જશોદાનો કાન – અશ્વિન વસાવડા

(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

વિશ્વેસની બદલી થતાં રુદ્રી મનોમન ખુશ થઈ. સ્વતંત્ર રહી શકાશે, પોતાના સમયે સૂવાનું, ઊઠવાનું, ઠીક પડે તે રસોઈ કરવાની, ફરવાનું, કોઈ રોકટોક નહીં, ઘેર વહેલું પહોંચવાની ચિંતા નહીં.

વળી, રુદ્રીને નવા શહેરમાં નોકરી પણ મળી ગઈ. આમ તો ઘણા સમયથી નોકરી કરવાની તેની ઈચ્છા હતી જ; પણ સેતુનો જન્મ થવાનો હતો, પછી જન્મ થતાં તેને સાચવવાની જવાબદારી હતી. વળી, સાસુની પણ એવી ઈચ્છા “સેતુ થોડો મોટો થાય પછી કરજે” – અને મળેલી એક નોકરી જતી પણ કરેલી. – પણ હવે તો તે સ્વતંત્ર બની, નોકરી પણ મળી તેથી તે ખુશ થઈ ગયેલી.

– પણ નોકરી મળતાં સેતુને સાચવવાનો પ્રશ્ન ઊભો થયો. અજાણ્યું શહેર, અજાણ્યો પડોશ, નર્સરીમાં તો બે’ક કલાક સચવાય, પછી શું ?

રુદ્રીએ વિશ્વેસને પૂછ્યું : “આપણે સેતુને દાદા-દાદી પાસે રાખીએ તો ?” – અને સેતુને દાદા-દાદીને સોંપ્યો. “તમને બન્નેને ‘કંપની’ પણ મળે, પ્રવૃત્તિ રહે અને તમારો સમય આનંદથી પસાર પણ થાય.”

દાદા-દાદી તો ખુશ થઈ ગયાં. “તમે જરા પણ ચિંતા ન કરશો, અમે જીવની જેમ જાળવશું.”

શરૂઆતના દિવસોમાં વિશ્વેસને પપ્પા-મમ્મી અને સેતુનો અને રુદ્રીને સેતુનો ખાલીપો લાગ્યો. પણ નોકરી, શહેરનું દોડધામિયું જીવન, મહિનાના એકાદ રવિવારે ‘પિક્ચર’, રેસ્ટોરાંમાં જવું, નવા મિત્રોને ઘેર હળવા, મળવા અને પાર્ટીઓમાં જવાનું, મિત્રોને પોતાને ઘેર આમંત્રવા, પિકનિક વગેરે પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે બન્નેમાં આ ખાલીપાની અસર ઓછી થઈ ગઈ.

પપ્પા-મમ્મી સાથે નિયમિત ફોનથી વાત થતી. સેતુના સમાચાર મળતા રહેતા. પપ્પાએ કહેલું : “રોજ મારી સાથે મોર્નિંગ વૉકમાં ગાર્ડનમાં આવે છે. કેટલાંક ફૂલોનાં નામ આવડી ગયાં છે, કેટલાંક વૃક્ષો પણ ઓળખતાં શીખ્યો છે, પક્ષીઓનાં નામ પણ આવડે છે. કેટલાંક રંગો ઓળખે છે.” આ બધું સાંભળી વિશ્વેસ રુદ્રી રાજી રાજી થઈ જતાં. વળી, મમ્મી કહેતી : “હું તેને નવરાવું ત્યારે પાણીમાં છબછબિયાં કરી અર્ધી મને ભીંજવી મૂકે છે, હું પૂજામાં બેસું ત્યારે ડાહ્યો થઈ મારી બાજુમાં બેસે છે, ગાયત્રી મંત્ર અને બે’ક શ્લોકો કાલીકાલી ભાષામાં બોલે ત્યારે બહુ મીઠડો લાગે છે. તેને ભાવતો નાસ્તો કરાવું છું. બહુ ડાહ્યો થઈને રહે છે. તમે બિલકુલ ચિંતા ન કરશો. રાતે મારા પડખામાં વાર્તા સાંભળતો ઊંઘી જાય છે.” ‘વૉટ્સુ એપ’ ઉપર ફોટા, ‘વીડિઓ’ મોકલશું. વળી, દાદા-દાદી શીખવે તેમ સેતુ પણ ‘મોબાઈલ’માં વાત કરે : “મને અહીં મજા આવે છે. આજે દાદાએ મને સીતાફળનો આઈસક્રીમ ખવરાવેલો દાદા મને ‘ટ્રાયસિકલ’ લઈ દેવાના…” ક્યારેક વળી દાદા-દાદી ખૂબ સમજાવે છતાં પણ વાત ન કરે… એટલે રુદ્રી નિરાશ અને ગુસ્સે થાય.

