દર્શિની – બકુલ દવે

(‘નવનીત સમર્પણ’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

‘સંદીપ તને કેવો લાગે છે, મમ્મી ?’ દર્શિનીએ પૂછ્યું.

પુષ્પાબહેન ક્ષણ બે ક્ષણ કશું બોલ્યા વગર ઓશીકાને ગલેફ ચડાવતાં રહ્યાં. સંદીપને એમણે એક-બે વાર અલપઝલપ જોયો હતો. દર્શિનીએ જ એમને પરિચય કરાવ્યો હતો કે એ અને સંદીપ બહુમાળી મકાનમાં જુદી જુદી ઑફિસોમાં નોકરી કરે છે.

દર્શિની શું કહેવા માગે એ તે પુષ્પાબહેનને સમજાયું. છતાં પણ એમણે વધુ સ્પષ્ટતા કરવા માટે પૂછ્યું : ‘કેવો લાગે છે એટલે?’

‘એટલે એમ કે હું અને સંદીપ એકબીજાને પસંદ કરીએ છીએ…’ પુષ્પાબહેને વિચાર્યું કે દર્શિનીને ગમે છે તો પછી એમણે એની પસંદગીમાં વચ્ચે શા માટે આવવું જોઈએ ? છેવટે એ બંનેએ એકબીજાની સાથે રહેવાનું છે. એમને એમના પતિ રાજુભાઈનું સ્મરણ થઈ આવ્યું. એ હયાત હોત તો એમણે પણ એવું જ કહ્યું હોત કે દર્શિનીને સંદીપ ગમે છે તો ભલે એ બંને લગ્ન કરે. દર્શિની એમનું એકમાત્ર સંતાન હતી. એ હંમેશા એને ખુશ રાખવા પ્રયત્ન કરતાં. એની ખુશીમાં એ પોતાની ખુશી જોતાં.

‘કેમ. કંઈ બોલતી નથી, મમ્મી ? તને પસંદ ન હોય તો હું સંદીપને ભૂલી જઈશ…’

‘મને શા માટે પસંદ ન હોય ?’ દર્શિનીનો હાથ પોતાના હાથમાં લઈ પુષ્પાબહેન બોલ્યાં, ‘પણ મારી ઈચ્છા છે કે હું સંદીપનું ઘર જોઈ લઉં ને એના પેરેન્ટ્સને મળી લઉં.’

‘મમ્મી એ લોકો પણ તને મળવા ઈચ્છે છે…’ પુષ્પાબહેન સંદીપ અને એનાં માતાપિતાને મળવા માટે એમના ઘરે ગયાં. સરસ મજાનું ઘર હતું. વેલફર્નિશ્ડ અને સુઘડ. ઘરમાં ગોઠવેલી વસ્તુઓથી એમની સૌની ઉત્તમ રુચિ વિશે પુષ્પાબહેનને આદર જાગ્યો. ટિપાઈ પર ટોલ્સ્ટોયનું પુસ્તક હતું – ‘ત્યારે કરીશું શું ?’ સંદીપના પપ્પા જગદીશભાઈ સાથે ઓળખાણ નીકળી. એ અને રાજુભાઈ કૉલેજેમાં એક વર્ગમાં સાથે ભણતા હતા, ઉષાબહેન મળતાવડાં જણાયાં. પુષ્પાબહેનની ભીતર બરફ જેમ થીજી ગયેલું અજાણ્યાપણું ઓગળવા લાગ્યું. એમને હૈયાધારણ થઈ કે આ ઘરમાં દર્શિનીને મુશ્કેલી નહીં પડે ને એમને પોતાને પણ આ નવાં સગાંની હૂંફ રહેશે. સંદીપે આગ્રહ રાખ્યો કે દર્શિની નોકરી છોડી દે. કશુંક પામવા માટે કશુંક છોડવું પડે છે તેમ વિચારી દર્શિનીએ તે વાત પણ માન્ય રાખી.

