(૧) ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ
ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.
તલના ભેળા ભળ્યા કોદરા
દાણે દાણો ગોત,
સાચજૂઠના તાણે વાણે
બંધાયું છે પોત;
પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં.
ક્ષુધા કણની મણની માયા
ઘણાં બધાંને વળગી,
ઘણાં ખરાંની દરિયા વચ્ચે
કાયા ભડભડ સળગી;
જબરા જબરા ઊણા અધૂરા કોક જ વીર સવાયા.
(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી)
(૨) બની ગયો છું વૃક્ષ – હરદ્વાર ગોસ્વામી
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.
કેટકેટલી કૂંપળ ફૂતી,
આવ્યાં અઢળક ફૂલ;
મારી ડાળે બાંધે હીંચકો,
મારામાં તું ઝૂલ.
પથ્થર મારે એને પણ બસ ફળ દેવાનું લક્ષ,
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.
પોતાના જો હાથો બનશે,
તો જ થવાનો નાશ.
એના છાયામાં પીધેલી
અમૃત થાતી છાશ.
મ્હેક સજેલી દુનિયાનો હું બની ગયો છું દક્ષ,
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.
(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના નવેમ્બર-૨૦૧૫ના અંકમાંથી)
(૩) એકલી – મણિલાલ હ. પટેલ
નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ
તે દી’થી ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…
નથા પંખી કે ઝાડ મારાં-
આંગણામાં કોઈ નથી ગાતું,
ચાંદા સૂરજ વિના જગ આખું
પરબારું આવતું ને જાતું.
હું ને મારો પડછાયો : બે જ અમે હોઈએ
નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ…
આવવાનું કહીને ગ્યા
વાયરા એ લૂ થૈ વાતા,
આંખોમાં ગુલમૉર ? ના, રે…
એ તો ઊઘડ્યા ઉજાગરા રાતા
કાળમીંઢ ડૂમો ને હું : ક્યાં જૈને રોઈએ ?
અમથું પણ ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…
(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૫ના અંકમાંથી)
સંપર્ક :
(૧) ભગીરથ બ્રહ્મભટ્ટ – એ/૩, યુનિવર્સિટી કોલોની, વલ્લભવિદ્યાનગર.
(૨) હરદ્વાર ગોસ્વામી – G-૨૦૧, ગણેશ હોમ્સ, ચેનપુર રોડ, ન્યૂ રાણીપ, અમદાવાદ.
(૩) મણિલાલ હ. પટેલ – ‘સહજ’ બંગલો, શાસ્ત્રી માર્ગ, શાન્તાબા પાર્ક પાસે, વલ્લભવિદ્યાનગર- ૩૮૮૧૨૦ (જિ. આણંદ)
One thought on “ત્રણ કાવ્યો… – ભગીરથ બ્રહ્મભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, મણિલાલ હ. પટેલ”
ભગીરથભાઈ,
મસ્ત ગીત આપ્યું. આભાર.
ખરેખર તો આજકાલ … ઘણા બધા … નહિ પરંતુ … બધા જ … વૃક્ષો વેચે છે, બસ હાથમાં આવવું જોઈએ. જ્યારે છાંયો વ્હેંચનારા તો શોધ્યાય જડતા નથી.
ભૂલ સુધારઃ બીજા કાવ્યમાં , બીજી લીટીમાં — ફૂતી ને બદલે ‘ફૂટી’ જોઈએ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}