વિશ્વેસ અને રુદ્રી ‘વૉટ્સ એપ’માં સેતુની કાલીકાલી બોલી સાંભળી, ફોટા જોઈ રોમાંચ અનુભવતાં. વિશ્વેસ કહેતો : “ચાલો સેટ થઈ ગયો છે, મોટી ચિંતા મટી.”

છતાં બન્નેને સેતુની યાદ આવ્યા કરતી. તેના દૈનિક જીવનમાં વારંવાર સેતુની ખોટ લાગતી. રુદ્રી સેતુને વધુ યાદ કર્યા કરતી, ક્યારેક રડી પડતી. વિશ્વેસ સમજાવતો, “આપણે ભૌતિક સમૃદ્ધિ માણીએ છીએ; જે કંઈ બે’ક રૂપિયા ભેગા થઈ રહ્યા છે તે સેતુના ભવિષ્ય માટે તો છે જ. તું આમ વારંવાર રડ્યા કરી સેતુને યાદ કર્યા કરે તે કેમ ચાલે ? વળી દાદા-દાદી તેને ખૂબ પ્રેમથી સચવે છે. સેતુ પણ તેમની સાથે હળી ગયો છે.”

દિવાળીની રજાઓ સાથે બીજી રજાઓનો મેળ કરી વિશ્વેસ, રુદ્રીએ ઘેર જવાનું નક્કી કર્યું, “મારા સેતુને જોયે કેટલો બધો સમય થઈ ગયો ?” જવાનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ રુદ્રીની ઉત્કંઠા વધતી ગઈ. છેલ્લા અઠવાડિયાથી ઑફિસેથી આવતા રોજ રોજ સેતુ માટે કંઈ ને કંઈ ખરીદી લાવે. નવા ડ્રેસ, રમકડાં, ‘પિક્ચર બુક’, ‘કલર પેન્સિલ’, ‘સ્ટૉરી બુક’… ઘણું ખરીદ્યું. વિશ્વેસે હસીને કહ્યું : “એક મોટી બેગ તો સેતુ માટે જ થશે.”

ફોનમાં વાત કરતાં હોંશે હોંશે રુદ્રીએ સેતુને કહ્યું : “મારા દીકા માટે નવા નાવા ડ્રેસ, નવા નવા રમકડાં, ચૉકલેટ, બિસ્કિટ ઘણું બધું લીધું છે.”

સેતુ તો બસ એની વાતમાં જ મશગૂલ, “આજે દાદાએ મને ‘હેલિકોપ્ટર’ લઈ દીધું… અ… ને… છે… ને… છે… ને… દાદીએ આજે મસાલા-ઢોસા બનાવ્યા છે. મ… ને… મને બહુ ભાવે.” રુદ્રીનો ઉત્સાહ ભાંગી ગયો. તેણે વિશ્વેસને કહ્યું : “જો, તો, મારી વાત સાંભળતો જ નથી. દાદા-દાદીની જ વાત જ કર્યા કરે છે.”

દાદા સાથે સેતુ રેલવે સ્ટેશન આવેલો. ટ્રેઈનમાંથી ઊતરતાં જ રુદ્રીએ સેતુને તેડી છાતીએ ચાંપી ચૂમીઓથી ભરી દીધો. વિશ્વેસે પણ ચૂમીઓ ભરી. સેતુ રુદ્રી પાસેથી ઊતરી ગયો. દાદાની આંગળી પકડી લીધી.

રીક્ષામાં રુદ્રીએ સેતુને તેના ખોળામાં બેસાડ્યો. “મારે દાદાના ખોળામાં બેસવું છે.” કહી દાદાના ખોળામાં બેસી ગયો. રુદ્રી ઝંખવાણી પડી ગઈ, “બેટા, મમ્મીને ભૂલી ગયો ?” રુદ્રીએ કહ્યું. દાદાએ કહ્યું : “ઘણા મહિને આવ્યાં તેથી શરૂઆતમાં અજાણ્યું લાગશે; બે’ક દિવસમાં હળી જશે.”

