પુરાણોમાં વિજ્ઞાન – રંજન જોષી

લોકોપયોગી અનેક વિદ્યાઓનું વર્ણન પુરાણોમાં છે. વિશેષતઃ વિશ્વકોશીય એવા અગ્નિપુરાણ, નારદપુરાણ તથા ગરુડપુરાણમાં પ્રચુરતાપૂર્વક વિજ્ઞાન વર્ણન ઉપલબ્ધ છે. આ તમામ વૈજ્ઞાનિક વિદ્યાઓનું વર્ણન તેના મૌલિક પ્રતિપાદક ગ્રંથોને આધારે કરવામાં આવ્યું છે. આ વર્ણન સંક્ષિપ્ત છતાં આધારભૂત છે. પુરાણોમાં આ ગ્રંથોના કર્તા તથા તેમના મતનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જે અજ્ઞાત અથવા અલ્પજ્ઞાત છે. અતઃ સંસ્કૃતના વૈજ્ઞાનિક સાહિત્યનો પરિચય પણ પુરાણોના ઊંડા અધ્યયનથી સર્વથા સુલભ છે. આ દ્રષ્ટિએ પણ પુરાણોનું અધ્યયન લોકોપયોગી અને કલ્યાણકારી છે. પુરાણોમાં વર્ણિત કેટલીક વૈજ્ઞાનિક વિદ્યાઓને આ મુજબ દર્શાવી શકાય.

૧. અશ્વશાસ્ત્ર :

આ એક પ્રાચીન વિદ્યા છે. સભાપર્વ ૫/૧૦૧માં અશ્વસૂત્ર તથા હસ્તિસૂત્રનો ઉલ્લેખ છે. અશ્વોની ચિકિત્સા માટે એક વિશેષ આયુર્વેદ વિભાગ હતો જે શાલિહોત્રના નામથી પ્રખ્યાત હતો. પુરાણો દ્વારા અશ્વનો સામાન્ય પરિચય, તેની ચાલનકળા, તેના રોગ-ઉપચાર વગેરે વિષયોની વિસ્તૃત જાણકારી આપણને પ્રાપ્ત થઈ શકે છે. અગ્નિપુરાણ અધ્યાય ૨૨૮માં અશ્વચાલનવિદ્યાના પ્રકારોનું વિસ્તૃત વર્ણન છે. અધ્યાય ૨૮૯-૯૦માં અશ્વચિકિત્સાનું વર્ણન છે.

૨. હસ્તિશાસ્ત્ર :

અગ્નિપુરાણ અધ્યાય ૨૨૮ તથા ૨૮૯-૯૦માં હસ્તિશાસ્ત્રનું પણ વિશદ વર્ણન મળી આવે છે. ગુજાયુર્વેદના પ્રણેતા ધન્વન્તરિ છે. ગરુડપુરાણ અધ્યાય ૨૦૧/૩૩-૩૯માં આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે. સોમપુત્ર બુધ ગજવૈદ્ય હતા એવું મત્સ્યપુરાણ અધ્યાય ૨૪/૨-૩માં નિર્દિષ્ટ છે.

तारोदर विनिष्क्रान्तः कुमारश्चन्द्रसन्निभः ।
सर्वार्थविद् धीमन् हस्तिशास्त्र प्रवर्तकः ॥
नाम्ना यत् राजपुत्रीयं विश्रुतं गजवैद्यकम् ।
राज्ञः सोमस्य पुत्रत्वाद् राजपुत्रो बुधः स्मृतः ॥ (मत्स्यपुराण २४/२-३)

૩. આયુર્વેદ :

