અંતિમ માર્ગ – બંસીધર શુક્લ

(‘નવચેતન’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

સહદેવ જોશી જમીને ઊઠ્યા. હાથ-મોં ધોઈ-લૂછીને બહાર હીંચકે બેસવામાં હતા, ત્યાં તેમના ફોનની ઘંટડી રણકી. સહદેવે રિસીવર ઉપાડી કાને માંડ્યું અને કહ્યું, “હું સહદેવ બોલું છું. આપ કોણ સાહેબ વાત કરો છો ?”

સામેથી ગભરાટભર્યો સ્વર સંભળાયો, “હા સહદેવજી, મારે તમારું જ કામ છે… હું… મને… એટલે જાણે એમ છે કે તમારાથી અહીં આવી શકાશે… હમણાં જ… અ…”

સહદેવે ધીમા શાંત સ્વરે પૂછ્યું, “આપ કોઈ અણધારી આપત્તિમાં મુકાયા હો એમ લાગે છે. આપનું નામ જાણી શકું ? મને વિગતે સરનામું પણ જણાવશો.”

સામેની વ્યક્તિએ પરિચય આપ્યો અને પોતાનું સરનામું આપ્યું.

નારણપુરામાં એક વૈભવી ફ્લેયટમાંથી કોઈ ક્ષિતીશભાઈનો ફોન હતો. સહદેવ જોશી થોડી વારે ત્યાં પહોંચી ગયા.

ઘંટડી વાગી એટલે ક્ષિતીશે બારણું ઉઘાડ્યું અને પૂછ્યું, “અ… આપ જ… સહદેવજી કે ?”

“હા, ક્ષિતીશભાઈ, મને જ મિત્રો સહદેવ જોશીને નામે ઓળખે છે.”

ક્ષિતીશે પાછળ દ્રષ્ટિ ફેરવી લીધી. ધીમા સ્વરે કહ્યું, આ બાજુ, અહીં, આ બાજુ આવો…”

બંને જણ પડખેના એક ખંડમાં ગયા. બેઠકો લીધી. ક્ષિતીશે તરત વાતનો આરંભ કર્યો.

‘જોશીજી, મારું નામ ક્ષિતીશ. મારી પત્નીનું નામ સુષ્મા. હું ભારે આપત્તિમાં મુકાયો છું…” ક્ષિતેશ પળભર અટક્યો…

“લાગે છે,” સહદેવે સહાનુભૂતિ દર્શાવી, “તમે ભારે ગભરાટમાં હો તેમ લાગે છે. તમારી જે સમસ્યા હોય તે મને કહો. આપણે તેને ઉકેલવા પ્રયત્ન કરી જોઈએ…”

“વાત જાણે એમ છે કે,” ક્ષિતીશે બહુ ધીમા સ્વરે વાત કરવા માંડી, “કે મારી પત્ની સુષ્મા થોડાંક વર્ષોથી આધ્યાત્મિક સત્સંગમાં નિયમિત જાય છે. એ વિષયનાં પુસ્તકો લાવે છે અને વાંચ્યાં કરે છે…”

“એ તો સારું કહેવાય !”

“હા; પણ…” ક્ષિતીશે વાત આગળ ચલાવી… “પણ હમણાં કેટલાક મહિનાથી તે વિરાગી જેવી વાતો કરે છે. સંસાર અસાર છે… પતિ, બાળકો બધી માયા છે… મોક્ષ જ જીવનનું ધ્યેય છે… અને એવું બધું…”

“હં. એટલે આમ બીજા ક્ષેત્રમાં ધ્યાન ખેંચાઈ જતાં તે ઘરનાં કામોની ઉપેક્ષા કરતાં હશે, ખરું ?”

“એવું જોકે થાય છે ખરું. પણ એની સમસ્યા ગંભીર નથી. હવે એનું મન સાવ સાચેસાચ સંસારમાંથી ઊઠી ગયું હોય એમ ગઈ કાલે એણે આપઘાતનો પ્રયાસ કર્યો…”

“શુંઉંઉં…?” સહદેવ ચમકી ગયા. તેમને સમસ્યા આવી ગંભીર હશે એવી કલ્પના નહોતી.

“હા. કહે કે મને અગમનું તેડું આવ્યું છે. સંસારનું મારું કાર્ય પૂરું થયું છે. મારે હવે જવું છે…”

“એમણે આપઘાતનો પ્રયાસ કેવી રીતે કર્યો ?”

