ધામ – રવજીભાઈ કાચા

(‘પુસ્તકાલય’ સામયિકના નવેમ્બર-૨૦૧૫ના અંકમાંથી)

“ૠતા ! તું બહુ પજવે છે હો ! જીભડી ચાલુ થઈ પછી બંધ જ કરતી નથી. હું તો કંટાળી ગઈ છું તારાથી.” ત્રણ-સાડા ત્રણ વર્ષની પુત્રી પર ગુસ્સે થતાં મમ્મી બોલી.

“હેં મમ્મી ! આ ઝાડવાં જમીનમાં જ કેમ ઊગે છે ? ઘરમાં કેમ નહીં ?” ૠતાએ મમ્મીના ગુસ્સાને અવગણી ફરી પ્રશ્ન કર્યો.

“જો બેટા ! ઘર નાનું હોય ને ઝાડ મોટું હોય. ઝાડનાં મૂળિયાંને ફેલાવા વધુ જમીનની જરૂર પડે, એટલે ખુલ્લી જગ્યામાં ઝાડ વવાય, ઘરમાં નહીં. સમજી કે નહીં, મારી બકબક કરતી ૠતા !” મમ્મીએ પ્રેમથી સમજાવી.

“મમ્મી ! બાજુવાળા નટુકાકા ને કાકી રોજ રાતે કેમ ઝઘડે છે ? દિવસે કેમ નથી ઝઘડતાં ?”

“તેં તો મારું માથું પકવી દીધું હોં ! તું જ નટુકાકાને પૂછી આવ.” મમ્મી મૂક બની ગઈ. તે કેમ કહે કે રોજ રાત્રે નટુકાકા દારૂ પીને આવે છે ને પછી કાકી સાથે ઝઘડે છે. કૃત્રિમ ગુસ્સો કરી ફરી કહ્યું : “જા, નટુકાકાને જઈને પૂછી આવ.”

“ના, તું જ કહે, તું જ કહે.” ૠતાએ રટણ લીધું.

“મારે ઘણું કામ છે, તારી જેમ નવરી નથી. ચાલ, હું તને સવિતામાસીને ત્યાં મૂકી આવું. તું માસીને પૂછી લેજે. માસી તને વાર્તા કહેશે.” કંટાળીને મમ્મી ૠતાનો હાથ પકડી સામેવાળા સવિતામાસીને ત્યાં ચાલી.

“માસી.” કહીને ૠતા સવિતામાસીના ખોળામાં ચડી ગઈ.

સવિતામાસીએ પ્રેમથી માથે હાથ ફેરવી વ્હાલથી પૂછ્યું : “બોલ, બેટા ! તારે ખાવું છે ? વાર્તા સાંભળવી છે ?”

ૠતાએ બે આંગળી બતાવી કહ્યું કે તેને ખાવુંય છે ને વાર્તાય સાંભળવી છે. સવિતામાસી ખડખડાટ હસી પડ્યાં.

“માસી ! આ છોકરી મારો જીવ લેશે. જુઓ ને, કેવું કેવું પૂછે છે ! આપણને જેની જાણ ન હોય કે હોય તોય જવાબ ન આપી શકીએ. ખોટું તો કહી શકાય નહીં. એવું એવું એના મગજમાં આવે છે કે ન પૂછો વાત.” ઋતાની મમ્મીએ મૂંઝવણ રજૂ કરી.

“હોય, બેટા ! હોય. આ ઉંમર જ એવી છે. બાળકને બોલબોલ કરવાનું મન થાય. આવા વખતે જ માતાપિતાની ખરી કસોટી છે. પણ હવે તું જા. હું છું ને એ નટખટ છે.” સવિતામાસીએ ૠતાની મમ્મીને સમજાવી વળાવી.

જતાં-જતાં એ બોલી : “હવે તારે જે પૂછવું હોય તે માસીને પૂછી લેજે. પછી મારો જીવ ન ખાતી.” કહી મમ્મી ઝડપથી ચાલી ગઈ.

