દાદાજીનો જન્મદિવસ – બકુલ બક્ષી

(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા નંદનને દાદાજીનો નેવુમો જન્મદિવસ ઊજવવાનો સૌથી વધારે ઉમળકો હતો. દાદાજીની પોતાની ખાસ ઈચ્છા નહોતી. નાનપણમાં દરેક જન્મદિવસ ઉંમરમાં વધારો થયાનો આનંદ આપે છે પણ આ ઉંમરે તો જન્મદિવસ જીવનમાં એક વર્ષ ઓછું થયાનો અહેસાસ કરાવે છે. એમાં ઉજવણી કરવા જેવું શું છે, દાદાજીને વિચાર આવ્યો. પરિવારના આગ્રહથી એ છેવટે માની ગયા. બે દીકરા અને એક દીકરી પરદેશમાં હતાં જ્યારે પોતે મોટા દીકરા સુનીલ સાથે મુંબઈમાં રહેતા હતા. સુનીલ સરકારી નોકરીમાં હતો અને માતાના અવસાન બાદ ગામમાં એકલા પડી ગયેલા પિતાને પોતાની પાસે લઈ આવ્યો હતો. એની પણ ઈચ્છા હતી કે આ પ્રસંગે આખો પરિવાર ભેગો થાય. જન્મદિવસ પણ ડિસેમ્બરમાં આવતો હોવાથી પરદેશથી બધાંને આવવું ફાવે તેમ હતું. પ્રસંગની જવાબદારી સુનીલે ઉપાડી લીધી અને ભાઈઓ તથા બહેન સાથે વાત પણ થઈ ગઈ. બધાંની આવાની તારીખો નક્કી થઈ ગઈ. છતાં દાદાજીને લાગ્યા કરતું હતું કે આટલા મોટા પાયા પર આવી ઉજવણી કરવી કેટલી યોગ્ય છે. પણ આખો પરિવાર ભેગો થશે એ વિચારથી એ માની ગયા હતા. પરદેશથી આવતા દરેકે પોતાની રહેવાની વ્યવસ્થા કરી લીધી હોવાથી સુનીલના માથેથી આ જવાબદારી ટળી ગઈ હતી.

મુલુંડ નજીક અકસા બીચ પર એક સંબંધીના બંગલામાં બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. નંદને પણ એક દિવસ પહેલાં બધી વ્યવસ્થાની જાતે ચકાસણી કરી લીધી હતી અને પાર્ટીના દિવસે સવારથી જ એ ત્યાં કામમાં લાગી ગયો હતો. કેટરરના માણસો સામાન સાથે પહોંચી ગયા હતા અને ટેબલો સજાવવામાં વ્યસ્ત હતા. જે થોડુંઘણું ડેકોરેશન કરવાનું હતું તે પણ થઈ ચૂક્યું હતું અને કૅક પણ પહોંચી ગઈ હતી. માત્ર પરિવાર પૂરતી જ આ પાર્ટી હોવા છતાં પણ નાનામોટા બધાં મળીને ત્રીસેક વ્યક્તિની હાજરી રહેવાની હતી.

નંદન દાદાજીને લઈને પહોંચ્યો ત્યારે લગભગ બધા જ આવી ચૂક્યા હતા અને બંગલાની લોનમાં છૂટાછવાયા ગોઠવાઈ પણ ગયા હતા. નંદનના ખભા પર હાથ મૂકીને પા પા પગલી ચાલતા દાદાજી બંગલાના ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા પર બેસી ગયા. ઘરની બહાર ખાસ જતા ન હોવાથી એમના ચહેરા પર થોડો થાક વર્તાતો હતો. કોઈએ પાણીનો ગ્લાસ ધર્યો તો એમણે હાથના ઈશારાથી ના પાડી. દાદાજીના આગમનની સાથે જ બધાંની વાતો એકાએક અટકી ગઈ હતી અને દરેકે ઊભા થઈ એમનું સ્વાગત કર્યું હતું. પરિવારના સભ્યો એક પછી એક દાદાજીના આશીર્વાદ લેવા એમની નજીક અવવા લાગ્યા. પોતાના દીકરા-દીકરીઓનો પરિચય પણ કરાવતા ગયા. નવી પેઢીના વંશજોને મળીને દાદાજીના ચહેરા પર ખુશી ઝલકતી હતી. નંદન બાજુમાં જ ઊભો રહી આ પરિચયવિધિ જોઈ રહ્યો હતો. એને લાગ્યું કે વિદેશમાં રહેતાં પિતરાઈ ભાઈ-બહેનો કંઈક વધારે પડતો શિષ્ટાચાર કરી રહ્યા હતાં. કદચ એમને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા થોડી વધારે માત્રામાં સમજાવાઈ હશે. દાદાજીની સાથે સાથે નંદન પણ આ વિસ્તરિત પરિવારના દરેક સદસ્યથી પરિચિત થતો રહ્યો.