અગ્નિ તથા ગરુડપુરાણમાં આયુર્વેદના નિદાન તથા ચિકિત્સાનું વિશદ વર્ણન છે. ગરુડપુરાણના અધ્યાય ૧૪૬ થી ૧૬૭માં તાવ, રક્તપિત, શ્વાસ જેવા રોગોના નિદાન તથા આયુર્વેદીય ઉપચારોની ચર્ચા જોવા મળે છે. અધ્યાય ૧૭૩ થી ૧૯૩માં દ્રવ્યગુણ વર્ણન છે. ગારુડી વિદ્યા અર્થાત્‍ સર્પદંશ દૂર કરવાની વિદ્યા પણ અધ્યાય ૧૯૭માં વર્ણિત છે. અધ્યાય ૨૦૨માં ઔષધિયોના નામની સૂચિ જોવા મળે છે. અગ્નિપુરાણમાં અધ્યાય ૨૭૯ થી ૨૮૧ સુધી અનેક રોગોનું વિવરણ છે. અધ્યાય ૨૮૩માં રોગોને હરનાર ઔષધિઓનું વર્ણન છે. અધ્યાય ૨૮૫માં મૃતસંજીવની વિદ્યા તથા અધ્યાય ૨૮૬માં અનેક કલ્પયોગોનું વિવરણ આપી પુરાણકારે જાણે સમગ્ર ચિકિત્સા શાસ્ત્રને અત્રે પ્રસ્તુત કરી આપ્યું છે.

૪. રત્નવિજ્ઞાન :

રત્નોની પરીક્ષા હેતુ ગરુડપુરાણમાં ૧૨ અધ્યાયોમાં આ વિષય ચર્ચાયો છે. અધ્યાય ૬૮થી ૮૦ અંતર્ગત રત્નોનું વિભાજન તથા તેના ગુણ-દોષોનું વિવરણ છે. જેમાં વજ્ર (અ.૬૮), મુક્તાફળ (અ.૬૯), પદ્મરાગ (અ.૭૦), મરકત (અ.૭૧), ઈન્દ્રનીલ (અ.૭૨), વૈદૂર્ય (અ.૭૩ તથા ૭૬), પુષ્પરાગ (અ.૭૦), કર્કેતન (અ.૭૫), પુલક (અ.૭૭), રુધિરરત્ન (અ.૭૮), સ્ફટિક (અ.૭૯), તથા વિદ્રુમ (અ.૮૦). આ તમામ રત્નોની પરીક્ષા તથા તેના ગુણદોષોની વિસ્તૃત ચર્ચા જે તે અધ્યાયોમાં કરવામાં આવી છે. અગ્નિપુરાણના માત્ર ૧૫ શ્લોકોમાં અતિ સંક્ષેપમાં આ જ વિષય ચર્ચવામાં આવ્યો છે.

૫. વાસ્તુવિજ્ઞાન :

મંદિર તથા રાજભવનોના નિર્માણને વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. મત્સ્યપુરાણ અધ્યાય ૨૫૨ થી ૨૭૦ અંતર્ગત આ વિજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અગ્નિપુરાણમાં પણ અનેક અધ્યાયોમાં (અ.૪૦, ૯૩, ૯૪, ૧૦૫, ૧૦૬, ૨૪૭) આ વિષય ચર્ચાયો છે. વિષ્ણુધર્મોત્તર પુરાણમાં પણ વાસ્તુકલાનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ગરુડપુરાણમાં પણ સંક્ષેપમાં અધ્યાય ૧-૪૬માં આ વર્ણન જોવા મળે છે. અહીં મત્સ્યપુરાણકારે સૌથી વધુ રસ દાખવ્યો છે. અત્રે ચાર વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે. ૧) વાસ્તુવિદ્યાના મૂળ સિદ્ધાંતો, ૨) સ્થળપસંદગી તથા નિર્માણ રૂપરેખા, ૩) દેવમૂર્તિઓનું નિર્માણ, ૪) મંદિર તથા રાજભવનોની રચના. મત્સ્યપુરાણ અધ્યાય ૨૫૨માં વાસ્તુશાસ્ત્રના ૧૮ આચાર્યોના નામ આપવામાં આવ્યા છે. જેમકે ભૃગુ, અત્રિ, વિશ્વકર્મા, મય, નારદ વગેરે. આ ઉપરાંત ગૃહનિર્માણ સમય (અ.૨૫૩), ભવન નિર્માણ (અ.૨૫૪), સ્તંભનો માન નિર્ણય (અ.૨૫૫) વગેરે વિષયોના વિવરણ બાદ દેવપ્રતિષ્ઠા વિધિ તથા પ્રસાદનિર્માણ વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુધર્મોત્તરપુરાણના તૃતીય ખંડમાં પણ આ જ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