નિલય અને તૃપ્તિ દોઢ-બે વર્ષની ૠતાને લઈને બદલી થવાથી આ ગામમાં આવેલ. આર્થિક રીતે પોષાય એવંન નાનકડું ઘર ભાડે રાખી રહેવા લાગ્યાં. પાડોશ સારો, મળતાવડો ને પ્રેમાળ હતો. એમાંય સવિતાબહેનની તો વાત જ ન થાય. હતાં તો એકલપંડે જીવ. પરિવાર અને સંસારથી પરવારીને વર્ષોથી એકાકી જિંદગી જીવી રહ્યાં હતાં. માનો કે સવિતાબહેન દિવસો ગણીગણીને તારખિયાનાં પાનાં ફાડી રહ્યાં હતાં. પતિનું પેનશન આવે તેમાંથી ગુજારો થઈ રહેતો. વધે તેમાંથી ગરીબગુરબાં ને પડોશીનાં બાળકોને ખવડાવી પુણ્યનું અને પરલોકનું ભાથું બાંધતાં હતાં.

જ્યારથી તેમની બાજુમાં નિલય અને તૃપ્તિ રહેવા આવ્યાં હતાં ત્યારથી સવિતાબહેનના દિવસો આનંદમાં ને ખુશીથી પસાર થવા લાગ્યા હતા, કારણ કે નાની ઢીંગલી સવારે ઊઠે તે રાત્રે સુએ ત્યાં સુધી મોટો ભાગે સવિતાબહેનને ત્યાં જ હોય. પોતાની તમામ લાગણી, માતૃત્વ જે જન્મતાંની સાથે મૃત્યુ પામેલ સાત ખોટના દીકરા પર ઓળઘોળ કરવાના હતા તે અધૂરા ઓરતા આજે ૠતા પર ન્યોછાવર કરતાં થાકતાં નહોતાં, એટલે જ તો ઘણી વખત નાનકડી ૠતા મમ્મીને કહેતી : “જા, તું મારી મમ્મી જ નથી. તું મને ખિજાય છે, મારે છે. મને ચૉકલેટ, કુરકુરે પણ દેતી નથી. તારી સાથે નથી બોલવું. હું તો માસીને ઘેર જ રહેવાની છું.” બોલતી ૠતા મોં ચડાવી સવિતામાસીને ત્યાં પગ પછાડતી ચાલી જતી ને આખો દિવસ માસીને પજવ્યા કરતી.

“બેટા ! તારી મમ્મી શું પૂછવાનું કહેતી હતી ? તારે શું પૂછવાનું હતું ?” માસીએ ૠતાને પૂછ્યું.

“માસી ! આ નટુકાકા કેમ રોજ બાઝે છે અને તે ય રાત્રે જ ?” ૠતાએ સાહજિકતાથી પૂછ્યું.

“બેટા ! એ માણસો છે જ એવા, એવી લપમાં ન પડાય. જો, તારા મમ્મી-પપ્પા કોઈ દિવસ લડે છે ?” ૠતાએ માથું ધુણાવી ના પાડી.

“હું કોઈની સાથે ઝઘડું છું ?” ફરી ૠતાએ નકારમાં માથું ધુણાવ્યું.

“તો બસ. ચાલ, હું તને વાર્તા કહું.” સવિતાબહેને ૠતાને ખોળામાં સુવાડી માથું પંપાળતાં જાય ને વાર્તા કહેતાં જાય. થોડી વારમાં ૠતા સૂઈ ગઈ. ૠતાને તેડી માસી તેને ઘેર મૂકી આવ્યાં.

એક દિવસ વાર્તામાં સવિતામાસીએ કહ્યું : “ભગવાનના ભક્ત હોય તે ધામમાં જાય.”

“હેં માસી ! એ ધામ ક્યાં આવ્યું ?”

“ભગવાનના ઘરને ધામ કહેવાય.”

“ઈ ધામમાં કોને કોને જવાય ?”

“બેટા ! જે મરી જાય ઈ ધામમાં જાય.”

“માસી ! મરી જવું એટલે શું ?”

“હું હાલતી-ચાલતી બંધ થઈ જાઉં એટલે મરી ગઈ કહેવાઉં.”

