વિજયાનો વિજય – હરિભાઉ મહાજન

(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

પીઠ પર એટલો જોરદાર ધબ્બો વાગ્યો કે હું જાણે ધનુષ્યની તણાયેલી કમાન જેવી થઈ ગઈ ! પડતાં પડતાં બચી. હાથમાંથી શોપિંગની થેલી પણ પડી ગઈ. મોંમાંથી ‘ઓ મા !’ નીકળી ગયું. હમણાં એકની પાછળ બીજો આઘાત પણ આવશે, એવા ભયથી હૈયું ફફડવા લાગ્યું. ત્રણ-ચાર સેકંડ ગઈ, પણ એવું કંઈ બન્યું નહિ. પણ તરત મારા બંને ખભે બે હાથ મંડાયા, ને ધ્રૂજી ગઈ. હૃદય ધક્‍ ધક્‍ કરવા લાગ્યું. હાથ મૂકતાની સાથે બંગડીઓનો રણકાર સંભળાયો. કોણ છે આ, આવી બદમાશી કરનારું ? શું હશે એનો ઈરાદો ? ગળામાંથી ચેન તો નથી ખેંચવીને ? હવે તો સ્ત્રી-ગુનેગારો પણ આવાં કરતબો કરે છે, એટલે મારા મનમાં એવી જ શંકા જન્મી. મેં ચેન પર હાથ મૂકીન ચેન સજ્જડ પકડી રાખી. ને અવળા ફરીને જોવાની એકદમ હિંમત ન થવાથી ડોક સહેજ ફેરવીને ત્રાંસી આંખે, પાછળ કોણ છે, એ જોવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો ખભા પર મૂકાયેલા બે બળુકા હાથોએ ફેરફૂંદડીની જેમ મને અવળી ફેરવી નાખી. હવે ધબ્બો મારનાર વ્યક્તિ મારી સામે હતી. એક ત્રીસ-બત્રીસની રૂપાળી પ્રૌઢા.

ભય જેવું કંઈ નથી એની ખાત્રી થતાં મને હાશ થઈ. થોડી સ્વસ્થતા આવવા લાગી. સાથે મનમાં ગુસ્સો પણ. થયું કે એક જોરદાર લાફો ચોડી દઉં. પણ કોને ?

એ તો ખિલખિલાટ હસવા લાગી. ને પછી તરત જ હસતાં હસતાં બંને હાથ મારા ગળે પરોવીને મને ભેટી પડી. ભેટી શું પડી, મને એના ઉમળકાભર્યા આલિંગનમાં ભીંસી જ નાખી ! ફરી મારા મોંમાંથી ‘ઓ મા !’ સરી પડ્યું.

‘કેવી બિવડાવી !’ છૂટાં પડતાં એ બોલી, ખડખડાટ હાસ્ય સાથે. જાણે હસવાનો અખૂટ ખજાનો લઈને જન્મી હોય, એમ એ મુક્તપણે હાસ્ય વેરતી જ રહેતી.

‘બિવડાવી ? અરે, ઘડીભર તો તારા ધબ્બાના પ્રહારથી મારો તો શ્વાસ પણ અટકી ગયો ! ને તારી ભીંસ તો… બાપ રે… આવું કચડી નાખે એવું આલિંગન તો કદી મારા ઘરવાળાએ પણ નથી આપ્યું. ક્યાંથી ટપકી પડી અહીં આમ અચાનક ?’ આત્મીયતાની શારીરિક અભિવ્યક્તિ પૂરી થતાં મેં પૂછ્યું,

‘અલી, હું રસ્તા પરથી જઈ રહી હતી, તે મેં અમસ્તું જ આ મોલની દિશામાં જોયું. તને પગથિયાં ચડતી જોઈ, ને હું તરત દોડી. તું આ પાંચ માળના સુપરમાર્કેટમાં ક્યાંય ખોવાઈ જાય તો પછી હું તને ક્યાં શોધું ! આટલા લાંબા સમયે તું નજરે પડી, ને ન મળાય તો કેટલો અફસોસ થાય !’ લાક્ષણિક મસ્તીભર્યા હાસ્ય સાથે વિજયા બોલી, ‘ક્યારે આવી તું ?’

વિજયા મારી બાળપણની સ્નેહાળ ને મસ્તીખોર સખી. નાનપણથી જ અમારો હેતભાવ એટલો ઘટ્ટ હતો કે જાણે એક અસ્તિત્વનાં જ બે ફાડિયાં ! હું જરા ગંભીર. પણ એ તો ખિલખિલ ખખડ્યા જ કરે. મુશ્કેલીમાં પણ હસતા રહેવાનું કોઈ ટોનિક પી ગઈ હોય એમ ! આટલાં વર્ષો પછી આજે પણ એણે પોતાની એ લાક્ષણિકતા જાળવી રાખી છે, એનો મને તાજો અનુભવ થયો. ‘ત્રણ દિવસ પહેલાં જ.’ મેં ભાવાવેશમાં કહ્યું, ‘તું મળી, તે જાણે ભગવાન મળ્યા !’

