આકાશને અડપલાં કરવાનો અવસર એટલે ઉત્તરાયણ – રમેશ ચાંપાનેરી

ઉત્તરાયણ ની ચિચિયારી, ને ધાબે ધમ્મ ધમ્મ અવાજ થાય, તો ચમનીયાનું તો ઠીક, ભલભલા સેવન્ટી પ્લસના હૈયાની ભેખડ તૂટવા માંડે. જૂના ખરજવા લાગે શાંત, પણ તક મળે તો ઉભર્યા વગર રહે? આપણને કંઈ રાણા પ્રતાપ અને શાહબુદ્દીન ઘોરીના જ ઈતિહાસની ખબર પડે અને આજુબાજુવાળાના ઈતિહાસમાં અલ્લાયો હોય એવું થોડું? સીધી વાત છે, જુના ખરજવાને ગમે એટલા રેશમી મોજાથી સંતાડ્યું હોય તો પણ પ્રસંગ આવે એટલે ઉભરે જ. બસ કાઈપો, કાઈપો.. કાઈપોની બૂમ પડવી જોઈએ. ખરજવું તરત જ ગાવા માંડશે, “આજા સનમ મધુર ચાંદનીમેં હમ…” તારી ભલી થાય તારી ચમનીયા..!

એનું કારણ છે, આકાશ તો એમના જમાનામાં પણ હતું જ ને યાર…? પતંગ દોરી ને ફીરકી એમના જમાનામાં પણ હતાં. અને એમના જમાનામાં પણ પવન આવો જ સુસવાટા મારતો હતો. માત્ર ફીરકી પકડવાવાળા હવે પાકટ થઇ ગયાં એટલું જ. એ વિના દોરી ખેંચવાની કે ઢીલ મુકવાની ફાવે પણ નહીં ને….? ફૂટેલી કારતૂસ જેવા થઇ ગયાં હોય પછી ધાબે ચડાય? ધાબે ચઢવામાં ઘૂંટણ આડા ન આવે? આવા અનેક પ્રશ્નો નડે. જો બકા… ભરેલી કારતૂસ અને ફૂટેલી કારતૂસના ડિફરન્સ તો રહેવાના જ…

એમની પાસે પણ પતંગ ચગાવવાનો બહોળો અનુભવ છે. ઘડપણ એમણે કાંઈ લોટરીમાં નથી લાગેલું. યુવાની ગીરવી મૂકીને મેળવેલું છે. આ તો એવું છે કે જેમ વેલેન્ટાઈનના દિવસે પ્રેમનો ઉભરો ફૂટી નીકળે, એમ ઉત્તરાયણના દિવસે અડાબીડ યુવાનોને ધાબે ફૂટી નીકળતા જોઇને, એમણે પણ ‘ગુજરા હુઆ જમાના’ યાદ આવી જાય, ભલે ધાબા ઊંચે ચઢી ગયાં હોય કે ઘૂંટણ કણસ મારતાં હોય. વ્હાલા માથું તો ખંજવાળે ને? પણ… સમય સમયનું કામ કર્યા કરે. જેમ પેઢીઓ બદલાય એમ પતંગો બદલાય, પવન બદલાય એમ પતંગ ચગવાની દિશા બદલાય અને પછી દોરી અને ફીરકીઓ પણ બદલાય! આપણે તો ધાબે ચઢીને એટલું જ જોવાનું કે ધાબામાં ગાબળગુબડ કેટલું કરવા જેવું થયું છે. માત્ર ધાબાદર્શન જ કરવાનું..!

પતંગનો સર્વ સામાન્ય નિયમ છે કે, પ્રત્યેક પતંગ એની કિન્ના સાથે બંધાયેલો હોય તો જ ચગે. એમાં વાસ્તુશાસ્ત્રની દિશા ના ચાલે. પવનની દિશામાં જ ચગે. અવળી દિશામાં પતંગ ઉડાવવાથી પતંગ ક્યારેય ચગતો નથી. જીવનની ઘટમાળમાં પણ આવાં જ બધાં આટાપાટા હોય. આપણો પડોશી ભલે ગમે તેટલો સારો હોય, પણ આપણો પતંગ એ જ કાપે છે, એ નોલેજ ઉત્તરાયણમાં જ શીખવા મળે. પતંગ ચગાવવામાં વસ્તુની ક્વોલિટી ન ચાલે. ચગાવવાની આવડત ન હોય તો લલ્લુ-પંજુ પણ આપણને લપેટીને હાલતો થાય પણ પતંગ ચગાવવામાં એક આનંદ આવે. ભૂખ ભૂલાવીને આપણામાં મસ્તી જગાડે. રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ લખે છે એમ….

ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની,
સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની..

બાકી, ઉંમરનો તકાદો તો રહેવાનો જ… પોતાની પેઢીઓ પતંગ સાથે મસ્તી કરતી હોય ત્યારે ઘરના વડીલને બે જ પ્રોબ્લેમ નડે.. એક તો યુવાની યાદ આવી જાય અને બીજું, પેલું એનું કણસ મારતું ઘૂંટણ. આ લોકોને ફીરકી પકડવાવાળા તો ઘણા મળી રહે પણ, મને પકડવા કોઈ નહીં આવે એ દાદા જાણે. જે ધાબા ઉપર અનેક પતંગો ચગાવીને પડોશીના જ પતંગ કાપેલાં હોય, એ દિવસો યાદ આવ્યા વગર રહે? જે ધાબા ઉપર ફીરકીના દોરાની માફક અરમાનો ગૂંચવાઈ ગયેલા, એ દિવસો યાદ આવ્યા વગર રહે? જે ધાબા ઉપર પતંગ સાથે, લોકોના મીઠા મીઠા સ્નેહ લૂંટેલા, એ દિવસો યાદ આવ્યા વગર રહે….? પાછું એવું નહીં કે, બધી “ મધુ-સ્મૃતિ “ ઓ જ યાદ આવે. આપણો ચાગાવેલો પતંગ બાજુના ધાબાવાળો કાપી ગયો હોય, એવી કડવી ક્ષણો પણ યાદ આવે….! અહાહાહા….કેવાં દિવસો હતાં….? સવારે આકાશ વ્હાઈટ હોય, બપોરે બ્રાઈટ હોય, આકાશમાં કાઈટ, નાઈટ સુધી ચગતા હોય. અને અગાશીની હાઈટ ઉપરથી સમીસાંઝે કાઈટોને ફાઈટ કરતાં જોવાતા હોય. આવું યાદ કરતાં, મગજ તો એવું ટાઈટ થઇ જાય કે, એને રાઈટ દિશામાં લાવવા માટે બ્લડપ્રેશરની ગોળીના ડોઝ લે તો જ મગજ ઠેકાણે આવે ને તો જ માહ્યલો લાઈટ થાય!

ઉત્તરાયણ એટલે પ્રેમનો વર્કશૉપ, પછી એ ગમે તે સંબંધનો પ્રેમ હોય. યુવાન હૈયાં માટે તો પ્રેમપત્ર લખવાની પ્રેરણા જ ઉત્તરાયણ… કવિ અંકિત ત્રિવેદી તો ઉત્તરાયણને, આકાશને પ્રેમપત્ર લખવાની ઋતુ કહે છે. પણ સાચી વાત તો એ છે કે પ્રેમ પણ ઉત્તરાયણમાં જન્મે અને પ્રેમપત્રનો જનમ પણ ઉત્તરાયણમાં થાય. ફેબ્રુઆરીમાં તરત આવતો વેલેન્ટાઇન ડે પણ, એની જ અધૂરી પ્રૉડક્ટ છે ને.. દરેક માટે આકાશ તો એક જ, પણ ધાબાં ઉપર ભિન્ન ભિન્ન એટલા આકાશ હોય કે ફીરકીએ પતંગની પસંદગી માટે સ્વયંવર કરવો પડે. એ પણ બિચારી વિચારે તો ખરી કે કયા પતંગમાં ચગવાનું કૌશલ્ય છે, અને કયો ‘લપ્પુ’ નીકળવાનો છે.