“પછી તમે ધામમાં જશો ?”

“હા, પછી હું ધામમાં જઈશ.”

“તો હું ય તમારી સાથે ધામમાં આવીશ.”

સવિતાબહેન મૌન સેવી રહ્યાં. ૠતાને કેમ સમજાવવી તે તેમના ખ્યાલમાં ન આવતાં તેમની આંખો ભરાઈ આવી. અણસમજુ ૠતાએ માસીની આંખોમાં આંસુ જોયાં. તેણે પોતાના નાજુક હાથે આંસુ લૂછતાં કહ્યું : “માસી ! હું મારી મમ્મીને કહીશ કે તમારી સાથે મને પણ ધામમાં મોકલે. તમે લઈ જશોને માસી ?”

સવિતાબહેનથી ડૂસકું મૂકાઈ ગયું. પતિ-દીકરાને ધામમાં વળાવ્યા પછી આળાં થઈ ગયેલા, મનથી સહન ન થતાં તેઓ રડી પડ્યાં. પોતાનો વારો ક્યારે આવે એની રાહમાં સવિતાબહેન દહાડા ગણી રહ્યાં હતાં. એમાં આ નાનકડી ૠતાના વળગણે તેમને જીવવા જેવું લાગતું હતું. જેમ ભરતમુનિનો હરણીના બચ્ચામાં જીવ રહી ગયો હતો.

“બેટા ! ધામમાં મોટાં હોય એને જ જવાય. નાનાં બાળકોને ન લઈ જવાય.” કંઈ ઉત્તર ન મળતાં સવિતાબહેને ભળતો ઉત્તર આપી ૠતાને બીજે પાટે ચડાવવા પ્રયત્નો કર્યાં.

“હેં માસી ! ભગવાનના મંદિરે મને તમે લઈ જાઓ છો, તો પછી તેમના ધામમાં છોકરાંને કેમ ન લઈ જવાય ?” ૠતાને ગમ ન પડતા પૂછ્યું.

સવિતાબહેન ૠતાને છાતીએ વળગાડી રડતાં રહ્યાં.

“માસી ! કહો ને, કેમ ન લઈ જવાય ? હું પણ મંદિરે જઈ ભગવાનને પૂછીશ કે તમારા ધામમાં છોકરાથી કેમ ન અવાય ?” મોં ચડાવી પોતાના નાજુક હાથથી માસીનાં આંસુ લૂછતાં પૂછ્યું.

“જો બેટા ! એક કામ કરીએ. પહેલાં હું જઈ આવું. પછી ભગવાનને પૂછીને તને લઈ જઈશ, બસ ?” વચલો રસ્તો કાઢતાં સવિતાબહેને કહ્યું.

“ના, હો ! તમે ત્યાં જઈ મને બોલાવવાનું ભૂલી જાવ તો ? હું તો તમારી સાથે જ આવીશ.” મક્કમતાથી ૠતાએ કહ્યું.

“ભલે, મારી મા ! ભલે. હું જાઉં ત્યારની વાત ત્યારે. અત્યારે આ વેફર ખા ને ઘેર જા. મોડું થયું છે, તારાં મમ્મી પપ્પા રાહ જોતાં હશે.” સવિતાબહેને ભારે હૈયે ૠતાને ઘેર મોકલી.

ૠતાનાં પ્રશ્નો અને જીદ સવિતાબહેનને બેચેન કરી ગયાં. એક નાની જાનને સમજાવતાં તેમને નાકે દમ આવી ગયો. તેમને આખી રાત ઊંઘ ન આવી. બંધ આંખે પથારીમાં પડી રહેલાં સવિતાબહેનની આંખ સામે તેમનો મૃત પુત્ર તરવરી રહ્યો.

