બૅન્ક-બૅલેન્સ – બિપિન ધોળકિયા

જવનિકા(‘જવનિકા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

પ્રેમશંકર માસ્તરને સૌ કોઈ ઓળખે.

ગામ બહુ મોટું નહીં તેમ બહુ નાનું પણ નહીં, એટલે બધા જ પ્રકારના લોકો જોવા મળે. કોઈ વાર કોઈ અજાણ્યો માણસ બસમાંથી ઊતરે ને પૂછે કે પ્રેમશંકર માસ્તર ક્યાં રહે છે તો નાનું છોકરું પણ માસ્તરનું ઘર બતાવી દે!

માસ્તર સીધાસાદા ને ભલાભોળા. સવારે વહેલા ઊઠે, પછી દાતણ કરે, ફળિયું વાળે, ફળિયામાં ઉગાડેલા છોડને પાણી પાય. પછી નાહી-ધોઈને પૂજા-પાઠ કરવા બેસી જાય. પૂજા પણ ખાસ્સી લાંબી ચાલે.

પરગજુ પણ એવા કે ખબર પડે કે આજુબાજુમાં કોઈ બીમાર છે તો તરત ખબર કાઢવા પહોંચી જાય. સ્કૂલમાં નિયમિત જવું ને વિદ્યાર્થીઓને નિયમિતતા, સ્વાવલંબન ને સચ્ચાઈના પાઠ ભણાવવા એ તેમનો વિશેષ શોખ હતો. તેઓનો સ્વભાવ પણ નમ્ર હતો. વિવેકી પણ એવા જ હતા. કોઈને ખોટું ન લાગે તેવો વ્યવહાર કરવો તેવું તેઓ માનતા ને બીજાને પણ તેનું આચરણ કરવા કહેતા.

એમનાં પત્ની શાંતાગૌરી પણ પતિના સ્વભાવને અનુસરતાં, તેથી ક્યારેય બેય વચ્ચે કોઈ વાતે વાદવિવાદ થતો નહીં. સંતાનમાં એક જ પુત્રી હતી. નામ હતું સુવર્ણા. એ પણ માસ્તર જેવો જ સ્વભાવ ધરાવતી હતી. એક જ દીકરી હતી તેથી માસ્તર એને સ્કૂલમાં તો મોકલતા જ, પણ સાથે ઘેર પણ ભણાવતા. ભણવામાં સુવર્ણા હોશિયાર હતી. સુવર્ણા ભણવામાં જેટલી હોશિયાર હતી, તેટલી જ ઘરકામમાં કુશળ હતી. એ સ્કૂલેથી આવીને એની બા શાંતાગૌરીને કહેતી : ‘બા, હવે તમે બીજું કામ કરો. રસોઈ તો હું જ કરીશ.’

‘પણ બેટા, બીજું કંઈ કામ જ નથી. તું હજી સ્કૂલેથી આવી છો તે પગ વાળીને જરા બેસ.’

પણ સુવર્ણા રસોઈ કરવાનો આગ્રહ રાખતી. શાંતાગૌરી વિચારતાં : ‘ભલેને કરતી. રસોઈ કરતાં શીખે તે પણ ભણવા જેટલું જ જરૂરી છે.’

પ્રેમશંકર માસ્તરનો પગાર બહુ મોટો નહોતો. એ જમાનામાં પગારધોરણ અત્યારના જેટલાં નહોતાં. જે મળે તેમાં પૂરું કરવું ને થાળીમાં જે આવે તે ખાઈ લેવું એવો માસ્તરનો સિદ્ધાંત હતો, એટલે ઘર ચાલ્યા કરતું. સગાં-સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે વ્યવહાર કરવાના થતા. કોઈ વાર માંદે-સાજે દવામાં પૈસા ખર્ચાતા. બાકી શાંતાગૌરી કરકસરથી ઘર ચલાવતાં ને એવા એમના સંસ્કાર સુવર્ણામાં ઊતરતા. સુવર્ણા સમજુ હતી. સમજદાર માબાપની દીકરી હતી, એટલે સાદાઈથી જ રહેતી. સ્કૂલમાંથી એ કૉલેજમાં આવી તોપણ એની રહેણીકરણીમાં કશો જ ફેર ન પડ્યો.

ઘણી વાર સુવર્ણાને એની બહેનપણીઓ કૉલેજમાં કહેતી : ‘સુવર્ણા, તું આવી સિમ્પલ જ રહીશ તો કૉલેજમાં તારો કોઈ ભાવ પણ નહીં પૂછે.’

‘હું કાંઈ મારો ભાવ કરાવવા કૉલેજમાં આવું છું ? હું તો અભ્યાસ કરવા આવું છું.’

