રામરસનું સ્ફટિકીકરણ – નિર્ઝરી મહેતા

Devasy kavy(‘દેવસ્ય કાવ્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

રામરસ ઐસો હૈ મેરે ભાઈ,
જો કોઈ પિયે અમર હો જાઈ !

રામરસનું પાન અદ્‍ભુત રસાયણ કહીશું ? આદિકવિ વાલ્મીકિ દ્વારા રચિત શ્રી રામકથા ભારતવર્ષના સંસ્કારજીવનને સુદ્રઢ રાખનાર કરોડરજ્જુ સમાન છે. આદિ રામાયણની સર્વપ્રથમ રચના થઈ તે પછી, માત્ર સંસ્કૃત ભાષામાં જ નહીં, ભારતની અનેક વિભિન્ન ભાષાઓમાં કેટલાય સર્જકો દ્વારા રામકથા અવતરિત થતી રહી છે. એ સર્વમાં તુલસીકૃત रामचरितमानस સર્વોપરી સ્થાને વિરાજે છે. ગુજરાતી સાહિત્યમાં જ્યારે આપણે ડુબકી મારીએ છીએ ત્યારે, એક હકીકત એકદમ સ્પષ્ટ તરી આવે છે કે ગુજરાતી સાહિત્યમાં ન તો મધ્યકાલીન સાહિત્ય કે ન અર્વાચીન સાહિત્ય. ક્યાંય રામકથા અવતરિત નથી થઈ. હા, લોકસાહિત્યમાં જનસાધારણની હૃદયોર્મિની નજીક હોય તેવાં કાવ્ય તથા લાંબાં કથાત્મક કાવ્યઆલેખન સ્વરૂપે રામકથાની અંશતઃ અભિવ્યક્તિ મળી આવે છે. શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકામાં આવી વસ્યા. ને… ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીના સર્જકોમાં પ્રેમલક્ષણા ભક્તિનાં કૃષ્ણસંકીર્તન પદો તથા મહાભારતના કથાવસ્તુ પર લખાયેલાં આખ્યાનકાવ્ય મળે છે. આધુનિક સર્જનમાં પણ કૃષ્ણકાવ્ય, કૃષ્ણચરિત્રના નવનવીન રૂપ-આયામ પ્રગટ કરતી નવલકથા, વાર્તાની શ્રેણી વગેરે મળે છે.

શું કારણ હશે ? કૃષ્ણ તથા રામચરિત્રના પુનઃ સર્જનાત્મક અવતરણના તફાવતનું ?

રામ અને કૃષ્ણ ભારતવર્ષના અતીતની બે મહાનતમ વિભૂતિ છે. કૃષ્ણચરિત્રને ઇન્દ્રધનુષી આભા કહેશું તો, રામચરિત્રને પારદર્શક, સંતર્પક જળ કહી શકાય. કૃષ્ણ જાણે કે મલયાનિલ લહર સમાન છે, તો રામ આપણને સહુને ચોગમ સ્પર્શતું પ્રાણદાયી વાયુમંડળ છે. રામચરિત્રકથાએ અગણિત સદીઓથી પ્રજાજીવનને શાંતિ, સ્વસ્થતા સામર્થ્ય પ્રદાન કર્યાં છે. શાશ્વતકાળ માટે રામકથા પ્રજાના હૃદયમાં સ્થાપિત છે. બાળપણના ‘માખણચોર’થી યોગેશ્વર વ્યક્તિત્વનો भूमा વ્યાપ તથા પૂતનાવધથી માંડીને મહાભારત યુદ્ધમાં નિઃશસ્ત્ર સારથિપણાને જીવી ગયેલ કૃષ્ણના વ્યક્તિત્વની અપાર ચરિત્રાવલિ, અપાર વૈવિધ્યસભર વ્યક્તિત્વનિખાર ગુજરાતની સર્જકતાને વધુ રુચિ ગયો. શ્રીરામજી-તો હતા પરમ સન્માનીય, હૃદયસ્થ, આદર્શમૂર્તિ ! આ પ્રગાઢ સન્માનભાવનું ઘનીભૂત આવિષ્કરણ મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ભલે સળંગ લાંબા કાવ્યરૂપે ન મળે, પણ કાવ્ય સાહિત્યમાં રમ્ય, પ્રગાઢ ભાવપિંડ રૂપ કાવ્યોમાં જરૂર મળે છે.
મધ્યકાલીન સાહિત્યમાં વ્યક્ત ‘રામરૂપ’ પર જરા નજર કરીએ.

