- ReadGujarati.com - http://www.readgujarati.com -

શિક્ષકનો ધર્મ – દયાબહેન કાલાવડિયા

(‘કોડિયું’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

શિક્ષક વિદ્યાર્થીનો માર્ગદર્શક બને તે જરૂરી છે. વિદ્યાર્થીમાં શક્તિઓ તો પહેલેથી જ પડેલી છે. શિક્ષકનું કામ આ શક્તિને બહાર લાવી યોગ્ય દિશામાં વાળવાનું છે. પણ અભ્યાસક્રમના ભોગે નહિ.

લોકભારતી અને પિયરમાંથી જે કાંઈ મળ્યું તે બધા જ સંસ્કારોનો સરવાળો મારી શિક્ષક તરીકેની જિંદગીમાં મને ખૂબ જ કામ આવ્યો. મારા પૂ. દેવદાદાએ પણ એક ગુરુ અને પિતાનો પ્રેમ આપેલો.

મારા કાર્યમાં મને ખાસ તો શિક્ષણકાર્ય વગર ન બોલવાની આદત. મારી પ્રથમ નિમણૂક સોનગઢ કે.વ.શાળામાં થઈ. તા. ૨૩-૭-૬૩માં હાજર થઈ ગઈ. ત્યાંના આચાર્ય મનસુખભાઈ જાની. તેમના લીધે બોલવાની ટેવ પડી. ધીમેધીમે તેઓ મને શાળાનું દફતરી કાર્ય સોંપતાં થયા. એમ વહીવટી તાલીમ મળતી રહી. આ બધું ખૂબ કામ આવ્યું અને આત્મવિશ્વાસ પણ વધ્યો.

આવી રીતે ત્રણ વર્ષ સોનગઢ અને સાત માસ અમરગઢ હોસ્પિટલની સ્કૂલમાં કામગીરી માટે મૂકેલ. આવી રીતે ત્રણ વર્ષ અને સાતમાસ અપ-ડાઉનમાં વખત પસાર થયા. ત્યાર બાદ સણોસરા કે.વ.શાળામાં બદલી થઈ. ત્યાં સાતેક વર્ષ પછી, જિલ્લા નિરીક્ષક શ્રી વાસુદેવભાઈ મહેતા શાળા તપાસમાં આવેલા. તેઓશ્રીએ કેન્દ્રવર્તી શાળાની જવાબદારી સોંપેલી. એ ન્યાયે જવાબદારી વધી. સોનગઢનો અનુભવ અહીં ખૂબ કામ લાગ્યો. થોડી મુશ્કેલી પણ વધી. તેમાં સૌથી પહેલાં, બાર વિદ્યાર્થી હરિજન, એક દરબારનો દીકરો, તેર એકી સાથે વિદ્યાર્થીઓ આવ્યા અને કહે કે અમને ‘ધોરણ સાત પાસનું સર્ટિ લખી આપો.’ એવી માંગણી કરી. શાળાકીય ઉંમરવારીમાં તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ વિદ્યાર્થીઓ તો હકીકતમાં એક-બે જ ધોરણમાં હતા. સતત ગેરહાજર રહેવાથી નામ કમી કરેલાં.

પછી તો આ વિદ્યાર્થીઓને બહિર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવી જોઈએ તે વાત સમજાવી અને કાર્યવાહીમાં તાલુકા પંચાયતમાંથી ફોર્મ લાવી, બધા પાસે ભરાવ્યાં. અને મંજૂરી મેળવી આપી. વિધિવત થોડો સમય વર્ગો લીધા.

ત્યાર બાદ નિયત સમયે વિધિવત પરીક્ષા લીધી. પેપર તપાસી માર્કશીટ સાથે શિહોર તાલુકા નિરીક્ષકને બધું મોકલી આપ્યું. શિહોરથી વિશેષ તપાસ થઈ ને તેમાં તેરમાંથી બાર વિદ્યાર્થીઓ પાસ થયેલ અને એક વિદ્યાર્થી નાપાસ થયેલ. બાર વિદ્યાર્થીઓ સરકારી બસમાં ડ્રાઈવરની કામગીરીમાં જોડાયા.