“એણે ઘરમાં પૂજા આગળ મને તથા અમારાં પુત્રપુત્રીને બોલાવી પડખે બેસાડ્યાં. ભગવાનની પૂજા કરી મંત્રો ઉચ્ચાર્યા. પછી, મને કહે- નાથ તમારો-મારો સંબંધ સમાપ્ત થયો. મારે અગમની યાત્રાએ ઊપડવાનો સમય આવી ગયો છે. બાળકો તમને સોંપું છું. મારી ચિતા…” ક્ષિતીશને ડૂમો ભરાઈ આવ્યો. તે આગળ બોલી શક્યો નહિ.

“પછી, તેમણે વિષ લીધું. પણ, તમે…” થોડી વાર અટકીને સહદેવે અનુમાન કર્યું. તેમને અટકાવીને ક્ષિતીશે કહ્યું.

“ના, એણે ચમચીમાં કાઢી ભગવાનને નમન કરી મોંમાં રેડવા હાથ ઊંચો કર્યો. પણ મને પ્રસંગની ગંભીરતા સમજાઈ જતાં ચમચી ઝૂંટવી લઈ ફેંકી દીધી. મેં કહ્યું- સુષ્મા… સુષ્મા… આ તું શું કરે છે ? ગાંડી થઈ ગઈ છે ?” ફરી ક્ષિતીશનો સ્વર ગળગળો બન્યો.

“પછી, તમે… શું કર્યું ?”

“એની માને તત્કાળ બોલાવી. એક ઓળખીતા દાક્તરને બોલાવ્યા…”

“હં…”

“એની મા પણ ગભરાઈ ગઈ. દાક્તરે સુષ્માને મનોરોગ ચિકિત્સકને બતાવવા સૂચવ્યું. મને તો કંઈ સમજ પડતી નથી…” ક્ષિતીશ સાચેસાચ મૂંઝવણમાં અને ચિંતામાં હતો.

સહદેવે પૂછપરછ ચાલુ રાખી, “તમને… મને મળવાનું કોણે સૂચવ્યું ?”

“હા… આ તો… એ તો મારા એક મિત્ર છે. શ્રીકાંત. તે તમને પહેલાં મળ્યા હશે. મેં તેમને પણ જાણ કરી હતી. તેમણે કહ્યું- બીજું જે કરવું હોય તે ભલે કરો, પણ, એક વાર જોશીને મળી જુઓ. એટલે, તેમની પાસેથી તમારો ફોન નંબર લઈ મેં તમને વાત કરી. શું કરવું ? મનોરોગવાળા પાસે ઉતાવળે દોડી જવાનું મારું મન ના પાડે છે.”

“વારુ, અત્યારે સુષ્માબહેન…”

“પડખેના ખંડમાં છે. તેને શામક ટીકડી આપેલી, તે હમણાં જરા સ્વસ્થ છે. પણ, તેનું ક્યારે છટકે…”

“તે કહેવાય નહિ.” સહદેવે હળવા સ્વરમાં કહ્યું અને પૂછ્યું. “તેમની પાસે તેમનાં મા હશે, ખરું ?”

“હા, એક જણે સતત દ્રષ્ટિ રાખવી પડે છે. એકલી પડે…”

“તમારી વાત સાચી છે. એમને એકલાં મુકાય નહિ. અચ્છા, હું સુષ્માબહેનને મળી શકું ? અ… મારે જોકે એકલાએ જ મળવું પડશે. ખંડમાં બીજા કોઈની ઉપસ્થિતિ આવશ્યક નથી.”

“હા, હા. જરૂર. ચાલો, હું તમને પરિચય કરાવું.”

ક્ષિતીશ અને સહદેવ સુષ્માને સુવાડી હતી, તે ખંડમાં ગયા. ક્ષિતીશે સાસુમાને થોડી વાર બહાર બેસવા વિનંતી કરી. પત્નીને ધીમેથી કહ્યું, “અ… સુષ્મા, આ સહદેવજી જોશી છે. બહુ સારા જાણકાર છે. તારી સાથે વાત કરવા આવ્યા છે…”

સુષ્માની અવિશ્વાસભરી દ્રષ્ટિ અને હમણાં તૂટી પડશે એમ કહેતું વદન જોઈ ક્ષિતીશ આગળ કશું બોલ્યા વિના ખંડની બહાર નીકળી ગયો. બારણું આડું કરતો ગયો.