‘રામસભામાં રમવાને ગ્યાં’તાં.’
‘પસલી ભરીને રસ પીધો જી રે !’ – નરસિંહ મહેતા
‘રામરતન પાયોજી મૈંને રામરતન ધન પાયો’ – મીરાંબાઈ
‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ – ધનાભગત

ગુજરાતના પોતાના છપ્પાને ચાબખા જેવા ચમચમાટ કરે તેવા રચનાર બળકટ કવિ અખા ભગત કહે છે – હૃદયગુફામાં રામ પ્રગટ્યા એટલે મારું મન પલટ્યું. એ જ મધ્યકાલીન સમયના કવિ ભાલણે રામના શિશુસ્વરૂપની ખૂબ મોહક અભિવ્યક્તિ કાવ્યોમાં કરી છે. મધ્યકાળનાં આ અને અન્ય સર્જકોમાં પ્રગટતાં ‘રામરૂપ’ને માણતાં અવલોકતાં એવું જણાય છે કે મોટા ભાગના સર્જકો માટે ‘રામ’ આપણા તનમાં વસતા આત્મા-‘આતમ રામ’ સ્વરૂપની વિભાવના રૂપ છે. તેથી જ કદાચ રામ કથાનકના માળખામાં અભિવ્યક્તિ નહીં થઈ શક્યા હોય.

આધુનિકકાળમાં ગુજરાતી સર્જકોની કૃતિઓમાં રામ સાથે જોડાયેલી આ પ્રકારની ભાવનાત્મક સંવેદના, પરિકલ્પના વગેરેની અભિવ્યક્તિ મળે છે. ઉમાશંકર જોશી, સુન્દરમ્‍, હસિત બૂચ, બોટાદકર, ર.વ.દેસાઈ, દુલા ભાયા કાગ, ઉશનસ્‍, અવિનાશ વ્યાસ વગેરેમાં સર્જકોમાં અભિવ્યક્તિ ‘રામરૂપ’ મનહર અને મનભર બંને છે. અહીં પણ રામચરિત્રકથા નથી મળતી.
આધુનિક કવિગણની રચનામાં રામાભિવ્યક્તિ માણીએ :

‘રામની ભોંયમાં રામની ખેતરવાડીઓ જી
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’ – ઉશનસ્

‘જગતીની જે હતી તે જાનકીને દીધી વિદાય (પરિત્યાગ)
હૃદય વસી જાનકી આજ પણ હૃદયસ્થ છે.’ (બોટાદકર)

શ્રી રામના ચરિત્રમાં ગર્ભવતી સીતાના ત્યાગ અંગે સંવેદનશીલ સર્જક બોટાદકર કેવું માર્મિક લખે છે ! ઉશનસ્‍ તો સમગ્ર સંસારને રામનું જગત ગણીને જ વાત કરે છે. શ્રી ઉમાશંકર જોશી તો કહે છે ‘આ ઘટમાં’ એક રામનામ જ ગુંજે છે. જે દરેક યુગમાં સંતમાં સંતોના હૃદયમાં વસેલ સંતોના કંઠથી ઉચ્ચારાય છે. આધુનિક સમયમાં કવિ બોટાદકરનું ‘રામાશ્વમેઘ’ – લાંબું કાવ્ય મળે છે. શ્રી અવિશાન વ્યાસ કહે છે :
‘રામ તમે સીતાજીની તોલે ન આવો,
ભલે ને તમે રામ કહેવડાવો !’