ઘેર આવી, બેગ ખોલી રુદ્રીએ જુદા જુદા ડ્રેસ, રમકડાં, ચૉકલેટ, બિસ્કિટ, ‘પિક્ચર બુક’, ‘કલર પેન્સિલ’ બધું સેતુને આપ્યું. તે ખુશખુશ થઈ ગયો. પછી દાદાએ લઈ દીધેલાં રમકડાં, ‘ટ્રાયસિકલ’ લાવ્યો અને પપ્પા-મમ્મીને બતાવ્યાં. જે ઉત્સાહ અને હોશથી પોતે ખરીદી કરેલી તે સેતુને આપી તેના પ્રમાણમાં સેતુએ દાદાએ લઈ દીધેલાં રમકડાં અને ‘ટ્રાયસિકલ’ બતાવવામાં વધુ ઉત્સાહ જોઈ રુદ્રી મનોમન નારાજ થઈ.

રાતે રુદ્રીએ સેતુને તેની સાથે સુવાડીને ‘સિંડ્રેલા’, ‘સ્પાઈડર મેન’, ‘સેવન હાફ ઍન્ડ સ્નો વ્હાઈટ’ની વાર્તા કરી. વાર્તા પૂરી થતાં તેણે જીદ કરી, “મારે દાદી પાસે સૂવું છે.”

દાદીએ સેતુને ખૂબ સમજાવ્યો. “જા, મમ્મી તો સરસ સરસ વાર્તા કરે છે.” “એવી વાર્તા મને નથી ગમતી, કાનુડાની, પ્રહલાદની, હનુમાન દાદાની વાર્તા તમે કરો.”

રુદ્રીએ છણકો કર્યો : “જા, હવે નવાં રમકડાં નહીં આપું.”

આ રીતે પહેલો દિવસ રુદ્રી અને વિશ્વેસ માટે અસહ્ય રહ્યો. દાદા-દાદી પણ નારાજ થયાં.

પણ એક પછી એક દિવસ પસાર થતો ગયો. સેતુ પપ્પા-મમ્મીનો બહુ હેવાયો ન જ થયો. દાદી રોજ સમજાવે. “મમ્મી સાથે હાલી હાલી કરવામાં બહુ મજા આવે.” દાદા સમજાવે, ‘તું પપ્પા-મમ્મીને ગાર્ડન બતાવવા લઈ જા, તું તેને ‘ફ્લાવર્સ’ બતાવજે, મહાદેવ આઈસક્રીમની દુકાન બતાવજે, સીતાફળનો ‘આઈસક્રીમ’ ખવરાવજે.” – પણ સેતુ કહેતો, “મારે દાદી સાથે મંદિર જવું છે, ત્યાં મારા ભાઈબંધો સાથે રમવું છે.” – અને તે દાદી સાથે જ મંદિર જતો.

“ચાંદા પોળી પણ દાદી જ કરાવે.”, “નાહી નાહી પણ દાદી કરાવે.” રુદ્રીના બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા.

રુદ્રી માનસશાસ્ત્રની વિદ્યાર્થિની હતી. ગર્ભાવસ્થામાં ‘ચાઈલ્ડ સાયકોલોજી’માં બાળઉછેરનાં ઘણાં પુસ્તકો તેણે વાંચેલાં પણ આજે વાસ્તવિક જીવનમાં તે નિષ્ફળ ગઈ તેનું તેને દુઃખ થતું હતું.

જવાનો દિવસ આવી ગયો. વિશ્વેસ એકનું એક આશ્વાસન આપતો રહ્યો : “થોડો મોટો થશે, પછી સમજતો થઈ જશે. બાકી તો કંઈક મેળવવામાં કંઈક ગુમાવવું પણ પડે છે.”

રુદ્રીએ કહ્યું : “વિશ્વેસ, આ તો કંઈક નહીં ઘણું મોટું ગુમાવ્યું છે. એ આડંબરી આનંદ મેળવવામાં, એ ભૌતિક સમૃદ્ધિ મેળવવામાં આપણા બાળકનું મીઠડું બાળપણ માણવાનું આપણે ગુમાવી રહ્યાં છીએ. દાદી જશોદાનું સુખ માણી રહ્યાં છે. મને તેની ઈર્ષા નથી પણ સેતુના હૃદયમાંથી હું તો ખોવાઈ જ ગઈ છું. મારાથી આ સહન થતું નથી.”

વિશ્વેસ મૂંગો રહ્યો.

થોડી ક્ષણોની શાંતિ પછી રુદ્રીએ કહ્યું :

“વિશ્વેસ, પપ્પા, મમ્મી, સેતુને આપણી સાથે જ લઈ જઈએ.”

સંપર્ક : સી-૭૦૧, પરિશ્રમ ફ્લેટ, મીરાંબિકા રોડ, અંકુર ચાર રસ્તા પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “જશોદાનો કાન – અશ્વિન વસાવડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.