બહાર બંગલાની લોન પરથી બધાની વાતો અને હસવાના અસ્પષ્ટ અવાજો આવી રહ્યા હતા. પાર્ટીનો રંગ ધીરે ધીરે જામી રહ્યો હતો પણ નંદન કોઈ અંગરક્ષકની જેમ દાદાજીની આસપાસ જ રહેતો હતો. છેવટે દાદાજીના આદેશથી એ બહાર લોનમાં આવ્યો અને મહેમાનોને મળવા લાગ્યો. અમેરિકાથી આવેલા અભયકાકાએ શું ભણે છે અને શું કરવા માંગે છે તે પૂછ્યું ત્યારે નંદને કહ્યું –

‘બી.કોમ.ના છેલ્લા વર્ષમાં છું, સી.એ. થવાનો વિચાર છે.’

‘બી.કોમ. થયા પછી જો ખરેખર કૅરિયર બનાવવી હોય તો અમેરિકા ભણવા આવી જા. આપણું ઘર છે એટલે કોઈ ચિંતા નથી.’ ત્યાં જ નેહા કાકીએ ટકોર કરી કે ‘આજકાલ તો દરેક વિદ્યાર્થી હૉસ્ટેલમાં રહેવું જ પસંદ કરતા હોય છે જેથી ભણતરનો પૂરો લાભ લઈ શકાય.’ નંદનને લાગ્યું કે કાકીએ અત્યારથી જ પાળ બાંધવાની શરૂઆત કરી દીધી હતી.

‘પરદેશમાં ભણવાની મારી ખાસ ઈચ્છા નથી.’ નંદને વાતનો અંત લાવવા માટે કહ્યું.

‘જો મારી વાત ધ્યાનથી સાંભળ. અહીં ઈન્ડિયામાં કોઈ ભવિષ્ય નથી. બાકી જો તારે પણ તારા પપ્પાની જેમ બાબુગીરી કરવી હોય તો તારી ઈચ્છા.’

નંદનને અભયકાકાની વાત ગમી નહીં પણ એ ‘વિચાર કરી જોઈશ’ કહી ચૂપ રહ્યો.

જેમના ફોટાઓ કેવળ ફેસબુક પર જોયા હતા તેવા બે ચાર કઝિન્સ સાથે ઔપચારિક વાતો થઈ ગઈ. અભયકાકાનો દીકરો જય પહેલી વાર ઈન્ડિયા આવ્યો હતો માટે એ લોકો દાદાજીનો જન્મદિવસ ઊજવી બીજા દિવસે જ તાજમહેલ જોવા આગ્રા જવાના હતા. દાદાજીએ કહ્યું પણ હતું કે આવ્યો છે તો થોડા દિવસો સાથે રહીને જા. દરેકને સમયનો અભાવ અને ટૂંકી રજા નડતા હતાં. જેમાં આ પ્રસંગ ઉપરાંત નવી પેઢીને ઈન્ડિયા પણ બતાવવાનું હતું. લંડનથી આવેલા મનોજકાકાનો દીકરો અને દીકરી ઈન્ડિયા આવી ચૂક્યાં હતાં પણ રાજસ્થાન જોવાનું રહી ગયું હતું. જે આ વખતે જોઈ નાંખવું હતું. ઈન્ડિયા જોવું અથવા બાળકોને બતાવવું એ જાણે કોઈ માથે પડેલી જવાબદારી નિભાવતા હોય તેવી બધાની ભાવના હતી. કૅનેડાથી આવેલાં દીપા ફઈ અને તેમની પુત્રી સપના થોડો સમય મુંબઈમાં રહેવાનાં હતાં. દાદાજીએ દીપા ફઈને પૂછ્યું પણ હતું – ‘ગિરીશકુમાર નથી આવ્યા ?’

