલવ જ્યારે અલગ થયાં ત્યારે પિન્કી માત્ર બે જ વર્ષની હતી. માલવ અને સરિતા બંને અલગ-અલગ કૉલેજમાં લેક્ચરર હતાં… હાઈલી એજ્યુકેટેડ હતાં… કદાચ તેથી જ બંને વચ્ચેનો વૈચારિક મતભેદ ક્યારે ઇગો ક્લેશમાં પરિણમ્યો, તેનો તેમને ખ્યાલ નહોતો રહ્યો. કોઈ પણ નવપરિણીત યુગલ જ્યારે લગ્નજીવન કરતાં પર્સનલ ઇગોને વધારે મહત્વ આપે છે ત્યારે એક જ પથારીમાં સૂતાં હોવા છતાં તેમના વચ્ચે માઈલોનું અંતર પડી જતું હોય છે ! પિન્કીના જન્મ પછી માલવ અને સરિતા વચ્ચે પણ માનસિક અંતર વધતાં-વધતાં એટલું બધું વધી ગયું હતું કે તેઓ એકલાં ગમે તેટલી મોટી મુસાફરી કરી શકવા માટે તૈયાર હતાં, પરંતુ ડબલ બેડમાં બંને વચ્ચેની માત્ર એક ફૂટની દૂરી હતી તે દૂર કરવા માટે તૈયાર નહોતાં. આખરે બંનેએ ડીવોર્સ લેવાનું નક્કી કર્યું હતું. માત્ર વૈચારિક મતભેદને કારણે કૉર્ટ કોઈના ડીવોર્સ મંજૂર કરતી નથી, તેથી બંનેના વકીલોએ કૉર્ટમાં એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો ખેલ ખેલીને બંનેને કાયદેસર રીતે છૂટાં પડાવ્યાં હતાં !

સમય ઝડપથી પસાર થતો ગયો. પિન્કી હવે આઠમા ધોરણમાં પ્રવેશી ચૂકી હતી. મોસાળમાંથી તેને છૂટક-છૂટક જે માહિતી મળી હતી તે મુજબ મમ્મીની તેના સાસરિયામાં કોઈ ગણતરી જ નહોતી. જુનવાણી સાસુ-સસરા પોતાનો દીકરો વહુનો ન થઈ જાય તેની સતત તકેદારી રાખતાં હતાં.

કોઈ પણ સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે ત્યાં સૌ કોઈ તેના અસ્તિત્વનો સ્વીકાર કરે તેવી તેની અપેક્ષા હોય છે. અન્ય કોઈ કદાચ ઓછો-વત્તો સ્વીકાર કરે તો તે ચલાવવા માટે તૈયાર હોય છે, પરંતુ જેના સહારે તેણે પોતાની જિંદગી દાવમાં લગાવી હોય તે પતિ જો તેના અસ્તિત્વને મહત્વ ન આપે તો તેનું દિલ દુભાઈ જતું હોય છે. જેમ પાણીના બંધમાં પડેલ એક નાનકડું છિદ્ર તબાહી સર્જી શકે છે, તેમ પતિ તરફથી મળતો તિરસ્કાર આખરે તો પતિ-પત્નીના લગ્નજીવનમાં તબાહી જ સર્જે છે. માલવ પણ પત્ની અને પૅરન્ટ્સ વચ્ચે તાલમેલ સાધવામાં નિષ્ફળ નીવડ્યો હતો. જેમ કોઈ પણ યુવાનના હૃદયમાં માતા-પિતાનું આગવું સ્થાન હોય છે. તેમ પત્નીનું પણ અલગ સ્થાન હોવું જોઈએ તે વાત માલવને સમજાવવામાં સરિતા પણ નાકામિયાબ રહી હતી. બંને તે વખતે એક વાત ભૂલી રહ્યાં હતાં કે લગ્નજીવનમાં જે પાણીએ મગ ચડે તે પાણીએ જ ચડાવવા પડતા હોય છે ! આખરે તેમના લગ્નજીવનનું ટાઈટેનિક મધદરિયે જ ડૂબી ગયું હતું !