એક મુસ્લિમ બાળક. નામ એનું યુનુસ. ભણવામાં ખૂબ જ હોંશિયાર. યુનુસ આગળ અભ્યાસ કરશે તો ખૂબ જ આગળ આવી શકશે એવી મને અંતરની ઈચ્છા હતી. યુનુસના બાપુજી અબ્દુલાદાદાને વાત કરી કે યુનુસને આગળ ભણાવો. પણ તે દાદાની ચશ્માની ફેરી કરે. એટલે આર્થિક સ્થિતિ બહુ સારી નહીં. રોટલાનું માંડ માંડ પૂરું થતું. દાદાએ પોતાની મજબૂરી જણાવી. હવે શું કરવું ? એવી સ્થિતિ ઊભી થઈ. પરંતુ એ સમયમાં મુંબઈથી એ લોકોની જ્ઞાતિની એક કંપનીની જાહેરાત વાંચી મને ખૂબ આનંદ થયો. તાત્કાલિક યુનુસના ફોટા (એ પણ યુનુસના બાપુજી (દાદા)ની જાણ બહાર) પડાવ્યા. ત્રણ ફોટા, ત્રણ વર્ષ- પાંચ, છ, સાતમાં ધોરણના રિઝલટ સાથે આચાર્યના અભિપ્રાય સાથે બધું સાહિત્ય તે કંપનીના સરનામે રજી.એડી. કરી મોકલી આપ્યું. વધેલા ફોટા સાચવી રાખવા કહ્યું. અને દસ-પંદર દિવસમાં આઠમા ધોરણનો જરૂરી ચૅક આવી ગયો, બધા ખૂબ જ રાજી થયાં. અને અબ્દુલાદાદાને તો ચૅક જોઈને હર્ષના આંસુ આવી ગયાં. આગળ જતાં યુનુસ સારો ડૉક્ટર બન્યો. અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં સી.એમ. થયો, ત્યાં સુધી સહાયતા યુનુસને મળતી રહી. અત્યારે અબુધાબીમાં પણ આ જ પોસ્ટ ઉપર છે. અવાર-નવાર યુનુસ ખુશીથી ફોનથી વાત કરતો. હમણાં તેમના સાળી મારફત સમાચાર આવ્યા કે, ‘મારા ત્રણેય બાબાને પણ મેં ડૉક્ટર બનાવ્યા છે.’ ત્યાર બાદ યુનુસનો પણ ફોન આવ્યો. ખૂબ જ આનંદના સમાચાર હતા. એ યુનુસને અને તેની પત્નીને મેં અભિનંદન પાઠવ્યાં.

અત્યારે જ્યાં કન્યાશાળાનું મકાન છે, ત્યાં પહેલાં કે.વ.શાળા માટે રમત-ગમતનું મેદાન હતું. પરંતુ તે વખતના કે.વ.શાળાના આચાર્યના ભોળપણાનો લાભ લઈ દસ્તાવેજ પંચાયતના દફ્તરે આવી ગયો. છતાં એક શાળા જ બનવાની હોઈ વિરોધ કરવાનું માંડી વાળ્યું.

છતાં હવે શું થશે ? તેવા સતત વિચાર આવતા રહેતા.

શાળાનું મેદાન નાનું હોઈ અમારે પાંચથી સાતના રમત-વ્યાયામના વારા કાઢવા પડતા. એમાં અચાનક જ મારી નજર બહાર પડી. વંડીની દીવાલ તોડી તેની જગ્યાએ સાડા દસ ફૂટ દૂર એકાદ પાયો ચણેલો જોયો. આ વસ્તુ મને કાંઈક અલગ લાગી. આના વિષે ડૉક્ટર જૂના સરકારી હતાં. ભાઈ લાલભાઈને પૂછ્યું. તો તે વખતના સરપંચ રાજાભાઈ મકવાણા પાસેથી જાણવાનો આગ્રહ રાખ્યો. રાજાભાઈ મકવાણા હાલ કૃષ્ણપરામાં રહે છે. તેઓને મળી તો તેઓએ મારી વાતમાં સંમતિ તો દર્શાવી કે જમીન સરકારી છે તે વાત તો સો ટકા સાચી છે. પણ દાદા અભણ હતા એટલે પંચના સભ્યોએ અંગૂઠો મરાવી દીધો અને ત્રણ પીપર વાવી દીધી.

આ બાબતે અરજી તૈયાર કરી, દાદાનો અભિપ્રાય લખી. રાજાદાદાનો અંગૂઠો લઈ, હું ભાવનગર મામલતદાર સાહેબ પાસે ગઈ પણ જવાબ સંતોષકારક ન મળ્યો. અમારા શિક્ષણ વિભાગમાં બસ આ જ અસંતોષ રહેલો. છેલ્લે એક ભાઈ મળ્યા. તેમણે સાચી સલાહ આપી કે બહેન, તમે સી.ટી.સર્વેમાં તપાસ કરો, તો ત્યાં સી.ટી.સર્વેમાં તપાસ કરાવી. તે લોકો માપવા માટે આવ્યા. રાજાશાહી વખતની ધર્મશાળાનું મકાન માપતાં સાડા દસ ફૂટ જમીન સરકારી નીકળી.

પછી તો પીપરું કપાવવી પડી અને ઓટા પણ તોડવા પડ્યા. જ્યાંથી દીવાલ પાડેલી ત્યાંથી પંચાયતની મદદ, ગામ ફાળો, ૫૦% સરકારના ખર્ચે ફરી દીવાલ થઈ ગઈ. આ રીતે બાળકોને સાડા દસ ફૂટ જમીન મળી ગઈ.

પંચાયતના સભ્ય રમણિકભાઈ કાલરિયાએ એક દાતા મેળવી આપ્યા. એમની મદદથી મજબૂત અને સારો દરવાજો પણ થઈ ગયો.

આ સ્વ અનુભવ પરથી એક વસ્તુ નક્કી થઈ કે શિક્ષક બાળકોનાં હિતની સાથે શાળાના હિતનો પણ વિચાર કરી શકે અને ફરજના ભાગરૂપે શિક્ષણની સાથે સાથે શાળાનું હિત કરી શકે તો તે શિક્ષકનો સાચો ધર્મ છે જ.