દર્શિની અને સંદીપનાં લગ્ન થઈ ગયાં. પૂરત, ચોરી, હસ્તમેળાપ અને જમણવાર. કોલાહલ અને ધમાચકડી પછી જાન ઊઘલવાની ક્ષણ આવી પહોંચી. મંત્રો અને લગ્નગીતો થંભી ગયાં. વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો. સવારે ચહલપહલ હતી ત્યાં અને અત્યારે આડીઅવળી ખુરસીઓ પડી છે ને ભોંય પર ચીમળાયેલાં ફૂલો. દોડાદોડી કરતાં બાળકો શાંત ઊભાં રહી ગયાં. ઢોલી નિસ્પૃહ થઈને કોઈના ઓટલા પર બેસી બીડી પીવા લાગ્યો.

‘ઈનોવા’ મોટરકારની પાછળની સીટમાં દર્શિની સંદીપની નિકટ બેઠી હતી. સ્પ્રે અને ફૂલોની ખુશ્બૂ સાથે આખો દિવસ અગ્નિની સામે રહ્યા હોવાને કારણે ઊંડેઊંડે ધુમાડાની વાસ પણ આવતી હતી. દર્શિનીએ સગાંસંબંધીઓ વચ્ચે પુષ્પાબહેનને જોયાં. એને થયું કે પુષ્પાબહેન કશા અદૃશ્યનો ટેકો લઈને ઊભાં છે. અમસ્થું જીવનમાં પણ કોઈ આધાર ન મળતો હોય એવું જણાયું ત્યારે એ અદૃશ્યના સહારે જ તાકી રહ્યાં તે દર્શિનીએ ઘણી વાર જોયંી છે. પણ અત્યારે છે એવાં ઢીલાં એણે એમને ક્યારેય જોયાં નથી, રાજુભાઈનું લ્યુકેમિયામાં મૃત્યુ થયું ત્યારે પણ નહિ. રાજુભાઈ ધીરે ધીરે મૃત્યુ તરફ જઈ રહ્યા હતા તે દિવસો એક ક્ષણમાં જ એની સ્મૃતિમાંથી પસાર થઈ ગયા. રાજુભાઈનું મ્રૂત્યુ થયું ત્યારે દર્શિની માંડ દસ વર્ષની હતી. એ ડઘાઈ ગઈ હતી. પુષ્પાબહેને આંસુ બહાર આવવા દીધાં ન હતાં. ખૂબ સંઘર્ષ કરી એમણે રાજુભાઈની ઈચ્છા હતી તે મુજબ દર્શિનીને ઉછેરી અને ભણાવી હતી.

અચાનક મોટરે સહેજ વળાંક લીધો ને પુષ્પાબહેન દેખાતાં બંધ થયાં. ઘર, ફળિયું, ફળિયામાં એણે વાવ્યું હતું તે સપ્તર્પણીનું ઝાડ અને સ્વજનો બધું પાછળ જતું ગયું. દર્શિનીની આંખોની ધાર પર આવી ગયેલાં આંસુ જોઈ સંદીપે ધીમેથી કહ્યું : ‘લૂછીશ નહીં, આંસુ સાથે તું સુંદર લાગે છે…’

દર્શિનીને વિચિત્ર લાગ્યું. આ રોમેન્ટિક થવાનો સમય છે ? એણે તીરછી નજરે સંદીપ સામે જોયું. એના ચહેરા પર સ્મિત હતું.

લગ્નની પહેલી રાત્રે સંદીપે કહ્યું : ‘આજથી હું તને દામિની કહીને બોલાવીશ…’

‘કેમ ?’

‘વેરી સિમ્પલ હવેથી તું દર્શિની રાજુભાઈ શાહ નહિ, પણ દામિની સંદીપ ઓઝા તરીકે ઓળખાઈશ.’