સરિતા જ્યારે પિન્કીની સ્કૂલે પહોંચી ત્યારે સ્ટેજ પ્રોગ્રામનો સમય થઈ ગયો હતો. પ્રિન્સિપાલ સરિતાને એક લેક્ચરર તરીકે સારી રીતે ઓળખતા હતા અને સરિતા ડીવોર્સી છે, તે વાતથી પણ વાકેફ હતા. આખો હૉલ ભરાઈ ચૂક્યો હતો. આગળની હરોળમાં પ્રિન્સિપાલની બાજુમાં જ માત્ર એક સીટ ખાલી હતી. પ્રિન્સિપાલે સરિતાને આગ્રહ કરીને ત્યાં જ બેસાડી દીધી. દરેક બાળકો પોતપોતાની શક્તિ મુજબ પ્રોગ્રામ રજૂ કરતાં ગયાં. સરિતા કાગડોળે પિન્કીની સરપ્રાઈઝ આઈટમની રાહ જોઈ રહી હતી. વિશાળ સ્ટેજ પર એકલી પિન્કી માઈક લઈને પ્રવેશી ત્યારે હૉલ તાળીઓથી છલકાઈ ગયો. સૌ કોઈ પિન્કીને એટલા માટે વધાવી રહ્યાં હતાં કે આટલી નાની બાળકીએ એક-પાત્રીય અભિનય કરવા માટે હિમ્મત બતાવી હતી… આ તાળીઓનો ગડગડાટ તેની હિમ્મતને દાદ આપવા માટેનો હતો.

સ્ક્રિપ્ટ પ્રમાણે પિન્કીએ મમ્મી, પપ્પા અને બાળકનો આબાદ અભિનય કર્યો હતો. કોઈ પણ યુગલે બાળકના જન્મ પછી ક્યારેય અલગ ન પડવું જોઈએ તેવી તેમાં સ્પષ્ટ અપીલ હતી. આવા યુગલના બાળકની મનોદશા કેવી હોય છે તેનો પણ તેમાં ચિતાર હતો ! સરિતા હવે મનોમન સમજી ગઈ હતી કે પિન્કી રિહર્સલ કરીને આવ્યા પછી પણ કેમ પોતાની આઈટમને સરપ્રાઈઝ આઈટમ તરીકે છુપાવતી હતી. પિન્કીનો છેલ્લો ડાયલૉગ પૂરો થયો એટલે તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રિન્સિપાલ સ્ટેજ પર પહોંચી ગયા. તેમણે સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે જાહેરાત કરી કે પિન્કીએ મને કરેલી પર્સનલ રિક્વેસ્ટ મુજબ હું તેને ફરીથી માઈક સુપ્રત કરું છું… હવે તે જે કાંઈ કહેશે તે સ્ક્રિપ્ટ બહારનું હશે… તેની ઈચ્છા મુજબનું હશે. માઈક પિન્કીના નાનકડા હાથમાં આપીને પ્રિન્સિપાલ ત્વરિત ગતિએ પરત આવીને આગલી હરોળમાં બેસી ગયા. સૌ કોઈની આતુરતા વધી રહી હતી. સમગ્ર હૉલમાં પીનડ્રોપ સાઈલન્સ પથરાઈ ગઈ હતી.

પિન્કીનો નિર્દોષ અવાજ રેલાઈ ગયો હતો… “મમ્મી, આજે મારે તને કાંઈક કહેવું છે. હું માનું છું કે આજે હું જે કાંઈ છું તે માત્ર તારા અને તારા કારણે જ છું. પરંતુ એક વાત તો તારે પણ સ્વીકારવી પડશે કે મારું અસ્તિત્વ માત્ર તારા કારણે નથી… હા, તું સમજી ગઈ, મારો ઈશારો પપ્પા તરફ છે. સૉરી મમ્મી, જિંદગીમાં પહેલી વાર મેં તારાથી એક વાત છુપાવી છે, જે અત્યારે કહું છું… એકાદ માસ પહેલાં ફેસબુક દ્વારા મારો પરિચય પપ્પા સાથે થયો હતો. ધીમેધીમે અમે નિકટ આવતાં ગયાં. તેઓ પૂનામાં રહે છે… તેઓ Ph.d. કરી રહ્યા છે… વેરી ઈન્ટરેસ્ટીંગ સબ્જેક્ટ “ઈશ્વરના અસ્તિત્વ” પર… મેં તેમને આખરે ગઈ કાલે જ મારી સાચી ઓળખાણ આપીને તેમને આંચકો આપ્યો હતો. સાથેસાથે આ પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. જવાબમાં તેમણે લખ્યું હતું… હું મારી દીકરીને મળવા ચોક્કસ આવીશ… મમ્મી, પપ્પા મને અત્યારે હૉલમાં ક્યાંય દેખાતા નથી. મેં તો તેમનો ફોટો પણ માત્ર ફેસબુકમાં જ જોયો છે…” પિન્કીથી રડી પડાયું. એક નિર્દોષ બાળકની વ્યથા અને લાચારી જોઈને સૌ કોઈ રડી રહ્યાં હતાં ! સરિતા રડતી આંખે ઊભી થઈને સ્ટેજ તરફ જવા ગઈ ત્યાં જ પિન્કીએ ‘પપ્પા… પપ્પા’ની બૂમોથી હૉલને ગજવી મૂક્યો. હા… છેલ્લી હરોળમાં ગ્રે કલરના સૂટમાં સજ્જ માલવ પણ સ્ટેજ તરફ ઝડપથી આવી રહ્યો હતો !