દાદાજી ફુઆને આ નામથી જ બોલાવતા હતા.

‘ના, એમને રજા નથી મળી.’ દીપા ફઈએ ઉત્તર આપ્યો હતો.

સપના અને નંદન લગભગ સરખી ઉંમરનાં હોવાથી એમની વચ્ચે મિત્રતા જલદી બંધાઈ ગઈ હતી.

જ્યાં દાદાજી બેઠા હતા ત્યાં જ કૅક કાપવાની વિધિ શરૂ થઈ. પરિવારથી ઘેરાયેલા દાદાજીએ બેઠાં બેઠાં જ કૅક કાપી અને બધાંએ તાળીઓ પાડી એ પળને ‘હેપી બર્થ ડે’ ગાઈને વધાવી લીધી.

‘હવે શતાબ્દીમાં માત્ર દસ જ વર્ષ ખૂટે છે.’ કોઈએ કહ્યું અને શણગારેલા ફુગ્ગાઓમાંના એકનો ફૂટવાનો અવાજ આવ્યો. દાદાજી કંઈક આશીર્વચન કહે તેવી બધાની ઈચ્છાને માન આપી એમણે હેન્ડમાઈક હાથમાં લઈ ખોંખારો ખાઈને શરૂઆત કરી –

‘આ પ્રસંગે આખો પરિવાર ભેગો થયો છે તેનો મને ખૂબ આનંદ છે. આજે મને પ્રભાની ગેરહાજરી ખૂંચે છે. એ હયાત હોત તો કેટલી રાજી થઈ હોત. હવે મારાં કેટલા વર્ષ બાકી છે તેની ખબર નથી પણ બહુ ઓછાં છે એ જાણું છું. આપણા પરિવારના વૃક્ષની શાખા પ્રશાખાઓ વિદેશ સુધી ફેલાઈ ચૂકી છે. હું ન હોઉં ત્યારે પણ આ રીતે જ બધા હળીમળીને રહો તેવી આશા વ્યક્ત કરું છું. તમે બધા જ તમારા સંસારમાં સુખી રહો તે જ મારા આશીર્વાદ છે.’

આ વિધિ પતી ગયા પછી લોન પર પાર્ટીનો રંગ જામી રહ્યો હતો. પરિવારના સદસ્યો કોઈ ઔપચારિકતા પૂરી કરતા હોય તેવી રીતે થોડી વારા દાદાજી પાસે બેસી ફરી પાર્ટીમાં ભળી જતા હતા. નંદન કોઈ મોટી જવાબદારી નિભાવતો હોય તેમ ઘડીક દાદાજી પાસે તો ઘડીક બહાર લોન પર ફરતો રહ્યો.

સપનાથી જે પણ વાતો થઈ એમાં એ નંદનને નિખાલસ અને ખુલ્લા દિલની લાગી. એ કૅનેડાના મોન્ટ્રિયલ શહેરમાં ફૅશન ડિઝાઈનિંગનો કોર્સ અને સાથે જોબ પણ કરતી હતી. એની સાથે કૅનેડાના કૉલેજ જીવન અને એની પ્રવૃત્તિ વિશે થોડી વાતો થઈ. એની વાતો સાંભળ્યા પછી નંદનને લાગ્યું કે બંને દેશોના વિદ્યાર્થીજીવનમાં કેટલું બધું અંતર છે. આપણે ત્યાં પરિવારની નિકટતા હોય છે તે સપનાને ગમતી હતી.