‘ચાલ મારે ત્યાં. હું થોડે દૂર જ રહું છું.’ એના આમંત્રણમાં ઔપચારિક વિવેક નહિ, પણ અમારા એ જ સખીભાવની ઘટ્ટ આત્મીયતા છલોછલ ભરેલી હતી.

‘અં…અં…અ પણ મારું શોપિંગ કરવાનું બાકી રહી જશે. કેટલીક વસ્તુઓ તાત્કાલિક લઈ જવી પડે એમ છે.’ મેં કહ્યું, ‘તું જ ચાલ ને મારી સાથે. થોડી ખરીદી કરીને આપણે તરત બહાર નીકળીશું.’ ઘણા સમય પછી મળેલી ખાસ બહેનપણીથી તરત છૂટા પડવાની મારી પણ ઈચ્છા નહોતી.

‘આવું તો ખરી, પણ તને ઘણી વાર લાગશે. વસ્તુઓની પસંદગી કરવામાં જ તું તો સાંજ પાડી દઈશ. હું ઓળખુંને તને.’ એના માટે મારી એ જાણીતી ટેવ પર વ્યંગમાં હસતાં વિજયા બોલી.

‘ચાલને હવે ડહાપણ કર્યા વગર.’ મેં એને હાથ ઝાલીને ખેંચી. ‘ઝટ પતાવીશ, બસ ? આમ તો મારા મિસ્ટર ઈન્ટરનેટથી કે ફોનથી જ શોપિંગ કરવાનું કહે છે. પણ મને એ નથી ગમતું. ખરીદીના બહાને થોડું બહાર રખડવાનું તો મળે ને ? બધા સ્ટોલ પર ફરવાની ને વસ્તુઓ ફેરવી તપાસીને જોવાની પણ એક મજા હોય છે. તને તો ખબર જ છે, શોપિંગ જાણે મારો હોબી જ છે.’ હું પણ એની જેમ મારી કમજોરી પર હસતાં હસતાં બોલી, ‘વસ્તુ ઝટ જુઓ, લઈ લો, ને ચાલતા થાવ, એ મને નથી ફાવતું.’ વિજયા સંમતિપૂર્વક હસી, ને સાથે હું પણ. જે એની સાથે હોય એને પણ એના હસવાનો ચેપ લાગે ! ‘જો હું જાતે ન આવી હોત તો તું મને ક્યાંથી મળવાની હતી ? કેટલાં વર્ષે મળી ! સાત-આઠ વર્ષ તો થયાં જ હશે.’

‘પૂરાં નવ વર્ષ. મારે થોડી ઉતાવળ છે. ઘરે છોકરાં વાટ જોતાં હશે.’ એના કથન પર આશ્ચર્યથી મારાં ભવાં ઊંચકાઈ ગયાં. મારી સમજ પર એ ખડખડાટ હસી પડી. ‘મેં જણેલાં નહિ’લી. મારે ત્યાં ભણવા આવે છે, એની વાત કરું છું. બીજી શિફ્ટની તૈયારી છે.’ એણે ચોખવટ કરી.

‘ઓ.કે. તો ચાલ અહીંથી જ પાછાં વળી જઈએ.’ હું પગથિયા ઊતરવા વળી, પણ એણે મને અટકાવી.

‘ના, ના. એકદમ જરૂરી હોય એ બે-ચાર વસ્તુઓ લઈ લે. મારા કારણે તને ખાલી ફેરો પડે, એ બરાબર નહિ.’ મને ફરી મોલ તરફ વાળતાં એ બોલી.

વિજયા અને મારો મૈત્રીસંબંધ છે, પ્રાથમિક શાળાથી તે માધ્યમિક શાળા સુધી વિકસીને પુખ્ત અને પુષ્ટ થઈ ગયો હતો. બારમું પાસ કર્યા પછી વિજયા આગળ ભણી નહિ. ભણી શકી નહિ. એના ઘરની સ્થિતિ ખાસ સારી નહોતી. મોટા બંને ભાઈઓ કૉલેજમાં હતા. પિતા શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થવાની તૈયારીમાં હતા. મા માંદી રહેતી હતી. એટલે ભાઈઓના શિક્ષણના ખર્ચા અને ઘરખર્ચ, દવાદારૂના ખર્ચ વિ. કારણે ઘરનું આર્થિક પાસું નબળું જ રહેતું. વિજયા સમજદાર હતી. ભણવામાં પણ હોશિયાર હોવા છતાં પરિસ્થિતિ ધ્યાનમાં લઈને એણે આગળના શિક્ષણનો આગ્રહ રાખ્યો નહિ. ને મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે એ પરણી ચૂકી હતી. પછી તો બદલાયેલા સંજોગોમાં અમારું મળવાનું પણ ઓછું થઈ ગયું. ને પહેલાં જે બે પ્રસંગે મળ્યાં, એ મળવાની ખુશીના નહિ, પણ સંવેદના દાખવવાના કરુણ પ્રસંગો હતા.

