એનેસ્થેસિયા – ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક

( ‘ઉત્સવ’ સામયિક, એડિટર શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, નવેમ્બર ૨૦૧૫ના અંકમાંથી સાભાર..)

સપનાં સીંચીંને અમે ઝાકળ ઉછેરી,
ને ઝાકળને ઝંખનાઓ જાગી,
દરિયો થવા એણે પાંખો વીંઝી,
ત્યાં તો સૂરજની ઠેસ કેવી વાગી !

પંખી આકાશમાં જોતી ઓટલે બેઠી હતી. સાંજના રાતા-કાળા આકાશમાં એકલોઅટૂલો, ઉદાસ, અડધો ચંદ્ર આવીને તારાઓની સભાની રાહ જોતો ઊભો હતો. અલવિદા લેતા સૂરજની રક્તિમ છાયા માહોલને વધુ ઉદાસ બનાવી રહી હતી. આકાશમાં તીર આકારે ઊડતી પંખીઓની કતાર જોઈ પંખી કાયમ વિચારતી- મારું નામ પંખી શું કામ પાડ્યું હશે ? ક્યાં ઊંચે આકાશમાં ભેગાં કિલ્લોલ કરતાં પંખી અને ક્યાં ઘરમાં એકલી બેઠેલી હું ?

મમ્મી-પપ્પા બહાર ગયાં હતાં. ફોન બગડેલો હતો. મોબાઈલમાં બેલેન્સ પૂરું થવા આવ્યું જ હતું ને સ્કૂટરમાં પેટ્રોલ બસ કાલ સુધી ચાલે તેટલું જ હતું. સવારનું છ વાગ્યાનું ટ્યુશન એટલે સ્કૂટર લઈને બહાર જવાય એવું ન હતું. કૉલેજમાં આવ્યા પછી જાણે કૉલેજલાઈફ માણી શકાતી જ ન હતી. ટ્યુશન, કૉલેજ, એસાઈમેન્ટ, ટેસ્ટ ઓફ હવે ત્રાસ થતો હતો. આ નીરસ ચોપડા ક્યારે પીછો છોડશે ? હાશ, ફોન રિપેર કરવાવાળો આવી ગયો. પંખી દોડીને સીધી કમ્પૂટર પાસે ગોઠવાઈ. ફેસબુક ઓપન કર્યું. હાશ, ત્રણસો ચોરાણું મિત્રો રાહ જોઈને બેઠા હતા. બધાના જીવનમાં એક ડોકિયું કરાય તોય બે કલાક પૂરા. પછી થોડું ઘણું વાંચી ઊંઘી જવાનું. ઈટ્‍સ રિયલી ડિફિકલ્ટ ટુ કિલ ધ ટાઈમ. કૉલેજમાં તો સમજ જ ન પડે કે કોની સાથે દોસ્તી બંધાય ? ને કોની સાથે વાત કરાય ? આજે જે આપણા મિત્રો બને તે કાલે બીજાના થઈ ગયા હોય. પેલી પૂજાને બોયફ્રેન્ડ છોડી ગયો એટલે રડીને બેહાલ થઈ ગયેલી ને પેલી રુચિતા તો રોજ નવા ફ્રેન્ડ્‍સ સાથે દેખાય. જે છોકરી છોકરાઓ સાથે ન બોલે તેને બુદ્ધુ અને મણિબહેન કહેવાય. ને બોલે તેને…?