‘મને ઈન્ડિયા ગમે છે, અહીંના લોકો પણ ગમે છે. તેમ છતાં હું કૅનેડા ન છોડી શકું. એ દેશમાં હું મોટી થઈ છું.’ સપનાએ કહ્યું. નંદને જ્યારે પોતાના વતન પ્રત્યેના આકર્ષણની વાત કરી ત્યારે સપનાએ સ્પષ્ટ કહી દીધું –

‘આજે મને કૅનેડા સિવાય બીજા બધા જ દેશ પરદેશ લાગે છે.’

વાતવાતમાં જાણવા મળ્યું કે સપના અને એનાં ડેડી-મમ્મી બધાં જ જુદાં જુદાં શહેરોમાં રહેતાં હતાં.

‘મમ્મી ઑટોવામાં જોબ કરે છે અને ડેડી ટોરેન્ટોમાં રહે છે. હું વીકઍન્ડમાં ક્યારેક એમને મળવા જાઉં છું. પણ મમ્મી અને ડેડી તો બે વર્ષથી સેપરેટ થઈ ગયાં છે.’

‘આઈ એમ સૉરી. મને આ વાતની ખબર નહોતી.’ નંદને કહ્યું.

‘જો આ વાત તારા સુધી જ રાખજે. દાદાજીને નહીં કહેતો. એમને શોક લાગશે.’

‘આઈ પ્રોમિસ.’ નંદને આશ્વાસન આપ્યું.

એ દ્વિધામાં મુકાઈ ગયો અને એને સમજાઈ ગયું કે દાદાજીના ગિરીશકુમાર કેમ નથી આવ્યા. ત્યાં દીપાફઈએ સપનાને બોલાવી લીધી અને નંદન બીજાઓને મળતો રહ્યો.

લંડનથી આવેલા મનોજકાકાએ પપ્પાને પૂછ્યું- ‘પૂરા પરિવારને એકઠો કરવા પાછળનો આશય શું હતો ?’

‘દાદાજીની ઈચ્છા હતી કે નવી પેઢી એકબીજાને મળે અને ઓળખે જેથી એમની વચ્ચેનો સંબંધ વધે.’

‘ધેટ્સ ઑલ’, મનોજકાકાએ કહ્યું અને ઉમેર્યું –

‘મને હતું કે ઑલ્ડ મૅન કંઈક વિલ-બિલની વાત કરવા માંગતા હશે.’

‘વિલની તો મને કંઈ ખબર નથી, પણ હા, જો બિલ જોઈએ તો હું આપી શકું છું.’

પપ્પાનો જવાબ સાંભળી મનોજકાકા એક ક્ષણ સ્તબ્ધ થઈ ગયા પણ પછી બોલ્યા –

‘મોટા ભાઈ, તમારી સેન્સ ઑફ હ્યુમર હજી પણ જળવાઈ રહી છે.’ પપ્પાએ કંઈ જ જવાબ ન આપ્યો.

નંદનની ખાસ ઈચ્છા હતી કે સમસ્ત પરિવારનો એક ગ્રૂપ ફોટો પાડે. બધા પોતાની વાતોમાં એટલા મશગૂલ હતા કે કોઈએ એની વાત પર ધ્યાન જ ન આપ્યું. એણે ફરી વિનંતી કરી ત્યારે અભયકાકા બોલ્યા –

‘જો આ એક મીડલ ક્લાસ મેન્ટાલિટી છે. તું કહે એટલે અમે બધા લાઈનબંધ ઊભા રહી જઈએ અને પછી તારા ઈશારે એક સ્માઈલ આપીએ.’ અને પછી સલાહ આપી.

‘એના કરતાં જેવી રીતે બધા બેઠા છે એમના વ્યક્તિગત ફોટા પાડી લે – નેચરલ પોઝમાં.’

નંદન થોડો નિરાશ જરૂર થયો પણ ફોટાઓ પાડી લીધા પછી દાદાજીને આ વાત કહી. દાદાજીના ચહેરા પર એક આછું સ્મિત ફરકીને ચાલ્યું ગયું.