વિજયાના લગ્નજીવનમાં જે સુખ હતું, એ જ એના માટે દુઃખનું કારણ બનતું ગયું ! વિજયા રૂપાળી, હોશિયાર અને કહોને કે સર્વગુણસંપન્ન હતી. એનો વર પણ સારો હતો. પણ એનો પત્નીમોહ જાણે અપવાદ હોય એટલો તીવ્ર હતો !

‘હું જનમ જનમથી તારા પ્રેમમાં હતો. આ જન્મે ભલે આપણે લગ્ન પહેલાં મળ્યાં નહિ, પણ લગ્ન થતાં જ જાણે પાછલા જન્મોના એ સંબંધનો પણ પુનર્જન્મ થયો છે !’ સોહમ એને આલિંગનમાં લઈને વારંવાર આવું કહ્યા કરતો. ને પતિના એ ભાવથી વિજયાને પણ જાણે પ્રેમલગ્ન જ કર્યા હોય એવી લાગણી થતી. તનમનમાં રોમાંચક ઝણઝણાટી પ્રસરી જતી.

પણ એનાં સાસુ ને નણંદને એ ખટકતું હતું ! દીકરો સાવ વહુઘેલો બની જાય, એ એમને ગમતું નહોતું. કારણ સોહમ વિજયાના પ્રેમમાં સંપૂર્ણ વશીભૂત થઈ ગયો હોય, એ રીતે વર્તતો હતો. એને બીજું કંઈ સૂઝતું જ નહોતું. વિજયા થોડી વાર એનાથી અળગી રહે કે એને અકળામણ થાય ! અલબત્ત, વિજયાનું વ્યક્તિત્વ પણ વશીકરણ કરે એવું જ હતું ને ? જોકે પતિ એના મોહમાં સાવ પ્રેમાંધ બની જાય, એવું તો એ પણ નહોતી ઈચ્છતી. પ્રમાણભાન જાળવવાનું એનું વલણ તો હતું જ.

‘જુઓ, સોહમ હું તમારી પત્ની અને તમે માનો છો એમ પ્રેયસી પણ ખરી. પણ સાથે હું કુટુંબની સભ્ય અને ઘરની વહુ પણ છું. એટલે મારે વહુ તરીકેની ફરજો પણ બજાવવી પડે ને ? તમે આમ ઘેલા ઘેલા થઈને મારી આગળપાછળ ફરતા રહો તો હું ઘરનાં કામ કઈ રીતે કરી શકું ?’ વિજયા સોહમને સમજાવવાનો પ્રયત્ન કરતી રહેતી. પણ સોહમ તો ઊલટું એના પર ચીડાતો.

સાસુ-નણંદનાં વ્યંગબાણોની એ પતિ આગળ વાત નહોતી કરતી. પણ એમની નારાજગીથી બચવા ઘરનાં કામોમાં ધ્યાન અને સમય આપવાની જરૂર છે, એ વિશે એ સભાન હતી. પણ સોહમનું વલણ નાનું બાળક નવું નવું મળેલું સુંદર રમકડું છોડે જ નહિ, એવું હતું ! ને એમાં ને એમાં એ સાસુ-નણંદ માટે અળખામણી થવા લાગી. સોહમને તો મા કંઈ કહેતી નહિ. વહુનો જ વાંક જોતી. આવી સ્થિતિથી વિજયા ઘણી મુંઝાતી. પણ શું કરે ?

ને થોડો સમય જતાં તો પડતા પર પાટુની જેમ એના જીવનની એક મોટી આઘાતજનક ઘટના બની.

પહેલાં કદી સોહમ આટલી સ્પીડથી બાઈક નહોતો ચલાવતો. પણ વિજયા સાથેના લગ્ન પછી તો ઓફિસમાંથી છૂટતાંની સાથે જાણે બીજી જ મિનિટે ઘરે પહોંચવું હોય, એવી ઝડપથી એણે બાઈક ચલાવવા માંડેલી ! ને એમાં જ લગ્નના સાતમે જ મહિને એ જીવલેણ અકસ્માત કરી બેઠો. વિજયાની બીજી કમનસીબી એવી કે એ ઘટના માટે સાસુ-નણંદે એને જ જવાબદાર ગણી. એક તો એ અળખામણી બની જ હતી, ને ઉપરથી ખરાબ પગલાંની હોવાનું એના પર દોષારોપણ થયું. સોહમ એકનો એક દીકરો હતો. એટલે આક્ષેપોની સંખ્યા, ને ઉગ્રતાની માત્રા વધતાં જ ગયાં. બારમું પત્યુંયે નહોતું ને સાસુ નણંદે એ વાતે ધમસાણ ચાલુ કરી દીધું. ‘અમારા દીકરાને ભરખી ગઈ’, જેવા નિમ્ન કક્ષાના કટુ વચનો સાંભળતાં વિજયાને તમ્મર આવી જતાં. એ સાવ અસહાય સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. એના પતિના અવસાન પ્રસંગે દિલસોજી દાખવવા હું એને ત્યાં ગઈ હતી. ફક્ત ત્યારે જ પહેલી વાર એ હસમુખી સહેલીને મેં રડતાં જોઈ.