જવા દો. આપણે તો એફબી સારું. બસ કમ્પ્યૂટર સ્ક્રીન આપણી દુનિયા. ખોવાઈ જવાનું… ખુદને તો ઠીક, કોઈનેય ન મળાય. ફેસબુક પર પંખી નામ ન ચાલે. ત્યાં પરી બની જવાનું ને આપણા ફોટા શું કામ મૂકવાના ? બધી હિરોઈન છેને ? અને ફૂલો પણ ખરાં જ અને નામ પ્રમાણે પક્ષીઓ… વણઓળખાયેલા અસ્તિત્વને જાહેરમાં મૂકવાનું ને ઓળખને ભીતર છુપાવી રાખવાની. આ રમત કેવી સરસ ? વાઉ, આજે દસ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે. ફ્રેન્ડ્‍સનો આંકડો ચારસો પાર કરી જવાનો. આ કોણ છે ? ‘મિત્ર’ સારું નામ છે. ઉંમર મારા જેવડી જ ? સરસ. રસના વિષયો મૂવી, મ્યુઝિક, ટ્રાવેલિંગ, ટ્રેકિંગ… ઓહ સરસ…! મારા જેવો જ લાગે છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. તરત જ ચેટ પર દેખાયો. ‘થેન્ક્સ પરી, કેમ છે ? ગુજરાતી છે ?’ ઓહ ! આ તો ભારે ઉતાવળો. સવાલો પર સવાલ. જવાબ આપે ત્યાં તો બીજો સવાલ આવ્યો જ હોય. સુનીલ દત્તથી શાહરુખ સુધી ને ક્રિકેટથી ઓલિમ્પિક સુધી ગમે ત્યાંથી સવાલ ફેંકે છે. જવાબ પણ સરસ આપે છે. ડોરબેલ વાગ્યો, તે છેક ભીતર સુધી વાગ્યો. બે કલાક તો પાંખ લગાવી ઊડી ગયા. હવે વાંચવા બેસીશ ત્યારે સમય પાંખો ખેરવી કીડીના પગ લગાવી દેશે. મમ્મી-પપ્પા જ છે. ફટાફટ ટાઈપ કર્યું : ગૂડ બાય સી યુ. બાકીની નવ રિક્વેસ્ટ જોવાની રહી ગઈ. મિત્ર ઈન્ટરેસ્ટિંગ લાગે છે. કઈ એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતો હશે ? ફોટા પરથી તો હેન્ડસમ લાગે છે. કોને ખબર એનો સાચો ફોટો હશે કે પછી ચાલો પંખી હવે વાંચવામાં ધ્યાન આપો. પરીક્ષા નજીક છે. મનને કાબૂમાં રાખતા શીખો નહીં તો ફેલ થયા તો પાછું એક વર્ષ વધુ ભણવાનું. જેમ હોય તેમ હવે સાંજ ગમવા માંડી છે. એકલા હોવાથી વિશેષ ગમે. મિત્ર હવે ખરેખર મિત્ર બની ગયો છે. કેવી સરસ ગઝલ લખે છે ? બીજાની હોય તોય શું ? લખે છે તો મારા માટેને ? વોલ પર સારું લખે છે ને મેસેજ પણ સારા મોકલે છે. રોજ સાંજ પડવાની રાહ જુએ છે. મારી જેમ… હાશ, ઈન્ટર્નલ પરીક્ષા તો ગઈ. હવે થોડું રિલેક્સ થવાશે. બપોરે નિરાંતે ચેટિંગ થશે. બાકીની ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ એક્સેપ્ટ થઈ ગઈ. હવે આંકડો ચારસો પચીસ પર પહોંચ્યો છે.

જોકે, માંડ પચીસ ઈન્ટરેસ્ટિંગ છે. બાકીના તો જસ્ટ… બધા તો કેવું ફુલિશ લખે છે વોલ પર. જાણે છાપાના ન્યૂઝ. આજે બપોરે મિત્રને જ મેસેજ કરીશ. ફોન નંબર માગે છે આપવો જોઈએ ? મમ્મી-પપ્પા જાણે તો ખિજાશે. આમ અજાણ્યાને ફોન નંબર…? જોઉં. કાલે પાછો માગે ત્યારે આપીશ. અરે ? આજે મિત્રનો કોઈ મેસેજ નથી ? વોલ પર લખ્યુંય નથી. લાગે છે બહુ બિઝી હશે. પરીક્ષા હોવી જોઈએ. ફોન નંબર લઈ લીધો હોત કે મારો આપી દીધો હોત તો સારું થાત… બાકીના ચારસો પચીસ મિત્રો જાણે એફબી પર ખડખડાટ હસવા લાગ્યા. જોયું. અમને ભૂલીને બસ એક મિત્રમાં ખોવાઈ ગઈ હતી ને ? ભોગવ હવે…