“પપ્પા, આજે તમારે મારા એક પ્રશ્નનો જવાબ ચોક્કસ આપવો પડશે.”

“બોલ બેટા…” માલવે નીચેથી જ કહ્યું.

“મમ્મીનું અસ્તિત્વ તો તમે ન સ્વીકારી શક્યા, પરંતુ મારા અસ્તિત્વને કેમ ભૂલી ગયા ? બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે, તેવું અમારે ભણવામાં પણ આવે છે.” પિન્કી રડમસ અવાજે બોલી ઊઠી.

માલવ પાસે કોઈ જવાબ નહોતો. તેની આંખમાંથી વહેતી અશ્રુધારા સાબિત કરી રહી હતી કે તે મા-દીકરી બંનેના અસ્તિત્વને હૃદયપૂર્વક સ્વીકારવા તૈયાર હતો. પિન્કીની આંખમાંથી વહેતી અશ્રુધારા મમ્મી-પપ્પાના પર્સનલ ઇગોને ઉખાડીને ધરાશાયી કરી રહી હતી !

[કુલ પાન ૧૫૦. કિંમત રૂ.૧૩૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

સંપર્ક :
એ-૨, શીતલ એપાર્ટમેન્ટ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પ્રેસ રોડ પાસે, ઈન્દ્રપ્રસ્થ-૪ની સામે, રાજમણિ સોસા. પાછળ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
મો. 9925665605
praful.kanabar@yahoo.com


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કેટલીક ગઝલો… – સંકલિત
એનેસ્થેસિયા – ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક Next »   

14 પ્રતિભાવો : અસ્તિત્વ – પ્રફુલ્લ કાનાબાર

 1. sandip says:

  સ્ત્રી અને પુુરુષ જિવન રુપિ રથ ના બે પઇદા છે.

  “કોઈ પણ સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે ત્યાં સૌ કોઈ તેના અસ્તિત્વનો સ્વીકાર કરે તેવી તેની અપેક્ષા હોય છે. અન્ય કોઈ કદાચ ઓછો-વત્તો સ્વીકાર કરે તો તે ચલાવવા માટે તૈયાર હોય છે, પરંતુ જેના સહારે તેણે પોતાની જિંદગી દાવમાં લગાવી હોય તે પતિ જો તેના અસ્તિત્વને મહત્વ ન આપે તો તેનું દિલ દુભાઈ જતું હોય છે. જેમ પાણીના બંધમાં પડેલ એક નાનકડું છિદ્ર તબાહી સર્જી શકે છે, તેમ પતિ તરફથી મળતો તિરસ્કાર આખરે તો પતિ-પત્નીના લગ્નજીવનમાં તબાહી જ સર્જે છે. માલવ પણ પત્ની અને પૅરન્ટ્સ વચ્ચે તાલમેલ સાધવામાં નિષ્ફળ નીવડ્યો હતો. જેમ કોઈ પણ યુવાનના હૃદયમાં માતા-પિતાનું આગવું સ્થાન હોય છે. તેમ પત્નીનું પણ અલગ સ્થાન હોવું જોઈએ તે વાત માલવને સમજાવવામાં સરિતા પણ નાકામિયાબ રહી હતી. બંને તે વખતે એક વાત ભૂલી રહ્યાં હતાં કે લગ્નજીવનમાં જે પાણીએ મગ ચડે તે પાણીએ જ ચડાવવા પડતા હોય છે ! આખરે તેમના લગ્નજીવનનું ટાઈટેનિક મધદરિયે જ ડૂબી ગયું હતું !”