૬. જ્યોતિષવિજ્ઞાન :

ખગોળ-ભૂગોળ વર્ણન સાથે જ્યોતિષની પણ અનેક પુરાણોમાં ચર્ચા કરવામાં આવી છે. શ્રીમદ્‍ ભાગવત પંચમ સ્કંધ અધ્યાય ૧૬ થી ૨૫, દેવી ભાગવત અષ્ટમ સ્કંધ અધ્યાય ૫ થી ૨૦, ગરૂડપુરાણ અધ્યાય ૫૯ થી ૬૪માં મહદંશે જ્યોતિષનું વિવરણ કરવામાં આવ્યું છે. નક્ષત્રદેવતા કથન, યોગિનીસ્થિતિનો નિર્ણય, સિદ્ધિયોગ, અમૃતયોગ, દશાવિવરણ, યાત્રાનું શુભાશુભ ફળકથન, રાશિઓનું પરિમાણ, વિવિધ લગ્નોમાં વિવાહનું ફળ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. નારદીયપુરાણના નક્ષત્રકલ્પમાં પણ નક્ષત્રવિષયક વાત કરવામાં આવી છે.

૭. સામુદ્રિક શાસ્ત્ર :

સ્ત્રી પુરુષોના શારીરિક લક્ષણોને આધારે સમુદ્ર નામના એક વિદ્વાનનો સમુદ્રશાસ્ત્ર નામનો એક ગ્રંથ ઉપલબ્ધ થાય છે. સ્ત્રી પુરુષોના વિભિન્ન અંગોના સ્વરૂપ તથા તેની ઉચ્ચતા, હ્રસ્વતા, દીર્ઘતા, લઘુતા વગેરેને આધારે અહીં ભવિષ્યના જીવન વિશે નિર્દેશ કરવામાં આવે છે, જેને અંગ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્નિપુરાણ અધ્યાય ૨૪૩ થી ૨૪૫માં તથા ગરૂડપુરાણ ૧/૬૩-૬૫માં આ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

૮. ધનુર્વિદ્યા :

પ્રાચીનકાળમાં આ વિદ્યા ખૂબ જ પ્રચલિત હતી. પ્રપંચહૃદયમાં આ શાસ્ત્રના વક્તારૂપે બ્રહ્મા, પ્રજાપતિ, ઈન્દ્ર, મનુ તથા જમદગ્નિના નામો નિર્દિષ્ટ છે. મહાભારતમાં વિશેષરૂપે ભરદ્વાજ તથા અગત્સ્યનો પણ ઉલ્લેખ છે. અગ્નિપુરાણના અધ્યાય ૨૪૯ થી ૨૫૨માં આ વિદ્યાનો સાર સંકલિત કરવામાં આવ્યો છે. આ વિદ્યા માટે મધુસૂદન સરસ્વતીનો ગ્રંથ પ્રસ્થાનભેદ પણ બહુચર્ચિત છે છતાં એ અપ્રાપ્ય છે.

આમ, પુરાણો દ્વારા આપણને આજે ઉપયોગી એવી ઘણી વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત થાય છે. મોટા ભાગની વર્તમાન સમયની તકનીકો સંસ્કૃત ગ્રંથોમાં પહેલેથી જ ઉલ્લેખાયેલી જોવા મળે છે. પરંતુ તેનો ઉપયોગ વર્તમાન વિજ્ઞાન પ્રમાણે થતો હોય તેને નૂતન આવિષ્કાર માનવામાં આવે છે.