બે દિવસ, ત્રણ દિવસ… હવે તો કંઈ ગમતું નથી. મમ્મી કનેક્શન કપાવી નાખવાનું કહેતી હતી. સારું જ છે. ઈન્ટરનેટ ન હોય તો બધું સૂઝે જ. નહીંને ? પણ આ દુનિયા છે બહુ સુંદર. ભૂલા પડવાનું મન થાય એવી ક્લોરોફોર્મ જેવી ભીની મીઠી સુગંધ અગોચર વિશ્વમાં દોરી જાય ને આપણે બેહોશ… પછી કોઈ દુઃખ, વેદના નહીં. માત્ર બેહોશી, મદહોશી ને પછી જાગો ત્યારે તાજગી.

પણ… મિત્ર વગરની આ દુનિયા ફિક્કી લાગે છે. એના કરતાં તો ઈન્ટરનેટ ન હોય તો સારું, ધ્યાન તે તરફ જાય જ નહીંને ? આ બાકીના મિત્રોને આવજો કહીને એકાઉન્ટ બંધ કરી દઉં. ઓહ ! મિત્ર ?!!! વાઉ, આજે અચાનક ? મિત્રના પાંચ-છ મેસેજ છે : સોરી, ઈન્ટરનેટ કનેક્શનમાં પ્રોબ્લેમ હતો. માફ કરજે, પણ તેં મને યાદ કર્યો ? અને બાકીના પાંચ મેસેજિસમાં મિસ યૂ. ઓહ પેટમાં પતંગિયા ઊડતાં હોય એવું લાગે છે. હૃદયના ધબકારા સ્પષ્ટ સંભળાય છે. આમ કેમ થતું હશે ?

મિત્ર ઓનલાઈન થયો. ‘હાય’ લખી મોકલ્યું. તરત સામેથી નંબર આવ્યો અને મેસેજ આવ્યો કે તેં મને મિસ કર્યો ? શું લખું ? લખું કે આટલા દિવસ કેમ કાઢ્યા છે તે મારું મન જાણે છે ? લખું કે હા બહુ મિસ કર્યો ? લખું કે હવે ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરવો ? શું લખું ? આવું બધું લખીશ તો મને કેવી ધારશે ? ના ના કંઈ લખવું નથી. જસ્ટ યાદ કરતી હતી. કોઈ વાર… એટલું જ લખવું સારું ને સાથે મોબાઈલ નંબર… મોકલ્યા પછી થયું કે ન મોકલ્યો હોત તો સારું થાત…

તરત મોબાઈલ પર એસએમએસ આવ્યો. ‘પરી, નારાજ છે ? સોરી હવે એસએમએસથી ટચમાં રહીશ, પણ તને બહુ મિસ કરી. સમજાતું ન હતું કે કઈ રીતે કોન્ટેક્ટ કરું. થેન્ક્સ, મોબાઈલ નંબર આપવા બદલ…’ સારું લાગે છે… અટપટું લાગે… પણ જોકે અજાણ્યો તો ખરો જને ? કેવો હોય કેવો નહીં ? ક્યાં રહેતો હશે ? ઓહ ! પૂછ્યું ત્યાં તો મુંબઈના ફોટા આવી ગયા. ઘરના… પણ ઘર તો સરસ છે. મુંબઈમાં આવું સરસ ઘર ? પૈસાદાર હશે. સારા ઘરનો લાગે છે. ઘરમાં મંદિર પણ છે.

