- ReadGujarati.com - http://www.readgujarati.com -

ના હોય – ડૉ. નલિની ગણાત્રા

(‘લાફપાંચમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

આ શીર્ષક એક તકિયા-કલામ છે.

ના હોય !

ખસ-ખરજવાનો રોગી ખણ્યા વગર ખિન્ન થઈ જાય છે, મૂળચંદ ટેન્શન વગર એક મિનિટ પણ ખુશ નથી રહી શકતો, દવાના આશિકો બીમારી વગર વિચલિત થઈ જાય છે, પત્નીની ઈચ્છા વગર પતિ પાંદડું પણ હલાવી શકતો નથી; એ રીતે કેટલાક રૂ વગરનાં ઓશીકાંઓ તકિયા-કલામના ટેકા વગર વાતચીત જ નથી કરી શકતાં. આવા અનેક તકિયા-કલામોમાંથી આજે આપણે ‘ના હોય’નો તકિયો ખેંચીશું.

આ ‘ના હોય્યાઓ’ પૃથ્વીના ગોળા કરતાંય મોટો આશ્ચર્યનો ગોળો ગળી ગયા હોય છે. એની સમક્ષ કોઈ પણ વાતની રજૂઆત કરો કે તુરત જ એ ગોળામાંથી આશ્ચર્યનો નાનો ટુકડો છૂટો પડીને એમના ગળામાંથી બહાર આવે : ‘ના હોય !’ હા, આપણ એમ કીધું હોય કે… ‘અમિતભાઈની હાઇટ હપુચી ગાયબ થઈ ગઈ… કે રાખી સાવંત સુધરીને આખી સંત થઈ ગઈ… કે સચિન તેંડુલકરે ક્રિકેટ છોડીને કૅરમ રમવાનું ચાલુ કર્યું અને એકસાથે છ-છ કૂકરીઓ કાઢે છે… કે કબજિયાતનો કાયમી ઉકેલ મળી ગયો… કે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભુસેટીને ભાગી ગયો… કે સોનું દસ રૂપિયે તોલો થઈ ગયું… કે આજે અમે જીવતું ડેડ બૉડી જોયું… કે ઑક્સિજનનો બાટલો ચડાવતાં અમરભાઈ ઑફ થઈ ગયા… કે કોઈક વહુની સગ્ગી સાસુ ગુજરી ગઈ કે મૂળચંદે પત્નીની વાતમાં આને ‘ના.. એ ના’ કરી કે પડોશીએ મને મોંઘી ડુંગળીનો જ્યૂસ પિવડાવ્યો… કે આજે તો મેં એક સુકલકડી સંવેદનશીલ પ્રધાન જોયા… આવી બાબતોના સમાચારોના પ્રત્યાઘાતમાં એ ‘ના હોય !’ બોલે તો બરાબર, પરંતુ આ તો આપણે કહીએ કે દમુબહેનને દીકરી આવી કે દક્ષાબહેનને દીકરો આવ્યો… તોય તુરત જ કહેશે, – ‘ના હોય !’ અલા, સુવાવડમાં દીકરો કે દીકરી ન આવે તો શું બૂટ, મોજાં ને ફટાકડા આવે ? એક વાર મેં કીધું કે ‘અમારા નળમાંથી ભીનું પાણી આવે છે’, તોય કહે કે, ‘ના હોય !’ લ્યો બોલો, નળમાંથી કે નભમાંથી પાણી તો ભીનું જ આવે ને ? પણ એને કેમ જાણે કોરા પાણીના ધોધનો ધંધો હોય, એમ આપણી આવી કુદરતી વાતમાંય એ પોતાનો નન્નો નોંધાવી દે ! મારી બહેને એની ફ્રેન્ડને કહ્યું કે, ‘નલિની ગણાત્રા મારી બહેન છે.’ તો એ ફ્રેન્ડ કહે, ‘ના હોય !’ ‘ઓત્તારી’, લેખકો શું ભૂત-બાવા છે તે એમને ભાઈ-બહેન પણ ન હોય ? લેખક છે તે શું થઈ ગયું ? એ બિચારાં કોઈકનાં કાંઈક ને કાંઈક તો થતાં જ હોય ને ? એમને સાવ સંબંધ બહાર મૂકી દેવાનાં ?

આ ‘ના હોય્યા’ને મેં એક વાર સમાચાર આપ્યા કે પેલા દુષ્કરભાઈના દીકરાને મ્યુનિસિપાલિટી સ્કૂલમાં એડમિશન મળી ગયું. તોય કહે : ના હોય ! કેમ ભઈ, મ્યુનિસિપાલિટી સ્કૂલનો તું એકમાત્ર વારસદાર છે તે બીજા કોઈને એમાં એડમિશન ના મળે ?! મ્યુનિસિપાલિટીની સ્મેલ લેવાનો તારા સિવાય કોઈને હક્ક જ નહીં ? એક વાર મેં દુઃખી દિલે કીધું કે મારા પગ તળે કીડી ચગદાઈ ગઈ. તો કહે, ના હોય ! હું તો ગુસ્સે થઈ ગઈ કે મારા પગ તળે કીડી ન ચગદાય તો શું હાથી-ઘોડા ચગદાય ! સીઝનલ વાત કરવા ખાતર કરતાં આપણે કહીએ કે આજે તો ઠંડી કે ગરમી બહુ છે, તોય કહેશે… ના હોય ! આપણને સાચી શંકા થઈ આવે કે આવડો આ પોતાના સમગ્ર સંવેદનાતંત્ર પર એનેસ્થેશિયાનો લેપ લગાવીને બેઠો લાગે છે, જે બર્નિંગ ઠંડી-ગરમીના અહેસાસથી પણ અલિપ્ત રહેતો ફરે છે. એક વાર પડોશી બહેને કીધું કે આજે તો પવનથી અમારાં કપડાં ક્લિપ સોતાં ઊડી ગયાં… ના હોય ! ભઈલા, તારા પાડોશીએ બે રૂપિયાની બાર ક્લિપો ખરીદી હશે એટલે કપડાં નારાજ થઈ ગયાં હશે. એમને ઓછું આવી ગયું હશે, એટલે એમણે ક્લિપને કહ્યું હશે કે હાલ, આપણે બેય હાલી નીકળીએ. એટલે ક્લિપ સાથે સૂકવેલાં કપડાં ઊડી ગયાં હશે !