બારમા-ચૌદમાની વિધિ પતી, ન પતી ત્યાં તો એને ઘર છોડવું પડ્યું. આમેય ત્યાં રહેવું એ એના માટે નર્કમાં રહેવા જેવું જ હતું. છતાં સહનશીલતાની મૂર્તિ બનીને એ ત્યાં રહેવા ઈચ્છતી હતી.

એ ઘરમાં એક જ વ્યક્તિ એના માટે સારી હતી. ને તે એના સસરા. એમને વિજયા પ્રત્યે ઘણી હમદર્દી હતી. પણ કર્કશા પત્ની અને તિસમારખાં પુત્રી આગળ એમનું કંઈ ચાલતું નહોતું. એમની એ લાચારી ક્યારેક તો એમની આંખોમાં આંસુ લાવી દેતી. સોહમના મૃત્યુના પંદરમા જ દિવસે મા-દીકરીએ મળીને વિજયાને કાઢી મૂકી ત્યારે એ રડી પડ્યા હતા. વિજયાને આ રીતે ઘર છોડીને જવું પડે, એવું એ ઈચ્છતા નહોતા. એમણે મા-દીકરીને વારવાનો પ્રયત્ન કર્યો, પણ એ ઝનૂની બનેલી મહિલાઓએ જરાય મચક ન આપી.

‘તમને એની બહુ લાગણી થતી હોય તો તમેય જાવ એની સાથે.’ પત્ની લાજશરમ છોડીને મોટા ઘાંટે બરાડેલી.

વિજયા સસરાને પગે લાગીને નીકળી ત્યારે વિજયાના માથા પર જાણે આશીર્વાદ વરસતો હોય એમ એમની અશ્રુધારા વહેવા લાગી. વિજયા સાસુને પણ પગે લાગવા ગઈ, પણ ‘ખબરદાર જો મારા પગને અડકી છે તો ડાકણ.’ એવી કર્કશ વાણી સાથે સાસુ આઘી ખસી ગઈ. અને નણંદે તો હતું એટલું જોર કરીને વિજયાને બારણા તરફ ધક્કો જ માર્યો. આ બધું મેં પાછળથી એના મુખે જ સાંભળેલું. ને એ કરુણ કહાણી સાંભળતાં મને કમકમાં આવી ગયાં. મારી આંખો પણ સંવેદનથી છલકાવા લાગી હતી. સ્ત્રીઓ પણ સ્ત્રીઓ પ્રત્યે આટલી ક્રૂર બની શકે, એ માન્યામાં નહોતું આવતું.

વિજયાની વિટંબણા એટલેથી જ પૂરી થઈ નહોતી. ન તો એને, કે ન મને ખબર હતી કે એ કહાણીમાં આગળ બીજાં કેટલાં પ્રકરણો બાકી હતાં.

વિજયાનું લગ્ન થયું ત્યારે એનો મોટો ભાઈ એમ.બી.એ. કરીને નોકરીએ લાગી ચૂક્યો હતો. અને વિજયાની સાથે જ એના લગ્નનો સુયોગ ઊભો થતાં એનું લગ્ન પણ સાથે સાથે જ ગોઠવાઈ ગયું હતું. એના ભાઈ ચાણક્યને મોભાદાર ઘરની કન્યા મળી હતી.

ચાણક્ય સારી રીતે એમ.બી.એ. થઈ ગયો, તરત મોટી કંપનીમાં સારી નોકરી મળી ગઈ, ને એટલામાં મોભાદાર ઘરની છોકરી ઘરમાં આવી, એટલે એ ઘરમાં તો ‘ખુદા છપ્પર ફાડકે દેતા હૈ’ જેવું થઈ ગયેલું ! સુખસમૃદ્ધિની મોસમ શરૂ થઈ ગઈ હોય, એવું ઘરનાં બધાંને લાગવા માંડેલું ! પણ થોડા વખતમાં તો, જેમ ખુલ્લી હવામાં કપૂર ઊડી જતું હોય, એવું થવા લાગ્યું ! પત્ની મોટા ઘરમાંથી આવી હતી, પણ એના સંસ્કાર ખાનદાનને શોભે એવા ‘મોટા’ નહોતા. થોડા સમયમાં તો એમના બેડરૂમમાંથી પ્રેમના ડાયલોગ નહિ, પણ વાંધાવચકાના તીવ્ર આલાપ જ બુલંદ સ્વરે સંભળાવા લાગ્યા હતા !