દર્શિનીને આ ન ગમ્યું. જે નામ સાથે એ ચોવીસ વર્ષ સુધી જીવી એને કોઈ એકઝાટકે બદલી નાખે તે કેવું ? આ તો જામી ગયેલા છોડને મૂળિયાં સોતો ઉખેડી બીજે રોપવા જેવું હતું. તેમ કરવાથી છોડ કરમાઈ જવાની પણ શક્યતા હોય છે. એણે નમ્રતાથી વિરોધ કર્યો : ‘મારું નામ શા માટે ફેરવવું જોઈએ, સંદીપ ? દર્શિની નામ સારું નથી ?’

‘-પણ મને દામિની વધુ સારું લાગે છે…’ દર્શિનીને આઘાત લાગ્યો : મારું નામ બદલવાનો નિર્ણય લેતાં પહેલાં સંદીપે મારી ઈચ્છાનો કોઈ વિચાર જ નહિ કરવાનો ? પોતાની જ ઈચ્છા જોવાની ? દર્શિની નામ રાજુભાઈએ રાખ્યું હતું. દર્શિની નામ દર્શિનીને એના પપ્પા સાથે જોડી રાખતું. અમસ્તુંય એ નામ સાથે એનાં કેટકેટલાં સ્મરણો ગૂંથાયેલાં છે. છેક જન્મથી એક નામ સાથે જીવ્યા પછી આટલાં વર્ષે બીજા નામ સાથે જીવવું કેટલું અઘરું છે એ સંદીપને શું ખબર પડે ?

નામનો એક જાદુ હોય છે, નશો હોય છે. ‘દર્શિની’ નામ એ રીતે મને સાવ ફિક્કું લાગે છે. ‘દામિની’ સંબોધન કરતાં જ કેવું મોં ભરાઈ જાય છે…

એમ તો દર્શિનીને પણ સંદીપનું નામ ક્યાં ગમે છે ? એને સંદીપનું નામ બદલવાનું હોય તો એ એનું નામ અદ્વૈત રાખે. એને ‘અદ્વૈત’નું સંબોધન કરતી વેળાએ એ પોતે અદ્વૈતભાવ અનુભવે. એને થયું કે આ વાત એ સંદીપને જણાવે. પણ એને ખબર હતી કે સંદીપ એની વાત કદીયે સ્વીકારશે નહીં. આ સમાજમાં રહેતો કોઈ પુરુષ આવું ન સ્વીકારે. મનને અનેક વાર સમજાવવા છતાંય એને સમજાયું ન હતું કે લગ્ન પછી પુરુષે એની પત્નીનું નામ શા માટે ફેરવવું જોઈએ. પુરુષ જો એવું કરી શકે તો સ્ત્રી શા માટે નહીં ? પણ કોઈ સ્ત્રીએ એના પતિનું નામ બદલાવ્યું હોય એવું એણે ક્યારેય જાણ્યું નથી.

દર્શિનીનું ભીતર અણગમાથી ભરાઈ ગયું. પણ એણે એને વ્યક્ત થવા દીધો નહીં. એણે વિચાર્યું કે હજી એમના લગ્નની શરૂઆત છે. દામ્પત્યજીવનમાં મતભેદો તો રહેવાના જ. થોડું સહન કરવું પડે તો પણ એણે સંઘર્ષને ટાળવો જોઈએ, કારણ કે દામ્પત્યજીવનને કાચનું વાસણ છે એમ કહીએ તો એને એક વાર તિરાડ પડી જાય પછી એને સાંધો તોય તો એ અગાઉ જેવું તો ન જ રહે. આખીયે વાતને એ પોઝિટિવલી કેમ ન વિચારી શકે ? સંદીપને જો પોતે પ્રેમ કરતી હોય તો એને જે ગમતું હોય તે એ પોતાને ગમતું ન કરી શકે ?