હવે પછી સમયને પાંખો ફૂટી છે. અનાયાસ ગીતો ગણગણી દેવાય છે ને મા અરીસો બની જાય છે. એની આંખમાં દેખાતું મારું પ્રતિબિંબ ? મારા પ્રતિબિંબથી મને કેવી રીતે છેતરું ? મમ્મીને કહું ? બતાવું ફોટો ? એમાં શું થયું ? હું અમદાવાદ અને એ મુંબઈ, આટલે દૂર થોડો મળવા આવવાનો ? આવી દોસ્તીમાં ખોટું શું ? પણ જવા દે એ માથું ખાશે, છોકરાની દોસ્તી અજાણ્યા… પણ અજાણ્યો ક્યાં છે હવે ? બધું જ જાણું છું. એના વિચારો, એના મિત્રો, એની દુનિયા જાણે મારી દુનિયા બની ગઈ છે હવે…

માંડ મમ્મીને સમજાવી ઈન્ટરનેટ કનેક્શન ચાલુ રખાવ્યું. મોબાઈલ પર કેટલા મેસેજ થાય ? મોઘું પડે. પોકેટમની તો રિચાર્જ કરવામાં જ વપરાઈ જાય. આજે વળી મિત્રને આ શાનું ભૂત ભરાયું ? સાચું નામ પૂછે છે. કહું ? ઓકે, પંખી, પંખી નામ છે મારું… મેસેજ જતાં જ રિપ્લાય આવ્યો : ‘વાઉ ! આટલું સરસ નામ છે તો હશે કેવી સુંદર ? ફોટા મોકલ.’ ફોટા ? ના અત્યારે નહીં… સારા પડાવીને મોકલીશ. મારું ઘર ? અમદાવાદની પોળમાં. મમ્મી-પપ્પા બંને પ્રાઈમરી ટીચર છે. ભાઈ-બહેન નથી. મધ્યમ વર્ગ. સાચવીને પૈસા વાપરવા પડે. જોકે, હું એકની એક એટલે ઈન્ટરનેટ રાખી શકાય.

મિત્રનું સાચું નામ મિત્ર જ છે. બહુ મહત્વાકાંક્ષી લાગે છે. પૈસાનું મહત્વ સમજે છે. પૈસા પાછળ પાગલ હશે ? ફોન પર વાત થઈ આજે… અવાજ સરસ છે. કહ્યું : તારા વગર ગમતું નથી. મળવા આવું ? શું કહું? ના… મળવા ? હમણાં નહીં… ઘણું પૂછ્યું. ઘર કેવું છે ? પોકેટમની… ને છેવટે આઈ લવ યુ કેવું સ્વાભાવિક બોલી ગયો. જાણે રોજિંદી વાત હોય.

ને મારા તો ત્યારથી જમીન પર પગ મંડાતા નથી. હવામાં તરું છું જાણે… ને હરખમાં ને હરખમાં ઘરના કામમાં તો ધ્યાન જ નથી રહેતું. કેવું અદ્‍ભુત લાગે છે ! જોકે, મારાથી તો કેમેય કરી બોલાયું જ નહીં. હજુ મારે મને જ પૂછવું બાકી છેને ? આમ મળ્યા વગર કોઈને પ્રેમ કરી શકાય ? હજુ તો અઢારમું બેઠું ને મિત્ર તો રોજ આઈ લવ યુ કહીને મારા જવાબની રાહ જુએ છે. ફેસબુક પર હવે કેવા સુંદર કાર્ડ મોકલે છે !

હવે એના ફ્રેન્ડલિસ્ટમાં છોકરીના નામનું લાબું લિસ્ટ જોઈ ઈર્ષ્યા થાય છે… શંકા થાય છે… ને એ ખડખડાટ હસે છે : ‘તું આઈ લવ યુ કહે તો બધાને ડિલીટ કરું’ એમ કહી મારી મશ્કરી કરે છે. આમ તો મનેય મિત્ર બહુ ગમે છે. જોને, હજુ તો મારા ફોટા પણ જોયા નથી તોય મને પ્રેમ કરે છે. ઘર વિશે પાછો પૂછતો હતો. અરે બાબા, મેં સાચું જ કહ્યું. સાચે જ મધ્યમવર્ગની છું. હા, વિચાર ઊંચા છે. ખૂબ વાંચ્યું છે એટલે ઘણું જ જાણું છું… પણ… અરે, હા બસ, બસો રૂપિયા પોકેટમની મળે છે. છોડને… બીજી વાત કર… તારું ભણવાનું ક્યારે પૂરું થશે ? પછી શું પ્લાન છે ?