સો વાતની એક વાત…. ઉત્તરાયણ એટલે ઊંચે જોવાનો દિવસ. લોકો આખું વર્ષ નીચું જોઈ જોઇને થાકી ગયાં હોય એમના માટે આ એક જ દિવસ એવો કે એ આકાશને સલામ કરી શકે. પતંગ ચગાવવાનું તો બાકી બહાનું બકા… સૂર્ય મકર રાશિમાં જાય કે મગરના મોઢામાં જાય એ જોવાનો આજે સમય કોની પાસે છે? ઉત્તર દિશામાં સૂર્ય ગતિ કરે એને ઉત્તરાયણ કહેવાય એ બરાબર, પણ, મહત્વ નું તો એ પણ છે કે આપણે સાચી દિશામાં ગતિ કરીએ છીએ કે અવળી દિશામાં…

‘આનંદદ્વારી બાપુ’ ને એક તુક્કો સૂઝ્યો કે કદાચ ફીરકી જો પતંગને પ્રેમપત્ર લખે તો કેવો લખે? આવો આપણે એનો એક નમૂનો જોઈએ…

પ્રિય ચાંદલિયા….!

(ટેન્શન નહીં લેવાનું. ‘ચાંદલિયા’ એ ફીરકીના વ્હાલા પતંગનું નામ છે.)

કેવા કેવા અરમાન સાથે, હું ઉત્તરાયણે તારી સાથે સ્નેહથી બંધાયેલી. તને સહેજ પણ મારી દયા ન આવી? જનમ જનમની મકર સક્રાંતિ સુધી, સાથે રહેવાનો કોલ તું ભૂલી ગયો? તું તો શેરડીના બૂકલા અને ચીકી ચાવતો એમ કહેતો હતો કે વ્હાલી ફદરી…(પતંગ ફીરકીને, ફીરકી નહીં પણ વ્હાલથી ફદરી કહેતો.. ચોખવટ પૂરી…) આપણે તો શું, આપણા છેડા પણ પતંગની માફક હવે ક્યારેય છૂટવાના નથી. અને આજે તું કોઈ બીજી જ ફદરીના છેડે બંધાયો? ધિક્કાર છે તને, તું તો માણસ કરતાં પણ ખતરનાક નીકળ્યો! તારા કપાળમાં કાંદા ફોડું…

હું તો મૂઈ એવી હરખાયેલી કે ભગવાને મને કેવું સરસ મજાનું પ્રસન્ન દામ્પત્ય આપ્યું છે… મારા ઠમકાના જોરે, જ્યારે તું ૫૬ ની છાતી લઈને આકાશમાં બાથડતો, ત્યારે હું મોઈ કેવી હરખપદુડી થઇ જતી? તેં કાપેલા પતંગ પછીના ‘કાઈપો… કાઈપો’ ના હર્ષનાદથી હું કેવી કાલી-ઘેલી થઇ જતી? ને આજે તેં મારી આવી અવદશા કરી? તું તો સાવ ‘લપ્પુક’ નીકળ્યો, લુચ્ચા… મને એમ કે એક મરદના છેડે બંધાઈને હું સતી થઈશ. ને મારી પણ કોઈ ખાંભી રચાશે. અને કોઈના પતંગ કદાપી ન કપાય એ માટે શ્રદ્ધાળુઓ મારી ખાંભી આગળ બાધા રાખવા આવશે. પણ હાય રે કિસ્મત…! તેં મને ક્યાંયની ન રહેવા દીધી. સતીને માર ગોળી, તેં મને ત્યક્તા બનાવી દીધી….! મારા છેડે બંધાયા પહેલાં તો હું તારું નામ સુદ્ધાં જાણતી ન હતી. છતાં કુળની પરવા કર્યા વગર મેં તારી સાથે છેડા-ગાંઠી કરી. વીજળીના તારમાં તું ભેરવાતો, ઝાડની ડાળીઓમાં તું ખીલવાતો, પાણીની ટાંકીઓમાં તું ફસાતો, ત્યારે મારું દિલ કેટલું કપાઈ ઊઠતું, એની તને ક્યા ખબર છે? જેને કેટલાંય ઠમકા આપી આપીને બચાવેલો એને જ તું ભૂલી ગયો? તારા કપાળમાં કાંદા ફોડું…