સુષ્મા હસી; બોલી, “સહદેવભાઈ, તમે અઢારમા છો. આ પહેલાં સત્તર જણા આવી ગયા. બધાએ એ જ ઉપદેશ આપ્યો કે આત્મહત્યા પાપ છે, ખોટું કામ છે. હવે ફરી એક વાર તમે એ વાત કહી નાખો અને સમય બગાડ્યા વિના બહાર જઈને કહેવા માંડો કે આ સ્ત્રી ગાંડી થઈ છે !”

સહદેવે સ્મિત કર્યું. તેણે અત્યંત સ્વાભાવિક લાગે તે રીતે કહ્યું, “સુષ્માબહેન, હું કશો ઉપદેશ આપવા નથી આવ્યો. હું તો તમારી વ્યથા જાણવા-સમજવા આવ્યો છું. હું તમારી વાત સાંભળવા આવ્યો છું. મારે કહેવાનું છે, તે તો એ લોકોને જે તમને ગાંડાં માની બેઠા છે. અને મારે કહેવાનું પણ એટલું જ છે કે તમે ગાંડાં નથી…”

સુષ્માએ આંખો ઝીણી કરી. તેની આંખોમાં ફરી અવિશ્વાસ પ્રગટ્યો. તે કંઈ બોલી નહિ. સહદેવે આગળ ચલાવ્યું.

“હા, બહેન. મને કહેવામાં આવ્યું કે તમે અધ્યાત્મની વાતો કરતાં અત્યારની સ્થિતિએ પહોંચ્યાં છો. એ તો સ્વાભાવિક હતું. અધ્યાત્મનું, જ્ઞાનભક્તિનું ક્ષેત્ર જ એવું છે, જ્યાં પહોંચનાર માણસ સામાન્ય સંસારીજનોને ગાંડો લાગે. નરસિંહે નહોતું કહ્યું- એવા રે અમો એવ અરે એવા ? મીરાંએ પણ કહ્યું જ હતું ને- લોક કહે મીરાં ભઈ બાવરી !”

“હં, તમે કંઈક ભારે તૈયારી કરીને આવ્યા લાગો છો. પણ, સાંભળો, મહારાજ, હું એમ તમારા છટકામાં ફસાઉ એવી નથી…” સુષ્માનો સ્વર કઠોર બન્યો.

“ભલે ત્યારે જેવી તમારી ઈચ્છા.” સહદેવે વદન ઉપર કળાય નહિ એવો ભાવ ધરતાં કહ્યું, “તમારી વાત જાણીને તમને સહાયરૂપ થવાની ઈચ્છાથી હું આવ્યો હતો. પણ જો તમે વાત કરવા ના માંગતા હો તો હું પાછો જઉં…”

“એક મિનિટ ઊભા રહો, અ… જોશીજી.” સુષ્માએ કહ્યું, “એટલે, તમે સાચેસાચ હું ગાંડી નથી એવું માનો છો ?”

“મેં પહેલાં જ કહ્યું, બહેન. હવે ફરી કહું. ધ્યાનથી સાંભળો. તમે ગાંડાં નથી અને બીજી વાત આપઘાત કરવો એ…” સહદેવે વાત અટકાવી.

“…એ ખરેખર પાપ છે ?” સુષ્માએ એકાએક પૂછ્યું. “જોશીજી, મને કહો, આપઘાત કરવો એ પાપ છે ? ખોટું કામ છે ?”

“જરાયે નહિ.” સહદેવે ભારપૂર્વક ઉત્તર વાળ્યો. “આપઘાત કરવો એ સદા પાપ નથી. સદા ખોટું કામ નથી.”