‘જરા ધીરે બોલ.’ ચાણક્ય વિનવણીના સ્વરમાં કહેતો. પણ એની વધારે મોટા અવાજે તીવ્ર પ્રતિક્રિયા આવતી !

‘ધીમે કેમ બોલું ? કોઈની દબાયેલી છું ? તમારા ઘરમાં જેવું ચાલે છે, એવું મારા પિયરમાં તો કોઈ જરાય સાંખી ન લે, સમજ્યા ?’ ઘરની મર્યાદા એને પછાતપણા જેવી લાગતી હતી !

સુરંગીની સુરંગ ફૂટ્યા જેવા વિસ્ફોટક અવાજથી ચાણક્ય ક્ષોભ અનુભવતો અને ચૂપ થઈ જતો. ત્વચાના આકર્ષક રંગને કારણે એનું નામ સુરંગી પાડવામાં આવ્યું હશે. પણ સ્વભાવ અને વર્તનમાં તો એ વિઘાતક સુરંગ જેવી જ હતી, જાણે એના નામની ખરી સાર્થકતા ! ઘરમાં બધા રૂમો સુધી પહોંચે એટલા ઊંચા સ્વરે જ એ બોલતી. વધારે છંછેડાશે તો એનો સ્વરારોહ આજુબાજુના ઘરો સુધી પહોંચશે, એ ભયથી ચાણક્ય શક્ય એટલું મૌન રહેવાનું જ પસંદ કરતો.

લગ્ન જલદી કરી નાખવાનું એક કારણ એની મમ્મીની માંદગી હતું. હવે વિજયા પણ ઘરમાં નહોતી, ને મમ્મીના જીવનનો પણ ભરોસો નહોતો. એટલે એમની હયાતીમાં ચાણક્ય પરણી જાય, એવી બધાંની ઈચ્છા હતી. વહુ ઘરમાં આવે તો સ્ત્રીની ખોટ પણ પૂરાય. ઘરમાં સુરંગીના રૂપમાં સ્ત્રી તો આવી, પણ ધરતીકંપ જેવી ! વધતી જતી માંદગીની પીડા અને સુરંગીએ સર્જેલા ક્લેષમય વાતાવરણનો માનસિક ત્રાસ સહન નહિ થવાથી ચાણક્યનાં મમ્મીએ ધાર્યા કરતાં વહેલી જ વિદાય લીધી. ને હવે એના પિતાશ્રી પણ અસ્વસ્થ રહેવા લાગ્યા હતા. એમની ‘નિવૃત્તિમાં શાંતિ’ની અપેક્ષાનું બાષ્પીભવન થઈ ગયું હતું. સુરંગીને તો ઘરમાં મોજમજા ને મનોરંજનનો માહોલ જોઈતો હતો. શાંતિ અને સાદાઈમાં એને ગૂંગળામણ થતી હતી, જે એના અજંપામાં કાયમ વ્યક્ત થતી રહેતી.

ને એવામાં વિજયા પાછી ફરી !

‘જુઓ, ચાણક્ય, આપણે બીજું ઘર લઈ લઈએ. મારો તો આ ઘરમાં શ્વાસ રૂંધાય છે. તમારી પાસે સગવડ ન હોય તો હું મારા પપ્પાને કહું. એ મદદ કરશે. આપણે એક મોટો ફ્લેટ લઈને બંને ત્યાં રહેવા જઈએ. અહીં તો જાણે ખોડા ઢોરની પાંજરાપોળમાં રહેતા હોઈએ એવું લાગે છે.’ રાત્રે બેડરૂમમાં સુરંગીએ સંવાદ ચાલુ કરી દીધો. વિજયાની વ્યથા સાથે જાણે એને કંઈ નિસ્બત નહોતી. ને બોલવાની ભાષામાં ઔચિત્યનું પણ એને કોઈ બંધન નહોતું !

‘હાલ એ શક્ય નથી. મારા માથે ઘણી જવાબદારીઓ છે. નાના ભાઈનું શિક્ષણ પૂરું કરવાનું છે. પિતાશ્રી નિવૃત્ત થઈ ગયા છે. વિજયાનો પણ વિચાર કરવો પડશે. એવી સ્થિતિમાં આપણે જુદા ન થઈ શકીએ. જરા સમજ.’

‘એ બધું મારે નહિ જોવાનું.’ જાણે તાડૂકતી હોય એમ સુરંગી બોલી, ‘મને આવા ચિડિયાઘરમાં નહિ ફાવે. મારી વાત તમારે ન માનવી હોય તો હું ઘર છોડીને પિયર જતી રહીશ.’

ઘરનાં બધાં સાંભળતાં હતાં. જાણે એમને પણ ચેતવણી આપવી હોય એમ સુરંગી જાણી જોઈને મોટા અવાજે બોલતી હતી.

ને એ વોર્નિંગ વિજયાએ સ્વીકારી લીધી !