દુકાનદારને ત્યાં તો, તું કેવો સુફિયાણો રહેતો…? તારી ઈજ્જત પંજામાં થતી, એટલે હું તને પાંચ પાંડવ સમાન માનતી. અપરણીતાના મેળામાં આવી હોય એમ હું દુકાનદારને ત્યાં તારી બાજુમાં જ લટકતી. મને મૂઈને એમ કે પાંચ પાંડવની માફક પંજાને પરણીને હું પણ દ્રૌપદી બની જઈશ. પણ તું તો પાંડવને બદલે દુર્યોધન નીકળ્યો. તારાં ચીર પૂરનારના જ તે ચીર ખેંચી કાઢ્યા… તારા કપાળમાં કાંદા ફોડું…

અમને પણ કોઈ કોડ હોય ચાંદલિયા….! પણ… તને જેવી આકાશી હવા લાગી, કે તારો રુઆબ બદલાઈ ગયો. તારી ઉડાને તને સ્વચ્છંદી બનાવી દીધો. તું ભૂલી ગયો કે મારી આ ઉડાન, મારી ફદરીને લીધે છે. સ્નેહના દિવસે બંધાયેલી સ્નેહગાંઠનો જ તેં દગો કર્યો? ત્યકતા બનવા કરતાં તો મારો ચૂડી-ચાંદલો નંદવાયો હોત તો હું રાજી થાત.. કમસે કમ કોઈ બીજી ફદરીના દોરે તને ગંઠાઈને જોવાના દિવસો તો ન આવ્યા હોત?

જેવા મારા નસીબ. પાંડવો પણ જૂગટું રમવામાં દ્રૌપદીને હારી ગયેલા એમ માની મારા મનને મનાવી લઇશ. પણ, તારી છાતી ઉપર દેશદાઝના સ્લોગન લગાવી તું જે ઉડાઉડ કરે છે તે બંધ કરી દેજે. હૈયામાં દેશદાઝ હોય ને તો જ દેહ પર દેશદાઝના સ્લોગન લગાવવાના. મારો દ્રોહ તો હું સહન કરી લઇશ, પણ આ દેશદ્રોહને કોઈ સહન નહીં કરે. અમારી નારી જાતિના નસીબમાં તો આમ પણ દુ:ખ જ લખેલા હોય. લોકો તો પતંગને જ ઓળખે. આ ફીરકી ઉર્ફે ફદરીને ઓળખે કોણ? તું કપાય છે ત્યારે પણ લોક તો એમ જ કહેવાના કે પતંગ કપાયો. પણ તું કપાય છે? કપાવાનું તો અમારે… કપાય તો મારી દોરી છે, પણ જગત તારી જ નોંધ લેવાની… અંતમાં એટલું જ કહેવાનું કે તારી ઊંચી ઉડાનની ઘેલછાને કારણે જ હું ત્યકતા બની છું. આકાશનું આખું સામ્રાજ્ય હડપ કરવાની તાલાવેલીને કારણે જ હું ત્યકતા બની છું. મારા જેવી બીજી કોઈ ફદરી સાથે આવો વિશ્વાસઘાત નહીં કરતો જાલિમ…
તારા કપાળમાં કાંદા ફોડું….

– રમેશ ચાંપાનેરી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અંતિમ માર્ગ – બંસીધર શુક્લ
ધામ – રવજીભાઈ કાચા Next »   

4 પ્રતિભાવો : આકાશને અડપલાં કરવાનો અવસર એટલે ઉત્તરાયણ – રમેશ ચાંપાનેરી

 1. laxman says:

  મજા આવી …….

  • હાસ્યને માણવા માટે દિમાગ કરતાં દિલ વધુ અસરકારક હોય.

   જીવન એક હસાહસ અને માણસ એક ટુચકો છે.

   જેના જીવનમાં હાસ્ય નથી. એ મૃગજળના સહારે જીવે છે એમ કહીએ તો ખોટું નથી.

   રીડ ગુજરાતી માનવીના જીવન બનાવવાનું કામ કરે છે.

   -રસમંજન

 2. Marmik katax…
  Vah…Rameshbhai
  Khub maja aavi…

 3. Bhavesh Makwana says:

  જોરદાર

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.