સ્થિતિ અને ગતિની સમતુલા – ડૉ. મોહનભાઈ પંચાલ

(‘ઓળખ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી)

એક પાદરી પાસે એક યુવતી આવીને કહેવા લાગી;

‘મને છેલ્લા છ મહિનાથી ઊંઘ નથી આવતી. અનેક ઉપચારો કરીને થાકી ગઈ છું. કંઈ રાહતનો માર્ગ બતાવી શકશો ?’

સ્મિતયુક્ત વદને પાદરીએ યુવતી સામે નજર કરીને કહ્યું :

‘તમને તમારા તંત્રનો રોગ થયો છે, તમે શરીરની સ્થિતિની દવાઓ કરી હશે; મનની-તંત્રની નહિ !’

‘આપની વાત સમજમાં ન આવી ફાધર !’ યુવતીએ કહ્યું.

‘તમને શું બીજા ઘણાને, મોટા મોટા લોકોને પણ મારી વાત સમજાતી નથી. મારી વાત તો બહુ સરળ છે. શરીર અને મનના રોગ જુદા જુદા છે. તમને ઊંઘ નથી આવતી તેનું એક કારણ એ છે કે તમારા મનમાં તંત્રમાં વ્યાધિ પેદા થયો છે.’

‘એ વ્યાધિ કયો ?’

‘મનનાં વ્યાધિ અનેક છે.’

‘દા.ત.?’

‘દાખલા તરીકે, અસંતોષ, ઉતાવળ, અધીરાઈ, ચિંતા, લોભ, ક્રોધ, ઈર્ષા, ઘૃણા, તિરસ્કાર, વહેમ, શંકા, અહમ્, અભિમાન, અહંકાર વગેરે મનના વ્યાધિઓ છે. તેમાંથી કોઈપણ એક કે વધુ વ્યાધિઓ તમને થયાં લાગે છે !’

‘મનનો વ્યાધિ થવાના ઘણા કારણો છે. વ્યક્તિનાં વર્તમાન સંજોગો અને વાતાવરણમાંથી આવા મનના રોગના જંતુઓ વ્યક્તિના મનમાં દાખલ થાય છે. વળી, વ્યક્તિના જન્મ સમયનું વાતાવરણ, માબાપનો વ્યવહાર, સ્વભાવ, ટેવો દ્વારા પણ આ મનના વ્યાધિના મૂળ રોપાય છે. કેટલીક વાર વ્યક્તિને તેનાં માબાપ તરફથી વારસામાં પણ આવા મનોવ્યાધિ મળે છે.’ પાદરીએ કારણો કહ્યાં.

‘આ રોગ મટે ખરો ?’

‘જરૂર મટે, પણ તે માટે સાચો ને લાંબો ઉપચાર કરવો પડે.’ ‘કોઈ ઉત્તમ ઔષધ ન આપો, જેથી મનોવ્યાધિ મટી શકે ?’

‘ના બહેન, તે માટે મારી પાસે કોઈ જ ઔષધ કે ઉપચાર નથી. જે કંઈ ઔષધ કે ઉપચાર છે તે તમારી પાસે જ છે. તમે જ તમારા ચિકિત્સક છો !’ પાદરીનો છેલ્લો ઉત્તર સાંભળીને યુવતી ઊંડા આશ્ચર્યમાં ડૂબી ગઈ. મુખ પર આશાનાં કિરણ પથરાયા, હોઠ પર સ્મિત મલકી રહ્યું. ત્યારે તેણે કહ્યું : ‘તો તો બહુ સારું. હવે હું મારો મનોરોગ મટાડી શકીશ. મારો અનિદ્રાનો વ્યાધિ ટાળી શકીશ ખરુંને ?’

‘હા, હા, જરૂર તમે તેમ કરી શકશો.’

યુવતીનો અર્ધો રોગ જાણે અદ્રશ્ય થઈ ગયો, તે જ રાત્રે તે નિરાંતે ઊંઘી શકી.

મનુષ્યના જીવનમાં સુખ ને દુઃખ, ચડતી ને પડતી જેવા દ્વંદ્વો બહુ સામાન્ય અને સ્વાભાવિક રીતે આવ્યા કરે છે. આપત્તિઓ આવે ત્યારે તેમનો સામનો કરવાનો અનુભવ સૌ કોઈને છે. સંકટોના સકંજામાંથી કેવી રીતે છુટાય, દુઃખો કેમ કરીને ટળે અને સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય તેની મથામણ આપણે દિન-રાત કર્યા કરીએ છીએ. કેટલીક આપત્તિઓ કુદરતી હોય છે, તો કેટલીક શરીર સંબંધી હોય છે. જ્યારે આપણી મોટાભાગની આપત્તિઓ આપણે પોતે જ ઊભી કરેલી હોય છે. (Thou are the antnor of thy sufferings) અને તેમાં આપણા મનનો ફાળો સવિશેષ હોય છે. દુઃખ કે સુખ એ મનના વિષયો છે. માનો તો સુખ, નહિ તો દુઃખ એક જ વસ્તુ કારણ કે, ઘટનાથી મને પોતાને દુઃખ થાય છે, પણ તેનાથી તમને પ્રસન્નતા જન્મે છે. તમને મજા આવે છે અને આ સુખ કે દુઃખનો અનુભવ કરવા-કરાવવાનો મનનો વ્યાપાર સતત ચાલ્યા જ કરે છે.