“સાચે ?” સુષ્મા આશ્ચર્યથી બોલી ઊઠી. “તમે પહેલા એવી વ્યક્તિ છો, જેમણે મારી વાતને ટેકો આપ્યો છે. અત્યાર સુધી જે આવ્યા તે બધાએ ડાહીડાહી વાતો કરીને મારું માથું ફેરવી નાખ્યું. હું શું કહું છું તે સાંભળવા તો કોઈ તૈયાર જ નહિ…”

“પણ… હું તૈયાર છું.” સહદેવને તક સાંપડતી લાગી. “મેં, બહેન, તમને પહેલાં જ કહ્યું કે હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો. હું તમારી વાત સાંભળવા આવ્યો છું. પણ… હવે, બહેન, અત્યાર સુધીના વિપરીત અનુભવે તમને અસ્વસ્થ બનાવી દીધાં હોય એમ બને. તમારી જગ્યાએ હું હોઉં તો મને પણ એવા લોકો પ્રત્યે રોષ જાગે…”

“સહદેવભાઈ, તમે ખરેખર મને સહાય કરવા આવ્યા હો તો મારા પતિ અને સગાંઓને સમજાવો ને ? એ લોકો શા માટે મને રોકે છે ?”

“તમને સહાય કરવા હું તૈયાર છું. પણ…” સહદેવઅટક્યા અને આગળ ચલાવ્યું, “પણ, તમારી પૂરી વાત જાણું પછી. ઉદાહરણ રૂપે મારે એ જાણવું પડે કે તમે આવો નિર્ણય શા માટે લીધો ? એના વિકલ્પ વિશે વિચાર્યું છે કે કેમ ? અને… અને, એવું બધું…”

સહદેવ પ્રભાવ જમાવવામાં સફળ થયા. સુષ્માએ એક નિઃશ્વાસ નાખ્યો. તેણે ધીમેથી બોલવા માંડ્યું :

“સહદેવજી, હું ગાંડી નથી. પણ, પણ… આ લોકોએ મારી એવી દશા કરી મૂકી છે કે હું ગાંડી થઈ જ જઈશ…” સુષ્માની આંખો ભીની થઈ.

“મારા ઉપર વિશ્વાસ રાખો, બહેન.” સહદેવના બોલમાં ઊંડી લાગણી પ્રગટ થતી હતી. “હું તમને સાચા અંતરપૂર્વક સહાયરૂપ થવા પ્રયત્ન કરીશ. તમારી જે વ્યથા હોય તે મને કહો.”

પહેલી વાર એક માનવીને મુખે સાચી સહાનુભૂતિના શબ્દો સાંભળી સુષ્માનું બંધન છૂટી ગયું. તે ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડી. સહદેવે તેને રોવા દીધી. થોડી વારે ઊઠીને તેની પાસે ગયા. વદન ઉપરના વિખરાયેલા વાળ પાછા ખસેડી સરખા કર્યાં. પીઠે સ્નેહાળ હાથ ફેરવ્યો. થોડું અંતર રાખી પડખે બેસી ગયા.

સુષ્માએ નાક ખંખેર્યું. પાલવથી આંખો લૂછી. સહદેવના વદન સામે જોયું. તેમની આંખોમાંથી જાણે સ્નેહનું અમૃત વહી રહ્યું હતું. સુષ્મા પ્રસન્ન થઈ. તેણે સ્મિત કર્યું. હળવેથી બોલી : “ક્ષમા કરશો, સહદેવભાઈ. હું જરા લાગણીવશ થઈ ગઈ…”

સહદેવે સામું જોઈ સ્મિત કર્યું. કંઈ બોલ્યા નહિ. હળવેકથી ઊઠીને પીવાના પાણીનું પવાલું લઈ આવ્યા. સુષ્મા સામે ધર્યું. સુષ્માએ સહદેવ સામે જોયું. પવાલું હાથમાં લઈ ઝડપથી બધું પાણી પી ગઈ. જાણે કેટલા લાંબા સમયની તરસી હોય !

“સહદેવભાઈ,” સુષ્માએ સહદેવ સામે જોયા વિના વાતનો આરંભ કર્યો, “જીવનમાંથી મારો રસ ઊડી ગયો છે. મારે માટે જીવન જીવન નહિ પણ નરકની યાતના બની ગયું છે. એમાંથી છૂટવાનો કોઈ માર્ગ મને દેખાતો નથી. દિવસ જાય તેમ સ્થિતિ વધારે અસહ્ય બનતી જાય છે. આ સંજોગોમાં હું શું કરું ? આ યાતનામાંથી છૂટવાનો મને એ એક જ માર્ગ…” સુષ્મા અટકી.

“સાચી વાત છે, બહેન. માણસની પીડા અસહ્ય બને ત્યારે તે જીવનથી વિમુખ થવા પ્રેરાય છે…”

સુષ્માએ સહદેવ સમક્ષ મન ઠાલવવા માંડ્યું.