સીતાત્યાગ આધુનિક કવિને તીવ્રપણે વીંધે છે. સુન્દરમ્‍ કહે છે :
‘મને આપો આપો હૃદય પ્રભુ તે રાઘવતણું
તજી જેણે સીતા વિપળમહીં ધર્માર્થ સ્ફુરતાં.’
‘તજી તેણે સીતા વિપળમહીં દિવ્યાર્થ સ્ફુરતાં.’

ધર્માર્થ-દિવ્યાર્થના સ્ફુરણે સીતાત્યાગ થયો-સુંદરમને મતે. લોકકવિ દુલા ભાયા કાગ અહલ્યા-શીલામાંથી સ્ત્રી બને છે તે યાદ કરી નાવિક દ્વારા નાવમાં બેસતાં પહેલાં મુકાયેલ શરતનું સુંદર રમતિયાળ કાવ્ય આપણને આપે છે:
‘પગ તમારા ધોવા દ્યોને રઘુરાય
મને શક પડ્યો છે મન માં’ય !’

નાવિકને આ નિમિત્તે રામનું ચરણામૃતપાન કરવું છે ! શ્રી હસિત બૂચે વળી કાવ્યમાં નવી તરાહ અભિવ્યક્ત કરી છે. વાતવાતમાં ‘રામને જે ગમ્યું તે’ એમ કહી પ્રયત્ન ન કરનાર પર કટાક્ષ કરતાં ‘રામખાયણાં’ લખે છે. આમ અર્વાચીન કવિઓમાં અભિવ્યક્ત ‘રામનામ’ ‘રામરસ’ પણ વિશાળવ્યાપ સ્વરૂપ ‘રામ’નું વિશેષતઃ જોવા મળે છે.

ગુજરાતી સાહિત્યજગતમાં રામકથા, રામનામ ભલે પ્રચુર માત્રામાં નથી મળતાં, પણ આજે ગુજરાતી સાહિત્યના, ગુજરાતી સાહિત્ય સમગ્રની અભિવ્યક્તિની રૂખ બદલનાર સર્ગવિશેષની વાત કરવી છે – રામરસની વાતને અનુસંગે. આ સર્ગ જેમના જીવનમાં ‘રામનામ’ સૂર્ય સમાન હતું તે મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી સંબંધિત છે. ગાંધીજીના અત્યંત પ્રિય ભજન ‘વૈષ્ણવજન’ (નરસિંહ મહેતા લિખિત)માં એક સુંદર પંક્તિ છે :
‘રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના મનમાં રે’ (ન.મ.) – સાચો વૈષ્ણવજન એ જ કે જેણે રામનામ સાથે તાળી લીધી છે, એટલે કે રામનામ સાથે અજોડ, મનમેળભરી મૈત્રી જેવો અતૂટ મેળ રચાયો હોય તેવો વૈષ્ણવજન-પ્રભુનો જન હોય છે. જગતનાં સર્વ તીરથ તેના મનમાં અસ્તિત્વ ધરાવતાં હોય છે. સમાવિષ્ટ હોય છે. ગાંધીજી એવી વ્યક્તિ હતી જેમના જીવનની હર પળમાં એમના રુંવે રુંવે રામનામ વસતું હતું. ‘મારું જીવન એ જ મારી વાણી’- ગાંધીચરિત્રના ચાર ખંડ લખનાર શ્રી નારાયણ દેસાઈએ કહ્યું છે કે તેમના જીવનના आदिમાં રંભા દ્વારા આંગળી ચીંધાયેલ રામનામ હતું; ‘मध्य’ ભાગમાં દ. આફ્રિકામાં મીર આસિફથી ઘવાયેલ ગાંધીના મુખથી નીકળેલ ‘રામનામ’; ‘अंत’ ગાંધીહત્યાની પળે તેમના મુખેથી નીકળેલ हे राम ! થી તેમને તેમનો જીવનવિલય – એમ તેમના જીવનના આદિ, મધ્ય, અંતમાં રામનામ વ્યાપ્ત છે. ગાંધીજીએ પોતે જે કહ્યું છે :