‘જો બેટા, આપનો પરિવાર હવે ઘણો મોટો થઈ ફેલાઈ ગયો છે. તારા કૅમેરાના ફોક્સમાં એ નહીં આવી શકે.’ દાદાજીએ નંદનની પીઠ થાબડીને સલાહ આપી.

પાર્ટી જામી રહી હતી અને નવી પેઢી એકબીજાથી પરિચિત પણ થઈ ચૂકી હતી. નાના ગ્રૂપમાં એમની વાતો ચાલી રહી હતી. નંદન ક્યારેક એમની વાતો સાંભળતો તો ક્યારેક દાદાજીનું ધ્યાન રાખતો હતો. એને લાગ્યું કે પરિવાર ભેગો જરૂર થયો છે પણ સંગઠિત થવા કરતાં એકબીજા પર કટાક્ષ કરવાની વૃત્તિ વધારે વર્તાતી હતી. નિકટનાં સગાં હોવા છતાં પણ જાણે અપરિચિત હતાં. નિકટતા કરતાં એમની વચ્ચે રહેલું અંતર વધારે પ્રબળ હતું. આવા સંબંધોમાં આત્મીયતા કરતાં ઔપચારિકતા વધારે હોય તેવું નંદનને લાગી રહ્યું હતું. દાદાજી શરૂઆતથી જ આ ઉજવણીનો વિરોધ કરી રહ્યા હતા. નંદનને એમના વિરોધનું કારણ ધીરે ધીરે સમજાઈ રહ્યું હતું. એને ખુશી એ વાતની હતી કે આ પ્રસંગના લીધે એને પોતાના પિતરાઈ ભાઈ-બહેનોનો પ્રત્યક્ષ પરિચય તો મળ્યો હતો. અત્યાર સુધી જેમને ફેસબુક પર જ જોયા હતા તે આજે ફેસ-ટૂ-ફેસ આવી ગયા હતા.

બહાર લોન પર બધા પાર્ટી માણી રહ્યા હતા અને દાદાજીની ભૂમિકા જાણે પૂરી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. દાદાજી હવે થોડા થાકી પણ ગયા હતા અને એમણે ઘેર જવાની ઈચ્છા વ્યક્ત કરી. ફરી એ જ ઔપચારિક શિષ્ટાચાર કરી બધાએ એમને વિદાય આપી. નંદનના ટેકે દાદાજી ગાડીમાં બેઠા અને બધાંને નમસ્કાર કરી વિદાય લીધી. પાર્ટી પાછળ છૂટી ગઈ. નંદનના ચહેરા પર પ્રસંગની જવાબદારી સફળતાથી નિભાવ્યાનો આનંદ હતો.

ઉતાર ચડાવવાળા સાંકડા રસ્તા પરથી ગાડી જઈ રહી હતી. રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હાર હતી. છૂટાંછવાયાં મકાનો અને વૃક્ષોની વચ્ચેથી ક્યારેક દરિયો દેખાઈ જતો હતો. નંદન આ રમણીય દ્રશ્યને માણી રહ્યો હતો ત્યાં દાદાજી બોલ્યા –

‘દીપા અને ગિરીશકુમાર વચ્ચે મને બધું બરાબર હોય તેમ નથી લાગતું.’

‘કેમ દાદાજી, ફુઆજીને રજા નથી મળી એટલે એ નથી આવ્યા,’ નંદને શંકા દૂર કરવા કહ્યું.

‘જો બેટા, તું એમની વાતો પરથી તારો અભિપ્રાય બાંધે છે. જ્યારે મારી ઉંમરે હું એમના ચહેરા અને આંખોની ભાષા વાંચી શકું છું’, દાદાજીએ ઘટસ્ફોટ કર્યો.

અને ગાડીમાં એકાએક બ્રેક લાગી.

સંપર્ક :
૧૦, સેટેલાઈટ સોસાયટી, સુંદરવનની સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “દાદાજીનો જન્મદિવસ – બકુલ બક્ષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.