બહેનપણીઓ સુવર્ણાની એની ગેરહાજરીમાં વાતો કરતી : ‘સુવર્ણા કેવી સરસ છે ! કેવી દેખાવડી છે ! ગમે તે કપડાં – ગમે તે ડ્રેસ પહેરે, પણ તેમાં તે શોભી ઊઠે.’ એક તો ગોરો વાન, લાંબો કેશકલાપ, ગોળ આકર્ષક ચહેરો. ક્યારેક એ પંજાબી ડ્રેસ પહેરતી તો એવી શોભી ઊઠતી કે બહેનપણીઓ એની પ્રશંસા કરતાં થાકતી જ નહીં.

‘સુવર્ણા, ખાલી ગળું રાખે છે તે ન ચાલે. ચેન કે હાર – કાંઈક તો પહેરવું જ જોઈએ.’

‘શું એ જરૂરી છે ?’ સુવર્ણા તરત પૂછતી ને પછી કહેતી, ‘હું તો મંગળસૂત્ર પહેરીશ.’

‘પરંતુ એ તો પરણેલી સ્ત્રીઓ પહેરે.’

‘તો કૉલેજિયનો મને પરણેલી ધારી લે તો શો વાંધો છે ? મારી પાછળ કોઈ પણ આવશે જ નહીં.’

બહેનપણીઓ હસી પડતી.

સમય જતાં સુવર્ણા બી.એ. પાસ થઈ ગઈ. ઉંમરલાયક થઈ, વળી દેખાવડી એટલે માસ્તર અને શાંતાગૌરીને ચિંતા થવા માંડી. સારા ઘરનો કોઈ મુરતિયો મળી જાય તો ચિંતા ઓછી થાય, તેથી સુવર્ણાને પૂછ્યા વિના ખાનગી તપાસ શરૂ કરી. સુવર્ણાને આ વાતની ગંધ આવી ગઈ. એક દિવસ એણે ઓચિંતો જ પ્રશ્ન કર્યો : ‘બા, હું તમને ભારે પડું છું ?’

શાંતાગૌરી તો આવા પ્રશ્નથી ડઘાઈ જ ગયાં. એમણે સામો પ્રશ્ન કર્યો : ‘કેમ બેટા, આવો વિચિત્ર પ્રશ્ન પૂછે છે ?’

‘બા, તમે મને વાત નથી કરી, પણ મને જાણવામાં આવ્યું છે કે તમે મને કોઈ અજાણ્યા ઘરમાં અને અજાણ્યા યુવાનના હાથમાં સોંપી દેવા માગો છો.’

‘ઓહ ! તો હવે વાત સમજાણી !’ કહેતાં શાંતાગૌરી હસ્યાં ને પછી થોડી વારે ગંભીર બની જતાં બોલ્યાં : ‘જો, બેટા, સુવર્ણા, સાંભળ. આ કંઈ આજની વાત નથી, પણ જૂના સમયથી ચાલી આવતી વાત છે કે ઘરમાં યુવાન પુત્રી હોય તો માબાપને ચિંતા રહે ને તેઓ એવા જ પ્રયત્નમાં રહે કે એમની પુત્રી માટે કોઈ સારું ઘર ને સારો વર મળે તો ચિંતા ઊતરે.’

‘પણ, બા, તમે તો મને દીકરી નહીં પણ દીકરો ગણો છો ને બેટાનું સંબોધન કરો છો, તો પછી દીકરાની વળી શેની ચિંતા કરવાની હોય ?’

‘સુવર્ણા દીકરી, તારી વાત સો ટકા સાચી છે, પણ તને અમે ક્યાં સુધી રાખી શકીશું ? દીકરી તો સાસરે જ શોભે એમ જે કહેવાયું છે તે મોડું કે વહેલું પાર તો કરવું જ પડે ને ?’ સુવર્ણાએ કાંઈ જવાબ ન દીધો.

એની સાથે અભ્યાસ કરી ચૂકેલી બહેનપણીઓમાંથી બેત્રણની સગાઈ થયાના સમાચાર એના કાને આવ્યા. બહેનપણીઓ એને પણ પૂછવા લાગી : ‘સુવર્ણા, હવે તું ક્યારે ધડાકો કરે છે ?’

‘ધડાકો વળી શો કરવાનો ? યોગ્ય પાત્ર મળી જશે એટલે થઈ રહેશે.’ સુવર્ણાએ જવાબ આપી દીધો. જોકે એને એનાં માબાપની ચિંતા એક બાજુ સાચી લાગતી હતી, તો બીજી બાજુ એ એવું પણ વિચારતી હતી કે માબાપે મને ઉછેરી મોટી કરી ભણાવી, તો એમના પ્રત્યે મારી પણ શું કાંઈ ફરજ નહીં ?

ને એણે ઘરમાં પ્રસ્તાવ મૂકી દીધો, ‘બાપુજી-બા, હવે હું ગ્રૅજ્યુએટ થઈ ગઈ છું, તો નોકરી શોધું તો તમારી સંમતિ છે ને ?’

‘પણ બેટા, એવી તે શી જરૂર છે ?’

‘તમે ભલે ન ઈચ્છો, પણ હું એવી ઈચ્છા રાખું તો એમાં ખોટું શું છે ?’ સુવર્ણાએ જવાબ દીધો.