આપત્તિઓને સહન કરવાની શક્તિ મનુષ્યનાં મનમાં રહેલી છે. તેવી જ રીતે આપત્તિઓને દૂર કરવાની મુક્તિ મનમાં જ પેદા થાય છે. ગમે તેવી શારીરિક, ભૌતિક કે સાંસારિક આપત્તિમાંય મજબૂત મનવાળો મનુષ્ય ડગી જતો નથી કે લેશમાત્ર ગભરાતો નથી. અહીં મનનું સ્વાસ્થ્ય, મનની શુદ્ધિ, સ્થિરતા, શક્તિ કેળવવાની આવશ્યકતા ઊભી થાય છે. તે કેવી રીતે બને ? મનને સ્વસ્થ રાખવા માટેય વળી શરીર સ્વસ્થ રાખવું પડે. શરીરની નાની મોટી જરૂરિયાતો સંતોષવી પડે. ભૂખ, તરસ, ઊંઘ, આરામ, મૈથુન ઈત્યાદિ શરીરની પાયાની જરૂરિયાતો છે.

એક સમયે ભગવાન બુદ્ધ પાસે આવીને એક ભિક્ષુકે કહ્યું :

‘ભગવાન આજે તો ભારે થઈ !’

‘કેમ શું થયું ?’ ભગવાને પૂછ્યું.

‘ભગવાન, એક ભિક્ષુક આવ્યો છે. તેને મેં ભિક્ષા વિશે ઉપદેશ આપીને, શરીરનાં સુખ-દુઃખ સંબંધી શિખામણ આપી, આત્મા અંગે પણ બોધ આપ્યો. નિર્વાણ અંગે પણ સમજાવ્યું. પણ તેને કશામાં રસ પડ્યો નહિ, કે કોઈ સંતોષ પણ ન થયો.’ ભિક્ષુએ વિગતે કહ્યું.

બુદ્ધે સસ્મિત, ‘એ ભિખારીને મારી પાસે લઈ આવ.’

આથી એ ભિખારીને ભગવાન બુદ્ધ પાસે લાવવામાં આવ્યો. ભગવાને તેની સામે કરુણા દ્રષ્ટિએ જોઈને કહ્યું, ‘આને કશા ઉપદેશની જરૂર નથી કે નથી કોઈ બોધની આવશ્યકતા ! એને પહેલા પેટ ભરીને ભોજન આપ પછી તેને થોડીવાર આરામ કરવાની સગવડ કરી આપ.’

ભગવાન બુદ્ધની આજ્ઞાનુસાર તેને માટે ભોજન-આરામનો પ્રબંધ કરવામાં આવ્યો. ત્યાર પછી પેલો ભિખ્ખુ ફરીથી ભગવાન સમક્ષ આવીને હાથ જોડી ઉભો થયો. ભગવાને પૂછ્યું,

‘કેમ, વળી પાછું શું થયું ?’

‘ભગવાન આપે એને કશો ઉપદેશ તો આપ્યો નહિ !’

‘વત્સ, આજે એને ઉપદેશની નહિ, અન્નની અને આરામની જરૂર હતી. એ અન્ન વડે આજે જીવશે અને આરામ દ્વારા થોડી સ્કૂર્તિ મેળવશે. પછી આવતી કાલે એ જરૂર ઉપદેશ સાંભળશે, અને સંતોષ પામશે.’ ભગવાને ભિખ્ખુને બોધ આપ્યો.

દુઃખમાંથી છુટકારો મેળવી સુખની પ્રાપ્તિ માટે મનુષ્ય સદીઓથી મથામણ કરી રહ્યો છે. દુઃખ નિવારણનો સાચો ઉપાય શેમાં રહેલો છે તે જાણ્યા વિના માનવીના દુઃખ મુક્તિનાં સેંકડોં પ્રયાસો એળે જવાના. જ્યાંથી દુઃખ ઉત્પન્ન થાય છે તે મૂળ શોધવું જોઈએ, અને ત્યાંથી જ અટકાવવા પ્રયત્ન કરવો ઘટે. ભૂખની વેદના ઉપદેશથી દૂર ન થાય. પ્રિયજનના વિરહની વેદનાનો અંત મિષ્ટાન્ન આરોગવાથી નથી આવતો.

