આપણી લાઈફને આપણે પૉઝિટિવ થિન્કિંગની પાઠશાળા બનાવી દઈએ – રોહિત શાહ

જિંદગી ન મિલેગી દોબારા(‘જિંદગી ના મિલેગી દોબારા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

એક કપલ ચાર ધામની યાત્રાએ નીકળ્યું. તેમની બસ કોઈ પર્વતના ઢોળાવનાં ચક્કર કાપતી નીચે ઊતરી રહી હતી. એવામાં કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ઝઘડો એટલી હદે વધી ગયો કે બન્ને જણ બાકીની યાત્રા રદ કરી દઈને છૂટાં પડવા તૈયાર થઈ ગયાં. પતિએ ડ્રાઇવરને રિક્વેસ્ટ કરીને બસ થોભવવા કહ્યું. બસ ઊભી રહેતાં જ પતિ-પત્ની બસમાંથી ઊતરી ગયાં. બન્ને જણ એકબીજા સામે મોઢું ફુલાવીને ઊલટી દિશામાં જોઈને ઊભાં રહ્યાં.

એમને ત્યાં ઉતારી દઈને બસ જરાક આગળ વધી, ત્યાં જ એક બહુ મોટો ભયાનક અવાજ સંભળાયો. પેલા કપલે અવાજની દિશામાં જોયું તો બન્ને જણ ચોંકી ઊઠ્યાં ! જે બસમાંથી તેઓ બન્ને હજી ત્રીસ સેકન્ડ પહેલાં ઝઘડીને નીચે ઊતર્યાં હતાં એ બસને ઍક્સિડન્ટ થયો હતો. પર્વત ઉપરથી કોઈ મોટી શિલા ગબડતી-ગબડતી આવીને બસ સાથે ટકરાઈ હતી. બસમાં બેઠેલા ત્રણ-ચાર યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા, કેટલાક ઘાયલ થયા હતા. એ જોઈને પતિ બોલ્યો, ‘હાશ ! સારું થયું ! આપણે બચી ગયાં ! આપણે ઝઘડીને બસમાંથી નીચે ન ઊતરી ગયાં હોત તો કદાચ આપણેય આ ઍક્સિડેન્ટમાં કાં તો મૃત્યુ, કાં તો ઈજા જરૂર પામ્યાં હોત. જે થાય એ સારા માટે !’

પતિની વાત સાંભળીને પત્નીએ જવાબ આપ્યો, ‘તમે હંમેશાં સ્વાર્થનો સાંકડો વિચાર જ કરો છો. આપણે બે જણ બચી ગયાં એ ઘટનાને તમે “સારું થયું” કહો છો, પણ બીજા લોકો મૃત્યુ પામ્યા, ઈજા પામ્યા અને હવે બાકીના યાત્રાળુઓની યાત્રા ડિસ્ટર્બ થઈ એ તમને કેમ નથી દેખાતું ? સાચી વાત તો એ છે કે જો આપણે ઝઘડ્યાં જ ન હોત… જો આપણે બસ ઊભી રખાવી ન હોત… જો આપણે બસમાંથી ઊતરવાનો સમય બગાડ્યો ન હોત તો… આ બસ પસાર થઈ ગયા પછી પેલી શિલા પડી હોત અને તમામ યાત્રાળુઓ બચી ગયા હોત !’

એક જ ઘટનાને અનેક રીતે જોઈ શકાય છે, મૂલવી શકાય છે. આપણે ત્યાં રાત હોય એટલે આપણે એમ માની લઈએ કે જગતમાં સર્વત્ર અંધારું છે, તો આપણે ખોટા છીએ, કારણ કે બરાબર એ જ વખતે પૃથ્વીના બીજા – સામા છેડે તો મધ્યાહ્ન (મિડ-ડે) હોય છે ! કોઈ માણસ ગુસ્સે થતો હોય ત્યારે આપણને તેનો ગુસ્સો જ દેખાતો હોય અને તેની સચ્ચાઈ ન દેખાતી હોય તો સમજવું કે આપણી આંખે અંધાપો છે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ સંપૂર્ણ સારી કે સંપૂર્ણ ખરાબ નથી હોતી. આપણે બસ આપણા મતલબ મુજબ એનો અર્થ કરી લેતા હોઈએ છીએ.