‘જો, સુવર્ણા, તું નોકરી કરવાની વાત કરે છે તે વિચાર સારો છે, પરંતુ આજકાલ એમ નોકરી મળવી સહેલી નથી. બીજી વાત એ કે તું નોકરી કરે, કદાચ ને તને મળી જાય, તો અત્યારે જે સારા મુરતિયા નજર સામે આવે છે તે હાથમાંથી જતા રહે ને નોકરી મળી છે તે ચાલુ રાખવી તેવી લાલચ ઊભી રહે.’

ને આ વાત આગળ વધે ત્યાં જ પોસ્ટમૅન ટપાલ નાખીને ચાલ્યો ગયો. સુવર્ણાએ ટપાલમાં આવેલું કવર પિતાના હાથમાં આપ્યું.

પ્રેમશંકર માસ્તરે કવર ખોલીને પત્ર વાંચી લીધો ને શાંતાગૌરીના હાથમાં આપ્યો. શાંતાગૌરીના ચહેરા પર રોનક આવી ગઈ. એમણે પતિ સામે જોયું. માસ્તરે સંમતિ સૂચવતા હોય તેમ પત્ની સામે જોયું ને શાંતાગૌરી પતિના સંકેતને સમજી ગયાં હોય તેમ ટપાલમાં આવેલો એ પત્ર સુવર્ણાના હાથમાં મૂકી દીધો.

સુવર્ણા પત્ર લઈને બીજા રૂમમાં ચાલી ગઈ. એને સમજી જતાં વાર ન લાગી કે એ પત્ર એના વિશેનો જ હોવો જોઈએ. એ પત્ર જ્ઞાતિની જ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ યોગેશચંદ્રનો હતો. પત્રમાં પોતાના એન્જિનિયર સુપુત્ર હેમાંગ માટે સુવર્ણાની માગણી હતી. લખ્યું હતું : તમારે જેમ એકની એક પુત્રી છે, તેમ મારે પણ એકનો એક પુત્ર છે. તે એન્જિનિયર છે, મહિને-દહાડે ચાર આંકડા કરતાં વધારે પગાર મેળવે છે. એક જાણીતી કંપનીમાં તે નોકરી કરે છે. બીજું પણ લખેલું.

પ્રેમશંકર માસ્તર એ પત્ર વિશે વિચારે ત્યાં જ બીજા પત્રો પણ ટપાલમાં આવી પડ્યા. બધા જ પત્રો વાંચ્યા પછી એમણે સુવર્ણાને કહ્યું : ‘સુવર્ણા, હવે તારે જ પસંદગી કરવાની છે. આવાં સારાં માગાં આવે છે ત્યારે જલદી નિર્ણય લેવો તે તારા હિતમાં છે.’

સુવર્ણા સમજદાર હતી. એણે પિતાના પરિચિત એવા બે પત્રોના લખનાર વ્યક્તિના પત્ર શાંતાગૌરીના હાથમાં આપ્યા. એક પત્ર હતો ડૉક્ટર અલ્પેશના પિતાનો, જ્યારે બીજો હતો બિઝનેસમૅનનો.

પ્રેમશંકરે ડૉક્ટર અલ્પેશ સાથે મુલાકાત ગોઠવી. અલ્પેશ ઘેર આવ્યો. એ દેખાવડો હતો ને સુવર્ણાની સાથે જોડી જામે એવી હતી.

‘મારા પિતા તમને બધી વાત કરશે.’ એમ અલ્પેશે જણાવ્યું. પ્રેમશંકર અલ્પેશના પિતાને મળ્યા ત્યારે એમણે જે વાત કહી તે સાંભળી માસ્તર ચોંકી ઊઠ્યા.

‘મારા પિતાને આપ મળ્યા હશો. હું સુવર્ણા માટે મારી સંમતિ આપું છું.’ અલ્પેશે પોતાનો નિર્ણય જણાવ્યો.

‘પરંતુ તમારા પિતાએ દહેજની રોકડ રકમ, કલર ટીવી, ફ્રિઝ- એમ ઘણી વાત કરી છે, જે હું તમને આપી શકું તેમ નથી. પરંતુ મારી પાસે જે બૅન્ક-બૅલેન્સ છે તે તમને કહું તો મારી પુત્રી સુવર્ણા સમજદાર છે, સાદગીથી જીવન જીવી જાણે છે, સંસ્કારી છે. તે વડીલોની સેવા કરી શકશે, ઘર સાચવશે ને કોઈ વાતે ઓછી નહીં ઊતરે. મારા બૅન્ક-બૅલેન્સમાં આ બધું છે…’

‘બસ, વડીલ, હું આવું જ ઈચ્છું છું, મારે રૂપિયાની કે કોઈ વસ્તુની જરૂર નથી. તમારી બૅન્ક-બૅલેન્સ મારી જિંદગી બની રહેશે.’ અલ્પેશે પોતાનો નિર્ણય જણાવી દીધો.

[કુલ પાન ૧૭૬. કિંમત રૂ.૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “બૅન્ક-બૅલેન્સ – બિપિન ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.