દર્શિનીએ મન સાથે સમાધાન કરી લીધું. પણ નવા નામથી પોતાને ઓળખવામાં એને મૂંઝવણ થતી હતી. એને લાગ્યું કે પોતે રાજુભાઈ અને પુષ્પાબહેનની પુત્રી દર્શિની નહીં, પણ કોઈ સાવ અજાણી વ્યક્તિ છે, જેને એ પોતે પણ ઓળખતી નથી. સંદીપ એને ‘દામિની’ કહી સંબોધન કરે છે ત્યારે એ જાણે અન્ય કોઈને બોલાવતો હોય એવું લાગ્યા કરે છે ? અંતરંગ ક્ષણોમાં પણ સંદીપ વારંવાર ‘દામિની-દામિની-દામિની’નું રટણ કરે છે ત્યારે જ એ ચરમબિંદુએ પહોંચી શકે છે. તે ક્ષણે દર્શિની પોતાનું શરીર ત્યાં જ રાખીને ક્યાંક દૂર દૂર ચાલી જાય છે. એને થાય છે, પોતે પરણેલી હોવા છતાંય હજી કુંવારી જ છે.

એક સવારે સંદીપે જાગતાંની સાથે કહ્યું હેપી બર્થ ડે ટુ યુ. દર્શિનીને ગમ્યું. એ રાજી થઈ ગઈ. પણ બીજી જ ક્ષણે સંદીપે પૂછ્યું- દામિની, હું તને શું ગિફ્ટ આપું ?- કે તરત જ એનો રાજીપો અળપાઈ ગયો. એને કહેવાનું મન થયું કે મને ગિફ્ટ આપવી હોય તો મને મારું નામ પાછું આપ. મારું ‘હોવું’- મારી ઓળખાણ પાછી આપ. પણ તરત જ એણે પોતાની જાતને ઠપકો આપ્યો કે સંદીપની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દેવાનું નક્કી કર્યું છે પછી આવી અપેક્ષા શા માટે ? એણે માત્ર એટલું કહ્યું : તને જે ઈચ્છા પડે તે લાવ…

સાંજે સંદીપે દર્શિનીના હાથમાં સાડી મૂકી. લાલ ચટ્ટક રંગની સાડી. ભડકીલો લાલ રંગ દર્શિનીની આંખમાં ખૂંચ્યો. એણે પૂછ્યું : ‘આ સાડી બદલાવી ન શકાય ?’

પણ એના શબ્દો શૂન્યમાં તરતા રહ્યા. કશું સાંભળ્યું જ ન હોય તેમ સંદીપે કહ્યું : ‘દામિની, આ સાડીમાં તું દીપી ઊઠીશ. તારા નામને સાર્થક કરે તેવી-વીજળી જેવી તું લાગીશ-ઝળાંહળાં.’

સાડી પર હાથ પસરાવતાં દર્શિનીને લાગ્યું કે તે ખાસ્સી મોંઘી હોવી જોઈએ. સંદીપ પ્રેમથી લાવ્યો છે ત્યારે એણે પોતાની પસંદગીને મહત્વ ન આપવું જોઈએ. પ્રેમ સમર્પણ માગે છે ને ત્યાગ પણ. સંદીપ ખુશ થતો હોય તો બીજું કંઈ વિચારવાનો પ્રશ્ન જ ક્યાં છે ? આ સાડીમાં સંદીપને એ સુંદર લાગે છે એટલું જ પૂરતું નથી ? સંદીપ સિવાય એણે બીજા કોની સામે સુંદર દેખાવું છે ?