ચાણક્ય તો જાણે એના સ્વભાવ પ્રમાણે સુરંગીના અલ્ટીમેટમનો કંઈ જવાબ આપ્યા વગર મૌન રહ્યો. જોકે મનમાં તો એ બોલ્યો જ કે મહારાણી, આ અર્ધી રાત તો હું તને ‘ચાલતી થા’ એમ નથી કહેતો, પણ સવારે મુર્હૂત જોયા વગર જ જેમ બને એમ જલદી તું વિદાય લે, તો આ ઘર વાવાઝોડાના વિનાશમાંથી બચી જાય, ને બધાંને હાશકારો થાય. જોકે એ તો ન ગઈ, પણ વિજયાએ તૈયારી કરી !

સવારે ચા-નાસ્તાનું પત્યું ને તરત વિજયા પ્લાસ્ટિકની થેલીમાં બે જોડ કપડાં મૂકીને તૈયાર થઈ ગઈ.

‘બાપુજી, હું થોડા દિવસ સુહાર્દાને ત્યાં રહેવા જાઉં છું. એ મને દિલાસો આપવા આવી હતી ત્યારે એણે મને આગ્રહ કરીને એને ત્યાં રહેવા આવવા કહ્યું હતું.’ પિતાશ્રીના ચરણસ્પર્શ કરતાં વિજયા બોલી, ‘તમે મારી જરાય ચિંતા ન કરશો.’ ને ચાણક્યના ખભે હાથ મૂકીને એણે કહ્યું, ‘તારી પરિસ્થિતિ પણ ઘણી મુશ્કેલીવાળી છે, એ હું સમજું છું. પણ મારો ભાર હું તારા પર કે ઘર પર પડાવા નહિ દઉં. બાપુજીને એમની આ છેલ્લી અવસ્થામાં તમે બંને ભાઈઓ સાચવી લેજો. થોડા દિવસ રહીને હું આવીશ, ને ત્યાં સુધીમાં…’ વિજયાનો અવાજ રૂંધાયો. આંખો અશ્રુભીની થઈ ગઈ.

‘વિજુ, તારા પર ઉપરાઉપરી જે આઘાતો આવી પડ્યા, એનાથી હું પણ બહુ દુઃખી છું. પણ ઈશ્વર છેલ્લે સૌ સારું કરશે. તું હમણાં ક્યાંય ન જઈશ. બાપુજીને પણ દુઃખ થશે.’ લાગણીભર્યા સ્વરે ભાઈએ વિજયાને રોકવાનો પ્રયત્ન કર્યો.

‘પણ હું પાછી આવીશ ને ? ભાગી થોડી જાઉં છું ? બહેનપણીને ત્યાં થોડા દિવસ રહીશ તો મને જરા હળવાશ જેવું લાગશે.’

ને એમ વિજયા સુહાર્દાને ત્યાં પહોંચી. સુહાર્દા તો એને જોતાં જ હર્ષાવેશથી વળગી જ પડી. એ આત્મીયતાભર્યા મિલનથી બંનેની આંખો છલકાઈ ઊઠી.

સુહાર્દાના કુટુંબમાં વિજયાને સ્નેહભર્યો હુંફાળો આવકાર મળ્યો. સુહાર્દાના માતાપિતાએ પણ જાણે દીકરી પ્રત્યે દાખવતા હોય એવી મમતાથી એને માથે, વાંસે હેતથી પસવારી. સૌજન્ય અને સુસંવાદીતાભર્યા વાતાવરણમાં વિજયાના મનનો ભાર હળવો થવા લાગ્યો.

‘સુહાર્દા, હવે મારે મારી જાતના જોરે જ જીવવાની ગોઠવણ કરવી પડશે. પિયેરમાં રહેવાય એવી સ્થિતિ નથી.’ વિજયાએ પોતાના પિયેરની હાલતની બહેનપણીને વિગતે વાત કરી.

‘તારો વિચાર મને પણ બરાબર લાગે છે. આપણે કંઈક રસ્તો શોધી કાઢીએ.’ વિજયાના મનોબળને પ્રોત્સાહિત કરતાં સુહાર્દા બોલી, ‘પણ ઉતાવળ ના કરીશ. હજી થોડા દિવસ તું અહીં, આ તારું જ ઘર છે, એમ સમજીને શાંતિથી રહે. તું બરાબર સ્વસ્થ થઈ જાય પછી આપણે તને અનુકૂળ આવે એવું કંઈક આયોજન કરીશું.’

સુહાર્દાની હૂંફ અને એના પરિવારના બધા સભ્યોની દરેક રીતે ઉપયોગી થવાની તત્પરતાથી વિજયામાં આશા, ઉત્સાહ અને હિંમતનો અદ્ભુપત સંચાર થયો. એનું મનોબળ વધારે દ્રઢ થયું. મુશ્કેલીઓનો પડકાર ઝીલી લેવાના આત્મવિશ્વાસથી એ જાણે ટટાર થઈ ગઈ. ને થોડા દિવસમાં એણે જીવનના નવા અભિયાનનું મંગલાચરણ કર્યું.