તેને પિયરમાં ઘરડી, સદા માંદી માતા સિવાય કોઈ નહોતું. પતિ આળસુ હતો. વાતો મોટી મોટી કરે પણ કામ સમજપૂર્વકનું નહિ. હપ્તા ભરવાની વ્યવસ્થાનો વિચાર કર્યા વિના ઘર માટે ધિરાણ લીધું. વીસ વર્ષ માટે માસિક હપ્તા ભરવા સંમત થઈ ઘર ગીરવે લખી આપ્યું. હપ્તા ભરવામાં વારંવાર ચુક થવા માંડી.

પરિણામે ધિરાણ કરનાર કંપનીના ગુંડાઓએ બળપૂર્વક ઘરમાંથી હાંકી કાઢ્યા. પોતાના ફાળા રૂપે ભરેલા પૈસા જપ્ત કર્યા. સુષ્માએ આગોતરા નાણાં ભરવા માટે પોતાનાં ઘરેણાં કાઢી નાખ્યાં હતાં તથા બચતનાં નાણાં પણ આપી દીધાં હતાં.

આ બાજુ દીકરી વયસ્ક થઈ ગઈ હતી. તેને કૉલેજમાંથી ઉઠાવી લીધી હતી. તેનાં લગ્ન અંગે કશી વ્યવસ્થા ન હતી. કૉલેજમાં ભણતો દીકરો પ્રતિદિન નવી નવી માગણીઓ કરતો હતો. બાઈક જોઈએ… સારાં કપડાં જોઈએ… સ્માર્ટ ફોન જોઈએ… લેપટોપ જોઈએ… મિત્રોને પાર્ટી આપવા પૈસા જોઈએ.

અ બધું ઓછું હતું, તેમ, આ ત્રાસથી થાકી ગયેલી સુષ્માનું આરોગ્ય કથળવા લાગ્યું હતું. શરીર નબળું પડ્યું હતું. કામ કરતાં થાકી જવાતું હતું. વારંવાર તાવ આવી જતો હતો. પોતાની દવા કરવાનું તો તે વિચારી જ શકતી નહોતી.

સુષ્મા અટકી. પણ તે હાંફવા લાગી. આટલું બોલતાં તેને શ્રમ પડ્યો હતો, તે જણાઈ આવતું હતું. થોડી વાર અટકીને સુષ્માએ કહ્યું.

“હવે કહો, સહદેવજી, આ સંજોગોમાં હું ગાંડી ના થઈ જઉં તો બીજું શું થાય ?”

સહદેવ ક્ષણભર સુષ્મા સામે જોઈ રહ્યા. તેમના વદનના ભાવ કળાતા નહોતા. તેમણે કહ્યું, “સુષ્માબહેન, તમારી વાત તો સાચી છે… પણ…”

“પણ શું ? આટલા વિપરીત સંજોગોમાં માણસ બીજું વિચારી પણ શું શકે ?” સુષ્માનો સંકેત આત્મહત્યા પરત્વે હતો.

સહદેવે શબ્દ છૂટા પાડતાં કહ્યું. “સામાન્ય માણસને હું દોષ ના દઉં. તેવું જ વિચારે. તે એવો વિચાર ના કરે તો ગાંડો કહેવાય. પણ…”

“ફરી, પણ ? હું સામાન્ય સ્ત્રી છું અને મેં એવું વિચાર્યું. આમાં પણ ક્યાં આવ્યું ?” સુષ્માની વાત સમજપૂર્વકની હતી. તે પૂરી સ્વસ્થ હતી.

“સુષ્માબહેન, મારી દ્રષ્ટિએ તમે સામાન્ય વ્યક્તિ નથી. મને તમારા વિશે જણાવવામાં આવ્યું છે કે તમે કેટલાક સમયથી અધ્યાત્મને માર્ગે વળેલાં છો.”

સુષ્માએ કડવું સ્મિત કર્યું. બોલી, “શેનું અધ્યાત્મ ? એ તો નર્યો ઢોંગ હતો. આ દુઃખ ભૂલવા હું દેવદર્શન, કથાકીર્તન આદિનો ખેલ રચતી હતી. મને અધ્યાત્મની કશી ગતાગમ નથી. સહદેવભાઈ, એવા ભ્રમમાં રાચશો નહિ.”