મિત્ર આજે સવારથી એફબી પર નથી. ચેટિંગ તો શું એસએમએસ પણ નથી. શું થયું હશે ? ફોન કરું ? ચાર પાંચ કલાકથી વધારે થઈ ગયા… જવા દે, કાલ સુધી રાહ જોઉં. ચોવીસ કલાક તો બહુ લાંબા વીત્યા. ફોન કરવો જ પડશે. બહુ સૂનું લાગે છે. આ નંબર અસ્તિત્વમાં નથી… એવું કઈ રીતે બને ? ફેસબુક પર મેસેજ કરું… ઈ-મેઈલ આઈડી પણ છે. આ શું ? એકાઉન્ટ બંધ કરાવ્યું ? એક બે કોમન ફ્રેન્ડ છે. નાના કશે જ નથી. મિત્ર, મિત્ર ક્યાં ખોવાઈ ગયો ?

કમ્પ્યૂટરની સ્ક્રીન તોડી નાખવાનું મન થાય છે. વાસણો ફેંકવાનું મન થાય છે. મમ્મી-પપ્પા કોઈ સાથે બોલવાનું મન નથી થતું. રોજ રોજ ચેક કરવાનું અને પાછો એ જ ખાલીપો અનુભવવાનો ? કેમ આવું કર્યું હશે ? મેં આઈ લવ યુ ન કહ્યું એટલે ? કે પછી ફોટા ન મૂક્યા એટલે ? કે એને પૈસાદાર સ્માર્ટ છોકરી, ફોરવર્ડ છોકરી ગમતી હશે ? ના ના, મિત્ર એવો નથી.

ઓહ મિત્ર ! તારા વગર મારી આભાસી દુનિયાનો સૂરજ ડૂબેલો જ રહે છે. મારી સાંજ ફરી પાછી ઉદાસ થઈ ગઈ છે. જોરથી રડવાનું મન થાય છે. હસવું ભૂલી ગઈ છું. વાંચવા બેસું તો અક્ષરો ખડખડાટ હસીને મારી મશ્કરી કરે છે. બચાવો, કોઈ બચાવો. આ અક્ષરો મને મારી નાખશે. મરી જવાય તો સારું થાય… મિત્ર વગર તો મરવું જ સારું. મમ્મીને શું કહું ? એ નહીં સમજે મારો પવિત્ર પ્રેમ… એના માટે તો હું હજુ ઢીંગલી જેવી નાની જ છું એટલે તો ડૉક્ટર પાસે લઈ જાય છે મને… પણ હુંય કશું બોલવાની જ નથીને, પણ હવે રહેવાતું નથી. નથી સહેવાતું.

મારો મિત્ર ક્યાં ગયો હશે ? ઘરેથી ભાગીને મુંબઈ જાઉં ? શોધું એને ? પણ એનો ફોટો, નામ બધું સાચું હશે ? ખોટું હશે તો ?…

ઓહ ! ડૉક્ટર મને ક્લોરોફોર્મ આપો. મારે બેહોશ થઈ જવું છે. મારે બેહોશ રહેવું છે. મને ફાવી ગઈ છે બેહોશીની એ દુનિયા. પ્લીઝ, મને ક્લોરોફોર્મ આપો. એની મીઠી સુવાસ મને લઈ જશે મિત્ર સુધી…

‘જુઓ, પંખીનો કેસ બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયો છે, આપણે સાચવવું પડશે. ચિંતા ના કરો એ પાગલ નથી, પણ જો આવી પરિસ્થિતિ લાંબો સમય રહી તો થઈ શકે છે. એટલે…’

સાંજના ઉદાસ આકાશમાં એક પંખી એકલું ઊડતું હતું. ચંદ્ર ઊગીને તારાઓની સભાની રાહ જોતો હતો. ડૂબતા સૂર્યની રક્તિમ આભા ઉદાસી વધારી મૂકે તેવી બોઝિલ હતી.

પંખીને માળો જડતો ન હતો, ક્યાં જાય ?

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “એનેસ્થેસિયા – ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક”

Copy Protected by Chetan's WP-Copyprotect.