સુહાર્દાના ભાઈની ઓળખાણથી વિજયાએ એક મોટો રૂમ ભાડે રાખી લીધો, ને ત્યાં રહેવાનું અને બાળકોને ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. એના ખુશમિજાજ સ્વભાવના કારણે બાળકો પર શરૂથી જ એની સારી છાપ પડી. એના માયાળુ વ્યવહારથી ટ્યૂશનક્લાસ પણ જાણે પરિવાર હોય, એવું બાળકોને લાગતું અને શિક્ષણકાર્ય પણ એણે વિદ્યાર્થીની ક્ષમતાને ધ્યાનમાં લઈને પૂરી નિષ્ઠાપૂર્વક કરવા માંડ્યું, જેનાથી નબળા વિદ્યાર્થીઓમાં પણ આત્મવિશ્વાસ પ્રગટવા લાગ્યો, ને એમની સારી પ્રગતિ થવા લાગી. ને એ કારણે સારી શિક્ષિકા તરીકેની એની ખ્યાતિ પ્રસરતાં વર્ગમાં સંખ્યા પણ ઝડપથી વધવા માંડી. થોડા સમયમાં તો એણે ત્રણ પાળી શરૂ કરી. ને એમ એક વર્ષમાં તો વિજયાની આર્થિક સમસ્યા હળવી થઈ ગઈ.

પણ ત્યાં તો વળી એક બીજી મુશ્કેલી વિજયાના માર્ગમાં આવીને ઊભી થઈ ગઈ ! એ માંડ સ્થિર થઈ હતી ત્યાં મકાનમાલિકે વિજયાને રૂમ ખાલી કરવાની નોટિસ આપી. મકાનમાલિકની પત્નીની કચકચ ચાલુ થઈ ગઈ હતી. ‘છોકરાંના કલબલાટથી મારું તો માથું ભમી જાય છે.’ એણે ઘણી પર રૂમ ખાલી કરાવવાનું દબાણ વધારવા માંડ્યું.

‘અમે તો તમારી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને રૂમ આપવાની હમદર્દી દાખવી હતી.’ મકાનમાલિકે મૌખિક નોટિસ આપતાં કારણની સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘સવારના એક વારનું ઠીક હતું. પણ તમે તો સવારના સાતથી તે રાતના આઠ સુધીની ત્રણ ત્રણ પાળીઓ ચાલુ કરી દીધી. આ તો ના ફાવે. આજુબાજુવાળા પણ ફરિયાદો કરે છે. પાળી શરૂ થવાની વાટ જોઈને બહાર ઊભા રહેતાં છોકરાંની ધિંગામસ્તી ને એમનાં વાહનોથી આસપાસના લોકોને પણ ઘણી અડચણ પડે છે.’

હવે શું કરવું ? ભગવાન તુંયે ખરી આકરી કસોટી કરે છે ને ! એ ચિંતામાં એને બી.પી.ના પેશન્ટ બની જવાનો પણ ભય પેઠો. માથું ક્યારેક ક્યારેક સણકવા લાગ્યું હતું. ભૂખ ઘટવા લાગી. રાત્રે ઊંઘ પણ ન આવે. ઘણો વિચાર કર્યો, પણ સમસ્યાનો કોઈ ઉકેલ સૂઝતો નહોતો. આખરે એણે વૈકલ્પિક વ્યવસ્થા માટે થોડો સમય માગી લીધો, જે માલિકે ઉદારતાથી સ્વીકાર્યું. પણ વિજયાએ છોકરાંને કહી દીધું કે આસપાસમાં બીજી જગા નહિ મળે તો મહિના પછી ક્લાસ બંધ.

બાળકોએ હોબાળો કરી મૂક્યો. ‘મેડમ, હવે પરીક્ષા પાસે આવે છે ત્યારે તમે ક્લાસ બંધ કરો છો ? અધવચમાં અમારે ક્યાં જવું ?’

‘શું કરું ? હું પણ તમારી મુશ્કેલી સમજું છું. પણ મકાનમાલિક તો ખાલી કરવાનું જ કહે છે.’ વિજયા લાચારી દાખવતાં બોલી, ‘હું પ્રયત્ન તો કરું છું. બીજું સ્થળ મળી જાય તો આપણો પ્રશ્ન હલ થઈ જાય. તમે પણ તપાસ કરતા રહો.’

વિજયાનું એ સૂચન કામ લાગ્યું. આઠમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીના વાલી ત્રણ દિવસ પછી વિજયાને મળવા આવ્યા. એનો ક્લાસ શરૂ થયો ત્યારથી એમના દીકરાના અભ્યાસનું ધોરણ સુધરી રહ્યું હતું. પહેલાં એ મહત્વના વિષયોમાં ઘણો નબળો હતો. એટલે દીકરાનો અભ્યાસ ન બગડે, એ એમની પણ ખાસ નિસ્બત હતી.