 2. Arvind Patel says:

  છુટ્ટા છેડા એ ફક્ત પતિ અને પત્ની ના નથી હોતા. જયારે બાળકો ની વાત આવે છે ત્યારે આવા અવિચારી કૃત્ય બદલ આવા યુગલ ને બે જવાબદાર ગણવા જોઈએ. પત્ની અને પતિ ના અહં ના કારણે નિર્દોષ બાળકો ની દયા જનક પરિસ્થિતિ માટે કોણ જવાબદાર !! નિર્દોષ બાળકો જે પ્રેમ ના હકદાર છે તે પ્રેમ થી તેઓ વંચિત રહી જાય તેના થી વધુ કરુણતા શું હોઈ શકે. લગ્ન વ્યવસ્થાને ગંભીરતા થી લેવી જોઈએ. આવનાર બાળકના ભવિષ્ય અને તેની કુમળી લાગણીઓ સાથે રમત ના થવી જોઈએ.

 3. કાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:

  સાચી વાત છે, અરવિંદભાઈ. પતિ-પત્નીના ઈગો અથડાય તેમાં સહન તો બાળકને જ કરવાનું આવે છે ને ? તેવાં પતિ-પત્ની મા-બાપ કહેવડાવવાને લાયક જ ન ગણાય!
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા }

 4. Krina says:

  Too good story, one of the best so far

 5. durgesh oza says:

  શ્રી પ્રફુલભાઈ કાનાબારની વાર્તા ‘ અસ્તિત્વ ‘ હ્ર્દયસ્પર્શી.. સરસ સંદેશ આપી જાય છે. અહમ એક બાજુ પ્રેમ સૌથી પહેલાં હોવો જોઈએ ને સંતાન તો આ બેયના ઝઘડાઓથી પર હોય છે એટલે એ પણ સ્નેહવશ ફીલ કરવું જરૂરી.. સરસ વાર્તા. અભિનંદન.

 6. dilip shah, U.S.A. says:

  Very heart touching. Bring tears in my eyes. Best so far. Good narration,description and end.

 7. Prafull kanabar says:

  Thank you very much.

 8. ધરમેન says:

  વાર્તાના પ્રવાહ માં વાચકને ધારે બાજુ ખેંચી જવાની ક્ષમતા ધરાવતી કલમ ! આપણી આજુબાજુ જીવતા હોય એવા પાત્રો, આબેહૂબ સામાજિક ચિત્રણ, જીવન્ત સંવાદો થી આગળ
  ધપતો વાર્તા નો દોર અને હેન્રી ની યાદ અપાવે એવો ચમત્કૃતિ થી ભરપુર નાટ્યાત્મક અંત ! પ્રફુલ કાનાબાર ની કલમ આપણા હૈયા પર રાજ કરવા સર્જાઈ હોય એવું લાગે છે. વાર્તા સઁગ્રહ ની પ્રત્યેક વાર્તા એની પ્રતીતિ કરાવે છે.

 9. Jayant Nathvani says:

  ખૂબ જ હ્રદયસ્પર્શી વાર્તા! વડીલો કરતાં બાળકો કેટલા મેચ્યોર અને સમજુ હોય છે! વડીલો પોતાનો અહમ છોડી શકતા નથી. બાળકોનું નિરિક્ષણ, સમજ બહુ જ તિવ્ર હોય છે. જેનું પ્રફુલ્લભાઇ એ ખૂબજ હ્રદયસ્પર્શી રીતે વાર્તામાં નિરૂપણ કરેલ છે. પ્રફુલ્લભાઇ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન! આવી જ રીતે લખવાનું ચાલુ રાખો તેવી શુભેચ્છાઓ!

 10. Mahesh Mehta says:

  In Short Story Astitva ,Prafullbbhai Kanabar has very throughly described the pain & agony suffered by child of separated parent. The end of story is Happy, in the form emotions of suffered child could melt ego of parent & Reunion of Father-Mother happened.Very emotional touch…Also eye opening for professional couples. Congrats to Shri Prafullbhai keep it up….

 11. Paras Bhavsar says:

  “પપ્પા, આજે તમારે મારા એક પ્રશ્નનો જવાબ ચોક્કસ આપવો પડશે.”

  “બોલ બેટા…” માલવે નીચેથી જ કહ્યું.

  “મમ્મીનું અસ્તિત્વ તો તમે ન સ્વીકારી શક્યા, પરંતુ મારા અસ્તિત્વને કેમ ભૂલી ગયા ? બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે, તેવું અમારે ભણવામાં પણ આવે છે.” પિન્કી રડમસ અવાજે બોલી ઊઠી.

  Prafulbhai,
  Really, Heart touching story…

 12. Surya says:

  ખુબ સરસ વાર્તા પ્રફ્લ્લ્ ભાઇ ધન્યવાદ્.

 13. shailendrasinh chauhan says:

  બાળકોની લાગણી બહુ સરસ રીતે દર્શાવી છે. પ્રફુલ્લભાઈ આભાર

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.