એક માણસને વાતે-વાતે વાંધા પાડવાની અને બીજાની ભૂલો કાઢવાની હૅબિટ હતી. એક વખત રસ્તેથી ચાલીને જતાં એ થાકી ગયો અને વડલાના વૃક્ષ નીચે બેઠો. તેણે જોયું તો વડલાના ઘેઘૂર વૃક્ષની મોટી-મોટી ડાળીઓ હતી અને ડાળીઓ ઉપર નાના-નાના ટેટા (વડનાં ફળ) હતા. તેની નજર ફરતી-ફરતી સામે એક વેલ પર પડી. વેલ ખૂબ પાતળી હતી અને એના પર મોટું કોળું લાગેલું હતું. એ જોઈને પેલા વાંધાપાડુ માણસના દિમાગમાં કીડો સળવળ્યો. તે સોચવા માંડ્યો કે કુદરત સાવ મૂરખ જ છે. આટલા મોટા વડલા પર નાનકડા ટેટા લગાડ્યા છે અને આ નાજુક વેલ પર આવાં વિશાળકાય તોતિંગ કોળાં લગાડ્યાં છે ! ખરેખર તો આ કોળાં વડલા પર શોભે અને આ ટેટા વેલ પર શોભે !

એ માણસ હજી તો કુદરતની અવ્યવસ્થા અને કુદરતના અન્યાય વિશે વિચાર કરતો હતો ત્યાં જ વડલાના ઝાડ પરથી એક ટેટો તેના માથા પર પડ્યો. હવે એ માણસ એમ વિચારવા લાગ્યો કે કુદરતે જે વ્યવસ્થા ગોઠવી છે તે ઓકે છે. કુદરતે વિચાર્યું હશે કે વિશાળ વૃક્ષની છાયામાં કોઈ થાકેલો વટેમાર્ગુ આરામ કરવા બેસશે. તેના માથે આવું તોતિંગ કોળું પડે તો તે મરી જશે, એટલે તેણે વિશાળા વૃક્ષને ટેટા લગાડ્યા અને જે વેલની નીચે કોઈ આરામ કરવા બેસવાનું નહોતું એને મોટાં કોળાં લગાડ્યાં ! વાહ કુદરત ! તારી રચના અપરંપાર છે !

માણસ પોતાના અનુભવને આધારે જ જગતને અને દુનિયાના તમામ વ્યવહારોને મૂલવવા મથામણ કરતો રહે છે, એટલે એ વારંવાર ખોટોય પડે છે. આપણને થયેલો અનુભવ ખોટો નથી એ કબૂલ, પણ આપણને થયેલો અનુભવ એટલી જ લાઇફ નથી. એમાં અનેક અનુભવોની સંભાવના છે. આપણે વિચારીએ છીએ એ ભલે સત્ય જ હોય, એ સિવાયનાં અનેક સત્યોની સંભાવના લાઇફમાં છે. આ વાત આપણે સ્મરણમાં રાખવી જોઈએ.

આપણે જેવું સોચીએ છીએ એવું જ આખું જગત પણ સોચે એ બિલકુલ પૉસિબલ નથી. જગતને આપણે જેવું જોયું છે એવું અને એટલું જ જગત છે એમ માનવું એ તો ખોટું છે. બહુત નાઇન્સાફી હૈ યે…!

જ્યારે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ, વિચાર, ઘટના કે પરિસ્થિતિ વિશે તર્ક કરવાની તક મળે કે અભિપ્રાય આપવાનો અવસર મળે ત્યારે એ યાદ રાખવું કે એના બે અર્થ તારવી શકાશે, એક પૉઝિટિવ હશે અને બીજો નેગેટિવ હશે. જો પૉઝિટિવ અર્થ મળી શકતો હોય તો નેગેટિવ અર્થને તરત છોડી દેવો. જો માત્ર નેગેટિવ અર્થ મળતો હોય તો નિર્ણય કરવામાં વિલંબ કરવો. પૉઝિટિવ અર્થ ન મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી. આમ કરવાથી લાઈફના ફિફટી પર્સન્ટ પ્રૉબ્લૅમ્સ ઇન્સ્ટન્ટલી સોલ્વ થઈ જશે ! ગેરસમજો ઘણી દૂર રહેશે. અનિષ્ટ પરિણામો આપણી પાસે આવી જ નહીં શકે ! પૉઝિટિવ થિન્કિંગ કરીશું તો મૃત્યુ પણ મહોત્સવ જેવું લાગશે અને નેગેટિવ થિન્કિંગ કરીશું તો જીવતર પણ નરક જેવું લાગશે ! બસ આજથી જ પૉઝિટિવ થિન્કિંગ માટેનું ટ્યૂશન ભણવા બેસી જઈએ !

[કુલ પાન ૧૬૮. કિંમત રૂ.૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “આપણી લાઈફને આપણે પૉઝિટિવ થિન્કિંગની પાઠશાળા બનાવી દઈએ – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.