‘વિજયાબેન, અમારો ગ્રાઉન્ડ ફ્લોર હું તમને આપી શકું છું. અહીંથી મારું મકાન બહુ દૂર પણ નથી. મોટા પ્લોટમાં રોડને અડીને મારો સ્વતંત્ર બંગલો છે. એટલે કોઈને કશી અડચણ પડે એમ નથી. ભાડાની પણ ચિંતા નથી. તમે જે આપશો તે ચાલશે.’

મનોમન ભગવાનનો આભાર માનતાં વિજયા બોલી, ‘તું ખરો ખેલાડી છે. મુસીબતમાં મૂકે છે અને પાછો એમાંથી બહાર પણ કાઢે છે. પણ મુશ્કેલીઓમાં જ હું થાકીને હારી જાઉં તો ? તારે રમવી હોય એટલી રમત રમ. પણ હું પડી ભાગું નહિ, એ જોવાની જવાબદારી તારી.’ ને એમ ભગવાન પર બોજ નાખીને વિજયા હળવી થઈ ગઈ.

વિદ્યાર્થીના પિતાશ્રીને આદરપૂર્વક હાથ જોડીને એણે કહ્યું, ‘આપનો ઘણો આભાર. આપે મારી મોટી ચિંતા દૂર કરી.’

નવા સ્થળે વિજયાનો ક્લાસ ચાલુ થાય છે એ જાણીને વિદ્યાર્થીઓએ હર્ષની ચિચિયારી પાડી, જે વિજયા માટે પણ એક રોમાંચક અનુભવ હતો. વિદ્યાર્થીઓ સાથેની ભાવાત્મક સંલગ્નતાની એ અભિવ્યક્તિ પણ એના માટે એક મોટી ઉપલબ્ધિ જ હતી ને ?

સુહાર્દાને લાંબા સમયે મળવાનું થયું ત્યારે નવ વર્ષની પોતાની મથામણોનો ઈતિહાસ વિજયાએ એને જણાવ્યો. સુહાર્દા જર્મનીમાં હતી. ઘણા સમયથી બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. વિજયા પણ એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે એને સમય જ મળતો નહોતો. ક્યારેક સુહાર્દાના ઘરે જઈને ખબર કાઢી આવતી.

વિજયાએ આપેલા હેવાલ પછી ખૂટતી કડીઓના સંદર્ભમાં સુહાર્દાએ પૂછવા માંડ્યું.

‘હવે કેવું ચાલે છે ? એકલી જ છે કે પછી…?’

‘…તું ધારે છે એવું તો નથી, ને હવે એવું કંઈ કરવું પણ નથી. પણ ઘરમાં હું એકલીય નથી.’

‘એટલે ?’ સુહાર્દાનું બીજું અનુમાન હતું કે કુટુંબનું કોઈ સાથે હશે.

‘મારા સસરા, ને એક અનાથ છોકરી મારી સાથે છે. હવે ક્લાસ ચલાવવામાં સારું મળી રહે છે. મેં મારું અલગ મકાન પણ બનાવી લીધું છે. ત્યાં નીચે ‘સોહમ ટ્યૂશન ક્લાસ’ ચલાવું છું ને ઉપરના માળે હું રહું છું. એક મદદનીશ શિક્ષક પણ રોકી લીધા છે. ‘સોહમ ટ્યૂશન ક્લાસ’ એ મારા પતિનું જીવતુંજાગતું ને સાર્થક સ્મારક, ને મારી એમને શ્રદ્ધાંજલિ પણ.’ ભાવુક થઈને વિજયા બોલી, ‘સસરાને મારા પ્રત્યે ઘણી લાગણી હતી, એટલે એમને મારી સાથે લાવીને એમની સહાનુભૂતિનો યોગ્ય પ્રતિભાવ આપી શક્યાની ધન્યતા અનુભવું છું. એ પત્ની અને પુત્રીથી કંટાળીને વૃદ્ધાશ્રમમાં જવાના હતા. ને જે છોકરી મારી સાથે છે, એ પણ હોશિયાર, ગુણવાન અને લાગણીશીલ છે. ઘરકામમાં પણ મને મદદ કરે છે. એને હાઈસ્કૂલમાં મૂકી છે. ભણવામાં પણ સારી છે. ને ભવિષ્યની મારી વારસદાર છે.’ વિજયાએ હસતાં હસતાં સમાપન કર્યું.

‘અદ્‍ભુત !’ સુહાર્દાએ ખુશી અને અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું, ‘મને જાણીને ઘણો આનંદ થયો કે જીવનના ભારે સંઘર્ષમાં આખરે વિજયાનો વિજય થયો.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વિજયાનો વિજય – હરિભાઉ મહાજન”

Copy Protected by Chetan's WP-Copyprotect.