પણ હા, એક વાત તદ્દન સાચી અને વ્યવહાર છે. પ્રત્યેક દુઃખને દૂર કરવા માટે તન અને મન સ્વસ્થ રાખવા જરૂરી છે. અને તનમનનું આરોગ્ય શી રીતે જાળવવું તે આજે આપણાં સૌનો એક મોટો અને મહત્વનો સવાલ છે. પહેલાં મનની સ્વસ્થતા વિષે વાત કરીએ, મનને સ્વસ્થ રાખવા માટે સાત્વિક આહારની જરૂર છે. સારા ઉન્નત વિચારો, સુંદર કલ્પનાઓ, પ્રસન્ન વ્યવહાર અને આશા-શ્રદ્ધા તથા વિશ્વાસનો સાથ મનને નિરોગી રાખે છે, મનને મજબૂત અને દ્રઢ બનાવે છે. મનમાં પહાડ જેવી અડગતા અને વહેતા ઝરણા જેવી ગતિ પેદા કરે છે.

એક વખત ભગવાન બુદ્ધ સમક્ષ તેમનો શિષ્ય પૂર્ણ આવીને ઊભો. ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને તેણે ધર્મના પ્રચાર અર્થે જવાની અનુજ્ઞા માગી, કેમકે હવે તેનું ધર્મનું શિક્ષણ પૂરું થયું હતું.

ભગવાને તેને પૂછ્યું : ‘હે વત્સ, તું ક્યાં જવા ધારે છે ?’

ત્યારે પૂર્ણે કહ્યું : ‘ભગવાન, સુનાપુરના પ્રાંતમાં જવા ઈચ્છું છું.’

‘પણ પૂર્ણ તને ખબર છે, કે ત્યાંના લોકો બહુ વસમા અને મારકણા છે ? એ લોકો તારી નિંદા કરશે, તને અસહ્ય ગાળો દેશે, તું શું કરીશ ?’

પૂર્ણે સહસા ઉત્તર આપતાં કહ્યું, ‘ભગવાન, ત્યારે હું મારા મનમાં એમ માનીશ કે તે લોકો મને માત્ર ગાળો જ દે છે ને ? કેટલા ભલા છે એ લોકો.’

‘પણ પછી તેઓ તને હાથ વડે મારશે પણ ખરા.’

‘તો વળી, એમ મન વાળીશ કે એ લોકો મને માત્ર હાથ વડે મારે છે, પથ્થર મારતા નથી, એટલે તેઓ કેટલા સારા છે ?’

‘અને પથ્થર મારશે તો તું શું કરીશ ?’

‘દયાળુ ભગવાન, પથ્થર વડે મારશે તો એમ સમજીશ કે તેમણે મને દંડથી માર્યો નથી, એટલે તેઓ હજીય ભલા કહેવાય ?’

‘એ લોકો તો તને દંડ પણ ફટકારે.’

‘એમણે મને દંડાથી માર્યો, પણ શસ્ત્રોથી ઘાયલ નથી કર્યો એ તેમની ભલમનસાઈ બતાવે છે એવું વિચારીશ’ પૂર્ણે કહ્યું.

‘અને શસ્ત્રોથી ઘાયલ કરે તો તું શું કરીશ ?’

‘તોયે ઉપકાર માનીશ કે તેમણે જાનથી તો નથી માર્યોને ?’

‘કદાચ તને જાનથી મારવા તૈયાર થાય તો ?’

‘ભગવાન, એથી રૂડું બીજું શું ? ઘણા સાધુઓ શરીરની વેદનાથી કંટાળીને આપઘાત કરે છે ને ? હું મારા શરીરના કષ્ટોથી ત્રાસીને આત્મહત્યા કરું તે પહેલા આ લોકો મને શરીર વેદનામાંથી મુક્ત કરે છે તે બદલ તેમનો આભાર માનીશ.’

પૂર્ણે પૂરી સ્વસ્થતાથી અને ઊંડી સમજથી ભગવાન બુદ્ધના બધા જ પ્રશ્નોના ઉત્તર આપ્યાં.

પૂર્ણની સમજણ થતા તેના મનની સ્વસ્થતાથી ભગવાન બુદ્ધ પ્રસન્ન થયા અને તેને સુનાપુરના પ્રાંતમાં ઉપદેશ કરવા જવાના આશીર્વાદ આપ્યાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સ્થિતિ અને ગતિની સમતુલા – ડૉ. મોહનભાઈ પંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.