છેલ્લા થોડા દિવસોથી સવિતાબહેન બેચેન રહેતાં હતાં. તેમને ક્યાંય ગમતું નહોતું. જ્યારે જ્યારે આવું અસુખ થવા માંડે ત્યારે ત્યારે બેચેની દૂર કરવાની દવા છીંકણી તેમને યાદ આવતી. બે-ચાર વખત ચપટી નાકે ચડાવે ત્યારે તેમના જીવમાં જીવ આવતો. આજે પણ સવિતાબહેને બજર લેવાની ઈચ્છા થઈ. ડબ્બી ગોતી, પણ મળી નહીં. ડાબે હાથે મુકાઈ ગઈ હશે.

એક દિવસ ૠતાના હાથમાં ડબ્બી આવી ગયેલી. તેણે માસીને છીંકણી સૂંઘતા ઘણી વખત જોયેલાં. વાંદરાની જેમ તેને પણ અનુકરણ કરવાની ઈચ્છા થઈ આવી. ૠતાએ ડબ્બી ખોલી મોટી બાઈની જેમ બજરની ચપટી ભરી. ૠતાને છીંકણી સૂંઘવી અને તેનાં મમ્મીનું આવતાં જોઈ જવું. તેણે ઝડપથી છીંકણી ફેંકાવી દીધી. બાવડું પકડી ઘેર લઈ ગઈ. ડબ્બી ૠતાના હાથમાં જ હતી, મમ્મીએ એને ધમકાવી, પટાવી સુવાડી દીધી. તેના હાથમાંની ડબ્બી સવારે આપી દેશે એમ વિચારી, કબાટમાં મૂકી ને પછી તૃપ્તિથી ભૂલાઈ ગયેલું, જે સવિતાબહેનને પણ યાદ નહોતું.

આજે સવિતાબહેન ને બજર યાદ આવી. ડબ્બી ગોતી પણ મળી નહીં. હોય તો મળે ને ! પરસેવો વળી ગયો. તેમનાથી રાડ પડાઈ ગઈ : “તૃપ્તિ !” આવી બૂમ ક્યારેય તૃપ્તિએ સાંભળેલી નહીં. તે દોડી, તેની પાછળ નિલય દોડ્યો. તૃપ્તિ ને નિલય જ્યાં સવિતાબહેનના ઘરમાં દાખલ થયાં કે તેમનો શ્વાસ અધ્ધર ચડી ગયો. તેમની આંખો માનવા તૈયાર નહોતી. સવિતાબહેન પથારીમાં ચત્તાપાટ પડ્યાં હતાં. તેમના મોંમાંથી ફીણ નીકળી રહ્યાં હતાં, આંખો ચડાવી ગયેલાં. બંને ગભરાઈ ગયાં.

નિલયે બૂમ પાડી પડોશીઓને બોલાવ્યાં, બધાંએ આવીને જોયું તો… એક વડીલે સવિતાબહેનની નાડી તપાસી. તેમણે ધીરે રહી ખુલ્લી આંખો બંધ કરી બોલ્યાં : “સવિતાબહેન આપણને મૂકીને ચાલ્યા ગયાં છે.”

સૌને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એવો આંચકો ને આઘાત લાગ્યાં. ખાસ કરીને નિલય અને તૃપ્તિને.

બીજે દિવસે શબને સ્મશાને લઈ જતી વખતે ૠતા મમ્મીના ખોળામાં બેઠી હતી. તેણે પૂછ્યું : “મમ્મી ! માસીને ક્યાં લઈ જાય છે ?”

“બેટા ! માસી ધામમાં ગયાં.” તૃપ્તિએ સજળ નેત્રે કહ્યું.

“મમ્મી ! માસી એકલાં કેમ ધામમાં ચાલ્યા ગયાં ? મારે પણ જવું હતું.”

ૠતાની વાત ને પ્રશ્નો સાંભળી હાજર રહેનાર સૌની આંખો ભરાઈ આવી. સવિતાબહેનના નજીકના પરિવારમાં ૠતા અને પડોશીઓ જ હતાં. બધાંએ સાથે મળી તેમની ઉત્તરક્રિયા કરી. સૌએ સેજ બિછાવી. સેજમાં મૂકેલી વસ્તુઓ જોઈ નવાઈ પામી ૠતાએ પૂછ્યું : “મમ્મી ! આ બધું શું કામ મૂક્યું છે ?”