બીજોરાભાઈએ જાહેર કર્યું કે મારી બી.એ. દીકરીને બૅક્ટેરિયોલોજિસ્ટ છોકરો મળ્યો… ના હોય ! હે મૂળચંદ, આમાં તું શું કામ આશ્ચર્યથી આટલો ચકિત થઈ જાય છે ? એની દીકરી આજે બી.એ. છે, પણ લગ્ન પછી તો એ ‘બૅક્ટેરિયા’ને બિવડાવશે ! તું શાતા રાખ ને ! એક વાર મેં મૂળચંદને કીધું કે ગઈ કાલે તમારો ભાણાવદરવાળો ભાઈ મળ્યો’તો, તો કહે, ના હોય ! મેં કીધું કેમ, એ દેવ થઈ ગયો છે ?! અંડરવર્લ્ડમાં છે ?! જેલમાં છે, તે ના મળે ! બધું જ ના હોય… ના હોય… એવું ના હોય ! તને જે ‘ના હોય’ એવું લાગતું હોય એનું લિસ્ટ આપ, જેથી અમને તારી સાથે વાત કરતાં ફાવે !

આ ‘ના હોય્યા’ પાસે કોઈના મરવાની વાત તો કરાય જ નહીં. છોલુભાઈ મિસ્ત્રી છેલ્લાં છત્રીસ વરસથી છેલ્લાં ડચકાં ખાતા હોય અને એના મરી ગયાના સમાચાર સાંભળીનેય એની (મૂળચંદની) સ્વરપેટીમાંથી ‘ના હોય…’ નીકળી આવે. મૂળચંદને એવો અહમ્‍ હોય કે હું સદરહુની અવસાનનોંધ વાંચું એ પહેલાં ઈવડો ઈ કેવી રીતે ગુજરી જાય ?

પણ આવી ‘નેગેટીવ કૉપીઓ’ જાણે પૃથ્વી સિવાયના અન્ય લોકના રહેવાસી હોય એમ એમને અહીંની બધી ઘટનાઓ અજાયબી જેવી જ લાગ્યા કરતી હોય એવું આપણને લાગ્યા કરે. જોકે કદાચ એવુંય હોય કે તેઓ ‘ગર્ભગરીબ’ હોય અને ગરીબાઈ સિવાય કંઈ જોયું જ ન હોય, એટલે બધી બાબતોમાં એમને નવાઈઓ જ લાગ્યા કરતી હોય ! કે પછી તેઓએ ‘નેગેટીવ પર્સનાલિટી’માં પીએચ.ડી. કર્યું હોય એની વે, આ તો હું આવું વિચારું છું, એવું કદાચ ના હોય !

ટૂંકમાં, આપણે કેમ જાણે આખો દિવસ જૂઠેજૂઠું જ ચલાવતાં હોઈએ એમ આપણી બધી વાતમાં એ ‘ના હોય – ના હોય’ જ કર્યા કરે. આવા જ એક માથાભારે ‘તકિયા’થી ત્રાસીને એક વાર એને ભેરવવા મેં કીધું : ‘મેં તો એવું સાંભળ્યું કે તું હજી જીવે છે ?…’ તોય ‘મૂઓ’ બોલ્યો, ના હોય ! આમ એ મરે પણ ‘તકિયો’ ન છોડે !

આવી ‘નેગેટિવ બ્રાન્ડ’ની સંગતમાં રહીને મારાથી પણ એકવાર લોચો મરાઈ ગયો. અમારા સ્ટાફનાં એક બહેને એમના હસબન્ડની ઓળખાણ કરાવતાં મને કહ્યું કે, ‘નલિનીબહેન, આ મારા હસબન્ડ છે.’ અને મારાથી તરત જ બોલાઈ ગયું : ‘ના હોય !’ કોઈ છોકરી એના મિત્રની ઓળખાણ ‘ધરમના ભાઈ’ તરીકે કરાવે તો ‘ના હોય’વાળી શંકા કરાય, પણ મેં તો એક રોકડા પતિને સાવ ઉધાર જેવો કરી નાખ્યો ! એટલે ક્યારેક તો અકળાઈને એવું ઈચ્છાઈ જાય કે આવા લોકો આપણી વચ્ચે ‘ના હોય’ તો સારું.

ક્યાં શ્રી અબ્દુલ કલામ અને ક્યાં આવા રૂ વગરના તકિયા-કલામ (ખોર)શ્રી ! પહેલાને જમણા હાથે સલામી આપવાનું દિલ થાય અને બીજાને જમણા પગે સલામી ‘મારવાનું’ મન થાય.

તકિયા નાના, મોટા, આડા, ઊભા, ચોરસ, ગોળ, લંબગોળ હોય, એમ તકિયા-કલામ પણ અનેક પ્રકારના છે. પરંતુ એક જ પુસ્તકમાં બે તકિયા-કલામ ના હોય !

છમ્મવડું :
‘નલિનીબહેન, તમારો લેખ સરસ છે.’
‘ના હોય !’

[કુલ પાન ૧૭૨. કિંમત રૂ.૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]