‘તમે, બહેન, ભલે દેખાવ ખાતર એમ કરતાં હો. તેનો વત્તો-ઓછો પ્રભાવ પડ્યા વિના રહે નહિ, એવું મને લાગે છે.”

“માન્યું. પણ, તેથી શો ફેર પડે ?”

“પડે. આધ્યાત્મિક વલણવાળી વ્યક્તિ ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરે છે. સંતોએ કહ્યું છે – રામજીના રાખ્યાં જગતમાં રહીએ. વળી, જે ગમે જગદ્ગુીરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો… આદિ…”

“તો શું મારે અસહ્ય યાતના વેઠતા રહેવું ?”

“ના, એમ પણ નથી.”

“તમે, સહદેવભાઈ, મને ગૂંચવો છો. આ પણ નહિ અને તે પણ નહિ ! તો પછી શું ?”

“હું સમજાવું, બહેન. મને પૂરો વિશ્વાસ છે કે મારી વાત હું તમને પૂરેપૂરી સમજાવી શકીશ. કારણ કે તમે શક્તિમાન છો, બુદ્ધિમાન છો, વિચારશીલ છો. આ બધાં કહે છે, તેવાં નથી.”

સહદેવે વિરમીને સાવધાનીપૂર્વક તેમની વાત કહેવા માંડી, “ઈશ્વરે અથવા પ્રકૃતિ માતાએ પ્રથમ આ સુંદર સૃષ્ટિની રચના કરી. જીવન માટે આવશ્યક બધી વ્યવસ્થા ધરાવતી સૃષ્ટિની રચના પછી તેમાં માણસ મોકલ્યો.

“માણસનું સર્જન ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે કર્યું. ઈશ્વરે માણસ આનંદપૂર્વક-સુખપૂર્વક જીવે તેવી વ્યવસ્થા કર્યા પછી માણસને મોકલ્યો. તેણે સો વર્ષનું આયુષ્ય આપ્યું. આનો અર્થ એ થયો કે ઈશ્વરની ઈચ્છા એવી રહી કે માણસ ધરતી ઉપર સો વર્ષ આનંદપૂર્વક જીવે. વેદવાક્ય પણ એમ જ કહે છે :

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિશેચ્છતં સમા ।

“કર્મ કરતાં રહીને સો વર્ષ જીવીએ.”

“તો પછી,” સુષ્માએ પ્રશ્ન કર્યો, “ઈશ્વરે દુઃખ, પીડા, વેદના, શોક… આ બધું કેમ કર્યું ?”

“અહીં કદાચ તમારી સાથે હું સંમત ના થઈ શકું. મેં કહ્યું કે ઈશ્વરે મનુષ્યને પોતાના રૂપ પ્રમાણે ઘડ્યો છે. એનો અર્થ એ કે ઈશ્વરે માણસને સારાસાર સમજવાની વિવેકબુદ્ધિ પણ આપી છે. આપણી ભૂલો આપણને નડે તે માટે ઈશ્વરને દોષ દેવો ઉચિત નથી. સમય થાય ત્યારે ઈશ્વર ઉપાડી લે છે. ત્યારે તે થોભી જવાની કોઈની વિનંતી કાને ધરતો નથી.

પણ, વિદાયનો સમય આવે તે પહેલાં જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરવો તે ઈશ્વરની ઈચ્છાનો અનાદર કરવા જેવું ગણાય.” સહદેવ અટક્યા.

“જીવન ટૂંકાવવાનો વિચાર આવે તે ઈશ્વરની જ પ્રેરણા છે, એમ ના કહેવાય ?” સુષ્માનો તર્ક ખોટો નહોતો.

“કહેવા ખાતર કહી શકાય. પણ, જો આપણે જીવનનો કોઈ હેતુ, કોઈ ઉદ્દેશ હોય છે એવું માનતા હોઈએ તો કોઈ પણ ઉગ્ર પગલાનો વિચાર કરતાં પહેલાં ઉદ્દેશની પૂર્તિ થઈ છે કે કેમ તે પણ જોવું જોઈએ.