એક બપોરે દર્શિની રૂમની સફાઈ કરી રહી હતી. સંદીપની ચીજો ખૂબ અવ્યવસ્થિત પડી હતી તે એ ગોઠવવા લાગી. પુસ્તકો અને ફાઈલોના ઢગલામાંથી એને એક ડાયરી મળી આવી. એ સંદીપની અંગત ડાયરી હતી. ભલે પતિની હોય તો પણ અંગત ડાયરી રજા સિવાય વંચાય ? એને પ્રશ્ન થયો. તો પણ એણે મુખપૃષ્ઠ ઉઘાડ્યું. પહેલા જ પાના પર મરોડદાર અક્ષરોમાં લખ્યું હતું : દામિનીને અર્પણ. એ કુતૂહલ ન રોકી શકી. દામિની એટલે એ પોતે. આ ડાયરી સંદીપે એની પત્નીને સંબોધીને લખી છે એટલે હવે એ એને વાંચી શકે, એણે વિચાર્યું. શું લખ્યું હશે સંદીપે એના માટે ? એણે પાનું ફેરવ્યું. દામિનીને સંબોધીને એક કવિતા લખાયેલી હતી. દર્શિનીને સારું લાગ્યું. કવિતામાં ભરપૂર પ્રેમ વ્યક્ત થયો હતો. દર્શિનીને જાણે ચંદનનો લેપ થઈ રહ્યો. પણ ડાયરીનાં વધુ એક-બે પાનાં ફેરવતાં જ એના ભ્રમનું નિરસન થયું.

રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રી દામિનીનો સંદીપ ચાહક જ નહિ, દીવાનો હતો. દામિનીનું પ્રત્યેક નાટક એણે એક વાર નહિ, પણ અનેક વાર જોયું હતું. તે વિશે એણે એની ડાયરીમાં વિગતે લખ્યું હતું. દામિનીનો મોહક અવાજ, એની સંવાદ બોલવાની છટા અને વસ્ત્રો પહેરવાની એની આગવી સૂઝ વિશે સંદીપે પોતાની અધૂરી ઈચ્છાઓના રંગ પૂરીને ડાયરીમાં પાનાં ભરીને લખ્યું હતું.

દર્શિનીએ પણ દામિની દ્વારા અભિનીત બે’ક નાટકો જોયાં હતાં, પણ સંદીપે એનામાં જે જોયું હતું એવું કશું એને એનામાં ક્યાંય દેખાતું ન હતું. દામિનીના અભિનય કરતાં પણ વધુ સંદીપને એનું મારકણું રૂપ આકર્ષી ગયું હતું, એ બાબતનું સમર્થન કરતી હોય તેવી ઘસાઈ-પીટાઈ ગયેલી શાયરીઓ એણે પાનેપાને લખી હતી. કેટલીક જગ્યાએ એ દામિનીને ન પામી શક્યો એનો અફસોસ એણે કોઈ કરુણ ગીતની ધ્રુવપંક્તિની જેમ ચૂંટ્યો હતો. ફિલ્મી ગીતની પંક્તિઓ પણ લખી હતી.

એક પાના પર દામિનીની તસવીર પણ ચિપકાવેલી હતી. તસવીરમાં દામિનીના હસ્તાક્ષર હતા : ટુ માય ડિયર ફ્રેન સંદીપ, વિથ લવ-દામિની. દર્શિનીને સંદીપના વલણ અને વ્યવહારમાં ઘણું સમજાતું ન હતું તે સમજાવા લાગ્યું. કશું ન ગમે એવું બને ત્યારે લગ્નજીવનમાં આવું ચાલ્યા કરે એમ વિચારી આજ સુધી એ પોતાની જાતને આશ્વસ્ત કરતી રહેતી હતી તે આશ્વાસનનું પોટલું એકાએક ફસકાઈ ગયું. એની ભીતર સૂનકાર છવાઈ ગયો – સર્કસ આવીને ચાલ્યું જાય પછીની રાત્રે મેદાનમાં હોય તેવો. ક્ષુબ્ધ નજરે એ દામિનીની તસવીરને જોતી રહી. લાલચટક સાડીમાં, મોહક રૂપછટા વીખેરતી દામિની એની સામે મલકાઈ રહી છે કે શું ?