“રામનામ મારા માટે અમોઘ શક્તિ છે.” – જાણે કે રામનામ તેમના જીવનની ધુરા હતી – Life line હતી ! તેમને માટે ‘રામનામ’ સત્યનો પર્યાય હતો. પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ હતું. એક પળ પણ મન-વચન-કર્મથી સત્ય અંગે પ્રમાદ ન થવો જોઈએ તેવી જીવનનિષ્ઠાનું નામ હતું. એમનું સમગ્ર જીવન રામનામ, રામભક્તિ, રામશ્રદ્ધાનું સ્ફટિકીકરણ – Crystalisation હતું.

સાહિત્યની વાત કરતાં હોઈએ ત્યારે એમાં ગાંધીજીનો ઉલ્લેખ જોતાં ઘણાંને આશ્ચર્ય પણ થાય. સામાન્યપણે આપણે જેમને સાહિત્યિક વ્યક્તિ ગણીએ એ પ્રકારના તેઓ ન હતા. જીવનને એની સમગ્રતા, અખિલાઈ સાથે જ સ્વીકારવાનો એમનો અભિનિવેશ અત્યંત તીવ્ર હતો. એને કારણે તેમના સમયમાં જરૂરી એવી દરેકેદરેક સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય ક્ષેત્રમાં તેમની તલસ્પર્શી ગતિ હતી. ભારતના બધા જ પ્રકારના દૈન્યને મહાત્‍ કરવાના હેતુસર, પોતાના વિશાળ- भूमा ધ્યેયના ફેલાયેલા વિશાળ બાહુમાં જીવનનાં બધાં જ પાસાંને લઈ તેઓ ચાલ્યા હતા. પોતે જાતે જ સ્વીકારેલ એ યુગકાર્ય માટે ભારતની આટલી મોટી જનસંખ્યા સુધી પહોંચવા માટે એમણે પત્રકારત્વને સાધન, માધ્યમ બનાવ્યું. પત્રકારત્વની સહાયથી એ અદના માનવી સુધી પહોંચ્યા. એટલે જ લખાયેલા, બોલાયેલા ‘શબ્દ’ પાસેથી, એના દ્વારા એમણે ઘણું બધું કામ લીધું. તેમનું શબ્દકાર્ય મુખ્યત્વે ગુજરાતીમાં હતું. છતાંય હિન્દી અને અંગ્રેજીમાં પણ તેમણે ઘણું લખ્યું છે – બોલ્યા છે. વિશ્વ વિખ્યાત આત્મકથા : ‘સત્યના પ્રયોગો’ આ પત્રકારત્વના કાર્યના ભાગ રૂપે જ ‘નવજીવન’માં હપ્તાવાર લખાઈ હતી. તેમાં જ રામનામ શ્રદ્ધાએ તેમને પતનની અંતિમ ધાર પાસેથી કેવી રીતે બચાવ્યા હતા તે જીવન અનુભવ પણ છે. એમના વ્યક્તિત્વની અસાધારણ સંનિષ્ઠ આભાને કારણે તે જે જે શબ્દ બોલ્યા કે તેમણે જે જે શબ્દ લખ્યા તે બધા સામર્થ્યશાળી બન્યા. આપણા મૂર્ધન્ય વિચારક, આલોચક શ્રી આનંદશંકર ધુવ કહે છે :

“આત્મસંસ્કારની સાદગીથી ભરી, શોભારૂપ એક એવી અવર્ણનીય શૈલી તેમણે (ગુજરાતી સાહિત્યમાં) ઉપજાવી કે જે વિદ્વાન-અવિદ્વાન સર્વને એકસરખી રીતે મંત્રમુગ્ધ કરી દે છે.”