તમારી વાત કરીએ. ધારો કે ઈશ્વરે તમને એક અવ્યવસ્થિત દુઃખી પરિવારને વ્યવસ્થિત અને સુખી કરવા માટે મોકલ્યાં છે. જો તમે પરિવારને છિન્નભિન્ન દશામાં મૂકીને જવાનું વિચારો તો તે કાયરતા કહેવાય. પીછેહઠ કહેવાય, ઈશ્વરની આજ્ઞાનો અનાદર કહેવાય.”

“પણ, આમાં હું શું કરી શકું ? મારી વાત કોઈ કાને ધરતું ના હોય અને બધી બાજુ સળગ્યું હોય, ત્યાં…”

“એ જ તો કામ છે ! પડકાર હોય ત્યાં જ કંઈ કરી બતાવવાનું હોય, મારી બહેન. બધું સરળ ચાલતું હોય તો ? જ્યારે પરિસ્થિતિ સર્વગ્રાહી રૂપે વણસે ત્યારે સાક્ષાત્‍ ઈશ્વરને અવતાર લેવો પડે છે. સંભવામિ યુગેયુગે ! છૂટાછવાયા પ્રસંગોમાં ઈશ્વર યોગ્ય પ્રતિનિધિથી કામ ચલાવે છે…

અને, બીજી વાત. તેનું મહત્વ પણ ઓછું નથી.” સહદેવે ચાલુ રાખ્યું.

“બીજી શી વાત છે, વળી ?”

“સામાન્ય રીતે જોઈએ તો દરેક કોયડાના, પ્રશ્નના, સમસ્યાના એક, બે કે ત્રણ પ્રકારના ઉકેલ કે સમાધાન હોઈ શકે…”

“હં…” સુષ્મા સ્વસ્થતાથી સાંભળતી હતી.

“ઘણી સમસ્યા એવી હોય છે, જેના સરળ ઉકેલ સર્વસુલભ હોય છે. ઉદા. માંદા પડવાના પ્રસંગે દાક્તરની સહાય લેવી. રોગની સ્થિતિ સદા ગંભીર હોતી નથી. કેટલીક સમસ્યા માટે થોડું વધારે કષ્ટ લેવું પડે છે.

અને અઘરામાં અઘરી સમસ્યાનો એક સચોટ ઉકેલ હોય છે જ. જ્યારે બધા માર્ગો બંધ થાય ત્યારે આત્મહત્યાનો માર્ગ તો હોય છે જ. પણ તે અંતિમ માર્ગ છે. બીજા માર્ગો બંધ થઈ ગયા છે, એ જાણ્યા પછી પણ આત્મહત્યાનો માર્ગ લેવામાં ઉતાવળ કરવી જોઈએ નહિ, એનું કારણ છે…

કારણ કહું તે પહેલાં ઉકેલોનાં સ્વરૂપ વિશે વિચારીશું. કેટલાક ઉપાય કે ઉકેલ એવા હોય છે, જેમાં પાછળથી ભૂલ જણાય તો તેમને પડતા મૂકી શકાય છે; ભૂલ સુધારી શકાય છે; નવો માર્ગ લઈ શકાય છે. કેટલાક ઉકેલ એવા છે, જેમાં પાછા ફરવાનો અવકાશ રહેતો નથી.

વધારે પડતા તાપથી બળી ગયેલી ભાખરીને ફ્રિજમાં મુકવાથી તે વગર બળેલી થતી નથી. ‘વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ’ – તને વિના વિચાર્યે એક ખોટું પગલું ભરો અને પતનનો માર્ગ લો, પછી તેમાંથી પાછા ફરવાનું અશક્ય છે. પછી તો, દરેક ચરણે-દરેક સોપાને તમારું પતન નિશ્ચિત છે. આત્મહત્યા જેવું પગલું સદા ક્ષણિક આવેશનું પરિણામ છે.

સ્વસ્થ અને વિવેકપૂર્ણ વિચારથી તેની નિરર્થકતા સમજાય છે. મોટી રકમનો વીમો લઈ આત્મહત્યા કરવાનો વિચાર કરનારાઓથી બચવા વીમા કંપની પૉલિસીમાં એક વર્ષનો આત્મહત્યા પ્રતિબંધક નિયમ ઉમેરે છે.

વીમાધારક જો વીમો લીધાના પહેલા વર્ષમાં આત્મહત્યા કરે તો વીમા કંપની વીમાની પૂરી રકમ આપવાની ના પાડે છે. એક વર્ષ શા માટે ? એટલા માટે કે થોડું થોભીને વિચારનાર આત્મહત્યા કરવી એ ગાંડપણ છે, એમ સમજી શકે છે. તે પોતાને તથા વીમા કંપની બંનેને અકારણ હાનિમાંથી ઉગારી લે છે.