દર્શિનીને થયું કે અત્યારે જ એ સંદીપ સાથે મોબાઈલ પર તડ અને ફડ કરી નાખે કે દામિની એના હૃદયમાં આટલે ઊંડે સુધી ઊતરી ગઈ હતી તો એણે લગ્ન શા માટે કર્યાં. પણ એણે તેમ ન કર્યું. સંદીપને ઑફિસેથી ઘેર પરત આવવાને ક્યાં વાર છે ? એ રૂબરૂ જ વાત કરશે. એ સંદીપના આવવાની પ્રતીક્ષા કરવા લાગી. છ વાગ્યા, સાડાછ થયા અને સાત થયા તો પણ સંદીપ ન આવ્યો. સાડાસાત વાગ્યે ફોનની ઘંટડી રણકી ઊઠી. દર્શિની વિચારોમાંથી બહાર આવી ને એણે ફોન ઉપાડ્યો : હેલ્લો…

‘હું અનિકેત બોલું છું… હું સંદીપભાઈની સાથે કામ કરું છું.’

‘હા, બોલો.’

‘સંદીપભાઈનું સ્કૂટર ટ્રક સાથે અથડાયું છે અને…’

‘અને શું ?’ દર્શિનીથી માંડ બોલી શકાયું.

‘સંદીપભાઈને ‘ગાંધી’ હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં એડમિટ કર્યા છે. તમે ઝટ આવો.’

દર્શિની એનાં સાસુ અને સસરા સાથે હોસ્પિટલ પહોંચી ત્યારે સંદીપ જીવનમૃત્યુ વચ્ચે એક પાતળી દોરથી ઝૂલી રહ્યો હતો. ડૉક્ટરે કહ્યું – બોતેરે કલાક કટોકટીના છે.

દર્શિની સંદીપના ચહેરા સામે તાકી રહી. સંદીપનો ચહેરો જોતાંજોતાં એ ઉત્કટ સંવેદનાની એક ક્ષણ પર સ્થિર થઈ ગઈ. એ સ્થળ-કાળનું ભાન ભૂલી ગઈ. પોતે દામિની છે કે દર્શિની એ પણ ભૂલી ગઈ. એને એટલું જ યાદ રહ્યું કે એ સંદીપની પત્ની છે. નિશ્ચયનું તેજ એની આંખોમાં ચમકી રહ્યું. સંદીપને કશું થવું ન જોઈએ. એ પોતાની પાસે જ રહેવો જોઈએ. પોતાનું સમગ્ર એણે સંદીપની સારવારમાં કેન્દ્રિત કરી દીધું. એના માટે સમયનું વહેણ અટકી ગયું. દિવસરાત એક થઈ ગયાં. સંદીપનું હોવું જ એના માટે પોતાનું હોવું હતું. ફૂંકાતા પવનથી ક્યારેક ભભૂકતી તો ક્યારેક ક્ષીણ થઈ જતી દીવાની જ્યોતને હથેળીની આડશ કરી એ બેસી રહી. બહારથી મૌન પણ અંદરથી એ ઉભડક બેસી રહી.

બોતેર કલાકે સંદીપે આંખો ઉઘાડી ત્યારે દર્શિનીને પોતાનામાં સંચાર થયો હોય એવું લાગ્યું. પોતે હોસ્પિટલમાં છે એનું ભાન થયું. શરીર હોવાનું ભાન થયું.

બે દિવસ પછી આસપાસ કોઈ જાણીતું ન હતું ત્યારે સંદીપે ધીમેથી કહ્યું : ‘દર્શિની, મારી પાસે જ રહેજે… ક્યાંય જઈશ નહીં…’

સંદીપે પોતાને ‘દર્શિની’ કહી બોલાવી ? દર્શિનીને થયું કે એની સાંભળવામાં ભૂલ થઈ કે શું ?

સંદીપે એને ઢંઢોળી : ‘દર્શિની, તને કહું છું…’

‘હા, મેં સાંભળ્યું. હું અહીં જ છું, તારી પાસે. તને છોડીને હું ક્યાં જવાની છું ?’

Leave a Reply to Vallabh Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “દર્શિની – બકુલ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.