સંપર્ક : આનંદકુટિર, બ્લોક નં. બી ૪૫, ગાંધીનગર. મો. ૭૪૦૫૩ ૩૫૩૬૨


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સ્થિતિ અને ગતિની સમતુલા – ડૉ. મોહનભાઈ પંચાલ
ત્રણ કાવ્યો… – ભગીરથ બ્રહ્મભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, મણિલાલ હ. પટેલ Next »   

6 પ્રતિભાવો : પુરાણોમાં વિજ્ઞાન – રંજન જોષી

 1. unnati says:

  Good one ranjan

 2. dayaram jansari says:

  very nice information thanking you sir.

 3. Dhvaniba Zala says:

  Truly Informative

 4. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  રંજનભાઈ,
  પુરાણોમાં વૈજ્ઞાનિક માહિતીઓ તથા વિજ્ઞાન ઠસોઠસ ભરેલું છે, એવી માહિતી આપવા બદલ આભાર. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ ખૂબ જ વિજ્ઞાન બતાવેલ છે…. વગેરે પણ ઘણી જગાએ વાંચવામાં આવ્યું છે. … તો સવાલ એ છે કે — આ બધું ” વિજ્ઞાન” ગયું ક્યાં ? શું બધા જ આવા ગ્રંથોનો વિદેશીઓએ નાશ કર્યો ? આપણે કોઈએ આજ સુધી તેનો અભ્યાસ જ ન કર્યો ? પ્રભુ રામ પાસે આવેલ ‘ પુષ્પક’ વિમાન વિષેની તકનીકી જાણકારી કેમ ક્યાંય મળતી નથી ? અર્જુનનાં એક બાણનાં હજારો બાણ બનતાં હતાં… તે વિજ્ઞાન ક્યાં ગયું ? અરે! ધનુષ-બાણનું જ્ઞાન અને ઉત્પાદન ચાલુ હતું તો પણ મોટા ભાગનાં યુધ્ધોમાં માત્ર તલવાર-ભાલા જ કેમ વપરાતા હતા ? …
  કદાચ એ સત્ય તો નથી કે … આપણા ” ઉત્તમ વારસા “ના નામે જન-સાધારણને આપણા ધ.ધૂ.પ.પૂ. કે નેતાઓ આપણને ગુમરાહ તો નથી કરતાને ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Ranjan joshi says:

   વિમાન વિશે વૈમાનિક શાસ્ત્ર નામનો ગ્ર્ંથ હસ્તપ્રતમાં ઉપલબ્ધ છે. હું વિગ્નાન વિષયક ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા ઇચ્છુક છું. વિશેષ માહિતી વિશેષ અધ્યયન બાદ પુસ્તક સ્વરુપે પ્રકાશિત કરીશ. આભાર.

 5. Arvind Patel says:

  જે વિજ્ઞાન પુરાણોમાં જ રહે અને તેનો વાસ્તવ જીવનમાં ઉપયોગ ના થવાનો હોય તો તે મહાન વિજ્ઞાન નો શું અર્થ છે. આપણે આપણા ભવ્ય ભૂતકાળમાં થી બહાર આવવાની જરૂર છે. કાલે જે હતું તેને ભૂલી જૈયે અને આજને સારી બનાવવા જે વિજ્ઞાન હાથમાં હોય તેનો ઉપયોગ કરીયે. આજમાં જીવવાથી સુખી થઈશું. અમેરિકા અને યુરોપિયન દેશોએ છેલ્લા 100 – 150 વર્ષોમાં જે વિજ્ઞાન વિકસાવીને દુનિયાને આપ્યું છે તે નોંધ પાત્ર છે. તેને લીધે આજે આપણે સરળ જિંદગી સગવડ ભરી જિંદગી જીવી શકીયે છીએ. મંદિરો બાંધવાના બંધ કરીને વિજ્ઞાન શાળાઓ કરીશું તો જગત ને લાભ થશે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.