“બેટા ! ધામમાં માસીને આ બધું જોઈએ ને એટલે.” બાજુમાં બેઠેલાં ગંગાબાએ ૠતાને સમજાવ્યું.

ૠતાના નાનકડા મગજમાં ઘમાસાણ યુદ્ધ શરૂ થયેલું. પણ તે ચૂપ રહી. ઉત્તરક્રિયા બાદ સૌ છૂટા પડ્યાં.

બીજે દિવસે ૠતાને નવડાવી મમ્મીએ કહ્યું : “જા, કબાટમાંથી કપડાં કાઢી પહેરી લે.” નટખટ બટકબોલી ૠતા આજ કહ્યાગરી ને મૂક બની ગઈ હતી. મમ્મીના આદેશનો રોજ વિરોધ કરતી ૠતાએ ચૂપચાપ કબાટ પાસે જઈ કબાટ ખોલ્યો. કપડાં શોધવા લાગી. કપડાંની વચ્ચે પડેલી છીંકણીની ડબ્બી પર ૠતાની નજર પડી. તેણે ઝડપથી ડબ્બી લઈ લીધી. મુઠ્ઠીમાં ડબ્બી પકડી તે બહાર દોડી. તૃપ્તિએ જોયું તો ૠતા હાથમાં કંઈક લઈને બહાર જાય છે. તેને શંકા પડી કે જરૂર કોઈ વસ્તુ લઈને જાય છે. તે પાછળ દોડી. ૠતાને પકડી તેણે પૂછ્યું : “આમ દોડીને ક્યાં જાય છે ? તારા હાથમાં શું છે ?” એટલી વારમાં નિલય પણ પહોંચે છે.

“નહીં બતાવું.” કહી ૠતાએ હાથ પાછળ બાંધી દીધો.

નિલયે પણ હાથમાં શું છે તે બતાવવાં ૠતાને સમજાવી. પણ માને તો ૠતા શાની ? તે વધુ ને વધુ મક્કમ બનતી જતી હતી. છેવટે નિલયે જોર કરીને ૠતાનો હાથ ખોલાવ્યો. જોયું તો તેમાં સવિતામાસીની છીંકણીની ડબ્બી હતી.

“આ ડબ્બી તારા હાથમાં ક્યાંથી આવી ? એ લઈને ક્યાં જાય છે ?” અકળાતાં મમ્મી બોલી.

“આ ડબ્બી માસીને આપવા જાઉં છું.”

“માસી તો ધામમાં ગયાં છે. ત્યાં ન જવાય, બેટા !”

“કેમ ન જવાય ? માસી ડબ્બી વગર શું કરતાં હશે ? તેમને છીંકણી આપીને પાછી આવું છું.”

નિલય અને તૃપ્તિની રકઝક સાંભળી ગંગાબા આવીને બોલ્યાં : “શું છે તૃપ્તિ ? કેમ છોકરીને હેરાન કરો છો ?”

તૃપ્તિએ ગંગાબાને પરિસ્થિતિ સમજાવી.

ગંગાબા ૠતાને તેડીને બોલ્યા : “બેટા ! મારે સવિતામાસીને મળવા ધામમાં જવાનું જ છે, એટલે હું લેતી જઈશ. તું નહીં જાય તો ચાલશે. લાવ, મને ડબ્બી આપી દે.”

કોણ જાણે કેમ ૠતાને ગંગાબા પર વિશ્વાસ બેઠો હોય તેમ તેમને ડબ્બી આપી બોલી : “ગંગાબા ! જુઠું ન બોલતા હોં ! સવિતામાસીને આપી દેશો ને ? તમે ન જવાનાં હો તો મને કહેજો. હું જઈ આવીશ.”

નિર્દોષ ૠતાનો સવિતામાસી સાથેનો લગાવ જોઈ બધાંની આંખો વરસવા લાગી. ૠતાને કોણ સમજાવી શકે કે તેનાથી ધામમાં ન જવાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ધામ – રવજીભાઈ કાચા”

Copy Protected by Chetan's WP-Copyprotect.