ત્રીજી વાત પણ વિચારવા જેવી છે. આત્મહત્યા કરનાર માને છે કે પોતે પ્રાણ હોમે તેથી પોતે બધાં દુઃખમાંથી મુક્ત થઈ જશે. આ વાત સ્વીકારીએ તોપણ આ પ્રશ્ન ઊભો રહે છે – પરિવારજનોની આપત્તિ દૂર નહિ થાય, તેમાં ઘટાડો નહિ થાય, ઊલટું, તેમાં ઉમેરો થશે, તેનું શું ?

તમારા પ્રસંગમાં તમારાં રુગ્ણ વૃદ્ધ માતા વધારે દુઃખી નહિ થાય ? તમારાં પુત્રપુત્રી માતાની હૂંફથી વંચિત નહિ થાય ? તેમને વધારે દુઃખી કરવાનો તમને અધિકાર છે ? તેમના જન્મનું દાયિત્વ તમારું છે.

એક ચોથા મુદ્દા ઉપર ધ્યાન આપવું આવશ્યક છે. આવા પ્રસંગમાં આત્મહત્યા એ ઉકેલ છે ? એ તો પીછેહઠ છે ! પડકાર પ્રત્યે પીઠ બતાવવાની વાત છે. ઘરમાં સાપ ભરાયો હોય ત્યારે આપણે સાપને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘરનો ત્યાગ કરીને નાસી નથી જતા ! સંતાન પરીક્ષામાં નાપાસ થાય ત્યારે ફરી વધારે સારી તૈયારી કરીને પરીક્ષા આપવા કહીએ છીએ. શાળા છોડાવી નથી દેતા. રોગીના શરીરમાંથી રોગને દૂર કરવા વિચારીએ છીએ. રોગીને પતાવી નથી દેતા !”

સહદેવ વિરમ્યા. તેમણે ઉષ્માભર્યા વદને સુષ્મા સામે જોયું. સુષ્માના વદન ઉપર કરુણા ઊપસી આવી. તે નિકટ ખસી. સહદેવના ખભે માથું નાખી દીધું. તેના મનમાં ભરાઈ ગયેલો અંધકાર આંસુના ધોધ રૂપે તેની બંને આંખોમાંથી ચોધાર વહેવા લાગ્યો. થોડી વારે શાતા વળતાં તે પાછી ખસી. આંખો લૂછી. મોં ઉપર સ્મિત લાવીને બોલી, “મને ક્ષમા કરો, સહદેવજી. મારી માતા; પતિ અને સંતાનો પ્રત્યેનો મારો ધર્મ ચૂકીને હું પાપને માર્ગે ધસી રહી હતી. તમારા શબ્દોએ મારી આંખ ઉઘાડી નાખી છે. આવો નઠારો વિચાર મને આવ્યો તે વાતથી હું લાજી મરું છું…” સહદેવે ધીરાણ કંપનીને મળીને કાયદેસર રીતે ક્ષિતીશે ભરેલાં નાણાં જપ્ત કરી શકે નહિ, તે વાત ભારપૂર્વક જણાવી તેનાં નાણાં પાછાં અપાવ્યાં. પોતાના મિત્ર એક ભલા દાક્તર પાસે સુષ્માની માતાની શુશ્રૂષા ચાલુ કરાવી. દીકરા માટે શિષ્યવૃત્તિ મળે તેવી વ્યવસ્થા કરાવી આપી.

સરકારના મહિલા આર્થિક વિકાસ નિગમ પાસેથી સુષ્મા તથા દીકરીને નામે અનુદાન સહિત નજીવા વ્યાજે ઘેર બેઠાં થઈ શકે તેવા ઉદ્યોગ માટે ધીરાણ અપાવ્યું. થોડા સમયમાં પરિવાર ફરી એક વાર આનંદ કિલ્લોલ કરતો થઈ ગયો.

(સત્ય ઘટના ઉપર આધારિત)

સંપર્ક :
૬, જીવનસૌરભ, શાંતિવન પાસે, નારાયણનગર માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “અંતિમ માર્ગ – બંસીધર શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.