ગાંધીજીના ગદ્યમાં સત્યગર્ભ સામર્થ્ય, સૌંદર્ય, ચારુતા છે. તેમના સમયના ભારતના સમગ્ર જનજીવનને એવી રીતે હલમલાવ્યું હતું, આંદોલિત કર્યું હતું… કે દેશ સમગ્રની માનવીય, સામાજિક, સાંસ્કારિક સંવેદનાને જાણે કે દશ-આંગળ જેટલી ઉઠાવીને ઉપર સ્થાપી દીધી. પછી ગુજરાતના, સંવેદનશીલ સર્જકોનાં સત્વ કેવી રીતે અણસ્પર્શ્યાં રહી શકે ? એ સમયના ગુજરાતના સર્જક સત્વના મિજાજને ગાંધીપ્રવાહને કારણે એક અલગ-વિશિષ્ટ પરિણામની પ્રાપ્તિ થઈ. પંડિતયુગની ગુરુતાના ભારવાળી પાંડિત્યપ્રધાન ભાષા અને વિભાવનાના દોરમાંથી ગુજરાતી સાહિત્યસર્જનની સહજ, નૈસર્ગિક, તરલ ભાષા અને સંવેદના, વિભાવનાના પ્રદેશમાં ગતિ થઈ. જેને કારણે સમગ્ર ગુજરાતી સાહિત્યની કાયાપલટ થઈ.

કોઈ શહેનશાહ પણ ઝંખના કરે તેવી નૈસર્ગિક, છતાંય અભિવ્યક્તિ માટે જરૂરી ઉડાન ભરતું ગદ્ય ગુજરાતી સાહિત્યને ગાંધીપ્રભાવ વગર ન મળ્યું હોત. ગાંધીનો આવો સમગ્ર જીવનના પડોમાં ઊંડે ઊતરી જાય તેવો પ્રભાવ ન વ્યાપ્યો હોત તો આટલી હદ સુધીની સાહજિક ગરિમા સુધી પહોંચતાં ગુજરાતી સાહિત્યિક ગદ્ય તથા પદ્યને પણ કદાચ બીજાં પચાસ વર્ષ લાગ્યાં હોત ! ભારતવર્ષના જનજીવનને સદીથી નિરંતર પોષતું, પલ્લવિત કરતું મહાસરિત્‍ સમાન રામનામ મોહનદાસ ક. ગાંધી સ્વયં પોતામાં આત્મસાત્‍ કરી ગયા. એ ‘રામનામ’ના સ્ફટિકીકરણે ગુજરાતી સાહિત્યજગતને વિશિષ્ટ મોડ આપ્યો. રામનામ-રામરસના પ્રભાવની આવી વિલક્ષણ ઘટનાના સંદર્ભમાં રામકથાનું જ અસાધારણ અવતરણ અનુભવાય છે. ગુજરાતી સાહિત્યની ધરતીમાં રામકથા આ સ્વરૂપે, આગવું રસાયણ બનીને પોતાની આભા ફેલાવે છે. પોતાનું અસ્તિત્વ સ્ફટિકરૂપે પ્રગટ કરે છે.

વાલ્મીકિ રામાયણમાં શોક રામકથા સ્વરૂપે તેમાં શ્લોકત્વનું પરિણામ સિદ્ધ કરે છે. વર્તમાન સમયમાં ગાંધીજીરૂપે રામકથા, રામનામ, રામરસ, રામશ્રદ્ધા ઊર્ધ્વગામી જીવનસાધનાનાં ફલસ્વરૂપે महाकाव्यत्व ત્વની ઊંચાઈને સ્પર્શે છે… અને સમગ્ર ગુજરાતી સાહિત્યને તે નવી ઓળખ આપે છે.

[કુલ પાન ૧૨૮. કિંમત રૂ.૧૪૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “રામરસનું સ્ફટિકીકરણ – નિર્ઝરી મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.